મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે અને હજુ પણ ઘણું લખાતું રહેશે. પરંતુ એમનાં જીવન સાથી અને અર્ધાંગીની કસ્તુરબા વિષે લખાએલું બહુ ઓછું જાણવા મળે છે.ગાંધીજીના જીવનમાં કસ્તુરબા પતિના પડછાયાની જેમ જીવ્યાં હતાં.એમની અંગત મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓને અવગણી એક ત્યાગમૂર્તિની જેમ બાપુને બધી રીતે સાથ આપ્યો હતો.
ગાંધીજી પોરબંદરના એક વણિક મોહનદાસ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા એ માટે ઘણાં કારણો હશે પરંતુ એમાં બાનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે.
અનજાણ પ્રતિભાવાન વ્યક્તિ કસ્તુર બા વિષે એમના પુત્ર મણીલાલના પુત્ર શ્રી અરુણ ગાંધીએ ખંતથી વિગતો એકઠી કરીને લખેલ એક દસ્તાવેજી પુસ્તક ”મહાત્માનાં અર્ધાંગીની ”મારફતે એક પૌત્ર તરીકેની એમણે સુંદર ફરજ બજાવી છે.
આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કસ્તુરબાનાં પ્રપૌત્રી સોનલ પરીખએ કર્યો છે.આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
આ બન્ને ગાંધી કુળનાં સંતાનોને આ પુસ્તક માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
આ પુસ્તકની જાણવા જેવી વિગતો જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર એ એમના બ્લોગમાં અને ફેસબુક પર પોસ્ટ કરેલ છે જે એમના આભાર સાથે આજની આ પોસ્ટમાં પ્રસ્તુત છે… વિનોદ પટેલ
સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ/ફેસ બુક

હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગીની.’ શીર્ષક સુચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમુર્તી કસ્તુરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
કસ્તુરબા વીશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતીના પગલાંમાં પગ મુકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વીશેષ કોઈ પ્રતીભા એમનામાં હતી નહીં.
પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગીની હતાં જરુર; અંધ અનુગામીની નહીં, સમજદાર સંગીની હતાં. મહાત્માનાં અર્ધાંગીની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરીમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સુઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.
‘બા : મહાત્માનાં અર્ધાંગીની’ પુસ્તકની વીશેષતા એ છે કે તેને મુળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તુરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તુરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.
અહીં હું આ બન્નેનો થોડો પરીચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :
ડૉ. અરુણ મણીલાલ ગાંધી કસ્તુરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રીલ, 1934માં દક્ષીણ આફ્રીકાના ફીનીક્સ આશ્રમમાં થયો હતો. માતા–પીતા સુશીલા અને મણીલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચીંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં
બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહીના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષીણ આફ્રીકાનો રંગભેદ અને ત્યાંનું હીંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઉકળી ઉઠતું. બાએ તેને, તેના આક્રોશને વીધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરીવર્તન માટેની શક્તી બનાવતાં શીખવ્યું હતું.
કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તી અને અહીંસાની વાત વીશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરીકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવીદાય લીધી.
શાન્તી અને અહીંસાનાં બીજ દુર દુર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તીખેડુત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દીવસ શાન્તીનાં આ બીજ, હરીયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..
સોનલ પરીખના પીતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પીતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વીના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.
પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકીર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વીદ્યાભવન, ગાંધી સ્મારકનીધી(મણીભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભુમી’નાં તંત્રીવીભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભુમી’, ‘જન્મભુમી પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’, ‘કવીતા’, ‘વીચારવલોણું’માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.
હવે આ બન્ને, કસ્તુરબા વીશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :
લેખક અરુણ ગાંધી કહે છે :
‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તીત્વ એવું વીરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તુરબા અને મારા પીતા મણીલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વીચારો અને વ્યક્તીત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.
આધુનીક, પશ્ચીમી મુલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મુકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વીકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટી હતી, વ્યક્તીને પરીવર્તીત કરવાની શક્તી પણ હતી. તેનાં પરીણામે કસ્તુરબા અને મણીલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તીગત પ્રાપ્તી વીશે વીચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પીત કરવાનું વધુ પસંદ કર્યું હતું.
જેમણે કસ્તુરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પુરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પીતા મણીલાલે ત્યારે દક્ષીણ આફ્રીકામાં રહી બાપુએ 1873માં શરુ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહીંસક માર્ગે સામાજીક અને રાજકીય પરીવર્તનોની દીશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરીવારને મળતા. દાદા–દાદીનું હુંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃતીઓનું ધન છે.
બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વીશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સીવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશીક્ષીત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતીને અનુસરતાં; પણ પતી જે વીરાટ કાર્યો કરતા તેના વીશે ભાગ્યે જ કંઈ સમજતાં.
હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપીતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારીક શીક્ષણ ખુબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતી ન હતાં. ઈતીહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નીષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભુમીકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતીતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.
‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહીંસાની મુળભુત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નીષ્ક્રીય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતીની કોઈ વાત ગળે ન ઉતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તીથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહીંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.
પણ બા વીશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પુરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપીતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સીવાય બાના પરીવારના ઈતીહાસ વીશે જાણવાનો કોઈ આધાર નથી.
એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખીક ઈતીહાસ. આ ઈતીહાસ આપનારા તમામની દૃષ્ટી બાપુની પ્રેરક સ્મૃતીઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપુર જરુર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડીંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.
છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરીકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તુરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વીશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતીભાવ મળતા.
અમને આશ્ચર્ય થતું. મહીલાઓના અધીકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વીશે ઉતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હીન્દા ઉન્દ દીલ્માએ તેની જર્મન આવૃત્તી પ્રગટ કરી. 1983માં મેક્સીકો યુનીવર્સીટીએ તેનું સ્પૅનીશ ભાષાન્તર પ્રગટ કર્યું.
પુસ્તકની અંગ્રેજી આવૃત્તીના પ્રકાશનમાં હજુ વીઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું
બા–બાપુ અભીન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહીયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપુર્વક કરેલો અમારો આ પરીશ્રમ સાર્થક થશે.
–અરુણ ગાંધી
અને પ્રાસ્તાવીક ‘કિંચીત્’માં અનુવાદીકા સોનલ પરીખ લખે છે :
‘કસ્તુરબા મારાં દાદીનાં દાદી.’
લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તુરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.
તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહીના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમીયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલીક પદ્ધતી શોધી, દક્ષીણ આફ્રીકામાં અને હીન્દમાં વીરાટ કાર્યો કર્યાં, દેશને બ્રીટીશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વીશ્વની ગરીબ, શોષીત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નીત્ય પરીવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સીદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટીબદ્ધ મહાત્માનાં અર્ધાંગીની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.
બાપુનાં જીવનકાર્યો અને દેશના ઈતીહાસનાં મહાપરીવર્તનો સાથે, બાનું જીવન અભીન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વીરાટ ઐતીહાસીક ઘટનાઓનાં મુળમાં, પોતાની પ્રાણશક્તી સીંચી છે. કાઠીયાવાડની એક સંસ્કારી પણ નીરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
ડૉ. અરુણ ગાંધી–મારા અરુણમામા–નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તુરબાને સમજવાની અને તેમના વ્યક્તીત્વને વીશ્વ સમક્ષ રજુ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઉંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરીત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહીતી સાથે કલ્પનાનું સંયમીત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપુર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગીની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વીસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.
અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પુરી મહેનત કરી છે, મહીનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં–તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપુર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતીવાચકોની નવી પેઢીને પણ ગમશે.
–સોનલ પરીખ
(લેખક અને અનુવાદીકાનાં લખાણો સહેસાજ સાભાર ટુંકાવીને..)
તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ.
(કારણ કે આમાં ‘કસ્તુરબા’ વીશે પુસ્તકમાંનું કશું જ મુકી શકાયું નથી!)
– ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો..
પુસ્તક પ્રાપ્તિની માહિતી ….
(પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ –સોનલ પરીખ : sonalparikh1000@gmail.com
મુલ્ય : બસો રુપીયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તી : ઓક્ટોબર, 2016;
પ્રકાશક અને મુદ્રક : વીવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;
‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel is also seen looking at this memorable scene of love between this great couple !
ગાંધીજી,કસ્તુરબા અને પ્રેમ પત્રો
અગાઉ વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસિદ્ધ કરેલ શ્રી તેજસ વૈદ્ય લિખિત નીચેનો લેખ આજની આ પોસ્ટની પૂર્તિ કરે છે.ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે પ્રેમનું કેવું અતુટ બંધન હતું એ બાપુના બાને લખેલ પ્રેમ પત્રોમાંથી જણાઈ આવે છે.
વાચકોના પ્રતિભાવ