વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સ્વ-રચના

1283 હૃદય પલટો ….. લઘુ કથા ….. વિનોદ પટેલ

હૃદય પલટો ….. લઘુ  કથા ….. વિનોદ પટેલ

પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય

રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

સંત કબીર 

કેલીફોર્નીયાના લોસ એન્જેલસ શહેરમાં એક રૂઢીચુસ્ત અને ધાર્મિક માતા-પિતા અને અને એમનો કોલેજમાં અભ્યાસ કરતો એકનો એક પુત્ર  દિપક સાંજે  સાથે ડાઈનીંગ ટેબલ પર ડીનર લઇ રહ્યા હતા.દીપકના લગ્ન બાબતે તેઓ વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી.પુત્ર અને પિતા એ બાબતમાં વિચારોમાં એકમત ન હતા.

એ દિવસે વાતચીતમાં પિતાએ  પુત્રને કહ્યું :” બેટા, તું એક વાર કહેતો હતો કે તારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી તારી અમેરિકન મિત્ર કેથેરીન સાથે તારે લગ્ન કરવાની ઈચ્છા છે ,ખરું ને !”

દિપક બોલ્યો :”હા ડેડી પણ એ માટે તો તમે અને મમ્મી બન્નેએ મને ઘસીને ના પાડી હતી.”

પિતા કહે :”એ વાત ભૂલી જા, હવે અમે બન્ને એને માટે તને રજા આપીએ છીએ.”

અંદરથી ખુશ થતો દિપક કહે :”પણ તમે બન્ને તો કહેતાં હતાં કે મારે આપણી બ્રાહમણ જ્ઞાતિની છોકરી સિવાય  કોઈ અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાનાં નથી અને જો અમારી મરજી વિરુદ્ધ લગ્ન કરીશ તો અમને બન્નેને જીવતાં નહી જોઈશ,હવે એકાએક  એવું તો શું થયું કે તમે તમારો વિચાર બદલ્યો અને હવે મને પસંદ અમેરિકન છોકરી સાથે લગ્ન કરવાની સંમતિ આપો છો ?”

પિતા કહે :”દીકરા હવે અહીં અમેરિકામાં ગોળ કે જ્ઞાતિ જેવું ક્યાં રહ્યું છે. જમાના સાથે તાલ મિલાવી મા -બાપે પણ બદલાવું જોઈએ.તું અમારો એકનો એક આંખના રતન  જેવો દીકરો છે.અમે તો હવે પાકું પાન  છીએ. તારી સામે તો આખી જિંદગી પડી છે,એને કેવી રીતે જીવવી એ તારે જ નક્કી કરવાનું છે.”

વાતમાં જોડાતાં  દીપકની મમ્મી પણ બોલ્યાં :” હા બેટા,તારા ડેડીની વાત સાચી છે.તું તને ગમતી એ અમેરિકન છોકરી કેથેરીન સાથે કે તને ગમે એ અન્ય કોઈ પણ જ્ઞાતિની તને યોગ્ય લાગે એ પાત્ર સાથે ખુશીથી લગ્ન કર, એમાં મને પણ કોઈ વાંધો નથી .”

એક વારનાં ખુબ જ રૂઢીચુસ્ત માનસ ધરાવતાં ધાર્મિક સ્વભાવનાં ડેડી-મમ્મીમાં એકાએક થયેલ હૃદય પલટો જોઇને એમના આ કોલેજીયન નવ યુવાન પુત્ર દીપકના અચંબાનો કોઈ પાર ના રહ્યો !

સાંજનું ભોજન લઇ રહેલ પિતાની નજીક ટેબલ પર પડેલ આજના લોસ એન્જેલસ ટાઈમ્સ અખબારમાં દીપકની નજર પડી.એમાં લોસ એન્જેલસ શહેરમાં જ રહેતા બે દક્ષિણ ભારતીય બ્રાહ્નણ યુવાનોના સજાતીય લગ્નના એમના ફોટાઓ સાથે પહેલે જ પાને છપાયેલા સમાચારો હતા.દીપકને મમ્મી-ડેડીમાં એકાએક આવેલ હૃદય પલટાનું કારણ એને મળી ગયું !

