વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સુખ-દુખ

1073 – ” અશાંતસ્ય કુતઃ સુખં ? ” ( ચિંતન ) … ગૌરીશંકર પ્ર. ત્રિવેદી

” અશાંતસ્ય કુતઃ સુખં ? ” ( ચિંતન )

ગૌરીશંકર પ્ર. ત્રિવેદી ‘ ધુનીરામ’

સુખ એટલે શું ? તેની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવે છે.” દુઃખનો અભાવ એટલે સુખ”, “અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ”, ” મનવાંછિત વ્યક્તિ કે વસ્તુની પ્રાપ્તિ એટલે સુખ “. પણ આ વ્યાખ્યાઓ અધૂરી લાગે છે. તો પછી સુખ એટલે શું ?

શ્રી ગીતાજીના સૂત્ર પ્રમાણે વ્યાખ્યા આપી શકાય કે, ” મનની શાંતિ એટલે સુખ.” એટલે ગીતાજીમાં કહ્યું છે કે ” જે સ્થિતપ્રગ્ન છે, જેની બુદ્ધિ સ્થિર છે- જેનું મન સ્વસ્થ છે તે સુખી છે.” ” અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન વિચલિત ન થાય, હર્ષ કે શોકનો આઘાત મનને અસ્વસ્થ ન કરી શકે તે સાચું સુખ.” કારણ ” પ્રસાદે – સર્વ દુઃખના હાનિરસ્યોપ જાયતે”. મનની પ્રસન્નતાથી સર્વ દુઃખોનો અંત આવે છે.”

આપણે જાણીએ છીએ કે મન જ્યારે અશાંત હોય ત્યારે બાહ્ય સુખ-સામગ્રીમાં આનંદ આવતો નથી. અશાંત મનવળી વ્યક્તિને અનુકૂળ પરિસ્થિતિ પણ પ્રતિકૂળ લાગે છે. જ્યારે શાંત મનવાળાને પ્રતિકૂળ પરિસ્થિતિ પણ અનુકૂળ લાગે છે. રોગથી ઘેરાયેલી કે મરણપથારીએ પડેલી વ્યક્તિને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો પણ તેને આનંદ થતો નથી.

શાંત મન જ સુખ ભોગવી શકે, સ્વસ્થ મન જ આનંદનો અનુભવ કરી શકે, શાંત મન, સ્વસ્થ મન એટલે સુખ ! આ સુત્રને ગાંઠે બાંધી માણસ વિચાર અને વર્તન કરે તો કાયમી સુખ-શાંતિનો અનુભવ કરી શકે. એ વાત વાંચવા કે લખવા જેટ્લી સરળ નથી.તેને માટે સતત જાગ્રુત રહેવુ જોઇએ, તટસ્થાપૂર્વક મનને તપાસતા રહેવું પડે,મનના વિચારો -ગતિ-વિધિ સમજવી પડે, મનના સૂક્ષ્મ અવલોકનથી જે વિચાર-વૃતિઓ મનને અશાંત કરનારી લાગે તેનાથી બચવા પ્રયત્નો કરવા પડે.આ એક તપ છે, આને જ સાધના કહે છે.

મનને અંતઃકરણ કહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેને સૂક્ષ્મ દેહ કહે છે. આપણુ શરીર તે સ્થૂળ દેહ અને અંતઃકરણ એટલે સૂક્ષ્મ દેહ.સૂક્ષ્મદેહના વિચારો અને પ્રેરણા મુજબ સ્થૂળ દેહ કાર્ય કરે છે. અંતઃકરણમાં ચાર ઘટકો હોય છે. તેમાં બળવાન તત્વ અહંકાર છે. આ અહંકાર જ મનમાં અશાંતિ ઉભી કરે છે, એટલે ” અશાંતસ્ય કુતઃ સુખં ? “

“હું અને મારું,” તું અને તારું” વિચારનાર અને બોલનાર ‘અહં’ છે. ‘હું અને તું, મારું-તારું’ આવે, એટલે રાગ અને દ્વેષ આવે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંપૂર્ણ ‘અહં’ જતો નથી. પણ અહંનુ ઉર્ધ્વીકરણ કરવાથી મનમાં રાગ- દ્વેષનુ ઘર્ષણ રહેતું નથી.

