આ લેખમાં ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને કેળવણીકાર પદ્મશ્રી ગુણવંત શાહ દેશમાં ગંદકી દુર કરવાની ખુબ જરૂરિયાતની વાત કરે છે અને આ વાતને આંદોલનની જેમ ઉપાડી લેવાની સલાહ આપે છે.
એમની દ્રષ્ટીએ ગંદકી એ એક રાષ્ટ્રીય રોગ છે.બાહ્ય રીતે જે ગંદકી દેખાય છે એ મનની ગંદકીની પેદાશ છે.પ્રથમ મનનો કચરો સાફ કરવો જોઈએ.જો તન સ્વચ્છ હશે પણ મન સ્વચ્છ નહી હોય તો એથી બહુ ફેર નહિ પડે.મનની સફાઈ કરવા બીજું કોઈ નહીં આવે. એ તો આપણી જાતે જ કરવી પડે.જ્યાં સ્વચ્છ તન,સ્વચ્છ મન ત્યાં જ છે પ્રભુનો વાસ.
વિનોદ પટેલ
આપણો રાષ્ટ્રીય રોગઃ ગંદકી … પદ્મશ્રી ગુણવંત શાહ
એક જમાનો હતો જ્યારે આપણી નિશાળોના ઇન્સ્પેકશન
માટે અંગ્રેજ અધિકારીઓ ગામડે જતા. એ ઇન્સ્પેકટરો નિશાળમાં પ્રવેશે કે સૌ પ્રથમ
સંડાસની મુલાકાતે જતા. એમ કરવામાં તર્ક એટલો જ કે જો નિશાળમાં સંડાસ સ્વચ્છ હોય તો
બાકીનો બધો વિસ્તાર સ્વચ્છ જ હોવાનો. આજે પણ છાતી ઠોકયા વગર એટલું જરૂર કહી શકાય
કે કોઈ પણ કોન્વેન્ટ સ્કૂલમાં સંડાસ સ્વચ્છ હોવાનાં જ.નિશાળના આચાર્યની સુરુચિ કઈ
કક્ષાની છે તે જાણવાની ચાવી નિશાળના સંડાસની હાલત કેવી છે તે જોવામાં રહેલી છે.
સમાજના છેક છેવાડેના માણસ પ્રત્યેની કરુણાથી
પ્રેરાઈને રસ્કિને એક શકવર્તી પુસ્તિકા લખીઃ અનટૂ ધિસ લાસ્ટ. ગાંધીજીને એ
પુસ્તિકામાંથી અંત્યોદય(સર્વોદય)ની પ્રેરણા મળેલી. સંડાસનું સ્થાન ઘરોમાં અને
જાહેર સંસ્થાઓમાં ‘અનટુ ધિસ લાસ્ટ‘ જેવું જ ગણાય. ડ્રોઈંગરૂમની સ્વચ્છતા
પરથી ઘરની ખરી સ્વચ્છતાઓ ખ્યાલ ન બાંધી શકાય. એ માટે તો બાથરૂમ ટોયલેટની બારીના
ત્રાંસા કાચના પટ્ટાઓ પર બાઝેલી ધૂળ જોવી પડે. ડ્રોઈંગરૂમમાં તો સ્વચ્છતાનો દંભ
ખાસ્સો રૂપાળો હોય છે. ફૂવડ ગૃહિણી પણ આગલો ઓરડો સાવ ગંદો નથી રાખતી.
Dr.Gunvant Shah
પરદેશોમાં વસેલા ભારતીય ભાઈબહેનો વતન પ્રત્યેના
ખેંચાણને કારણે બેપાંચ વર્ષે એકાદ વાર ભારત આવી પહોંચે ત્યારે દેશની સરેરાશ
અસ્વચ્છતા અને ગંદાં સંડાસ બાથરૂમોથી ત્રાસી ઊઠે છે. એમનાં સંતાનો માટે તો આપણને
સદી ગયેલી ગંદકી બિલકુલ અસહ્ય બની રહે છે. જાહેરમાં અટવાતી રાષ્ટ્રીય ગંદકીને
કારણે પર્યટકો દ્વારા પ્રાપ્ત થતું વિદેશી હૂંડિયામણ કેટલા ટકા ઘટી જાય તે અંગે
સંશોધન થવું જોઈએ.
