એમના કાવ્ય સંગ્રહ ”સાક્ષીભાવ’ પુસ્તકમાં ભાવકોને ઓટોગ્રાફ આપતા શ્રી નરેન્દ્ર મોદીની એક તસ્વીર .
ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાજકારણની દુનિયામાં એમની ચાણક્ય બુદ્ધિથી તો દેશ અને દુનિયાના લોકો એમને સુપેરે ઓળખે છે .પરંતુ આ કુશળ રાજકીય નેતા અને લોખંડી પુરુષમાં એમના રાજકીય ગુરુ શ્રી અટલ બિહારી બાજપાઈની જેમ એક કવિ હૃદય પણ ધબકી રહ્યું છે એની બહુ ઓછાને ખબર હશે.
એક વાર રાજ્ય સભામાં રાષ્ટ્રપતિના ભાષણ ઉપર Motion of Thanks ની ચર્ચામાં એમની ટીકાઓ કરતા વિરોધ પક્ષોને કડો જવાબ આપતાં શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી અને ઉર્દુ ના જાણીતા કવિ અને ગીતકાર Nida Fazli ની જાણીતી ગઝલ ‘Safar Mein Dhoop To Hogi’ ગાઈ સંભળાવી હતી. (અગાઉની એક પોસ્ટમાં નિદા ફાઝલીની મને ખુબ ગમતી આ જાણીતી ગઝલ નો સંપૂર્ણ હિન્દી પાઠ અને એનો કરેલ રસાસ્વાદ અહીં ક્લિક કરીને વાંચો અને વિડીયોમાં સાંભળો. ).
શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન એપ્રિલ ૭,૨૦૦૭ ના રોજ મુંબઈના ભાઈદાસ હોલમાં ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતના હસ્તે થયું હતું .ઈમેજ પબ્લીકેશન,મુંબાઈએ એનું પ્રકાશન કર્યું છે .
શ્રી નરેન્દ્ર મોદીના આ પ્રથમ પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ માંથી નીચેનાં મને ગમતાં બે કાવ્યો સાભાર પ્રસ્તુત કરું છું.આ બે કાવ્યોનો મધ્યવર્તી વિચાર કેટલો ભવ્ય છે !
પૃથ્વી આ રમ્ય છે
પૃથ્વી આ રમ્ય છે આંખ આ ધન્ય છે. લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં. વ્યોમ તો ભવ્ય છે ને પૃથ્વી આ રમ્ય છે. આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું. હવામાં રંગનાં વર્તુળો દોરતું. કિયા ભવનું પુણ્ય છે ?! જિંદગી ધન્ય છે, ધન્ય છે. સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં, કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં ! સભર આ શૂન્ય છે. પૃથ્વી આ રમ્ય છે. માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો, ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો. આ બધું અનન્ય છે. ને કૈંક તો અગમ્ય છે. ધન્ય ધન્ય ધન્ય છે. પૃથ્વી મારી રમ્ય છે.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં હું પોતે જ મારો વંશજ છું હું પોતે મારો વારસ છું પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું
-નરેન્દ્ર મોદી
શ્રી નરેન્દ્ર મોદી ‘મા’ આદ્યશક્તિના ભક્ત છે અને દરેક નવરાત્રી ઉપર નવ દિવસ અચૂક અન્ન ત્યાગી ઘણા વર્ષોથી ઉપવાસ કરે છે.નરેન્દ્ર મોદી જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે નિયમિતપણે તેઓ હંમેશા ‘મા’ આદ્યશક્તિને સંબોધન કરીને ડાયરી લખતા હતા.આ ડાયરીમાંની પ્રાર્થનાઓનું એમના અંતરમનની યાત્રારૂપે લખાયેલ પુસ્તક ‘સાક્ષીભાવ’ ના નામે ઈમેજ પબ્લીકેશન મુંબઈ દ્વારા પ્રકાશિત થયું છે .
સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.
નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તક ‘સાક્ષીભાવ’માંથી…..
સૌજન્ય-સાભાર – આજનો ઈ-શબ્દ’
વહાલા વાચક મિત્રો, સપ્રેમ નમસ્તે….. નરેન્દ્ર મોદી
સાક્ષીભાવે ‘સાક્ષીભાવ ’ આપના હાથમાં મૂકું છું.
આ કોઈ સાહિત્યરચના નથી, લગભગ પચીસ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની આ તો ભીનાશ છે. ઘણી વાર જાહેર જીવનમાં ખૂબ મોટા પડદે ઊપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય છે કે, તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહીં. વળી ઇચ્છા પણ ન થાય. બીજી બાજુ, સામાન્ય માનવી તરીકેની જિંદગીનો આનંદ કંઈક ઓર જ હોય છે. મારો પાકો વિશ્વાસ છે કે, આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય – સહજ માનવ વસતો હોય છે જે પ્રકૃતિદત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો. ગુણ-અવગુણ, ઇચ્છા-અનિચ્છા, તૃષ્ણા-તૃપ્તિ, અનુરાગ-વિતરાગ, ભાવ-અભાવ, લાગણી-ઊર્મિ, વેદના-સંવેદના, ગમા-અણગમા, અપેક્ષા-આકાંક્ષા – તેનાથી કોઈ પર નથી હોતું. હું પણ તમારી જેમ ગુણ-દોષસભર સામાન્ય માનવી જ છું. બધાંની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહ્યો છું.
વાચકોના પ્રતિભાવ