‘ હું આત્મા, હું પરમાત્માનો અંશ, હું ઈશ્વરનું સંતાન’ આવી મનમાં  ધારણા કરવાથી ‘અહં શુદ્ધ થાય. અશુદ્ધ અહં- નિમ્ન કક્ષાનો અહં માણસને કર્મબંધનમાં બાંધે, જ્યારે શુદ્ધ અહં મુક્તિ-મોક્ષ અને પરમ શાંતિ અપાવે ! આ રીતે મન શાંતિનો- સાત્વિક સુખનો અનુભવ કરાવી શકે.
મનનુ તટસ્થ નિરીક્ષણ કરતાં જાણી શકાય કે, વધારે ભોગ ભોગવવાની ઇચ્છા, કાંચન-કીર્તિ, માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઇચ્છા, આ તૃષ્ણા-વાસના મનમાં અનેક વિચારોના વંટોળ ઊભા કરી મનને ચંચળ- અશાંત બનાવે છે. મનમાં અપાર શક્તિ છે પણ એ શક્તિ વિચારો-વિકારો- સંકલ્પ-વિકલ્પમાં વેડફાઇ જાય છે. આ શક્તિનો સંચય માણસને ઉન્નત બનાવે છે.

વિવેક વિચારથી જોવું જોઇએ કે જેઓ કરોડપતિ કે અબજોપતિ છે એ બધા સુખી છે ? કીર્તિ અને કલદારની મોહિનીમાં ડૂબેલા લોકો જેને મળવા- દર્શન કરવા પડાપડી કરે છે, જેઓને મનમાન્યા ભોગો ભોગવવાની સગવડ છે, જેવા કે ફિલ્મી કલાકારો, ક્રિકેટરો, ધર્મધુરંધરો, કહેવાતા ગુરુઓ, કથાકારો સુખી છે ? આ બધા મહાનુભાવો પાસે ખૂબ પૈસા છે, માન-પ્રતિષ્ઠા-કીર્તિ છે, ભોગો ભોગવવાની પૂરતી સામગ્રી છે પણ આ બધા સુખી નથી. અતિ ભોગથી રોગના ભોગ બનવું પડે ! આ સોએ સો ટકા સાચું છે.

આ બધાના મન આશંકા, અજંપો, ભય-ચિંતા અને અનેક વાસનાઓથી ઘેરાયેલા છે. તેથી મનમાં અશાંતિ છે ! ” અશાંતસ્ય કુતઃ સુખં ?” આવા લોકોમાંથી કેટલાક અનેક રોગોથી ઘેરાયેલા છે. સો ગ્રામ અનાજ પચાવવા ખૂબ પરસેવો પાડવો પડે છે. સામે મિષ્ટાનના થાળ ભર્યા હોવા છતાં તેમાંથી એક ટુકડો પણ ખાઇ શકતા નથી. કેટ્લાક હજી વધારે, હજી વધારેની હાયવોયમાં શાંતિથી ભોજન કરી શકતા નથી. ઊંઘવા માટે ઊંઘની ગોળિઓ ગળવી પડે છે. કોઇ શાંતિ મેળવવા નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરે છે.

ભોગ ભોગવવાની શક્તિ ગુમાવી બેઠેલા શક્તિ મેળવવા મોંઘા ઔષધોનો ઉપયોગ કરે છે. પરિવારના લોકો સ્વછંદી હોવાથી સંપ નથી. ઘણા મહાનુભાવો ભયથી ઘેરાયેલા હોવાથી સ્વતંત્રાથી બહાર હરીફરી શકતા નથી. આવા ભયથી ફફડતા લોકોને અંગરક્ષકોથી ઘેરાયેલા રહેવું પડે છે ! તેથી સમજી શકાય કે આવા લોકો સ્વપ્નમાં પણ સુખનો અનુભવ ન કરી શકે.