–વિનોદ પટેલ

                 સંદીપ અને કાર્તિક -લગ્ન પ્રસંગે

કથા બીજ ..

આ લઘુ કથા લખવાની પ્રેરણાનું કથા બીજ, કેલીફોર્નીયા,અમેરિકામાં બે ભારતીય નવ યુવકો  સંદીપ અને કાર્તિકના હિંદુ વિધિથી થયેલ સજાતીય લગ્ન (same sex marriage)ના નેટ સમાચાર અને એ લગ્નનો યુ-ટ્યુબ વિડીયો છે.

Sandeep + Karthik – South Indian Same Sex Wedding in Los Angeles California, US

Venues:

Golden Peacock Banquet, Hayward CA

Canyon View Banquet, San Ramon CA

નીચેની લિંક પર સાઉથ ઇન્ડિયન યુવાનો સંદીપ-કાર્તિકના કેલિફોર્નિયા ખાતે ઉજવાયેલ સજાતીય લગ્ન પ્રસંગના ઘણા ફોટાઓ જોઈ  શકાશે.

http://thebigfatindianwedding.com/2015/south-indian-same-sex-wedding-california

( 1011 ) હે જિંદગી !… મારી એક અછાંદસ રચના

jivan-sandhyana-rango-2

હે જિંદગી !… એક અછાંદસ રચના

હે જિંદગી! તારી પાસેથી હવે,
મારે કશું વધુ નથી જોઈતું,
જે જિંદગી જીવ્યો છું,પામ્યો છું એનો,
અફસોસ નથી પણ એક સંતોષ છે.
જીંદગીમાં હસ્યો છું તો રડ્યો પણ છું,
પ્રેમ પામ્યો છું તો પ્રેમ આપ્યો પણ છે,
હવે તો છેક સામો કિનારો દેખાઈ રહ્યો છે,
જિંદગીનો પ્યાલો હવે ભરાવા આવ્યો છે,
આ પ્યાલામાં આંસુઓ સાથે ખુશીઓ પણ છે
જિંદગીના દિવસો હવે જે બાકી રહ્યા છે,
એમાં નવી આશા અને ઉમંગ જોઈ રહ્યો છું,

જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહ્યો છું, 
મૃત્યુને ભૂલી જીવનની બાકી યાત્રાને માણું છું.
આ યાત્રાના આનંદને શક્ય એટલો વહેંચું છું.
જન્મ,વ્યાધી મરણ એ જીવનના જ ભાગ છે,
માણેલી જિંદગી વાગોળવાની પણ મજા છે,
હવે કોઈ પણ દુખ એ મજા ઝુંટવી નહિ શકે.
આભાર માનું છું પ્રભુનો, જેણે સંભાળ્યો મને ,
મારો હાથ પકડી આ આખા રસ્તે દોર્યો મને,
જિંદગીના આજના પડાવ સુધી લાવ્યો મને .
આજે તો અંતરમાં આનંદની જ અનુભૂતિ છે,
જીવનનો દરેક દિવસ નવો પ્રકાશ લાવે છે,
અંતરને ઉજ્વાળે છે,જીવનને ધન્ય બનાવે છે!

વિનોદ પટેલ…૨-૭-૨૦૧૭ 

( 989 ) ઘડિયાળ અને સમય … વિચાર મંથન …… વિનોદ પટેલ

સમય જોવા માટેનું મારું હાથે બાંધવાનું  ઘડિયાળ આજે એકાએક કામ કરતું બંધ પડી ગયું.ડાયલ પરના  મિનીટ અને સેકન્ડના કાંટાઓ  એકાએક સ્થિર થઇ ગયા.કદાચ એમાંની બેટરી ખલાસ થઇ ગઈ હશે.હવે નવી બેટરી નાખશું ફરી કામ કરતું થઇ જશે.

મારા બંધ પડેલા ઘડિયાળ ઉપરના વિચાર વલોણાના મંથનનું નવનીત એટલે જ આજની પોસ્ટનો આ લેખ.

મારું ઘડિયાળ તો બંધ પડી ગયું પણ સમય ઓછો બંધ પડવાનો છે,એ તો અવિરત ચાલ્યા જ કરવાનો છે.

