વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મુક્તકો આસ્વાદ

( 984 )કવિતાના બ્લોગ લયસ્તરોના બારમા વરસે અભિનંદન ….. મુક્તકોનો આસ્વાદ

લયસ્તરો

ગુજરાતી કવિતાનો  સૌ પ્રથમ બ્લોગ 

લયસ્તરોને એના બારમા વર્ષ પ્રવેશે અભિનંદન

laystaro

લયસ્તરો બ્લોગ પર દર અઠવાડિયે પાંચ થી સાત કવિતાઓ મુકાય છે.ગુજરાતી કવિતાનો આ ખ્યાતનામ સૌ પ્રથમ બ્લોગ તારીખ ૪થી ડીસેમ્બરના રોજ એના ૧૨મા વર્ષમાં પ્રવેશ કરેલ છે એ શુભ પ્રસંગે ગુજરાતી કવિતાના ક્ષેત્રે સુંદર સેવાઓ આપવા માટે એના ઉત્સાહી સંપાદકો ને ખુબ ખુબ અભિનંદન.

લયસ્તરો બ્લોગ ભવિષ્યમાં પણ ખુબ પ્રગતી કરતો રહે એ માટે અનેક શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

લયસ્તરોના સંપાદકોનું નિવેદન

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

=======

મુક્તકોનો રસથાળ આ રહ્યો …..

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
– રમેશ પારેખ

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી

મૈત્રીવિષયક બે મુક્તકોથી યાદગાર મુક્તકોની શ્રેણીની શરૂઆત કરીએ…

કાવ્યપ્રકાર તરીકે મુક્તક કંઈ નવો પ્રકાર નથી. સંસ્કૃત, માગધી અને પ્રાકૃત ભાષામાં મૌક્તિક-મોતી-મુક્તક બે હજારથી પણ વધુ વર્ષોથી લખાતાં આવ્યાં છે. ગઝલના છૂટા શેરની જેમ જ મુક્તક પણ સ્વયંસિદ્ધ અને અર્થ બાબતમાં સ્વયંસંપૂર્ણ છે. મોતીની જેમ જ મુક્તક એટલે ગાગરમાં સાગર. બેથી માંડીને ચાર પંક્તિના ટૂંકા વિસ્તારમાં ધૂમકેતુની જેમ અર્થ્લિસોટો ભાવકના હૈયામાં છોડી જવા સક્ષમ હોય એને મુક્તક ગણાય.

મુક્તક શબ્દ મૌક્તિક આને મોતી પરથી ઊતરી આવ્યો હોવાનો એક મત છે મુક્તક શબ્દ ‘મુક્ત’ અટલે કે ‘છૂટું’ પરથી ઉતરી આવ્યો હોવાનો મત વધુ પ્રબળ છે. ઉર્દૂમાં મુક્તકને ‘કત્આ’ કહે છે. અરબી શબ્દ ‘કત્અ’ અર્થાત્ ‘કાપવું’ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. મુક્તકની પ્રાસરચના અ-અ-બ-અ, અ-બ-ક-બ અથવા અ-અ-અ-અ પણ હોઈ શકે. છંદ બહુધા ગઝલમાં વપરાતા જ પ્રયોજવામાં આવે છે.

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
http://layastaro.com/?cat=8

કવિઓ:કવિની રચનાઓ માણવા માટે કવિના નામ પર ક્લીક કરો.
http://layastaro.com/?page_id=3