વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: હાસ્ય લેખ

1243- ખાઓ, પીઓ અને જલસા કરો !…હાસ્ય લેખ …. રતિલાલ બોરીસાગર

જ્યોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા, વિનોદ ભટ્ટ અને ડાયાસ્પોરા હાસ્ય લેખક હરનીશ જાની જેવા ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા હાસ્ય લેખકો આજે સદેહે વિદાય થયા છે.

ગુજરાતી સાહિત્યમાં હવે જે થોડા આંગળીને વેઢે ગણી શકાય એટલા જુના નવા હાસ્ય લેખકો છે એમાં શ્રી રતિલાલ બોરીસાગર મોખરે છે.

વાચકને મરક મરક હસાવે તેવું હાસ્ય-સર્જન કરનાર શ્રી રતિલાલ બોરીસાગરનો એક હાસ્ય લેખ માણો .

ખાઓ, પીઓ અને જલસા કરો ! …હાસ્ય લેખ …. રતિલાલ બોરીસાગર

અમથું અમથું હસીએ – રતિલાલ બોરીસાગર

બે-ત્રણ મહિના પહેલાં, કાળઝાળ ઉનાળાની એક સવારે અગિયાર વાગ્યાના સુમારે એક મિત્ર પરસેવો લૂછતાં-લૂછતાં પધાર્યા : કહે, ‘આજે મલાઈ વગરના દૂધની ચા નહિ, પણ મલાઈથી ભરપૂર આઇસક્રીમ ખાવો છે મગાવો.’ મિત્ર હકપૂર્વક આઇસક્રીમ માગી શકે એટલા નિકટના મિત્ર છે. એમના પૈસા મારા પૈસા હોય. તે જ રીતે મેં વાપર્યા છે અને એમણે અત્યંત ઉમળકાથી વાપરવા દીધા પણ છે; પરંતુ, વજન ઓછું કરવા કડક પરેજી પાળતા ડાયેટિંગ માટે લગભગ ‘ડાઈ’ થવા સુધી ‘ઇટિંગ’ તજનાર આ મિત્ર આજે આઇસક્રીમ માગી રહ્યા હતા તેથી મને નવાઈ લાગી.

‘નવાઈ ન પામશો. મારા મગજને કશું નુકસાન થયું નથી ઊલટું મારા મગજમાં ઇચ્છવાયોગ્ય સુધારો થયો છે. આજથી ડાયેટિંગ-બાયેટિંગ બંધ! બસ, ખાવ, પીવો અને જલસા કરો.’ મિત્રએ કહ્યું.

‘પણ કેમ? કેમ?’ પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરે એ જેટલું અશક્ય છે એટલું જ મિત્ર ડાયેટિંગ બંધ કરે એ અશક્ય છે એમ હું માનતો હતો.

‘જુઓ, વાંચો!’ કહી મિત્રે એક અંગ્રેજી સાપ્તાહિક મારા હાથમાં પકડાવ્યું.

‘ત્યારે તમે જ વાંચી દો ને! મારાં ચશ્માં બે દિવસથી જડતાં નથી!’ મેં કહ્યું.

‘જુઓ,’ મિત્રે સાપ્તાહિકમાં જોઈને કહ્યું, ‘ઇંગ્લૅન્ડમાં એક માણસ મોટી ફાંદને કારણે બચી ગયો કંઈક લાકડાનો અણીદાર ટુકડો એના પેટમાં ઘૂસી ગયો. પણ મોટા ઘેરાવાવાળી ફાંદને કારણે અંદરના અવયવોને કશું નુકસાન ન થયું. બોલો! આ વાંચીને મને થયું કે હું નાહક્ધાો આવી જીવરક્ષક ફાંદ ઘટાડવા ભૂખે મરીને જીવ કાઢી નાખવા તૈયાર થયો છું. નહિ! નહિ! આજથી ડાયેટિંગ બંધ ચાલો, મગાવો આઇસક્રીમ.’

‘આઇસક્રીમ તો મગાવું પણ ખરેખર તો આ ખુશીના મોકે તમારે ત્યાં આઇસક્રીમ પાર્ટી જ નહિ, રસપુરીનાં જમણ અને ઉપરથી બે ત્રણ કચોળાં આઇસક્રીમ એવું રાખવું જોઈએ.’ મેં કહ્યું.

‘રાખીશું, ભાઈ! રાખીશું. પણ એ પહેલાં મારે ઘરનાંઓનો મત કેળવવો પડે. તમે જાણો છે કે આ કામ થોડું અઘરું છે. એટલે હમણાં તો આ રીતે ‘આઉટડોર શૂટિંગ’ જ રાખવું પડે તેમ છે. આજે સાંજે આપણે, વાત ખાનગી રાખી શકે તેવા બે-ચાર મિત્રો સાથે હોટેલમાં જઈશું ને બિલ હું ચૂકવીશ.’

આ મિત્ર મારા બાળપણના સાથી છે. અમે સાથે મોટા થયા. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સાથે ભણ્યા અને વર્ષો પછી ફરી અમદાવાદમાં ભેગા થઈ ગયા. ઘણાં વરસ પછી અમદાવાદમાં એમને પહેલવહેલી વાર મળવાનું થયું ત્યારે એમની શારીરિક સમૃદ્ધિ જોઈ હું આભો બની ગયો હતો. એ ગોળમટોળ તો નાનપણથી જ હતા, પણ હવે તો એ એટલા બધા ગોળમટોળ થઈ ગયા છે કે માત્ર મોઢા પરથી જ ખબર પડે કે કઈ બાજુથી ચત્તા છે! પહેલવહેલી વાર મળ્યા ત્યારે મેં એમને હસતાં હસતાં કહેલું કે ‘તમે એલિસબ્રીજ પરથી ન નીકળશો.’

‘કેમ? એ પુલ તો બહુ મજબૂત ગણાય છે.’

‘એ ખરું, પણ એ પુલ પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ છે.’ આ સાંભળી એ મોકળે મને હસી પડેલા.

જ્યોતીન્દ્ર દવેએ એમના એક લેખમાં એક મહાશયના વિશાળ પેટનું વર્ણન કરતાં લખ્યું છે કે ‘પેટ એમના શરીરનો ભાગ નહિ, પણ એમનું શરીર એમના પેટનો પેટા ભાગ હોય એમ મને લાગ્યું.’ અમારા મિત્રનું પેટ પણ આવું જ વિશાળ છે. એમને મળનાર દરેક વ્યક્તિની પહેલી નજર એમના પેટ પર જ પડે છે, એટલું જ નહિ, પેટ પર થોડીવાર સ્થિર પણ થઈ જાય છે. મિત્ર આનંદી બહુ છે. બાળકો સાથે બાળકો જેવા બની જાય છે. તેઓ જમીન પર ઊંધા સૂએ છે (જોકે બહુ થોડી વાર માટે જ ઊંધા સૂઈ શકે છે) ત્યારે પેટ જાણે ધરી હોય એમ એમનું શરીર જમીનથી અધ્ધર રહે છે. એમનાં પૌત્ર-પૌત્રી પગ વડે એમને ગોળગોળ ફેરવી આનંદનો ખજાનો લૂંટે છે.