ઘણા લોકો માટે ઘડિયાળ હાથ માટેનું એક ઘરેણું બની ગયું છે.ઘરેણાની જેમ ઘડિયાળની પણ ભાત ભાતની ડીઝાઈનો ,કદ,આકાર અને કિંમત હોય છે.કીમતી ઘડિયાળ પહેરીને લોકો પોતાનો અહમ પોષતા હોય છે.

આધુનિક યુગમાં સમય જોવા માટેનાં ઉપકરણો જેવાં કે મોબાઈલ, ટી.વી.કોમ્પ્યુટર,સ્માર્ટ ફોન વ.ચારે કોર મોજુદ હોય છે એટલે ઘડિયાળને હાથે બાંધવાની હવે બહુ જરૂર રહી નથી.સમયની સાથે ટેકનોલોજી બદલાતી જાય છે એમ આવાં ઉપકરણો પણ બદલાતાં રહે છે. apple-watch

 માણસો હાથે ઘડિયાળ પહેરી સમયને બાંધવા પ્રયત્ન કરે છે .ઘડિયાળને કાંડે બાંધી શકાય પણ સમયને બાંધી નથી શકાતો,એ તો વહેતો જ રહે છે.૧ થી ૧૨ આ આંકડાઓ વચ્ચે દિવસમાં બે વાર ૨૪ કલાક ઘડીયાળમાં સમય વહેતો રહે છે.આખી જિંદગીનો સમય સેકન્ડ, મિનીટ ,કલાક,દિવસ, માસ અને વર્ષ માં વહેતો જ રહે છે. મૃત્યુ આવે એટલે જ સમયનું આ ઘડિયાળ કાયમ માટે અટકી જાય છે.

માણસના જન્મ સાથે જ સમયનો નાતો એની સાથે જોડાય છે.સમયની સાથે જીવનનું ઘડતર થયા કરે છે.

જીંદગીમાં સારો સમય આવે છે તો ખરાબ સમય પણ આવે છે. આવતા સમયમાં શું થશે એ કહી શકાતું નથી.હિલરી ક્લીન્ટન હારશે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે એ કોઈ ધારતું ના હતું પણ ડોનાલ્ડ નો સમય એમના ફેવરમાં હતો એટલે એ સફળતાને વર્યા. આમ સમય ઘણો અનિશ્ચિત હોય છે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય બળવાન

કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ ,વોહી બાન  

 ઘરડા માણસો વારે વારે પૂછતા હોય છે કે કેટલા વાગ્યા ? એ એટલા માટે નહિ કે એમને કોઈ અગત્યનું કામ સમયસર પતાવવાનું હોય છે. એ એટલા માટે પૂછે છે કે સમય કેમ જલ્દી પસાર થતો નથી?રાત્રે  ઊંઘ ના આવે એટલે ઉઠીને ઘડિયાળમાં સમય જુએ છે કે કેટલા વાગ્યા? પછી થોડો સમય હોય તો પાછા ઊંઘી જાય છે. 

સમય જોતાં જોતાં જ એક દિવસ જિંદગીનો સમય પૂરો થઇ જવાનો છે અને ત્યાર પછી કોઈ સમય જોવાનો રહેવાનો નથી.એ પછી કોઈ ઘડિયાળની જરૂર પડતી નથી.

સમય તો સમયનું કામ કર્યે જશે.તમારે સમય સાથે તાલ મિલાવવાનો છે અને તમારી પાસે જે સમય ફાજલ પડ્યો છે એનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. શેક્સપિયરના આ શબ્દો યાદ આવે છે :”જો તમે સમયને નષ્ટ કરશો તો સમય તમને નષ્ટ કરી દેશે.” સમય નદીની જેમ વહેતો રહે છે. એ વહેતા પાણીમાંથી લોટો ભરી લઇ એનો ઉપયોગ કરવાનો છે. સમયને બદલી શકાય છે.

સમયમાં બદલાવ આવતો જ રહે છે.માત્ર પરિવર્તન જ કાયમી હોય છે.જીંદગીમાં ખરાબ સમય ચાલતો હોય અને સંજોગો વિપરીત હોય તો પોતાની અંદર પડેલ જન્મ જાત બુદ્ધિ અને પરિશ્રમ કરી સમયને સુધારીને સફળ થઇ શકાય છે.