વ્યક્તિએ પોતાની- પોતના કુટુંબની જરૂરિયાત નક્કી કરવી જોઇએ. જીવન જીવવા જે અનિવાર્ય હોય તે જરૂરિયાત ગણાય. જીવન જીવવા અનિવાર્ય ગણાય તે હવા-પાણી, પ્રકાશ કુદરત મફત આપે છે. બીજી જરૂરિયાતની વસ્તુઓ અન્ન-વસ્ત્ર અને રહેઠાણ. પછી શોખથી-દેખાદેખીથી-મોભો પાડવા, દંભ-અભિમાનને પોષવા બીજી અનેક વસ્તુઓ એકઠી કરી વધારેની અપેક્ષા રાખે એ જરૂરિયાત નહિ પણ વાસના છે. વસના કદિ તૃપ્ત થતી નથી પણ અજંપાનુ કારણ બને છે. ભૌતિક વસ્તુઓ ખરીદવા વધારે પૈસા ખરચવા પડે.અને વધારે પૈસા કમાવવા અયોગ્ય રસ્તો ગ્રહણ કરવો પડે.મનમાં અશાંતિ ઊભી થાય જ. અશાંતસ્ય કુતઃ સુખં ?”

આમ સુખ બાહ્ય વસ્તુથી મળતુ નથી પણ સુખ ભીતર મન સાથે સંબંધ ધરાવે છે.સંતુષ્ટ મન જ શાંત રહી શકે. આપણામાં કહેવત છે, ” સંતોષી નર સદા સુખી.”

સંતોષનો અર્થ કશુ કર્યા વિના બેસી રહેવુ એવો નથી. માણસે કર્મ કરવું પડે છે. તેથી પ્રમાણિક રીતે કર્મ કરતાં, ધંધો-રોજગાર કરતાં કુટુંબની જરૂરિયાત પૂરી થાય, સારું જીવન જીવી શકાય એટલું મળે તેમાં સંતોષ માનવો વધારે સંગ્રહની અપેક્ષા ન રાખવી. સંતોષ એ જ સુખ છે. ‘ જબ આયે, સંતોષ ધન, સબ ધન ધૂરી સમાન ‘ ઈશ્વર  પર શ્રધ્ધા રાખી, સંતોષી,સદાચારી, સાદું જીવન જીવવું એ સુખ મેળવવાની ચાવી છે.

જે વ્યક્તિ મનની ગુલામ છે તે દુઃખી છે અને જે વ્યક્તિ મનની માલિક છે તે સુખી છે. શુભ વિચારો , સકારાત્મક વલણ રાખવાથી મન સ્વસ્થ રહે છે.મનમાં કોઇ તનાવ પેદા થતો નથી. જેનું મન શાંત છે તે સુખી છે. અશાંતસ્ય કુતઃ સુખં ?”

Source- http://www.kieratechnologies.com/rajuat/ContentViewer.aspx?ContentID=63

( 529 ) સુખ દુખ મનમાં ના આણીએ …(ચિંતન લેખ )…લેખક-વિનોદ પટેલ

ચિંતાઓને હટાવો …..સુખ તમારી ભીતરમાં છે ……

એક ફેસ બુક મિત્રના પેજ ઉપર નીચેનું ચિત્ર જોવામાં આવ્યું.

Sukh inside you

 આ ચિત્રમાં અંગ્રેજીમાં જે સુંદર સંદેશ છે એનો ગુજરાતી અનુવાદ આ છે .

એક મૂર્તિ ઘડનાર શિલ્પકારને એક માણસે પૂછ્યું  ““ એક પત્થરમાંથી તું આટલી સુંદર મૂર્તિઓનું સર્જન કેવી રીતે કરી શકે છે ?”

શિલ્પકારે જવાબ આપ્યો :” અરે ભાઈ , આ મૂર્તિઓ અને એના આકાર આ પત્થરમાં  પહેલેથી છુપાએલા જ હોય છે .  હું તો માત્ર જરૂર વગરના પથ્થરના જે ભાગ હોય છે એને મારા ટાંકણાની મદદથી હટાવી દુર કરું છું અને મૂર્તિ દેખાઈ આવે છે .”

બોધપાઠ : તમારું સુખ કઈ બહાર નહીં પણ તમારી અંદર જ છુપાયું હોય છે .ફક્ત તમારી ચિંતાઓને હટાવી દુર કરો એટલે તમારામાં છુપાએલા સુખનાં તમને દર્શન થશે .”

જો સુખી થવું હોય તો ચિંતાઓની ચકલી તમારા મસ્તિષ્કમાં માળો બાંધે એ પહેલાં એને ઉડાડી દો .