પણ ઉંમર વધવા સાથે ડૉક્ટરો એમને ચેતવણી આપવા માંડ્યા કે ‘શરીર ઘટાડો, શરીર ઘટાડો!’ એ બિચારા ડૉક્ટરોની વાતમાં આવી ગયા. કડક ડાયેટિંગ કરતાં કરતાં બિચારા અધમૂઆ થઈ ગયા. બિચારા કહેતા, ‘આ ડાયેટિંગને કારણે આઇ વીલ ડાઇ વિધાઉટ ઇટિંગ’. પણ ડૉક્ટરોની ચેતવણી એવી ભારે હતી કે ઘરનાંઓ ડાયેટિંગ બંધ કરવાનું જોખમ લેવા તૈયાર ન હતાં. આ બધાં પછી પણ એમનું શરીર ઘટવાનું નામ નહોતું લેતું. એમણે વજન કાંટો પણ ખરીદ્યો ને સવાર-બપોર-સાંજ વજન કરવા માંડ્યું. પણ કાંટો હાંફતો હાંફતો મૂળ આંક પર જ જઈને ઊભો રહે ને આ બિચારા જીવ નિરાશ થઈ જાય. વજનકાંટાને ઊંચકીને બહાર ફેંકી દેવાનો વિચાર દરેક વખતે આવે પણ વજનકાંટાની કિંમત યાદ આવે એટલે ઢીલા પડી જાય. એમણે મેજર ટેપ પણ ખરીદી છે. દિવસમાં એકાદવાર મેજર ટેપ લઈને પેટની ગોળાઈ માપે જ માપે. સંસ્કૃત કવિઓને અર્ધી માત્રા મળી જતી તોય એમને પુત્ર જન્મ જેટલો આનંદ થતો એમ કહેવાય છે. અમારા મિત્રના પેટની ગોળાઈ અર્ધો ઇંચ પણ ઓછી થાય તો એમને પણ પુત્રજન્મ જેટલો આનંદ થાય પણ આવો આનંદ એમના નસીબમાં નહોતો. એમને થતું આ તો બાવાના બેય બગડે છે. ખવાતું-પિવાતુંય નથી ને શરીરમાં ઘટાડો પણ થતો નથી. એમાં વિશાળ ફાંદને કારણે બચી ગયેલા માણસની વાત એમના વાંચવામાં આવી અને ડાયેટિંગ બંધ કરવાનું સજ્જડ બહાનું એમને મળી ગયું.

અત્યારે મિત્રના હિસાબે ને જોખમે ખાનગી પાર્ટીઓ ચાલી રહી છે. ઘરનાંઓનો મત કેળવવા તેઓ પ્રયત્નશીલ છે. ભારત જેમ વિશ્ર્વના વગદાર દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે તેમ અમારા મિત્ર મારા જેવા એમના મિત્રો દ્વારા ડાયેટિંગ છોડી દેવા પોતાના પર સખત દબાણ થઈ રહ્યું છે તેવું ઘરનાંઓને લાગે તેવો તખ્તો ગોઠવી રહ્યા છે. જુદા જુદા મિત્રો એમને ઘેર જઈ, ઘરનાંઓની હાજરીમાં, ડાયેટિંગ છોડી દેવા એમના પર દબાણ કરે એવું ટાઇમટેબલ એમણે ગોઠવ્યું છે. ‘મિત્રોના દબાણ આગળ ઝૂક્યા વગર છૂટકો નથી.’ એવું મિત્ર ઘરનાંઓ સમક્ષ કહ્યાં કરે છે. ઘરનાંઓ પણ ઢીલાં પડ્યાં છે, એમ મિત્ર કહે છે, અથવા તો એમને એવું લાગે છે. થોડા જ વખતમાં મિત્રના ઘેર ‘ડાયેટિંગ સમાપ્તિ’ના માનમાં એક ભવ્ય પાર્ટી યોજાશે એવી આશા અમે મિત્રો સેવી રહ્યા છીએ.

Source- http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=235930

શ્રી રતિલાલ બોરીસાગરનો પરિચય -સૌજન્ય ..ગુજરાતી પ્રતિભા પરિચય

               શ્રી રતિલાલ બોરીસાગર

પરિચય વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

ગુજરાતી પ્રતિભા પરિચય 

શ્રી રતિલાલ બોરીસાગર – એક મુલાકાત-ભાગ-૧

શ્રી રતિલાલ બોરીસાગર-એક મુલાકાત- ભાગ-૨.

 

1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી ૭૭ વર્ષીય સન્મિત્ર શ્રી હરનીશ જાની એક નીવડેલ હાસ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતા છે.તાંજેતરમાં એમની તીરછી નજરમાંથી જોએલા અમેરિકા અને ભારતના અનુભવોના તારણમાંથી નિપજેલા હાસ્ય લેખોનું એમનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’” પ્રકાશિત થયું છે.

શ્રી હરનીશભાઈના હાસ્ય લેખોનાં પ્રથમ બે પુસ્તકો ” સુધન ” અને શુશીલા”વાચકોમાં ખુબ વખણાયાં છે.આ બન્ને પુસ્તકોને ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર/એવોર્ડ વિજેતા થયાં છે.એમનું આ નવું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’”પણ એવોર્ડ વિજેતા બને એવી આશા રાખીએ.

હરનીશભાઈ હજુ આવાં વધુ પુસ્તકો આપતા રહે અને સૌને હળવા બનાવતા રહે એવી શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખોના નવા પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ માંથી લીધેલો એક લેખ” વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્” નીચે વાંચો.

વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ ….. હરનિશ જાની

જ્યારે પણ આપણે ત્યાં લોકોની અંધશ્રધ્ધાની વાત નિકળે ત્યારે આપણે પશ્ચિમના દેશો અને વિજ્ઞાનની વાતો કરીએ છીએ. પરંતુ ધ્યાનથી જુઓ તો અમેરિકામાં પણ વ્હેમ અને અંધશ્રધ્ધાનો રાફડો ફાટ્યો છે. અમેરિકનો તો અમેરિકનો, તેમના પ્રેસિડન્ટ અને પોલિટીશીયનો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. હવે આ પ્રેસિડન્ટ પણ અંધશ્રધ્ધા અને વ્હેમોમાં માનતા હોય તો પછી રહ્યું જ શું?

