અત્યંત ગરીબ છોકરીએ દેશનું નામ રોશન કર્યું! સુખનો પાસવર્ડ-આશુ પટેલ
રમતગમતક્ષેત્રે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારી હિમા દાસની અનોખી જીવનકથા વાચકો સાથે શેર કરવી છે.
૯ જાન્યુઆરી, ૨૦૦૦ના દિવસે આસામના નાગાવ જિલ્લાના ઢિંગ શહેરની નજીકના કંધુલીમારી નામનાં નાનકડાં ગામમાં રંજિત અને જોનાલી દાસના ઘરે જન્મેલી હિમા દાસ તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેનાં માતા-પિતા ખેતી કરતાં હતાં. હિમાનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને માટી અને ઈંટોથી બનાવેલા ઘરમાં રહેતું હતું. તે માત્ર ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેના પિતાને ખેતરના કામમાં મદદરૂપ બનવા લાગી હતી. તે તેના પિતાની સાથે ખેતરમાં જતી હતી અને ખેતરમાં બધાં પ્રકારનાં કામ કરતી હતી. તે ઘણી વખત તેના પિતાને કહેતી કે તમે આરામ કરો. હું ખેતરનું કામ સંભાળું છું. તો ખેતરમાં ચોખાનું ઉત્પાદન થાય એને ઘરે પહોંચાડવા માટે પણ તે તનતોડ મહેનત કરતી હતી. ખેતરમાં તૈયાર થયેલા ચોખા ઘરે લઈ જવા માટે તેના કુટુંબ પાસે કોઈ વાહન નહોતું એટલે તે ચોખાની ગુણીઓ સાઈકલ પર લઈ જઈને ઘર સુધી પહોંચાડતી હતી.
હિમાનાં માતા-પિતાને પણ સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ હતો એટલે તેઓ તે નાની હતી ત્યારથી જ તેને રમતગમતક્ષેત્રમાં રસ લેવા પ્રેરણા આપતાં હતાં. હિમાને સ્કૂલનાં શરૂઆતનાં વર્ષોમાં ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું. તે તેની સ્કૂલમાં છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી. તે ફૂટબોલ પ્લેયર તરીકે કરીઅર બનાવવા ઈચ્છતી હતી, પરંતુ તે થોડી મોટી થઈ એ પછી તેને લાગ્યું કે ભારતમાં મહિલાઓ માટે ફૂટબોલની રમતમાં અવકાશ નથી. એ દરમિયાન તેને એક ટીચરે સલાહ આપી કે તું દોડવાની પ્રેક્ટિસ કર. તું દોડની સ્પર્ધામાં ઊતરીશ તો તું ઘણી આગળ નીકળી શકશે. એટલે તેણે દોડવીર બનવાનું નક્કી કર્યું.
હિમાએ દોડવીર બનવાનું નક્કી કર્યું એ પછી તે રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તેના પિતાની સાથે દોડવા જતી હતી. જો કે પછી એક સમય એવો આવ્યો કે ક્યારેક તેના પિતા ચાર વાગે ઊઠે તે અગાઉ જ દોડવા માટે જતી રહી હોય! હિમા તેના પિતા સાથે વહેલી સવારે ઊઠીને દોડવા જતી ત્યારે સ્વાભાવિક રીતે તેના નાનકડા ગામમાં દોડવા માટે ટ્રેકની સુવિધા નહોતી. તેઓ ગામની બહારની ઊબડખાબડ જમીન ઉપર કે ખેતરોમાં દોડતાં હતાં. જોકે એવી સ્થિતિમાં પણ હિમાનો ઉત્સાહ ઓછો થયો ન હતો.
