
Mr.Harnish Jani-Mrs.Hansa Jani
આજે ગુજરાતી ભાષામાં જે ગણ્યા ગાંઠ્યા હાસ્ય લેખકો છે એમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીનું નામ એક એવોર્ડ વિજેતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તરીકે જાણીતું છે.એમના હાસ્ય લેખો અને ગુજરાત મિત્ર અખબારમાં એમની નિયમીત કોલમ ” “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “માં પ્રગટ એમના મને ગમેલા ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
સીનીયર સિટીઝનોની ખાસિયતો ઉપર હાસ્ય વેરતા એમની આગવી રમુજી શૈલીમાં લખાયેલા શ્રી હરનીશભાઈના બે લેખો ….
(૧)સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ ...અને (૨) સીનીયરનામા શ્રી હરનીશભાઈ ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ હાસ્ય લેખ જાન્યુઆરી ૨૦૧૬ના નવનીત-સમર્પણ માસિકમાં પણ પ્રસિધ્ધ થયેલ છે .
આ બે હાસ્ય લેખો ખાસ કરીને મારા જેવા અનેક સીનીયર સિટીઝનોના મુખ પર સ્મિત અને હાસ્ય લાવી દેશે અને મને ગમ્યા એમ એમને પણ ગમશે એની મને ખાતરી છે .
વિનોદ પટેલ
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ …. હાસ્ય લેખ …..
લેખક- શ્રી હરનિશ જાની.
ઘણા સિનીયરોને (ડોસાઓને),યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે? સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. જ્યારે સારી નોકરી મળે ત્યારે પરુષ સેટલ થયો ગણાય. એટલે પુરુષોની એ દલીલ પણ ધોવાઈ ગઈ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ? જુની હિન્દી ફિલ્મોમાં જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”
મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છુટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે.”અને મને મારો જવાબ મળી ગયો.
પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને રાજાનું સંબોધન કર્યું. અને વાંદરને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓને જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં કોઈ જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું જ નથી એ કદી મૂર્ખાઈ કરતો જ નથી.
અહીં ,અમેરિકન આર્મીમાં હાઈસ્કુલના છોકરાઓ વધુ જોડાય છે. આર્મીમાં આલ્કોહોલ અને સિગારેટ મફત મળે. અને ઘેર માબાપ પીવાની ના પાડે. તેમને યાદ નથી રહેતું કે સિગારેટ પીધા પછી સાચી ગોળીઓ ખાવાની હોય છે. લગ્નમાં વરઘોડા દેખાય છે. પણ પાછળ યુધ્ધ પણ હોય છે. પરંતુ બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલી જ દેખાય છે. એ માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.
અને કૌરવોએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું. દુર્યોધન સાચો પડ્યો ને!
આજકાલ સાઠવરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય.કારણ કે મારા એક સાઠ વરસના મિત્ર પોતાને આધેડ વયના ગણાવે છે. તો મારે કહેવું પડ્યું કે ‘ જો તમે કોઈ એક સો વીસ વરસના ડોસાને જોયો છે? અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે.
પહેલાંના જેવી બિડીઓ પણ પીવાતી નથી. એટલે કાંઈક અંશે લંગ્સ કેન્સર ઓછા થઈ ગયા છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.
એક દિવસે તે ટી.વી. પર હિન્દી ચેનલ જોતી હતી. મેં જોયું તો સાઉન્ડ ઓફ હતો..મેં કારણ પૂછ્યું તો કહે કહે કે “મને બહુ અવાજ નથી ગમતો”
‘ તો પછી ટીવી બંધ કરીને બેસને .‘ ૪
‘ના તો પછી એકલું લાગે છે. અને તું જો સાથે બેઠો હોય તો તું તો સોફામાં બેઠો બેઠો ઊંઘે છે.‘
મારા પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં? હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. કોઈના લગ્ન વખતે એમના જેવી સાડી પહેરવાની કામ લાગે. બીજું તો કાંઈ નહીં પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.
રિટાયર્ડ થયા પછી એક મ્યાનમાં કદાચ બે તલવાર રહી શકે.પરંતુ પતિ,પત્ની બન્ને ,એક સાથે સોફા પર ન બેસી શકે. ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ. અને કારની ટેવ મુજબ,.રીમોટ કંટ્રોલ મારા હાથમાં હોય પણ મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.
જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘
‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે .તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.‘ દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કરવા કેલ્શિયમની ગોળીઓની. પછી હું સમજી ગયો કે મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતીએ બધું બરાબર છે ને!
પેલા ભરતભાઈને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું સંભળાવતા હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘
“પણ તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”
“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.”
વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.
પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે. મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સિનીયરનો
સ્વભાવ અંત સુધી રહેવાનો. એ વાતની કોઈ પણ પુરુષને ખબર નથી. હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે બધી લલિતા પવારો જુવાનીમાં આશા પારેખો જ હતી.
મોટા ભાગના જુવાનીયાઓ લગ્ન કરે છે. ત્યારે ધાર્મિક નથી હોતા.
અને સિનીયર વરસોમાં વરરાજા સાધુ બની જવાના વિચાર કર્યા કરે છે. અને તે ક્યારે સાધુ થાય છે.એની રાહ જોતી વહુરાણી બેઠી હોય છે. કુર્યાત્ સદા મંગલમ્.
સીનીયર નામા -હાસ્ય લેખ – હરનીશ જાની
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
-મરીઝ સાહેબ

નીચેની લીંક પર ક્લિક કરી આખો હાસ્ય લેખ વાંચો.
સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ,સન્ડે-ઈ-મહેફિલ
સંપર્ક
Harnish Jani
4, Pleasant Drive, Yardville, NJ08620
Email harnishjani5@gmail.com.
Phone 609-585-0861
વાચકોના પ્રતિભાવ