સામાન્ય લોકોની વાત કરીએ , હું જે કલર કંપનીમાં કામ કરતો હતો. તેના પ્રેસિડન્ટ બોબ ઝેલર , કંપનીની બોર્ડ મિટીંગ હોય તો લાલ ટાય પહેરીને વર્ક પર આવે તેમને પોતાની લાલ ટાય શુકનિયાળ લાગતી.. બીજી બાજુ મારા જેવી વ્યક્તિ એ જાતના વ્હેમમાંથી છુટીને અમેરિકન રહેણી કરણી અને અમેરિકન વિચાર પધ્ધતિ અપનાવતી હતી. જ્યારે અમેરિકનોમાં એવા લોકો જોવા મળ્યા જે કાળી બિલાડી આડી ઉતરે તો અપશુકન માને . સામાન્ય નાગરિકની વાત છોડો. અમેરિકન પ્રેસિડન્ટ પણ વ્હેમીલા હોય છે.

પ્રેસિડન્ટ ઓબામા તો ગજવામાં જાત જાતના લટકણિયાવાળી લકી ચેઈન રાખતા. જેમાં દોઢ ,બે ઈંચની હનુમાનજીની મૂર્તિ પણ હતી. એમના પિતા ઈસ્લામ ધર્મમાં માનતા હતા. તેમનો ઉછેર પણ ઈસ્લામની છાયામાં થયો હતો. ઈસ્લામમાં તો વ્હેમનો પાર નથી. ઈસ્લામ જ કેમ? બધાં ધર્મોમાં અંધશ્રધ્ધાનો પાર નથી. ખરેખર તો એકની અંધશ્રધ્ધા તે બીજાની શ્રધ્ધા હોય છે.

જગત આખું ચમત્કાર પાછળ દોડે છે. જો કોઈ પથ્થર કે કોઈ ઝાડની ડાળીથી કોઈનો રોગ મટી જાય તો તે જગ્યા તિર્થસ્થાન બની જાય. ફ્રાન્સના લોર્ડસ્ ગામમા સામાન્ય છોકરી બર્નાડેટે (૧૮૪૪) એક ટેકરીની પાછળ મધર મેરીના દર્શન કર્યા અને તે લેડીના કહેવાથી આંગળીથી જમીન ખોતરી તો તેમાંથી ઝરણું ફૂટ્યું.પાછળથી એ ઝરણું , વ્હેળો બની ગયો. તેના પાણીથી લોકોના રોગ મટવા લાગ્યા. આજે પણ તે વ્હેળો છે ને લાખો લોકો ત્યાં રોગો મટાડવા આવે છે. રોગો કદાચ બીજા કારણે પણ મટતા હોય.પરંતુ લોકોના મનમાં તે વિષેની શ્રધ્ધા બેસી ગઈ છે. રોમન કેથોલિક ચર્ચે સિસ્ટર બર્નાડેટને સેંન્ટ (સંત)નો દરજ્જો આપ્યો. હવે તો કહેવાય છે કે એમના સ્મરણથી જ રોગો મટે છે.

બીજા એવા સેંટ લુઈસા ઓફ ફાતિમા થઈ ગયા. પોર્ટુગલના વિલેજ ફાતિમાની સીમમાં એક ટેકરી પર લુઈસા નામની એક ભરવાડની છોકરીને તેના બે પિતરાઈ ભાઈ બ્હેન સાથે ઘેટાં ચરાવતાં વર્જિન મેરીએ (૧૯૧૭માં) દર્શન દીધા હતા. તે ટેકરી આજે તો મોટી ચર્ચ બની ગઈ છે. અને ત્યાં લોકો પોતાના રોગો મટાડવા આવે છે. તો ક્રિશ્ચીયાનીટી તો આવી વાતોથી ભરી પડેલી છે. તો આ બધા ક્રિશ્ચીયન પ્રેસિડન્ટ તેમાં ન માનતા હોય તો જ નવાઈ.

પ્રેસિડન્ટ વિલીયમ મકેન્લિને શ્રધ્ધા કાર્નેશન નામના ફ્લાવર્સમાં હતી. તે પોતાના કોટમાં ખોસેલું રાખતા. જ્યારે ન્યૂ યોર્ક રાજ્યના બફેલો શહેરમાં ૧૯૦૨ના સપ્ટેમ્બરમા તેમનું લેક્ચર હતુ.તે માટે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે ઓડિયન્સમાં નાની છોકરીને પોતાનું કાર્નેશન આપી દીધું અને સ્ટેજ પર ગયા,ત્યાં જ તેમનું ખૂન થયું હતું . હવે આને શું કહેવાય ! જ્યારે નાના પ્રેસિડન્ટ બુશને વ્હાઇટ હાઉસના લિંકન બેડરુમમાં ભૂત દેખાતા હતા. તે અનુભવ તેમની દીકરી જેનાનો પણ હતો. અને સેકન્ડ વર્લ્ડ વોર વખતે લિંકન બેડરૂમમાં વિન્સ્ટન ચર્ચિલ રહ્યા હતા.ત્યાં તેમને લિંકનનું ભૂત દેખાયું હતું. પ્રેસિડન્ટ બુશ(નાના) ખૂબ ધાર્મિક હતા,તેમના સ્ટાફે તેમને ઓફિસમાં ઘણીવાર જિસસના ફોટા પાસે રડતા જોયા હતા. અને ઈરાક સામે વોરની શરુઆત તેમના ફાધર ( જિસસ)ના હુકમથી ચાલુ થઈ હતી.

એક મઝાની વાત.૧૮૪૦ના પ્રેસિડન્ટ હેરી હેરીસનને રેડ ઈન્ડિયનો સાથેની વોરમાં તેમનો નાશ કર્યો હતો ત્યારે રેડ ઈન્ડિયન ચીફે હેરી હેરીસનને શ્રાપ આપ્યો હતો કે દર વીસ વરસે અમેરિકન પ્રેસિડન્ટ ચાલુ ટર્મમાં જ મરશે .તો આ શ્રાપને ‘ટિતેકનો” કહેવાય છે. તો હેરી હેરીસન ૧૮૪૦માં ,૧૮૬૦માં ચૂંટાયલા પ્રે. લિંકન. મકેન્લિ૧૯૦૦માં, ,૧૯૬૦ માં જ્હોન કેનેડી અને ૧૯૮૦માં ચૂંટાયલા રેગન સાહેબ પર પણ ગોળી છુટી. હવે વાત એમ થઈ કે રેગનસાહેબના પત્નીએ પછી સાત વરસ સુધી રેગનસાહેબની કુંડળી જોન ક્વિગલી નામની મહિલા પાસે વંચાવડાવી છે.તે મહિલા દર અઠવાડિયે વ્હાઈટ હાઉસમાં આવતા. અને પ્રેસિડન્ટની બધી મિટીંગો એ જ્યોતિષી મહિલાના કહેવા પ્રમાણે ગોઠવાતી હતી.. અને એ મહિલા કહે તો જ રેગન સાહેબે વ્હાઇટ હાઉસની બ્હાર પગ મુકવાનો, અને કહેવાય દુનિયાના શક્તિશાળી દેશના લિડર.