હિમા કિશોરાવસ્થાથી જ બીજી છોકરીઓ કરતાં જુદી પડવા લાગી હતી. તે જ્યારે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના એક સહાધ્યાયીની તબિયત લથડી હતી એ વખતે તે તેને ઊંચકીને સ્કૂલથી હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી. તેણે તેના ગામમાં દેશી દારૂ વેચાતો બંધ કરવા માટે દેશી દારૂનાં પીઠાઓ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. તેણે અન્ય મહિલાઓ સાથે મળીને દારૂનો ધંધો કરતા ખેપાનીઓને ગામમાં દારૂ વેચવાનું બંધ કરી દેવા ચેતવણી આપી હતી. પરંતુ દારૂ વેચવાનો ધંધો કરનારાઓએ તેની વાત માની નહોતી. એ પછી જ્યારે તેને ખબર પડતી કે તેના ગામના અમુક માણસો દારૂ વેચી રહ્યા છે ત્યારે તે મહિલાઓની ટુકડી લઈને એ જગ્યાએ પહોંચી જતી. દારૂનું વેચાણ બંધ ન થયું એટલે હિમા ગામની છોકરીઓ અને મહિલાઓને ભેગી કરીને જ્યાં દારૂનું ઉત્પાદન થતું હતું એ દારૂની ભઠ્ઠી પર ધસી ગઈ હતી અને તેની
મહિલાસેનાએ દારૂની એ ભઠ્ઠી અને ત્યાં પડેલા દારૂના જથ્થાનો નાશ કરી દીધો હતો!
હિમા જ્યારે ઢિંગ નવોદય વિદ્યાલયમાં ભણવા માટે ગઈ ત્યારે સમસુલ હક નામના તેના એક શિક્ષકે તેને સલાહ આપી હતી કે તું નાગાવ જઈને ત્યાં સ્પોર્ટ્સ ટીચર ગૌરીશંકર રોયને મળ. હિમા તેના પિતા સાથે નાગાવ જઈને ગૌરી શંકર રોયને મળી હતી. તે તેના પિતા સાથે નાગાવનાં સ્ટેડિયમમાં જઈને રોયને મળી ત્યારે તેમણે તેને કહ્યું હતું કે મને દોડીને બતાવ. હિમાની દોડવાની ગતિ અને સ્ફૂર્તિ જોઈને તેમણે તેની ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટ ટીમ માટે પસંદગી કરી હતી. એ પછી હિમા દાસે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને માત્ર માત્ર તેર વર્ષની ઉંમરે પ્રથમ ગોલ્ડમેડલ જીતી લીધો હતો.
એ પછી તો હિમા ઝડપથી આગળ વધતી ગઈ. તે ટૂંક સમયમાં નેશનલ લેવલ પર રમવા લાગી હતી. નેશનલ લેવલ પર ઝળક્યા બાદ બહુ ટૂંકા સમયમાં તે ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળવા લાગી.
હિમાએ એપ્રિલ, ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો અને તે ફાઈનલમાં પહોંચી હતી જેમાં તેણે ૫૧.૩૨ મિનિટમાં ૪૦૦ મીટરની દોડ પૂરી કરી હતી. તે માત્ર ૧.૧૮ સેક્ધડના તફાવતથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. એ વખતે તેની અને ગોલ્ડ મેડલ વિજેતા બનેલી બોટ્સવાનાની અમાન્તલે મોન્ટ્શો વચ્ચે માત્ર એક પોઈન્ટ સત્તર સેક્ધડનો તફાવત હતો. જો કે થોડા મહિનાઓ બાદ ફિનલેન્ડના ટેમ્પેરમાં ૧૨ જુલાઈ, ૨૦૧૮ના દિવસે યોજાયેલી વર્લ્ડ અન્ડર ટ્વેેન્ટી ચેમ્પિયનશિપમાં તેણે ૪૦૦ મીટર દોડ સ્પર્ધા ૫૧.૪૬ સેક્ધડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ સાથે તે ભારતની પ્રથમ દોડવીર બની હતી જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય!
એ પછી બીજા જ મહિને હિમાએ ઍશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૨૬ ઓગસ્ટ, ૨૦૧૮ના દિવસે ૪૦૦ મીટરની દોડ ૫૦.૭૯ સેક્ધડમાં પૂરી કરીને નવો ઈન્ડિયન નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે તેણે સિલ્વર મેડલ જીતી લીધો હતો.
