ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ મારો ૮૧ મો જન્મ દિવસ છે.આ દિવસે મારી જીવન યાત્રાનાં ૮૦ વર્ષ પૂરાં કરીને હું ૮૧ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.સમય સમયનું કામ કર્યે જાય છે. દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે .જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.
૧૪ મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉતરાણ એટલે કે પતંગોત્સવનો દિવસ.૧૫મી જાન્યુઆરીએ વાસી ઉતરાણ અને સાથે મારો જન્મ દિવસ .આ બન્ને દિવસોએ ભૂતકાળમાં માદરે વતન અમદાવાદમાં માણેલ પતંગોત્સવ અને જન્મોત્સવના બેવડા આનંદની એ મધુર યાદો આજે તાજી થઇ જાય છે.
આ બન્ને દિવસોએ સવારથી સાંજ સુધી બંગલાના ધાબા પર પતંગ ચગાવવા,કાપવા તથાકતા કાટા હૈ ની બુમો પાડી આનંદ વ્યક્ત કરવો એ અને ધાબા પર જ ઊંધિયુ,જલેબી,બોર,જામફળ,તલના લાડુ,દાળ વડા અને મગફળીની ચીકીની એ સમૂહમાં કરેલી જયાફત .. વાહ …એ બધી કરેલી મજા કેમ ભૂલાય !એવો આનંદ અહીં અમેરિકામાં કેટલો મિસ થાય છે!
જાન્યુઆરી ૨૦૦૮ માં હું મારા પ્રિય વતન અમદાવાદમાં હતો . એ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાણ પર ધાબા ઉપર ચડીને સ્નેહીજનો સાથે પતંગ ચગાવવાની મજા મન ભરીને માણી હતી.એ પ્રસંગની કેટલીક યાદગાર તસ્વીરો .
ગયા વરસે મારા ૮૦ મા જન્મ દિવસે ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોના બે ઈ-પુસ્તકોનું વિમોચન કરી એક નવું પ્રસ્થાન કરેલ એ અંગેની પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
એવી જ રીતે મારા ૭૯મા જન્મ દિવસે મારા ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એ પોસ્ટને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
મારું સમગ્ર કુટુંબ-બે પુત્ર ,પુત્રીના પરિવાર સાથેનો ફોટો
મારી આજ સુધીની ૮૦ વર્ષની જીવન યાત્રા દરમ્યાન આ સોનેરી કાળને સ-રસ અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.
તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૭ ,
૮૧ મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.

હાલ હ્યુસ્ટન નિવાસી મારા મિત્ર શ્રી નવીન બેન્કર મૂળ અમદાવાદના વતની છે અને એમના આ જન્મ સ્થળને એ દિલો જાનથી ચાહે છે.
અમદાવાદમાં ૬૦ વર્ષ પહેલાં વિતાવેલા એમના બાળપણની વાતો અને એમની પોળના એમને પ્રિય લાલિયા કુતરાની વાતો એમની રસિક શૈલીમાં રજુ કરતો એક સરસ લેખ મોકલ્યો છે. એક હાસ્ય લેખના સ્વરૂપનો આ લેખ મને ગમ્યો એટલે એમના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
જેના ઉપરથી શ્રી બેન્કરને આ લેખ લખવાની પ્રેરણા થઇ એ શ્રી પી.કે. દાવડા નો લેખ ” અમેરિકામાં પાળેલા કુતરા” ને પણ એમના આ લેખમાં લેખના એક ભાગ તરીકે મુક્યો છે. આ લેખ માં શ્રી દાવડાજીએ અમેરિકામાં કુતરાઓને કુટુંબના એક સભ્ય જેવું જ જે સન્માન આપવામાં આવે છે એની સુંદર માહિતી આપી છે એ પણ તમને વાંચવી ગમશે.
વિનોદ પટેલ

મારો લાલિયો કુતરો …… લેખક- શ્રી નવીન બેન્કર

Navin Banker
આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ? ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી.
સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટે ભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલાં ગાય કુતરાની રોટલી નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં.
હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ ન હોતા. હેમુબેન એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા.
કિશોર વયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.
લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય) પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણી વાર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો.
એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.
આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.
હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.
અમેરિકામાં પાળેલા કુતરા
અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.
અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.
અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.
અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.
અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.
આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્ત બધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.
માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારે માબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે.
(પી કે. દાવડા )
આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.
મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.
ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.
આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું. અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,
લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…
હું સમજી ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.
શ્રીરામ..શ્રીરામ….
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫
મારા સંસ્મરણો- સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ .
શ્રી નવીન બેન્કર
મારો આ ફોટો ૪૦ વર્ષ પહેલાનો છે.કદાચ ૧૯૭૫ની આસપાસનો.
સરનામું હતું- ૫૪૪, ઝુંપડીની પોળ, સાંકડીશેરી, અમદાવાદ-૩૮૦૦૦૧ ( ખાડીયા વોર્ડ, માણેકચોક ). પોળની અંદર ખડકી અને લગભગ છેવાડાનું બે માળનું ઘર. નીચે રણછોડકાકા અને શાંતામાસી રહેતા હતા, અને મેડા પર અમે- અમે એટલે મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, મારા પિતાશ્રી. રસિકલાલ બેન્કર, કાકા રમણલાલ, મારી બા કમુ, હું અને મારા અન્ય છ ભાઇબહેનો- કોકિલા, દેવિકા, સુષમા, સંગીતા, વીરુભાઇ, અને અન્ય બે જે નાની ઉંમરમાં જ ગુજરી ગયેલા.
ઘરમાં કોઇ સોફાસેટ, પલંગ, ડાઇનીંગ ટેબલ નહોતા. ચિત્રમાં દેખાય છે એ દાદરા પાસેનો કઠેડો…કાચના બારણાવાળું શો-કેઇસ…લાકડાની બેઠક પર સુષમાબેન…મારી બકુ અને ગુચ્છાદાર વાળ વાળો નવીન બેન્કર. મારી સાઈડમાં પાછળ ગોદડા મૂકવાના ડામચીયાની ઝાંખી થાય છે. ઘરમાં ત્યારે ઇલેક્ટ્રીસીટી પણ ન હતી. ફાનસના અજવાળે અમે રહેતા હતા. રાત્રે એ બેઠક પાસે મેઇન રુમમાં જ મારી બા, બાપુજી, અને ભાઇબહેનો બાજુ બાજુમાં પથારીઓ નાંખીને ફર્શ પર જ સુઇ જતા અને સવારે એ પથારીઓ ઉપાડી લઈને ડામચીયા પર ગોઠવી દેતા. ચાદરો કે ઓશીકાના કવરો હતા કે કેમ એ તો મને યાદ જ નથી. આટલા બધા વચ્ચે જુદા જુદા ટૂવાલ હતા કે નહીં એ પણ યાદ નથી. બાથરુમ તો હતું જ નહી.
આગળની ગેલેરીમાં, અગાશી પર જવાની સીડી પાસે , ખુલ્લામાં એક ત્રાંબાનો બંબો હતો જેની પાસે ખુલ્લા આકાશ નીચે, અમે સ્નાન કરી લેતા હતા. સ્ત્રીઓ નહાવા બેસે ત્યારે પુરુષો નીચે જતા રહેતા. બે નાનકડી ઓરડીઓ હતી જેમાં દાદીમાની સેવા, અનાજકરિયાણું, રાંધેલા ધાન મૂકવાનું એક કબાટ, છાજલીઓ, વધારાના વાસણો, અનાજ દળવાની ઘંટી પડ્યા રહેતા અને મારા દાદીમા ત્યાં જ સૂઇ જતા. અમે એ ઓરડીને ‘બાની ઓયડી’ કહેતા. બીજી બાજુની ઓયડીમાં એક નાનકડું વા-બારીયું હતું. જ્યાં જમીન પર એક નાનકડી પથારી પર હું અને બકુ સૂઇ જતાં. મોટેભાગે એ ઓયડીનો દરવાજો એકાદ કલાક બાદ કરતાં ખુલ્લો જ રાખવો પડતો નહીંતર ગુંગણામણ થતી. મારા લગ્ન પહેલાં એ ઓરડી ‘મોટાભાઇની ઓયડી’ કહેવાતી. શ્રીરામ..શ્રીરામ…
અમારી દુનિયા માણેકચોક, રાયપુર, રતનપોળ, ગાંધીરોડ અને ભદ્રકાળીમાતાનું મંદીર કે ધનાસુતારની પોળના માતાજીનું મંદીર સુધીમાં જ સમાઇ જતી હતી. મોટેભાગે અમે બધા ચાલી ચાલીને જ જતાં. ૧૯૬૦ પછી મેં એક જુની હરક્યુલીસ સાઇકલ પચાસ રુપિયામાં સેકન્ડહેન્ડ ખરીદી હતી. એ જમાનામાં નવી સાઇકલ બસ્સો રુપિયામાં મળતી.સાઇકલ ખરીદવા માટે સરકારી ઓફીસોમાં ૨૦૦ રુપિયાની લોન મળતી હતી. ૧૯૬૨ના જુલાઇ માસમાં મારો ગ્રોસ પગાર રુપિયા ૧૬૧ અને ૮૨ પૈસા હતો જેમાં મારા વિચક્ષણ વિદ્યાબા ( દાદીમા ) મહિનાનો ઘરખર્ચ ચલાવતા. ૧૯૮૬ના જાન્યુઆરિમાં મેં વોલન્ટરી રીટાયમેન્ટ લીધું ત્યારે મારો ગ્રોસ પગાર ૧૪૦૦ રુપિયા હતો અને મારૂ માસિક પેન્શન ૮૫૦ રુપિયા જે આજે વધી વધીને ૮૫૦૦ રુપિયા થઈ ગયું છે.
