વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ૮૩ મા જન્મ દિવસ

1269 મારી ૮૩મી જન્મ જયંતીએ …. વિચાર મંથન/પ્રાસંગિક અછાંદસ રચનાઓ 

૨૦૦૮,જાન્યુઆરીમાં જન્મ દિવસે ગાંધી આશ્રમ.           અમદાવાદની મુલાકાત વખતે મહાત્મા ગાંધીજીની ”My Life is My Message ”લખેલ તસ્વીર સાથે મારા એક મિત્રએ ઝડપેલી મારી એક તસ્વીર 

 

વહાલાં મિત્રો/સ્નેહી જનો

સૌ પ્રથમ તો તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મારા ૮૩મા જન્મ દિવસે મને ફોન કરી,ઈમેલ, વોટ્સેપ વી.માધ્યમો દ્વારા દિલી શુભેચ્છાઓ પાઠવી મારા આ અગત્યના દિવસને ઉલ્લાસમય બનાવવા માટે સૌ મિત્રો અને સ્નેહીઓનો ખુબ આભાર વ્યક્ત કરું છું.દર વરસે જન્મ દિવસે આપના હુંફાળા સંદેશાઓથી મન પ્રસન્ન થઇ જાય છે.       

      રેસ્ટોરંટમાં પરિવાર જનો સાથે સમૂહ ભોજન

મિત્રો,

જિંદગીની જંજાળો વચ્ચે આપણું જીવન ચક્ર ચાલતું જ રહે છે. દરેક જન્મ દિવસે જીવનમાં એક વર્ષ ઉમેરાઈ જાય છે.જીતની બઢતી હૈ ઉતની હી ઘટતી હૈ યહ જિંદગી! અનુભવો અને યાદોની ગઠરીમાં અવનવું જીવન ભાથું બંધાતું જાય છે.પ્રભુ રૂપી કુંભાર એના સદા ફરતા રહેતા ચાકડા પર આપણા જીવનને અવનવા ઓપ આપતો રહે છે .

મારી નીચેની અછાંદસ રચનાઓને મારી જીવન સંધ્યાએ આજે જન્મ દિવસે થોડી મઠારીને મુકું છું જેમાં જિંદગી વિશેનું મારું પ્રાસંગિક ચિંતન જોવા મળશે.

ક્ષણો,ઘડીઓ,મીનીટો,કલાકો,દિવસો,મહિનાઓ,

વર્ષો વટાવતી,મારી જીવન યાત્રા ચાલતી રહી,

ખભે બેસનાર બાળકો,ક્યારે ખભા સુધી આવી ગયા,

બાળકોને ખભે લેતા થયા,એની પણ ખબર ના રહી.

આવીને ઉભો ૮૩ ના પગથારે,૮૨ વર્ષ પૂરાં કરી. 

કેટ કેટલું બની ગયું જિંદગીની નવરંગી રાહમાં

ચિત્રપટની જેમ સ્મૃતિ પડદે આજે દેખાઈ રહ્યું ! 

વધતી જતી જિંદગી સાથે મૃત્યુ સમીપ સરતું રહે,

ભૂલી એ બધું,પ્રેમથી ઉજવવી જ રહી વર્ષગાઠને.

વાંચવા જેવું લખવું યા લખવું ગમે એવું જીવવું,

એને બનાવી એક જીવન મંત્ર આજે જીવી રહ્યો,

પૂરો સંતોષ અને આનંદ છે જીવન યાત્રા થકી,

મિત્રો ઘણા બધા આવી મળ્યા જીવન પથમાં,

સ્નેહી જનોની હુંફથી જ જીવન રસ ટકી  રહ્યો,

જિંદગીની ઠોકરો,પ્રશ્નો અને ભૂલોએ શીખવ્યું ઘણું,

સુખ દુ:ખના પ્રસંગોથી ભરેલી હોય છે આ જીંદગી,

એવા વિચારોમાં મારી આજ મારે બગાડવી નથી,  

જીવનનો આજનો આનંદ ટકી રહે એ જ પ્રભુને પ્રાર્થના .

મારે મન જિંદગી શું છે ? 

રેત યંત્રની રેતીની જેમ સતત સરતી રહે જિંદગી,

હરેક પળે એના રંગો બદલતી જ રહે, આ જિંદગી,

સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,

ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.

 

મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,

પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજા લઈએ,

દરેક પળને મન ભરીને જીવી લેવાનું ના ભૂલીએ,

કેમકે જીવનમાં બધી તકો ફરી ફરી મળતી નથી. 

 

જીવન રાહમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે,

રોદડાં રડવામાં સમય ગુમાવવા ટૂંકી છે જિંદગી,

માટે જેવી પણ હોય જિંદગી, ખોટી ચિંતાઓ છોડી,

હસતા રહેવું, હાસ્ય એ જ ઔષધ છે જિંદગી માટે. 

થોડું લઇ લીધું તો ઘણું બધું આપ્યું પણ છે,પ્રભુ,

ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું ભાગ્ય શું ઓછું છે!