આપણે વિચારીએ તો વાત કેટલી વાહિયાત લાગે છે. પણ આ હકિકત છે. પ્રેસિડન્ટ રેગન આ વાત પ્રેસમાં નકારી કાઢતા હતા. ઓબામાની સામે ઈલેક્શન લડનારા સેનેટર મકેઈન પણ ગજવામાં ઘસાયેલી પેની, નિકલ વિ. રાખે છે.જ્યારે પ્રેસિડન્ટ જિમી કાર્ટર યુ.એફ, ઓ. માં માનતા.તેમણે આકાશમાં ઉડતી રકાબી જોઈ હતી. ત્યારથી માને છે કે કોઈ બીજા પ્લેનેટ પર લોકો વસે છે. સારું થયું કે નાસાના વૈજ્ઞાનિકોને તે શોધવા ન મોકલ્યા. સેકન્ડ વર્લ્ડ વોર વખતના પ્રેસિડન્ટ રોઝવેલ્ટ ૧૩ના આંકડાથી ગભરાતા હતા. તો પ્રેસિડન્ટ ટૃમેન ગુડ લક ચાર્મ તરીકે ઘોડાના પગની નાળ–હોર્સ શુ –પોતાની વ્હાઈટ હાઉસની આફિસના બારણે લટકાવતા હતા.

હવે આપણે રાહ જોવાની કે ટ્રમ્પ સાહેબને કઈ શુકનિયાળ વસ્તુનો વ્હેમ છે. મારું માનવું છે કે ભગવાન અને ભક્તિની વાત કરતાં આપણે ચમત્કારો પાછળ દોડીએ છીએ. પછી જે આપણું કામ કરે તે આપણો ભગવાન. મુંબઈના હાજી અલીની દરગાહના ચમત્કાર માટે દરેક ધર્મના લોકો ધક્કામુક્કી કરતા જોવા મળે છે.

છેલ્લી વાત–

ભગવાનના એક ભક્તની કાર ખીણમાં પડી ગઈ.કાર પડતી હતી ત્યારે જ તેણે વચ્ચે ઉગેલા ઝાડની ડાળી પકડી લીધી .કાર પડી ખીણમાં અને ભક્તભાઈ લટકતા રહ્યા ડાળી પર. પછી રડતા અવાજે બોલ્યા,”હે પ્રભૂ, મદદ કરો.ઉપર કોઈ મારો અવાજ સાંભળે છે?” ત્યાં ગેબી અવાજ આવ્યો.”બેટા ડાળી છોડી દે. હું તને બચાવીશ મારા પર ભરોસો રાખ.” ભક્તને નીચે ખીણ દેખાઈ.અને ભક્તભાઈ બોલ્યા,” અરે,ઉપર કોઈ બીજુ છે?”

-હરનીશ જાની 

પુસ્તક પ્રાપ્તીસ્થાન :

ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ.પીન કોડ : 380 001

ફોન : (079) 221449660/22144663  

ઈ.મેઈલ : goorjar@yahoo.com

વેબ : gurjarbooksonline.com 

In USA… E mail. harnishjani5@ gmail.com

 

 હરનિશ જાની, Harnish Jani-પરિચય 

“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! ” 

Harnis Jani-3

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય 

1165 – મોટા માણસોની નાની વાતો ….. હાસ્ય પ્રસંગો ……. શ્રી શાહબુદ્દીન રાઠોડ

” મળ્યા જે જખ્મો એના તરફથી
અમારા તરફથી કવન થઈ ગયા.”

પ્રેરક જીવનમંત્ર  
“ Do you want to be a humorist?

Where are your tears?”

માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.

એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે કે  સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી.આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી.

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા.

સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું.

જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી.

શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં.

હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’

અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં.

શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો.

આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’

અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’

માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.

અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’

એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.

લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો.

પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં.

સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે.

પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતા. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છે ને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’

લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

 

શાહબુદ્દીન રાઠોડ …પરિચય …

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય

શાહબુદ્દીન રાઠોડ

શાહબુદ્દીન રાઠોડ ..Shaahbuddin Rathod 

1132 – ફેસબૂક છોડવી છે  … (હાસ્ય લેખ) … શ્રી મિલન ત્રિવેદી (હાસ્ય લેખ)

                            

મેં મારી વેલ્યૂ થતી માત્ર અને માત્ર ફેસબૂકમાં જોઈ છે. સાહેબ મારી એનિવર્સરી, બર્થડે કે મને તાવ આવ્યો છે એટલું લખું ત્યાં તો ફોન આવવા મંડે છે. બાકી આજ દિવસ સુધી માત્ર અને માત્ર તમારો હપ્તો ચડી ગયો છે ભરી જજો’, ‘આ વખતે ઇન્સ્યોરન્સ ભરવાનો છે કે નહીં’, ‘ઉછીના લઈ ગયો એ ક્યારે પાછા આપીશ?’ જેવા જ ફોન આવતા

 

 ફેસબૂક છોડવી છે  …. મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

તમને આમ તો ટાઇટલ જ અશક્ય લાગ્યું હશે. મેં ઘણાને સિગારેટ છોડતા, દારૂ છોડતા, પાન-માવા કે તમાકુ છોડતા જોયા છે, પણ આ નવું વ્યસન છોડતા નથી જોયા. આમ જૂઓ તો બંને વચ્ચે ઘણી સમાનતા છે. તમે સિગારેટ છોડી હોય અને ભલે ૬ મહિના કે ૧ વર્ષ ખેંચ્યું હોય પણ અચાનક જ શરૂ થઈ જાય એ રીતે જ ફેસબૂકમાં પણ એવું જોયું છે કે એકાઉન્ટ ડિએક્ટિવ કરીને ફરી શરૂ કરવાનો મૂડ બની જ જાય છે. અમારા ઘણા મિત્રો માટે તો એવી ઘટના બની છે કે જો કોઈ તેના વિશે પૂછે કે ‘ફલાણા ભાઈ શું કરે છે?’ તો જવાબ આપવો પડે કે ‘ભાઈ ફેસબૂક કરે છે.’