જ્યાં આપણે નાક દબાવીને દુર્ગંધથી બચવાના
નિષ્ફળ ફાંફાં નથી મારતા,
ત્યાં પરદેશીઓ નાકે રૂમાલ દબાવી રાખે
ત્યારે એમની દયા ખાવામાં પણ થોડીક શરમ ભળેલી હોય છે.ગંદકી આપણો રાષ્ટ્રીય રોગ છે.
ઉભરાતી વસતી, ગરીબી અને લાપરવાહીને કારણે દેશમાં
ગંદકીને નિરાંત છે. ધીરે ધીરે ગંદકી પ્રત્યેની સૂગ ઘટતી જાય છે. ગંદકી સ્વીકાર્ય
બની જાય ત્યારે એને દૂર કરવાની ઇચ્છાશકિત જ મરી પરવારે છે.
લોકો ખૂબ ખાય છે. દેશમાં ભૂખમરો અને અપચો કાયમ
હસ્તધૂનન કરતા જ રહે છે. સુખની પીડા બદહજમી દ્વારા પ્રગટ થતી હોય છે. કલાકો સુધી
ખુરશીમાં પોટલું થઈને બેસી રહેનાર પ્રત્યેક કર્મચારી અને ચાલવાની ખો ભૂલી ગયેલી
પ્રત્યેક સુખી ગૃહિણી કેલરીના વિપ્લવથી પીડાય છે. કેલેરીનો વિપ્લવ એટલે પેટની ગરબડ
અને અતિ આહાર વચ્ચે થતા લફરાને કારણે જન્મેલા વાયુનો પ્રકોપ.
કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના માત્ર ખરબચડા
અવલોકનને આધારે કહી શકાય કે સરેરાશ હિંદુ જરૂર કરતાં બમણી કેલરી પેટમાં પધરાવે છે.
સરેરાશ મુસલમાન જરૂર કરતાં ત્રણ ગણી, સરેરાશ પંજાબી જરૂર કરતાં ચાર ગણી અને સરેરાશ અશ્વેત અમેરિકન પાંચ
ગણી કેલરી પેટમાં પધરાવે છે.
દુનિયામાં પ્રવર્તતા ભૂખમરાનું ખરું કારણ અન્નનો
અભાવ નથી, પરંતુ લોકો પચાવી શકે તેના કરતાં વધારે
ઝાપટે તે છે. ઘણા ખરા લોકોને શું ખાવું, કેટલું ખાવું,
કયારે ખાવું અને કેટલી વાર ખાવું તેનું
ભાન જ નથી હોતું. ચીની કહેવત પ્રમાણે તેઓ દાંત વડે પોતાની કબર ખોદતા રહે છે.
ગાંધીજી કહે છેઃ ‘જેવો આહાર તેવો આદમી’. પોતાના આહાર અંગે જરા જેટલી પણ સમજણ ન
ધરાવતા ડૉકટરો તમે નથી જોયા? તેઓ
દર્દીને કેવળ દવાઓ આપી શકે,
આરોગ્ય માટેનાં સલાહસૂચનો આપવાનું
તેમને ન પાલવે. અંધશ્રદ્ધાળુ પ્રજાનો લાભ કેવળ મહંત મુલ્લાઓ જ નથી ઉઠાવતા, એમના પછી ક્રમશઃ ડૉકટરોનો, વકીલોનો, શિક્ષકોનો અને સેવકોનો નંબર લાગે છે. ભારત દેશના સામાન્ય નાગરિકનો
જન્મ જ અસામાન્ય ગણી શકાય તેવી છેતરપિંડીનો શિકાર બનવા માટે થયેલો જણાય છે.