જન્મથી તમને જે મળે છે એ નથી ખરેખર જિંદગી

બુદ્ધિ અને પરિશ્રમથી જે બને છે, એ જ છે જિંદગી

એનાં ઉદાહરણ જોઈએ છે ?

સફળતાને વરેલ આ મહાનુભાવોના નીચેના શબ્દો જ આ વાતનો પુરાવો છે.

“મેં મારું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું નથી “…….  બીલ ગેટ્સ

“હું નાનો હતો ત્યારે જોડા સીવતો હતો.. ” અબ્રાહમ લિંકન

“હું હોટલોમાં ગ્રાહકોને ખાવાનું આપતો હતો.”. ઓબેરોય

“મેં પટ્રોલ પંપ પર કામ કર્યું હતું .”  ….ધીરુભાઈ અંબાણી

“હું દશમા ધોરણમાં નાપાસ થયો હતો.”..સચિન તેંદુલકર

“હું બેંચ પર સુઈ જતો ,અને એક મિત્ર પાસેથી

રોજ ૨૦ રૂપિયા ઉધાર લઈને ફિલ્મ સીટી

સુધી પહોંચ્યો હતો.”… સુપર સ્ટાર શાહરૂખ ખાન

“સ્કુલમાં ભણતો હતો ત્યારે વડનગર સ્ટેશન ઉપર

કીટલી લઇ ચા વેચતો હતો.” … નરેન્દ્ર મોદી

આ રીતે ખરાબ સમયનો પડકાર ઝીલીને ,સમયનો સદુપયોગ કરીને સમયના સમુદ્ર પટની રેતીમાં તમે એવાં પગલાં પાડીને જાઓ કે લોકો તમને યાદ કરે !

–વિનોદ પટેલ .. ૧૨-૧૪-૨૦૧૬ 

 

 

( 976 ) બે અછાંદસ રચનાઓ…. વિચાર મંથન … વિનોદ પટેલ

સમયનું પંખી

સમયના પંખીને કેવી મજબુત પાંખો હોય છે!

જીવનાકાશમાં આ પંખી ઝડપથી ઉડી રહ્યું છે!

નજર કરું હું જ્યારે મારા ભૂતકાળમાં ત્યારે,

નાનો બાળ હતો હું,દોડતો સૌને ખુબ ગમતો,

એ મોટી આંખો વાળો બાળક ક્યાં ખોવાયો?

જુવાની દીવાની હતી,જોયા એના રંગો પણ

આજે મારા કાનમાં મૃત્યુ વાતો કરી રહ્યું છે!

પરિવર્તન જીવનનો વણ લખ્યો નિયમ છે,

સમયની સાથે શરીર કેવું બદલાઈ જાય છે !

સમયની રેલ ગાડીનું છેલ્લું સ્ટેશન મૃત્યુ છે.

મૃત્યુ દરેક પ્રાણી માટે એક અંતિમ હકીકત છે,

શરીર નાશ પામે પણ અંતરાત્મા અમર છે,

એને માટે નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ!

ફેર  યા ને તફાવત ….

કાગળ કાગળમાં ફેર છે

એક કાગળ રદ્દી બની કચરા પેટી ભેગો થાય છે,

એક કાગળ ગીતા પુસ્તક રૂપે ભાવથી પૂજાય છે.

લોખંડ લોખંડમાં ફેર છે ,

એક લોખંડ હથિયાર બની જઈ જીવોનો નાશ કરે છે

એક લોખંડ ડોક્ટરના હાથમાં રહી જીવ બચાવે છે

પત્થર પત્થર માં પણ ફેર છે.

એક પત્થર રસ્તામાં ઠોકર બની ધીક્કારાય છે,

એક પથ્થર મંદીરમાં જઈ દેવ તરીકે પૂજાય છે.

માણસ માણસમાં પણ ફેર છે ,

એક માણસ ગોડસે બની ખૂની તરીકે ઓળખાય છે

એક માણસ શહીદી વહોરી ,મહાત્મા બની પૂજાય છે.