અમારા સમયમાં મિત્રો પાસેથી અપેક્ષા વગર પણ અનેક અપેક્ષાઓ પૂરી થઈ જતી, પણ અત્યારે એવી ઘટના બની છે કે જો તમે મિત્ર માટે જાનની બાઝી લગાવી દો એ ધ્યાનમાં ન આવ્યું હોય પણ ફેસબૂક પર લાઇક ન કર્યું હોય તો તમે જાણે તેની ગર્લફ્રેન્ડને પટાવીને લઈ ગયા હો તેવું દુ:ખ લાગે અને સંબંધો પૂરા થઈ જાય! ઘણીવાર ફેસબૂકનું મને એટલું લાગી આવ્યું છે કે વાત ન પૂછો.

લોકો વિદેશ ફરવા ગયા હોય તેના ફોટા એટલા બધા અપલોડ કરે અને એ પણ ન સમજે કે બીજાને ઘરબાર હોય. મારા વાઇફ પોતાના ફેસબૂકને જેટલું ચેક નથી કરતા એટલાં મારા ફ્રેન્ડ્સને ફોલોવ કરે છે એટલે તરત જ કહે કે ‘આ જૂઓ આ તમારા મિત્ર બે વર્ષમાં બીજીવાર સ્વિટ્ઝરલેન્ડ ગયા’ હવે એમને કોણ સમજાવે કે એક વાર તો ફોટા અપલોડ કરીને મિત્રએ પથારી ફેરવી જ છે અને રહી જાય તો આ ફેસબૂક મેમરી શેર કરીને ફરીથી પત્તર ખાંડે છે! તમે જ કહો કે આવા અન્યાય સામે એવો વિચાર આવે જ ને કે ફેસબૂક છોડી દેવું છે.

સેટિંગમાં જઈને એકાઉન્ટ ડિલિટ કરવા પર ક્લિક કરવા ગયો અને એક વિચાર આવ્યો કે સમજદાર માણસે એકવાર તો વિચાર કરીને પગલું ભરવું જોઈએ. આવા શુભ વિચારમાં પહેલો વિચાર એ આવ્યો કે ફેસબૂક પહેલા એક સમય એવો હતો કે મારો બર્થડે માત્ર અને માત્ર અમુક અંગત મિત્રોને યાદ રહેતો અને એ પણ એ માટે કે મેં તેનો બર્થડે યાદ રાખીને ઢોસો ખાધો હોય જે વસૂલ કરવાના દિવસની તે લોકો રાહ જોઈને બેઠા હોય પણ ફેસબૂક આવ્યા પછી કેટલાં બધા માણસોની વિશ આવે છે. મારું ઇનબોક્ષ એ દિવસે ચેક કરીને થાકી જવાય છે, ફોન અને મેસેજ પણ એટલાં આવે છે કે સાંજ સુધીમાં માથું ઊંચકવાનો સમય ન મળ્યો હોય. મારી આટલી ઇજ્જત છે એ મને ફેસબૂકમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી ખબર પડી. જો કે, એ માટે શરૂઆતના પ્રયત્નોમાં હું નિષ્ફળ જ રહ્યો હતો. મેં લગભગ ૫૦ છોકરીઓને ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ મોકલેલી અને ઇનબોક્ષમાં ફૂલડાઓ પણ મોકલેલા જેમાંથી ૨૦ વિનંતીઓનો સ્વીકાર થયો હતો અને સરવાળે એ ૨૦ છોકરાઓ હતા એ ખબર પડતા હું એ આઘાત પણ સહી ગયેલો! પણ સમય સાથે આજે ૫૦૦૦ મિત્રો સાથે હું સમૃદ્ધ માણસ છું.

મને સત્ય સ્વિકારવામાં કોઈ જ વાંધો નથી કે મેં મારી વેલ્યૂ થતી માત્ર અને માત્ર ફેસબૂકમાં જોઈ છે. સાહેબ મારી એનિવર્સરી, બર્થડે કે મને તાવ આવ્યો છે એટલું લખું ત્યાં તો ફોન આવવા મંડે છે. બાકી આજ દિવસ સુધી માત્ર અને માત્ર ‘તમારો હપ્તો ચડી ગયો છે ભરી જજો’, ‘આ વખતે ઇન્સ્યોરન્સ ભરવાનો છે કે નહીં’, ‘ઉછીના લઈ ગયો એ ક્યારે પાછા આપીશ?’ જેવા જ ફોન આવતા. ક્યારેક વળી પર્સનલ લોન વાળાના ફોન આવી જાય, પણ કોઈ કંપનીએ હજુ સુધી આપવાની હિંમત નથી કરી! સાલા રિક્ષાવાળાને હાથ ઊંચો કર્યો હોય તો પણ જાણે ભીખ માગતા હોય તેમ ‘આગળ’ કહીને નીકળી જતા, જ્યારે અહીં ફેસબૂકમાં ૨૦-૨૫ તો ૨૦-૨૫ લાઇક તો મળે છે.

આપણને વર્ચ્યૂલ તો વર્ચ્યૂલ ઇજ્જત માત્ર ફેસબૂકમાં જ મળે છે બાકી જો હું પોતે મારી પ્રોફાઇલ ચેક કરું અને મને જ ફેસબૂક રીક્વેસ્ટ મોકલું તો હું જ એસેપ્ટ ના કરું અને રીજેક્ટ જ ના કરું પાછું રીપોર્ટ સ્પામ પણ કરું.

ફેસબૂક પર કેટલી વસ્તુ સરળ કરી દે છે. તમારે દેશભક્તિ દેખાડવાની હોય એટલે ત્રિરંગા સાથે પિક્ચર ફેસબૂક જ તૈયાર કરી આપે. તમારે તો માત્ર એટલું જ સ્ટેટ્સ અપડેટ કરવાનું રહે કે આઇ લવ માય ઇન્ડિયા, જો આટલેથી ન પૂરું થાય તો ગૂગલ પર દેશભક્તિની થોડી શાયરીઓ સર્ચ કરી લેવાની અને એ પણ દીવાલ પર ટિંગાડી દેવાની પછી જૂઓ કે તમને દેશભક્ત ગણે છે કે નહીં! મારી સાથે તો એવી ઘટના પણ બની છે કે એકાદ આફ્રિકાની સરસ સુંદર છોકરીનું એકાઉન્ટ ખૂલ્યાને હજુ ૬ કલાક થયા હોય અને મને ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી ગઈ હોય. આવા સમયે મેં મારી જાત પર પ્રાઉડ લીધું છે અને ફેસબૂક પર માન થયું છે કે મને આટલો પ્રખ્યાત કરી દીધો. મારે એ પણ સ્વીકારવું પડે કે ફેસબૂકને લીધે મને એડ્વાન્સ વિશ કરતા આવડ્યું!