તેણે જુલાઈ, ૨૦૧૩માં યોજાયેલી અંડર-ટ્વેેન્ટી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત આસામ સરકારે તેને આસામની પ્રથમ બ્રાન્ડ ઍમ્બેસેડર ફોર સ્પોર્ટ્સ બનાવવાની જાહેરાત કરી હતી.
હિમાએ ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ કર્યો એ સાથે તેના આર્થિક સંઘર્ષનો પણ અંત આવી ગયો હતો. તેના પર ઈનામોની વર્ષા થઈ હતી. અને જગવિખ્યાત બ્રાન્ડ અડિડાસે એની જાહેરાતોમાં મોડેલ બનવા માટે હિમા સાથે તગડી રકમનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.
જો કે જ્યારે હિમા વિશ્ર્વવિક્રમ કરી રહી હતી ત્યારે તેના કુટુંબે પાડોશીના ઘરે જઈને તેને સ્પર્ધામાં ભાગ લેતા જોવી પડી હતી કારણ કે તેના ઘરમાં ટીવી નહોતું! હિમાનાં વતન એવા ખોબા જેવડા કંધુલિમારી ગામમાં માંડ સો જેટલાં કુટુંબો જ રહે છે. એ ગામ વિશે દેશમાં કોઈને ખબર નહોતી, પરંતુ હિમાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો એ સાથે તેનાં ગામમાં કેટલાય રાજકારણીઓ, પત્રકારો અને અન્ય ઘણા લોકો હિમાને મળવા માટે ધસી ગયા હતા. હિમા વર્લ્ડ રેકોર્ડ કરીને ગામ પાછી આવી ત્યારે ગામના લોકોએ એન્ટ્રી પોઈન્ટ પર બેનર સાથે ઊભા રહીને તેનું સ્વાગત કર્યું હતું.
હિમાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલ મેળવ્યો એ પછી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના દિવસે આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હાથે પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડ આપીને તેને સન્માનિત કરાઈ હતી. તો ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે યુનિસેફ દ્વારા તેને ભારતની સૌ પ્રથમ યુથ ઍમ્બેસેડર જાહેર કરાઈ હતી.
હિમાએ ‘મોન જય’ નામનું એક ગ્રુપ બનાવ્યું છે, જે લોકોને મદદરૂપ બનવા માટે આતુર રહે છે. જેનો અર્થ થાય છે કે ‘હું કરવા ઈચ્છું છું’ ૨૦૧૩માં ગામના છ ફ્રેન્ડની મદદથી તેણે આ ગ્રુપ શરૂ કર્યું હતું. ૨૦૧૬થી આ ગ્રુપની પ્રવૃત્તિઓ વેગીલી બની હતી. આ ગ્રુપ ઘણાં સામાજિક કાર્યો કરે છે. હિમા ઈન્ટરનેશનલ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજી આસામીઝ ઍથ્લેટ છે. તેની અગાઉ માત્ર એક આસામીઝ ઍથ્લેટ ભોગેશ્ર્વર બરુઆએ ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ એવૉર્ડ તેમણે બેંગકોકમાં ૧૯૬૬માં યોજાયેલી ઍશિયન ગેમ્સમાં મેળવ્યો હતો.
હિમાની નજર હવે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવા પર મંડાયેલી છે. હિમાની નાની બહેન રિન્તી પણ હિમાની જેમ દોડવીર બનવા માગે છે
‘ઢિંગ એક્સપ્રેસ’નાં હુલામણા નામથી મશહૂર બની ગયેલી ઍથ્લેટ હિમા દાસ દેશની સંખ્યાબંધ કિશોરીઓ અને યુવતીઓ માટે રોલ મોડેલ અને પ્રેરણાસ્ત્રોત સમી બની ગઈ છે. વ્યક્તિ નિશ્ર્ચય કરી લે તો અત્યંત વિષમ સ્થિતિમાં પણ પોતાનો રસ્તો કાઢીને અકલ્પ્ય સિદ્ધિ મેળવી શકે છે એનો પુરાવો હિમા દાસ છે.
વાચકોના પ્રતિભાવ