મનની ગંદકીનું શું? રામકૃષ્ણ, મહાવીર અને બુદ્ધના આ દેશમાં
મેલા મનના અને બનાવટી વાણીના માલિકોની વસતીનું પ્રમાણ વિકરાળ છે. નિખાલસતા દોહ્યલી
બની જાય તેવી દંભી આબોહવામાં લોકો ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચેના તફાવત માટે
અમથા હાથીને લાવે છે. આપણા સમાજમાં શરાબ ઢીંચનારો પ્રધાન દારૂબંધી પર પ્રવચન કરે
તો તેને કોઈ ન પડકારે. એ જ રીતે અંદરથી રંગીન એવો વાસનાયુકત ધર્મોપદેશક પણ
બ્રહ્મચર્યની બડી બડી વાતો કરી શકે છે.
નિખાલસતાને જ્યાં સાહસનો દરજ્જો પ્રાપ્ત થાય
ત્યાં દંભ રૂપાળો બની રહે છે.કેટલાય સેવકોને અંદરથી ખતમ કરવા માટે એક મહાન શબ્દ
જવાબદાર છેઃ ‘બ્રહ્મચર્ય’. આ એક જ શબ્દના ખાનગી અત્યાચારોનો કોઈ
પાર નથી. કેટલાય આશ્રમોમાં આ એક શબ્દે પ્રચ્છન્ન આતંક મચાવ્યો છે. આપણે ત્યાં
અપરિણીત વ્યકિતને ‘બ્રહ્મચારી’ કહેવાનો કુરિવાજ છે. કો’ક અટલ બિહારી વાજપેયી જ જાહેરમાં કહી
શકે છેઃ ‘મૈં અપરિણીત હૂં, મગર બ્રહ્મચારી નહીં હૂં’. હજી સુધી કોઈ સેવક કે સાધુએ આવી હિંમત
બતાવી નથી. જરા જુદા સંદર્ભે આવી હિંમત બતાવનાર એક મહાન સેવક થઈ ગયા અને તે હતા
ઠક્કરબાપા.
નિખાલસતાની વાત કરતી વખતે બે મહાનુભાવોનું
સ્મરણ પજવે તેવું છેઃ સરદાર ખુશવંત સિંહ અને અમૃતા પ્રીતમ. બંનેમાંથી કોઈ વ્યકિત
મહાત્મા નથી. એ બંને જણ સતવાદીનાં પૂંછડાં નથી. તેઓ જે કંઈ લખે તેમાં નિખાલસતાનો
રણકો હોય છે. એ રણકો ગાંધીના કુળનો છે, પરંતુ ગાંધીની કક્ષાનો નથી. ખુશવંત કે અમૃતા કોઈ વાત કરે કે લખે તો
ભાવકો એક વાતની ખાતરી રાખી શકે કે તેઓ કદી પોતે છે તેના કરતાં વધારે સારાં
દેખાવાની કોશિશ નહીં કરે. તેઓ જેવાં છે, તેવાં વાચકો સમક્ષ પ્રગટ થઈ શકે છે. ઘણાખરા સાધુઓ અને સેવકોને નિખાલસ
બનવાનો વૈભવ પોસાય તેમ નથી.
કોઈ ગણિકા નિખાલસ બની શકે છે, પરંતુ કોઈ દંભી સાધુ કે સેવક એવું
પરાક્રમ નહીં કરી શકે. આપણે ત્યાં ‘ન પકડાઈ ગયેલા’ ઉપદેશકોની
સંખ્યા માનીએ તેટલી ઓછી નથી. જેઓ અપ્રમાણિક છે, તેઓ કદાચ વધારે મોટા અવાજે પ્રામાણિકતા પર બોલતાલખતા રહે છે. માનવીય
નબળાઈઓ માટે સામાજિક કક્ષાએ પણ કોઈ પ્રકારના ઉત્સર્ગતંત્રની જરૂર રહે છે.