અમે તો આજ દિવસ સુધી જે તે દિવસે જ વિશ કરતા પણ હવે તરત ખબર પડી જાય છે કે આવતી કાલે જન્માષ્ટમી છે, દિવાળી છે કે કોઈનો શહીદ દિવસ છે. જો કે, મારાથી એક વખત એક દિવસ પહેલા વિશ કરવાની લાયમાં ૧૪ ઑગષ્ટના વિશ થઈ ગઈ હતી અને એક પાકિસ્તાનીએ થેંક યુ પણ લખ્યું હતું તો પણ ફેસબૂકને લીધે તહેવારોની મહત્તા વધી તો છે જ. તમને ફેસબૂક જૂના મિત્રો શોધવાની તક આપે છે. 

મને લાગે છે કે છોકરીઓ સ્મીતા રાવલ શાહ લખતી આ કારણોસર જ થઈ હશે કે જૂના લોકો શોધી શકે! તમે નહીં માનો કે હું જેટલો ફેસબૂક આવ્યા પછી દેખાવડો થયો છું એટલો તો ક્યારેય નહોતો. મેં ફેસબૂક પરથી રૂબરૂ મળેલા જેટલા મિત્રો જોયા છે તેમાં નિરાશ જ થયો છું એટલે મને પણ ફોટોશોપ શીખવાડવાનો ઉપકાર માનતા મારે રખે ને ચૂકવું ન જ જોઈએ. જો આધાર કાર્ડને ફેસબૂક સાથે લીંક કરવામાં આવે તો ચોક્કસ કહું કે લીંક સાથે લીંગ પરિવર્તન પણ જોવા મળે અને ૫૦૦૦ મિત્રોની સંખ્યા તરત જ ૨૦૦૦ મિત્રોએ પહોંચી જાય, પણ ફેસબૂક છે કે જે મિત્ર સંખ્યામાં વધારો કરે છે. 

મારો હાથ ધ્રૂજવા લાગ્યો, કાળજુ કંપવા લાગ્યું, હૃદયમાં તોફાન ઊઠી ગયું કે મિલન, તું આટલો નફ્ફટ કેમ બની શકે કે આટલાં ફાયદા તારા જીવનમાં આપનાર ફેસબૂકના એકાઉન્ટને તું આમ ડિલિટ ન કરી શકે. ના.. મિલન ના.. અને આખરે મારા આત્માનો અવાજ મારે સાંભળવા મજબૂર થવું પડયું! તમે લોકો આ લેખ વાંચી લો ત્યાં સુધી હું થોડા પુરુષ મિત્રોને અનફ્રેન્ડ કરી લઉં કેમ કે નવી મિત્રો માટે જગ્યા તો કરવી પડશે ને? બાકી તમને મારા જેવો ક્યારેય વિચાર આવે તો તમે સેક્ધડ થોટ લેવા નહીં જતા નહિતર આ પારાની પહેલી બે લાઇન જેવો તમારા અત્માનો પડકાર આવશે અને તમે પણ મારી જેમ નવી પ્રોફાઇલ્સ શોધવા લાગશો. 

સૌજન્ય ..મિલન ત્રિવેદી , મુંબઈ સમાચાર.કોમ

1115- શેર બજાર એટલે ” વાનરો વેચવાનો વેપાર … મંકી બીઝનેસ !”

આજની ઈ-ટપાલમાં શિકાગો નિવાસી મારા હાઈસ્કુલ સમયના મિત્ર ડો.દિનેશ સરૈયાએ શેર બજાર વિષેની ટૂંકી માહિતી મોકલી આપી છે એ વાંચવા જેવી છે.

                                શેરબજાર 

શેરબજાર એટલે અંધારામાં ભૂસકો મારવાની કળા  .

અહીં વાયર ઉપર એક કાગડો બેસે એટલે બધા કાગડાઓ બેસી જાય   …

….અને એક કાગડો ઉડે એટલે બધા કાગડાઓ ઉડી જાય.

       
શેરબજારના લોકો આને “વક્કર” કહે છે.

અહીં છીંક કોઈ ખાય અને તાવ બીજાને આવે છે .

અહીં બુધ્ધિશાળીઓ પૈસા મૂકે છે અને મૂર્ખાઓ કમાઇ જાય છે .

અહી કામ કરનારા કરતાં સલાહકારો વધારે છે.

મુકેશ અંબાણી કરતાં રીલાયન્સ વિષે વધારી જાણકારી અને ચિંતા તેના 5 શેર લેનારા રાખે છે.

STOCK MARKET…વાસ્તવિકતા
 શેરબજારની લાક્ષણીકતા …

જો ખરીદશો તો ઘટશે ..
જો વેચશો તો વધશે ..
જો સ્ટોપલોશ રાખશો તો પાસ થશે …
જો પ્રોફીટબુક કરશો તો અફસોસ થશે …
જો લોસ બુક કરશો તો પસ્તાવો થશે ….
જો કંઇ જ નહી કરો તો હું જ રહી ગયાની લાગણી થશે …
તો કરવુ શુ … ??

😜😜😊😊😔😔

શેર બજાર વિષેની આ ઈ-મેલ વાંચી, કેરો નિવાસી પણ મૂળ અમદાવાદી મિત્ર શ્રી મુર્તઝા પટેલનો શેર બજારને લગતો એમના બ્લોગ – ”નેટ પર વેપાર, ગુજરાતીમાં” વાંચેલો એક ખુબ જ મજાનો ” વાનરો વેચવાનો વેપાર એટલે……” યાદ આવી ગયો.

આ લેખમાં વાનરોના વેપારની બોધ કથા મારફતે એમણે એમની હળવી શૈલીમાં સમજાવી દીધું છે કે શેર બજાર એટલે વાનરો વેચવાનો વેપાર ! – યાને કે ” મંકી બીઝનેસ ”

એમના જ શબ્દોમાં -જ્યાં ”ભાગ”ની વાતે ભાગવું પડે તેવા વાનરો વેચવાનો વેપાર એટલે ”શેર”માર્કેટ !”

આ હળવો લેખ-બોધ કથા – શ્રી જીગ્નેશ અધ્વર્યુના જાણીતા બ્લોગ અક્ષરનાદમાં પણ પ્રગટ થયેલ છે. આ બે મિત્રોના આભાર સાથે આ લેખને નીચેની લીંક પર ક્લિક કરીને માણો.

”વાનરો વેચવાનો વેપાર એટલે …..શ્રી મુર્તઝા પટેલ  

સૌજન્ય – શ્રી  મુર્તઝા પટેલ..બ્લોગ ..”નેટ વેપાર,  ગુજરાતીમાં.

 

( 1000 ) અમેરિકન બોલી–અમેરિકામાં…….. હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના હાસ્ય-કટાક્ષ મિશ્રિત લેખો સુરતના અખબાર ગુજરાત મિત્રમાં દર બુધવારે” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” કોલમમાં નિયમિત પ્રકાશિત થાય છે.મોટા ભાગના એમના લેખો અમેરિકાના જન જીવન ઉપર આધારિત હોય છે.