પાડ માનું પ્રભુ તારો,પડકારો ઝીલવાના બળ માટે,

ભાંગી પડી મનથી,ભાગી ના જાઉં,એવી હિમત માટે.

 

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ દેવો સહેલો નથી,

જો જવાબ ટૂંકમાં હું સમજાવું તો? જિંદગી શું નથી  !

 

જીવનની સફળતા શેમાં ? 

જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,

જીવનમાં જે આપ્યું એનાથી જ જિંદગી બની જાય છે,

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખીએ,

કદીક કોઈ એક હાથ દુખી જન તરફ પણ લંબાવીએ.

 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,

જ્યારે જઈશું ત્યારે બધું પાછળ મુકી જવાના છીએ,

જીવીએ છીએ ત્યારે કંઇક એવું કામ કરીને જ જઈએ,

લોકો યાદ કરે,જનાર જણ ખરે ખેલદિલ જીવ હતો!

સુખ – દુખ નું  કાવ્ય 

જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ

ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે

ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે

પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે. 

  

જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જણાય છે

ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.

સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે

જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે

દુખના અંધકારમાં આભમાં તારાઓ ટમટમે છે

તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે

સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે

દુઃખમાં તારાઓ  ભાવી સુખની પહેચાન છે .

 

જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે

સુખ યા દુખ  એ જીવન સિક્કાની બે બાજુ છે

 

સુખી થયા,ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.

દુખી થયા, શોક ના કરો,દુખ પણ કાયમી નથી. 

વિનોદ પટેલ 

 

મારી ૮૩ મી વર્ષ ગાંઠને અનુરૂપ મને ગમતી અન્ય લેખકો – કવિઓ રચિત રચનાઓ …

 ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ

 બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું.

ઉમાશંકર જોશી

 

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

રજની પાલનપુરી

(બક્ષી સાહેબના બક્ષીનામાના એક લેખમાંથી સ્વ.ને વંદન સાથે )

લહેર પડી ગઈ, યાર ચંદ્રકાંત બક્ષી

મારું મન

વિપરીત સ્થિતિમાં પણ

શાંત રહી શકતું હોય

 

હું ખડખડાટ

હસી શકતો હોઉં

અને

ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

 

મને ભૂખ

અને થાક

અને પ્યાસ

લાગી શકતાં હોય

 

મહારોગ

કે

દેવું ન હોય

 

મારું પોતાનું એક ઘર હોય

અને

એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી

ખાઈ શકતો હોઉં

 

ચાય ની ચૂસકી લેતાં લેતાં

શનિવારની સાંજે

મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને

જીવનના છેલ્લા દિવસ

સુધી બસ આટલું રહી શકે તો..

 

મરતી વખતે હું કહીશ..

લહેર પડી ગઈ, યાર !

ચંદ્રકાંત બક્ષી

શબ્દની આરપાર જીવ્યો છું……ગઝલ.. અમૃત ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું,

હું બહું ધારદાર જીવ્યો છું

 

સામે પુરે ધરાર જીવ્યો છું,

વિષ મહી નિરવિકાર જીવ્યો છું

 

ખુબ અંદર બહાર જીવ્યો છું,

ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

 

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ,

હું સદા બારોબાર જીવ્યો છું

 

મંદ ક્યારેય ન થઇ મારી ગતી,

આમ બસ મારમાર જીવ્યો છું

 

આભ ની જેમ વિસ્તર્યો છું,

સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

 

બાગેતા બાગ સુર્યની પેઠે,

આગમાં પૂરબહાર જીવ્યો છું

 

હું ય વરસ્યો છુ જીવનમાં,

હું ય બહુ ધોધમાર જીવ્યો છું

 

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ,

સર્વથા શાનદાર જીવ્યો છું

– ‘અમૃતઘાયલ

 

છેલ્લે, મને ગમતી ‘’અંકુશ’’ હિન્દી ફિલ્મની આ સુંદર પ્રાર્થના, એના પાઠ અને વિડીયો સાથે … 

इतनी शक्ती हमे देना दाता

Lyrics ..

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

हम चले नेक रस्ते पे हम से

भूलकर भी कोइ भूल हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

हम चले नेक रस्ते पे हम से

भूलकर भी कोइ भूल हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

दूर अज्ञान के हो अँधेरे

तू हमें ज्ञान की रोशनी दे

हर बुराई से बचते रहे हम

जितनी भी दे भली ज़िन्दगी दे

बैर हो ना किसी का किसी से

भावना मन में बदले की हो ना

हम ना सोचें हमें क्या मिला हैं

हम यह सोचे किया क्या हैं अर्पण

फूल खुशियों के बाँटे सभी को

सब का जीवन ही बन जाये मधुबन

अपनी करुना का जल तू बहा के

कर दे पावन हर मन का कोना

Itni Shakti Hame Dena Data || Tripty Shakya || Latest Devotional Video