એક પ્રાચીન દુહામાં પણ કહ્યું છે ….

ફિકર સબકો ખાઈ ગઈ , ફિકર સબકા પીર

ફીકરકી જો ફાકી કરે , ઉનકા હી નામ ફકીર  

ભૂતકાળ વિશેનો અયોગ્ય અફસોસ અને ભવિષ્ય માટેની બિન જરૂરી ચિંતાઓને લીધે માણસ પાસે વર્તમાનની જે મુલ્યવાન ક્ષણોની પુંજી પડેલી છે એનો સદુપયોગ અને ઉપભોગ કરી સુખી થઇ શકતો નથી .સુખ માટેની ચિંતા જ દુખ પેદા કરતી હોય છે. દુલા કાગ કહે છે માણસો સુખી થવા હારું દખી થતા હોય છે.

સુખ અને દુખ … જીવનના સિક્કાની બે બાજુ છે .

સંસ્કૃતમાં એક વાક્ય છે “ ચક્રવત પરીવર્તનતે દુખાની ચ સુખા ની ચ “ એટલે દુખ અને સુખનું ચક્ર હમ્મેશાં ફરતું રહે છે. જીવનના ચગડોળમાં આપણે સૌ બેઠાં છીએ , એમાં મોજ પણ છે અને પડવાની બીક પણ છે.સુખ અને દુખ એ કાયમી સ્થિતિ નથી .

મારા એક કાવ્યમાં મેં લખ્યું છે …

સુખી થયા , ગર્વ ના કરો, સુખ કઈ કાયમી નથી.

દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી. 

માણસની જિંદગીની શરૂઆત દુખ- માતાની પ્રસુતિ પીડા અને બાળકની નાડ કાપવાના દુઃખથી જ શરુ થાય છે .બાળકનો જન્મ થતાંની થોડી ક્ષણોમાં જ માતા દુખ ભૂલી જાય છે અને એક પુત્ર રત્ન યા કન્યા રત્ન પ્રાપ્તિનું અનહદ સુખ અનુભવે છે .

કભી ખુશી અને કભી ગમથી ભરેલી છે સૌની જિંદગી .

જીવનમાં સુખ અન શાંતિ કોને નથી ખપતી .પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ  માટે તો હજારો માઈલોની દુરી કાપીને સૌ  “સુખ નામના દેશ ,અમેરિકા “માં આવીને વસ્યાં છે.માણસની સુખ મેળવવા પાછળની ઉંદર દોડ કદી અટકવાની નથી. માણસની જીવન દોડ સુખ મેળવવા પાછળની જ હોય છે પરંતુ રસ્તામાં દુખોનો પણ ભેટો થઇ જતો હોય છે .

સુખ આજે માર્કેટેબલ કોમોડીટી થઇ ગયું છે. સુખના બજારમાં  હેપ્પીનેસ વેચનારાઓ ઠેર ઠેર હાટડી લઈને બેસી ગયાછે.થોમસ મર્ટન ચેતવે છે કે ‘જો આપણે રેડીમેઈડ સુખ વેચનારાની દયા ઉપર જીવશું તો પછી કદી જ સંતોષી બનવાના નથી,”

વૈજ્ઞાનિકોએ જગતના સુખી માણસની શોધ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રયત્ન પણ કર્યો છે . આ પ્રયોગો બાદ વિજ્ઞાનીઓએ એક બુદ્ધ ભિખ્ખુ મેથ્યુ રિચર્ડને  ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ નો ખિતાબ આપ્યો હતો. વિનોદ વિહારની પોસ્ટમેથ્યુ રિચર્ડ ,‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ અને એની સુખ અંગેની ફિલસુફી” માં આ વિષે વધુ વાંચો.

જગતના આ સૌથી સુખી માણસને આ વિડીયોમાં બોલતા પણ સાંભળો .