મારી એ જુની સાઇકલની યાદોને મેં મારા બ્લોગ પર મૂકી છે.૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી- ટ્યુબટાયર બદલવા પડતા બાકી હું સાયકલને હવામાં ઉડાડતો. સેટેલાઇટથી લાલ દરવાજા અને માણેકચોક સુધી, ગવર્નર પર કંતાનની જાડી થેલીમાં ખાંડ, ગોળ અને શાકભાજી ભરીને સીટી વગાડતા વગાડતા , ઝુલ્ફોને હવામાં લહેરાવતો લહેરાવતો, એક હાથ છૂટ્ટો મૂકી દઈને, મસ્તીથી સાયકલ ચલાવતો. ૧૯૭૯માં અમેરિકા આવ્યા પછી યે જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પણ ૨૦૧૦ સુધી સાયકલ ચલાવી છે. ૧૯૮૨માં લેમ્બી સ્કૂટર, ચેતક સ્કૂટર પર સજોડે મુસાફરી કરતાં કરતાં પણ સાયકલ તો ચલાવતો જ હતો.
૨૦૧૦માં મેં બેલેન્સ ગૂમાવી દીધું. હાલમાં હું સાયકલ કે સ્કૂટર ચલાવી શકતો નથી.
૨૦૧૦માં મેં મારી એ પ્રિય સંગિની હરક્યુલસ સાયકલ અમારે ત્યાં પ્લમ્બીંગનું કામ કરવા આવનાર એક કારીગરને ગીફ્ટ તરીકે આપી દીધી-અલબત્ત, નવા ટ્યુબટાયર નંખાવી ,ઓવરહોલીંગ કરાવીને, નવી બ્રેકો નંખાવીને ચાલુ હાલતમાં. પ્લમ્બર સાયકલ લઈને ગયો ત્યારે હું છૂટ્ટે મ્હોંએ રડેલો.
આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતા એ આનંદ નથી આવતો જે એ સાયકલ ચલાવતા આવતો હતો. કોઇ હિન્દી ફિલ્મમાં રાજેન્દ્રકુમારને વૈજયંતિમાલાને સાયકલના આગળના ડંડા પર બેસાડીને , ‘બનકે પંછી ગાયે પ્યારકા તરાના’ જેવા ગીતો ગાતા જોઇને પણ હું આજે ય રડી પડું છું.
આજે જીવનના બધા જ થ્રીલ, એક્સાઈટમેન્ટ્સ ખત્મ થઈ ચૂક્યા છે. ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ઘસડવું…લોકોને ઇ-મેઇલ્સ કરવા…ઢગલાબંધ ફિલ્મો થીયેટરમાં બેસીને જોવી…રાત્રે હિન્દી સિરીયલો જોવી.. લાયબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવા…સમાન વિચારસરણીવાળા મિત્રો સાથે ગપાટા મારવા…સિનિયર્સ મંડળ, સાહિત્ય સરિતા, હિન્દી કવિતાગ્રુપ, જેવા સાથે સમય વિતાવવો, હરનીશ જાની , પ્રવિણકાંત શાસ્ત્રી કે ચિમન પટેલ જેવા વિદ્વાનો સાથે ઇન્ટરનેટ પર ગૂફ્તગો કરી લેવી… એ જ માત્ર પ્રવૃત્તિ રહી ગઈ છે. ( સમાન વિચારસરણીવાળી સ્ત્રી મિત્રોના નામ નથી લખતો ).
બાકી, સાચું કહું ? બે હાથ જોડીને કોઇ રુપાળીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવું દિલથી નથી ગમતું. કોઇને પણ ગમે ????
નવીન બેન્કર- લખ્યા તારીખ-૧૨ ડીસેમ્બર ૨૦૧૪
Navin Banker (713-818-4239)
Ek Anubhuti : Ek Ahesas.
વાચકોના પ્રતિભાવ