Tag Archives: સ્વ-રચિત અછાંદસ રચનાઓ
૧૪ મી ફેબ્રુઆરીને પ્રેમીઓ માટેના સ્પેશિયલ ”વેલેન્ટાઈન ડે’ તરીકે ઓળખાય છે.‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.
સામાન્ય રીતે દર વરસે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી માસમાં નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત.વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંતની ઉજવણી કરવાનું પર્વ.
વસંતનાં વધામણાં થતાંની સાથે પ્રકૃતિ નવ પલ્લીત થાય છે. પ્રકૃતિમાં નવી માદકતા આવે છે.એવું જ વેલેન્ટાઇન ઉપર યુવાન હૈયાંઓમાં બને છે.વેલેન્ટાઈન ડે એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક રીતે પ્રેમની લાગણીઓને અભિવ્યક્ત કરવાનો દિવસ .
વસંત ઋતુ , વેલેન્ટાઇન ડે અને પ્રેમ જે એક બીજા સાથે જોડાએલાં છે, એના વિશેની પ્રતિલિપિમાં પ્રકાશિત મારી અછાંદસ કાવ્ય રચનાઓ નીચે પ્રસ્તુત છે.

વેલેન્ટાઈન ડે …..અછાંદસ
આબોહવામાં આજે માદકતા કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે વધુ નમણું કેમ જણાય છે?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે હેલે ચડ્યું કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ફૂલોની દુકાને આજે લાઈનો કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ઘણા હાથોમાં આજે ગુલાબ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે.
પ્રેમીઓમાં આજે પ્રેમપુર કેમ આવ્યું છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
૧૪ ફેબ્રુઆરીએ જ આ બધી હલચલ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
વિનોદ પટેલ, સાન ડીયેગો …૨-૧૪-૨૦૧૫
વસંત વિષે
કાકા કાલેલકર વસંત વિષે જુઓ શું કહે છે.!
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’
–કાકા કાલેલકર
ઋતુરાજ વસંતનાં એંધાણ … અછાંદસ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વિનોદ પટેલ,વસંત પંચમી,૧-૨૨-૨૦૧૮
“પ્રેમશું છે ?”
પ્રેમનાં અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી મારી એક કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.

પ્રેમ શું છે ? …અછાંદસ
પ્રેમ ખરેખર શુ છે એ બહું ગહન સવાલ છે,
પ્રેમ કહેવાની નહી, પણ અનુભૂતિની ચીજ છે,
પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે,
પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે,
મનુષ્યના મનને ગમતી એક ઉત્તમ લાગણી છે,
બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે,
પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે,
પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે,
મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,
પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,
પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,
દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,
સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,
ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે,
લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,
તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે,
પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે,
પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,
બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,
મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે!
વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,
રામ-પ્રેમ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે,
જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે,
પ્રેમ જેણે કર્યો નથી, એનું જીવન બેકાર છે,
પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .
વિનોદ પટેલ ..
પ્રેમ ઉપર સ્વ-રચિત હાઈકુ રચનાઓ
પાવક જ્વાળા
પ્રેમ પંથ કહેવાય
મીરાંએ જાણ્યો
——–
પ્રેમનો વ્યાપ
એનો પ્રભાવ,દિશે
સર્વ દિશાએ
——–
પ્રેમ નથી તો
જીવન બને ખારું
દિશે અંધારું
——–
પ્રેમ એ તો છે
પ્રભુની અણમોલ
એક બક્ષિસ
——
યુવા દિલોની
ધડકન એટલે
વેલેન્ટાઇન
વિનોદ પટેલ
પ્રેમ વિષે સંત કબીર …
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય
રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.
— કબીર
પ્રતિલિપિ માં પ્રકાશિત મારી એક વાર્તા …

સૌ વાચક મિત્રોને હેપ્પી વેલેન્ટાઇન ડે …શુભેચ્છાઓ .
આજે મારા ફેસ બુકના ગ્રુપ પેજ મોતી ચારો
પર મુકેલ આ બે રચનાઓ વિ.વિ. ના વાચકો માટે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
મારી આ બે સ્વ-રચિત અછાંદસ ભાવવાહી રચનાઓ માણો.
જિંદગીની સફળ સફર
જિંદગીની આ સફર “સફળ ” કરવાની હોય છે,
જિંદગીની સફરમાં ” સફર “પણ કરવું પડે છે.
સફર કરીને પણ સફરને જે સફળ બનાવે છે,
એ જ મનુષ્યનું જીવ્યું આ જગતમાં સફળ છે.
હું એક પતંગિયું !
એક રંગબેરંગી મનરંગી ઉડતું પતગીયું છું હું
પાંખોમાં મેઘ ધનુષ્યના રંગો લઈને ઉડું છું હું
ભર્યા બાગ જંગલોમાં મુક્ત વિહાર કરું છું હું
સુંદર ફૂલો ઉપર બેસી રોજ રસપાન કરું છું હું
રસાતુર પ્રેમી જનોને એ રસ પાઈ વિનોદુ છું હું
આ રીતે મારી જીવન યાત્રાને ગમતી કરું છું હું !
વિનોદ પટેલ
ચિત્ર કાવ્યો
મોતી ચારોમાં મુકેલ નીચેનું ચિત્ર કાવ્ય વાચકોને ખુબ પસંદ પડ્યું હતું .
આ ચિત્ર કાવ્ય માટે આજે જ ઈ-મેલમાં વાચક મિત્ર શ્રી Prabhulal Tataria એ લખ્યું છે:“શ્રી વિનોદભાઇ,ખરેખર હ્રદય શ્પર્સી ચિત્ર છે અને અનુરૂપ શબ્દો પ્રયોજયા છે, આભાર.”
આ ચિત્ર કાવ્યને આપ પણ અહીં માણો.
વતન ભારતમાં આવાં ગરીબ અને મહેનત જીવી મહિલાઓનાં દ્રશ્યો જોવા મળે એ આર્થિક પાવર ની વાતો કરતા દેશના નેતાઓ માટે શરમ રૂપ ગણાવાં જોઈએ.

આ ચિત્ર જોઈ આ કાવ્ય સુઝ્યું ..
જીવતરનો બોજ
એના માથે ચણતરનો બોજ છે
એની કમરે જણતરનો બોજ છે
એના મનમાં જીવતરનો બોજ છે
પણ નેતાઓને ક્યાં કશું નડતર છે ?
આહ, આ તો કેવું માવતર હોય છે ?
ગરીબોનું આ તો કેવું કરુણ જીવતર છે ?
પેટનો ખાડો પુરવા કેવી વેઠ કરાવે છે !
વિનોદ પટેલ
એક ફૂલનો સંદેશ !
કદાચ જો બરાબર વાંચી ના શકાય તો આ ચિત્રમાં જે લખાણ છે એ આ છે.
ધગતા લાવામાં ભસ્મીભૂત થયેલ ફૂલો વચ્ચે
ખીલી ઉઠ્યું છે કેવું આ એકલું રંગીન પુષ્પ !
આપી રહ્યું જાણે માનવીઓને એનો સંદેશ કે –
નીરાશાઓ વચ્ચે પણ એક આશા અમર છે .
એક ચિત્રકુ- ચિત્ર હાઈકુ 
વાચકોના પ્રતિભાવ