સમય સમયમાં ફેર છે

એક સમએ જે રાજા હોય છે એ રંક બની જાય છે

એક સમએ જે રંક હોય છે એ રાજા બની જાય છે.

એક ચિત્રકુ

ચિત્રમાં જે બે હાથ અને આંગળીઓ દેખાય છે  એ આફ્રિકાના કોઈ સ્થળે

ગરીબી અને ભૂખથી કૃશ થયેલ એક માણસનો હાથ છે .આ હાથને ત્યાં સેવા

કાર્ય કરી રહેલ કોઈ સેવા ભાવી સંસ્થાની વ્યક્તિના હાથએ સહાનુભુતીપૂર્વક

દયા ભાવથી એના હાથમાં પકડ્યો છે.

Missionary reaching out to a starving boy in Africa 

two-hands

ચિત્ર શીર્ષક – બે હાથ

ચિત્રકુ

છે તો બે હાથ

એક ભૂખે મરતો

બીજો દયાળુ

 વિનોદ પટેલ ૧૧-૨૨-૨૦૧૬

( 956 ) અમુલ્ય વારસો …. અછાંદસ …. વિનોદ પટેલ

                        મારો  પરિવાર

એક લગ્ન  પ્રસંગે, મારા  બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )

maro-varso

અમુલ્ય વારસો

નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
 મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.

વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું  પ્રભુને પ્રાર્થના કે,

વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.

-વિનોદ પટેલ … ૯-૨૦-૨૦૧૬

(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

hillary-selfie

   Hillary Clinton taking Selfie

સેલ્ફીનું ભૂત !…. એક અછાંદસ રચના 

અરે ભાઈ,જરા કોઈ મને કહેશો,

આ સેલ્ફી એ વળી શું બલા છે !

ક્યાંથી આવી હશે આ સેલ્ફી !

આજે દેખું એની જ બધે બોલબાલા !

બાળક હોય કે પછી કોઈ બુઢ્ઢો હોય,

સૌ કોઈ મંડી પડ્યા છે લેવા સેલ્ફી !

આધુનિક યુગનું આ ખરું છે એક તુત ,

જાણે વળગ્યું છે બધાંને સેલ્ફીનું ભૂત!

એમનો સ્માર્ટ ફોન હાથમાં પકડ્યો,

હાથ છેટેથી ઉંચો કર્યો,

ફોનમાં ચહેરાને બરાબર ગોઠવ્યો,

ચાંપ દબાવીને જે તસ્વીર લીધી,

એને કહેવા લાગ્યા સૌ કોઈ સેલ્ફી !

નેતાઓને પણ વળગ્યું સેલ્ફીનું ભૂત !

ચુંટણી સભાઓમાં,આ નેતાઓ સાથે,

સેલ્ફી પડાવવા કેવી થાય પડાપડી !

મો પર બનાવટી હાસ્ય રાખી,

વોટ માટે કઈ પણ કરવા તૈયાર,

આ નેતાઓ લોકો સાથે સેલ્ફી પડાવી,

ખુશ થતી પ્રજાને કેવી બનાવે મુર્ખ !

સેલ્ફીમાં વધુ ચિત્રો લેવા હવે તો,

ઊંચા ડાંડિયા પર ફોન ગોઠવી ,

ડાંડિયો ઉંચો કરી પાડે છે હવે સેલ્ફી,

લ્યો,સેલ્ફી પણ બની ગઈ હાઈટેક !

સેલ્ફી એટલે પોતે લીધેલું પોતાનું ચિત્ર ,

અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,

પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,

ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !

ચારેકોર બધાને સેલ્ફી લેતા જોઈને 

એંસીના આ ડોસાને પણ ચડ્યું ઝનુન,

હાથમાં સેલ ફોન કેમેરા ઓન કરી,

હાથ બરાબર ઉંચો કરી,

ચહેરાને કેમેરામાં ગોઠવી,ચાંપ દબાવી,

જુઓ લઇ લીધી મેં મારી આ બે સેલ્ફી !

મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!

વિનોદ પટેલ, સાન ડીએગો, ૫-૧૫-૨૦૧૬