ગુજરાત મિત્રના તારીખ ૧૧મી જાન્યુઆરી ૨૦૧૭ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી હરનીશભાઈનો એક લેખ “અમેરિકન બોલી–અમેરિકામાં” એમના અને ગુજરાત મિત્રના આભાર સાથે વિનોદ વિહારની આજની ૧૦૦૦ મી પોસ્ટમાં મુક્યો છે.

હરનીશભાઈ લગભગ ચાર દશકાથી અમેરિકામાં વસે છે એટલે અમરીકન જન જીવનનો એમને સુંદર જાત અનુભવ છે.એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષા વિષે એમણે પ્રકાશ પાડ્યો છે.

જેમ ગુજરાતી ભાષા વિષે કહેવાય છે કે બાર ગાઉ બોલી બદલાય એમ અમેરિકામાં પણ જુદા જુદા રાજ્યોમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચારની લઢણમાં થોડો થોડો ફેર જણાતો હોય છે.અમેરીકા આવતા ભારતીયોને શરૂઆતમાં અહી બોલાતી ઈંગ્લીશ ભાષા સારી રીતે સમજવામાં થોડો સમય લાગે છે પણ પછી વાંધો નથી આવતો.હરનીશભાઈએ એમની આગવી હળવી શૈલીમાં લખેલ એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષાની ઉપયોગી માહિતી આપી છે એ જરૂર વાંચવી ગમશે.

શ્રી હરનીશભાઈના ગુજરાત મિત્રમાં અને અન્યત્ર પ્રગટ ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયા છે એને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

વિનોદ પટેલ

અમેરિકન બોલી–અમેરિકામાં ….. હરનિશ જાની

મારા સસરાજીના એક મિત્રના જમાઈ અમેરિકા આવવાના હતા. ત્યારે તેઓ બન્નેને ચિંતા હતી કે જમાઈનું અમેરિકામાં શું થશે? જમાઈએ તો ગુજરાતી વિષયમાં આર્ટસની ડિગ્રી લીધી હતી. તેમને અંગ્રેજી જરાયે આવડતું નહોતું પણ મોટા ભાઈની સિટીઝનશીપ પર તેમને અમેરિકન વીઝા મળ્યો હતો. ત્યારે હું ભારત ફરવા ગયો હતો. બન્ને મુરબ્બીઓએ મને અમેરિકામાં બોલાતા ઈંગલીશ માટે સવાલો પૂછ્યા. મેં તેમને સમજાવ્યું કે જમાઈએ કયા પ્રકારની નોકરી કરવી છે. તેના પર આધાર રાખે છે. લેબર જોબ કરવો હોય તો જીભ ન ચાલતી હોય તો ય કામ ચાલશે. પરંતુ ગવર્મેન્ટ જોબ કે કોઇ શૈક્ષણીક સંસ્થામાં નોકરી કરવી હોય તો સાચું અને ચોખ્ખું અંગ્રેજી બોલવું પડે. આજકાલ તો ભારતીયોના સ્ટોર અને બિઝનેસીસ એટલા બધા છે કે અંગ્રેજીનો શબ્દ પણ ન આવડતો હોય તોય પૈસા કામાવાય. છેવટે કશું ન આવડતું હોય તો પણ કોઈ હિન્દુ મંદિરમાં ભગવાનને શરણે ગોઠવાઈ જાય તોય ઉધ્ધાર થઈ જાય. ભગવાન તો અંતર્યામી છે. એ તો કોઈપણ ભાષા બોલ્યા સિવાય મનની વાત જાણી લે છે. અહીંના કેટલાય ઈમિગ્રંટસ્ અમેરિકન ને ‘હી ડોન્ટ નો નથીંગ ‘ બોલતા સાંભળ્યા છે. ત્યારે મને મારી વાત સાચી લાગી છે.

એક જમાનો હતો કે અમેરિકા આવતા સ્ટુડન્ટે પોતાને ઈંગ્લીશ ભાષા આવડે છે તે સાબિત કરવા ટોફેલનો જુદો ટેસ્ટ આપવો પડતો હતો. તે ટેસ્ટના માર્ક્સને આધારિત તેમને અહીંની કોલેજોમાં એડમિશન મળતું. હું ૧૯૬૯માં સ્ટુડન્ટ હતો. મેં ટોફેલની પરિક્ષા તો આપી હતી. એટલું જ નહીં પણ અમેરિકનોની દિનચર્યા પર યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફર્મેશન સર્વિસીસમાં ફિલ્મ પણ જોઈ હતી. અને અહીં મ્હોં ખોલ્યા સિવાય ફોર્ક–નાઈફથી કેવી રીતે ખાવું તે પણ બતાવવામાં આવ્યું હતું. આ એક જાતની અમેરિકા આવતાં પહેલાંની તૈયારી જરુરી હતી. એક જાતનો કોર્ષ હતો.

સૌ પહેલાં આવતા સ્ટુડન્ટસ્ ને માટે કોઈ ગેરેન્ટી નહોતી એટલે આ બધાં ટેસ્ટ હતા. અરે, અમારે મેડિકલ એક્ષામ આપવી પડતી હતી અને એક્ષ રે પણ લેવડાવવો પડતો હતો. આજે કાયદા તેના તે રહ્યા છે. અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સિટીઝનના સગાં વહાલાં ટોફેલ બોફેલ વિના આવી શકે છે. યુનિ.માં ભણવું છે કોને? હવે આપણા લોકોનું કલ્ચર પણ બદલાઈ રહ્યું છે.

શરુઆતમાં આવતા સ્ટુડન્ટસ્ અમેરિકન કલ્ચર જાણતા હતા અને અમેરિકન સોસાયટીમાં ભળવા માંગતા હતા. અને બાળકોને પણ ઈંગ્લીશ આવડે તો સારું. એમ સમજીને તેમની સાથે ઈંગ્લીશમાં બોલતા. હવે ભારતીયો વધી ગયા છે. જે અદરો અંદર ગુજરાતી, હિન્દી, પંજાબીમાં કામ ચલાવે છે. એટલું જ નહીં પણ આપણું કલ્ચર બધે પ્રસરાવે છે. જેવું કે–પાન ખાઈને જ્યાં ત્યાં થુંકવું, જાહેર જગ્યાએ મોટે મોટેથી વાતો કરવી. દરેક વાતમાં ભાવ તાલ કરવા. વિ. વિ. એટલે અમેરિકન ઈંગ્લીશ પણ ભારતીય લઢણમાં બોલે છે.