સંતોષી જીવ સદા સુખી

સુખ કોને કહેવું એ સમજવું સહેલું નથી. દરેક માણસની સુખની વ્યાખ્યા જુદી જુદી હોય છે . સુખ અને દુખ એ મનની કલ્પનામાં રહેલાં છે.બાહ્ય દ્રષ્ટીએ અઢળક ધનમાં રાચતા માણસો સુખી છે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.વિપુલ સમૃદ્ધિ હોવા છતાં માણસ વધુ સમૃદ્ધિ મેળવવા માટે મનથી સતત ચિંતાતુર અને આકુળ  વ્યાકુળ રહેતો હોય છે.આકાંક્ષાઓ કોઈની કદી પૂરી થતી નથી હોતી.એક ઈચ્છાની પૂર્તિ થતાં  જ તત્કાળ  બીજી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થઇ જાય છે.સાચું સુખ ઇચ્છાઓની પૂર્તિમાં નથી .ધનના ઢગલા વચ્ચે જીવનારને નરમ મુલાયમ પથારીમાં પણ સુવાનું સુખ નથી તો એક ગરીબ માણસ સડક ઉપર પણ ઘસઘસાટ ઊંઘી શકે છે . પૈસાથી સુખ ખરીદી નથી શકાતું .સુખ અને દુખ એક રીલેટીવ ટર્મ છે.

દરેક મનુષ્યની સુખ મેળવવાની રીતો જુદી જુદી હોય છે.કોઈને મન ધન પ્રાપ્તિ એ સુખ છે જ્યારે કોઈ સ્વાસ્થ્યને ખરું સુખ માને છે .પહેલું સુખ તે જાતે નર્યા.ખરેખર તો સાચું સુખ પામવા માટે શરીર અને મન બન્ને દુરસ્ત હોવાં જોઈએ.શરીરની તંદુરસ્તી સાથે મનની દુરસ્તી પણ એટલી જ જરૂરી છે.મન ચંગા તો ક્થરોટમેં ગંગા.

સુખી માણસના  પહેરણની કથા

સુખી માણસનું પહેરણ એ નામની જાણીતી કથામાં એક રાજા પાસે બધી જાતનું સુખ હોવા છતાં મનમાં એને ચેન નથી .રાજા વૈદ્યને બોલાવી એનો ઈલાજ કરવા ફરમાવે છે. વૈદ્ય હોંશિયાર છે .રાજાને કહે છે રાજન તમે કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સુઈ જાઓ તો આપનું દર્દ દુર થાય. રાજા એના માણસોને સુખી માણસનું પહેરણ લઇ આવવા હુકમ કરે છે. બધે ફરી વળવા છતાં કોઈ ખરેખર સુખી હોય એવો માણસ મળતો નથી .છેવટે એક અર્ધનગ્ન ફકીર જેવો લાગતો ગરીબ માણસ એક ઝાડ નીચે આનંદથી નાચતો અને કૂદતો નજરે પડે છે . રાજાના માણસો પૂછે છે કે તું આમ નાચે છે તો બહુ સુખી લાગે છે .તારું પહેરણ રાજાને જોઈએ છે . પેલો ગરીબ માણસ કહે છે હા હું સુખી છું ,રાજાનું દુખ દુર થતું હોય તો મારું પહેરણ આપવા હું રાજી છું પરંતુ મારી પાસે પહેરવા માટે કોઈ પહેરણ જ નથી. રાજાને ખબર આપવામાં આવે છે કે એક સુખી માણસ છે પણ એની પાસે પહેરવા માટે પહેરણ નથી એટલે પહેરણ લાવી નથી શક્યા. રાજાની આંખ ખુલી જાય છે કે હું મારી  અઢળક સમૃદ્ધિ વચ્ચે દુખી છું અને જેની પાસે પહેરવા પહેરણ પણ નથી એ ગરીબ માણસ કેવો સુખી છે ! ગૌતમ બુદ્ધની કિસા ગોતમીની કથા પણ આ જ મતલબની વાત કહે છે .આ બે ઉદાહરણો એ વાતની પુષ્ટિ કરે છે કે સુખ અને દુખ માણસની માનસિક સ્થિતિનું જ સર્જન છે .

ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ નું એક સરસ અવતરણ છે .

“જો દરેક માણસના દુખો અને દુર્ભાગ્યોનાં પોટલાં  બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉપાડીને ચાલતા થવાના .”