ટૉલ્સટૉય વેશ્યાગૃહોના હિમાયતી હતા. તનના
ઉત્સર્ગ માટે સંડાસ અનિવાર્ય છે. મનના ઉત્સર્ગ માટે નિદોર્ષ મનોરંજન પણ એટલું જ અનિવાર્ય
છે. કહે છે કે જો ફૂટબોલની રમત ન હોત તો અમેરિકામાં હિંસાના ગુના ઘણા વધી ગયા હોત.રમતમાં થતી હરીફાઈ, હારજીત અને પોતીકાપારકાની ચડસાચડસી
હજારો પ્રેક્ષકોના રાગદ્વેષનો, ક્રોધનો
અને લડવાની વૃત્તિનો ઉત્સર્ગ બહાર કાઢી નાખે છે. મનના કચરાના યોગ્ય નિકાલ માટેની
વ્યવસ્થા ન હોય તેવો સમાજ સડે છે. આંખે ન ચડે તે માટે સડી ગયેલા લાકડા પર લોકો
સનમાયકા ફોરમાઇકા ચોંટાડે છે. સરેરાશ નાગરિકના માનસિક આરોગ્ય માટે કોઈ જ આયોજન
થતું નથી. ઠેર ઠેર માનસિક રુગ્ણતાના ઉકરડા જોવા મળે છે. કયાંક સ્વસ્થ મનનો માણસ
જડી આવે તો તીર્થસ્થાન પામ્યાનો ભાવ જાગે છે. સમાજમાં માનવતીર્થો ટકી રહે તે ખૂબ
જરૂરી છે.
(અમદાવાદના ‘’ધરતી’’માસિક ના માર્ચ -૨૦૧૯ ના
અંકમાંથી સાભાર)
વિદેશોમાં ભારતની છાપ ગરીબી, ગોટાળા, ગીર્દી અને ગંદકીના દેશ તરીકેની જે છે એમાં સુધારો લાવવા હાલની મોદી સરકાર શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહી છે. દેશમાંથી ગંદકી નાબુદી માટે અગાઉની સરકારોએ ખાસ બહુ કર્યું ન્હોતું એ કમનશીબ હકીકત છે.
આજથી પાંચ વર્ષ પહેલાં નવી મોદી સરકારે સત્તાનો
દોર સંભાળ્યો ત્યારે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કરતાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની ૨૦૧૯માં આવતી ૧૫૦મી જન્મ જયંતી
સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાની દેશવાસીઓને હાકલ કરી હતી.
દેશમાં સ્વચ્છતા સ્થાપવાનું કાર્ય એ મોદી
સરકારનું એક અગત્યનું અભિયાન બની ગયું છે એ એક સારી વાત છે.સરકારના પ્રયત્નોમાં
સહકાર આપવો એ દેશ અને વિદેશમાં વસતા સૌ ભારતીયોની ફરજ છે .
અગાઉ ‘વિનોદ વિહાર’ ની “સ્વચ્છ ભારત અભિયાન” વિશેની તારીખ ૧૧-૧૩-૨૦૧૩ ની પોસ્ટ નંબર (583 ) માં ઘણાં બધાં ચિત્રો અને વિડીયો સાથે આ વિષે વિગતે વાત કરી હતી.
દેશમાં ચાલતા સ્વચ્છ ભારતના અભિયાનમાં અમિતાભ બચ્ચન જેવી દેશની લોક પ્રિય હસ્તીઓએ જોડાઈને ભારતને સ્વચ્છ રાખવા માટેનો સુંદર પ્રચાર કરી સહકાર આપી રહ્યા છે.
આ વિશેના એક ગીતનો વિડીયો નીચે પ્રસ્તુત છે.
स्वच्छ भारत अभियान पर गीत ।अमिताभ बच्चन और अन्य..
દેશમાં આજે સ્વચ્છતા વિષેની જાગૃતિની જે
જ્યોત જાગી છે એને બુઝાવા નહિ દેવાનો આ
વિડિયોનો સંદેશ ઘેર ઘેર પહોંચી જાય અને સૌ સરકારને સાથ અને સહકાર આપવા કટિબદ્ધ બને
એવી આશા રાખીએ! યાદ રહે ..
વાચકોના પ્રતિભાવ