હવે અમેરિકા દેશ ખૂબ મોટો છે. તેમાં દુનિયા આખીના લોકો વસે છે. વસે છે એટલું જ નહીં દરેક જણ સાથે પોત પોતાનું કલ્ચર લાવે છે. અને તેને લીધે અમેરિકન કલ્ચર વધુને વધુ વિકસે છે– ખીલે છે. બીજા કશાની વાત ન કરીએ અને ફક્ત ન્યૂ યોર્ક શહેરની જ વાત કરીએ તો ન્યૂ યોર્કમાં લિટલ ઈટાલી નામનો લત્તો છે.ન્યૂ યોર્કમાં જ વેસ્ટ ઈન્ડિઝના કરેબિયન આઈલેન્ડઝ્ના લોકો, પોલેન્ડના લોકો, આઈરીશ નેબરહુડ (લત્તો) પણ છે.આવા દરેક જુદા જુદા એરીયા મળે. ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ પર લિટલ ઈન્ડિયા છે. જ્યાં તમને સાડી અને ધોતિયાં દેખાય. અને ધ્યાનથી સાંભળો તો ચરોતરી બોલતા મંગરા માસી પણ સંભળાય.

ન્યૂ યોર્કના ક્વીન્સ એરિયામાં સેન્ટ્રલ અમેરિકાના સ્પેનિશ બોલતા લોકો રહે છે. હવે આ બધી પ્રજા પોતાની લઢણમાં ઈંગ્લીશ બોલે છે. જે તેઓને અંદરો અંદર સમજાય છે. બીજી પ્રજાને તેમાં ગરબડ થાય છે. મારા પોલેન્ડના મિત્રો ઘરમાં પોલિસ ભાષા બોલે છે. ઈટાલીયનો ઘરમાં ઈટાલિયન ભાષા બોલે છે અને યુરોપમાં રમાતી ફૂટબોલની મેચો જુએ છે. તો સવાલ થાય કે અમેરિકન ઈંગ્લીશ કેવું? અને કોણ બોલે છે?

કોઈ પણ નેશનાલિટી હોય પણ તેમની ચોથી પાંચમી પેઢી પછી તેમની ભાષા અને ખરું અમેરિકન રૂપ લે છે. અને ખરા અમેરિકન બને છે. પરંતુ ભાષા પાછળ બીજા પરિબળો કામ કરે છે. તેમાંનું એક તે આ વિશાળ દેશની ભૂગોળ– જો દરેક સ્ટેટની વાત ન કરીએ અને ફક્ત દિશા પ્રમાણે જોઈએ તો સાઉથના અમેરિકનો વાતો કરતા હોય તો આપણને તે ગાતા હોય એમ લાગે, દક્ષિણના રાજ્યો ધાર્મિક બહુ. ઘણી બધી ચર્ચો ત્યાં છે. તે રાજ્યોને બાયબલ બેલ્ટ કહેવાય છે. એટલે તેમના અવાજમાં લ્હેકા હોય છે. ન્યૂ યોર્કમાં ત્રીસ વરસ રહ્યા પછી , હું વર્જિનીયામાં રહ્યો છું. ત્યાંના લોકો મારા ન્યૂ યોર્કના ઉચ્ચારો પકડી પાડતા. શરુઆતમાં મને અમેરિકન ગાયનો નહોતા ગમતા પણ પછી દક્ષિણના ગાયકો–જ્હોની કેસ– કેની રોજર્સ–ગ્લેન કેમ્બલ–ડોલિ પાર્ટનના ગીતો ગમવા માંડ્યા. તેમના ગીતોમાં મને હિન્દી ગાયનો સંભળાતા. પછી મેં બીજીઝ– જેક્શન ફાઈવ(માયકલ જેક્શન)ના સંગીત વસાવ્યા. અને મારી જેમ બોલિવુડના બીજા મ્યુઝિક ડાયરેક્ટરો બપ્પી લહેરી અને અન્નુ મલિક જેવાને પણ સંભળાવા લાગ્યા.

ટેક્ષાસમાં વળી જુદા ઉચ્ચાર. આફ્રિકન અમેરિકનોના જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ. ૮૦ના દાયકામાં તેમણે ગોરા અમેરિકનોથી જુદા પડવા ફોનીક્ષ –જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ ચાલું કર્યું હતું પરંતુ બિલ કોસ્બી–જેસી જેક્સનઅને બીજા બધા કાળા લિડરોએ સમજાવ્યું કે આપણે જો ગોરા અમેરિકનોની સાથે બિઝનેસ કરવો હોય તો તેમના જેવું ઈંગ્લીશ બોલો. અને ભણો. આજે ગોરા કાળાના ભેદભાવ વિના સૌ અમેરિકનો છે. તેમ છતાં આજે અમેરિકામાં સેંકડો ઉચ્ચારોવાળું ઈલીશ બોલાય છે.

હા, એક વાત કહેવી પડશે કે બ્રોડકાસ્ટિંગના–રેડિયો અને ટી.વી.ના એનાઉન્સરોના ઉચ્ચારો સીધા એક સરખા હોય છે. તેમ છતાં કેટલાક અપવાદો જરૂર હોય છે. હું તેને સાચું અમેરિકન ઈગ્લીશ ગણું છું. પછી તે ટીવી એનાઉન્સર જાપાનીઝ હોય, ભારતીય હોય કે આફ્રીકન અમેરિકન હોય. પરંતુ સૌ સરખા ઉચ્ચારોવાળું અમેરિકન ઈંગ્લીશ બોલે છે.

છેલ્લી વાત–

એક નાના શહેરમાં એક દાનેશ્વરી એ ગાંડાની હોસ્પીટલમાં સ્વીમીંગ પુલ બનાવવા માટે દાન કર્યું .દર્દીભાઈઓના મનોરંજન માટે તેની જરૂર હતી. વરસ પછી તે દાનેશ્વરીએ હોસ્પીટલના ડાયરેક્ટરને ફોન કર્યો કે “સ્વીમીંગ પુલનું કામ કેટલે આવ્યું? ‘ ડાયરેક્ટરે જણાવ્યું પુલ બની ગયો છે. અને દર્દીભાઈઓ એનો લાભ ઊઠાવે છે. તો દાનેશ્વરીએ ગભરાઈને પૂછયું કે‘ કોઈ ડૂબી જશે એવો તમને ડર નથી લાગતો?‘ તો ,ડાયરેક્ટરે શાંતિથી જવાબ આપ્યો કે “ના અમને એવો ડર નથી. સ્વિમીંગ પુલમાં હજુ પાણી જ નથી ભર્યું.!”

-હરનીશ જાની 

સંપર્ક :

Harnish Jani

4, Pleasant Drive, Yardville, NJ08620

Email harnishjani5@gmail.com.

Phone 609-585-0861

પરિચય 

Harnish Jani-3

 હરનીશ જાની …..સૌજન્ય….ગુજરાતી  પ્રતિભા  પરિચય