દરેક માણસને બીજાની થાળીમાં પડેલો સુખનો લાડુ મોટો દેખાય છે.સરખામણી કરવાથી જ દુખ ઉપજે છે . નકારાત્મક વલણ ધરાવનાર માણસોને જ્યાં અંધકાર દેખાય છે ત્યાં સકારાત્મક માણસને પ્રકાશની લકીર દેખાય છે .નકારાત્મક માણસ કહેશે કે આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે , તો સકારાત્મક માણસ કહેશે ચાર દિનની ભલે હોય તો પણ ચાંદની તો છે ને ! માનીએ તો સુખ છે અને ન માનીએ તો દુખ છે . સુખ અને દુઃખનું કારણ મનુષ્યનું આ મરકટ જેવું મન છે જે કદી સ્થિર રહેતું નથી .માણસના મનની કામનાઓ માણસને દુખી બનાવે છે . સુખ એ એક જાતનો મનનો વ્યાપાર છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે એમ માણસ ના બંધન અને મોક્ષ નું કારણ આપણું આ મન જ છે.

સાચું સુખ એ આત્માનું-આધ્યાત્મિક-સુખ છે 

સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

 ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.

–નરસિંહ મહેતા.

ઉપર લેખની શરૂઆતમાં કહ્યું એમ સુખ આપણા અંતર મનમાં છુપાયું હોવા છતાં પેલા સુવર્ણ મૃગ ની જેમ એને શોધવા આપણે બહાર નાહક મથીએ છીએ . સુગંધ પામવા માટે વન ખુંદી વળતા સુવર્ણ મૃગને ખબર નથી કે સુગંધ તો એની નાભિમાં જ છે .

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

સરખામણી કરવાથી દુખ જન્મે છે.આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી અંતરમાં ઝાંખી કરી ,આંતર યાત્રા કરી,આત્માનું ખરું સુખ પામવાનું છે.પોતાના માટે તો સહુ કરે પણ બીજા માટે કઈક કરી છૂટવાની ભાવનામાં જે સંતોષ,સુખ અને આનંદ મળે છે એ અનેરો હોય છે.પૂજ્ય રવિશંકર મહારાજના કથન પ્રમાણે ઘસાઈને ઉજળા થવાની ભાવનામાં જે સુખ છે એ સ્વાર્થી જીવન ચર્યામાં નથી.ગમશે,ચાલશે,ફાવશે,ભાવશે ,દોડશે જેવા હકારાત્મક વલણ અને સંતોષી જીવન એ સાચું સુખ પામવાની ચાવી છે.સંતોષી નર સદા સુખી એમ જે કહેવાય છે એ ખોટું નથી.સંત કબીરનો એક સરસ દુહો છે:

“આધી અરુ સુખી ભલી પુરી સો સન્તાપ.

જો ચાહેગા ચુપડી, બહુત કરેગા પાપ “- કબીર

એનો અર્થ એ છે કે “અરે ભગવાન,મને અડધી રોટી જ આપ,આખી રોટી નાહકની પીડા પેદા કરશે. જો ઘી ચોપડેલી રોટી ચાહીશ, તો ઘણાં પાપ કરતો થઈ જઇશ “.

ઈશુ ખ્રીશ્તે કહ્યું છે: ‘પ્રભુને ચાહો. અને બાકીનું બીજું તમને મળી રેહશે.’જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જો મનમાં સાક્ષીભાવનો અભિગમ રાખીએ તો સુખનો અનુભવ કરી શકાય છે .સુખનાં પુષ્પો મુશીબતોનાં કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે .સુખનું મૂળ સંતોષમાં છે .અસંતોષમાંથી જ દુખ જન્મે છે .ગીતામાં વર્ણવેલી સ્થિતપ્રજ્ઞતા અને સુખ કે દુઃખમાં સાક્ષીભાવ એ સુખી થવાની ચાવી છે .સુખ મેળવવું સહેલું નથી .એના માટે મથવું પડે છે . પત્થરમાંથી મૂર્તિ ઘડનાર શિલ્પીની જેમ એનું સર્જન કરવું પડે છે.   

જીવનમાં સાચું સુખ કોને કહેવું એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.આમ છતાં મારા નમ્ર મત પ્રમાણે જે કાર્ય કર્યા પછી આપણો માંયલો, આપણો અંતરાત્મા,આપણું આખું ચૈતન્ય પુલકિત થઇ ઉઠે એજ સાચું આધ્યાત્મિક સુખ.

વિનોદ પટેલ

Buddha- and I