વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

વિનોદભાઈના જન્મદિવસે….

ભલે ધરતી પર હયાત ન હોય, આપણા દિલમાં તો સદાકાળ રહેશે

ચહેરો – વલીભાઈ મુસા

ભલે વિનોદ ભાઈનો ચહેરો હવે માત્ર ફોટાઓમાં જ દેખાવાનો હોય… આપણા સૌના મિત્ર વલીભાઈનું ‘ચહેરા દર્શન’ ગમી ગયું. એ અહીં રજૂ કરતાં પહેલાં….

વિનોદભાઈનો ચહેરો મને સ્વર્ગમાં પણ મલકાતો દેખાણો !

જગતના મોટા ભાગના ધર્મોમાંથી સર્વસામાન્ય એવું ખૂબ જ સાદું અને છતાંય ગહન એક સમીકરણ મળશે કે માનવી = આત્મા + શરીર. આમ આત્મા અને શરીરનું સહઅસ્તિત્વ જ માનવીના જીવનને શક્ય બનાવે છે. આત્મા જ મુખ્ય અને સંપૂર્ણત: મુખ્ય છે. આત્મા એ શરીરનો માલિક છે, જ્યારે શરીર એ તો તેનું ચાકર છે. બીજા શબ્દોમાં, આપણે શરીરને આત્માના સાધન તરીકે ઓળખાવી શકીએ અને એ સાધન થકી જ આત્મા પોતાના જીવનના ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે.

આત્મા અને શરીરને પોષણની જરૂર પડતી હોય છે. શ્રદ્ધા(ઈમાન) અને નૈતિક શિસ્ત એ આત્માના આહાર સમાન છે. તે જ પ્રમાણે, શરીરને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી, હવા, આરોગ્યની કાળજી વગેરેની જરૂર પડતી હોય છે. આમ આત્મા અને શરીર બંને માટે સારી તંદુરસ્તી આવશ્યક બની જાય છે. માનવીએ એવા સજાગ રહેવું જોઈએ કે જેથી પોતાના આત્મા અને શરીર એમ ઉભય થકી પોતે બીમાર ન પડી જાય. જીવાતા જીવનમાં જો જરા પણ અસમતુલન આવી જાય તો માનવી પોતાના આત્મા અને શરીરના આરોગ્યની સમધારણ સ્થિતિને ગુમાવી બેસે છે અને એ બંનેના અધ:પતનને નિમંત્રે છે.

આત્મા અને શરીર સાથે સંબંધિત રોગો એકબીજાથી સાવ ભિન્ન છે. માનસિક અશાંતિ અને બૌદ્ધિક જટિલ ગ્રંથિઓ આત્માને બીમાર કરે છે, તો વળી ખોરાકની ટેવો અને તંદુરસ્તી પરત્વેની અજ્ઞાનતા શરીરને બીમાર કરે છે. આપણે આપણી જાતને આધ્યાત્મિકતાનાં ઊંચાં અને ઊંચાં શિખરો તરફ લઈ જવી હોય, તો આપણો આત્મા અને આપણું શરીર બંને સ્વસ્થ અને મજબૂત હોવાં જોઈશે. મનુષ્યજીવન અન્ય પ્રાણીઓના જીવન કરતાં શ્રેષ્ઠ છે. માનવી એ ઈશ્વરનું વિશિષ્ટ સર્જન છે અને તેણે તેના શિરે ઘણી જવાબદારીઓ નાખી છે કે જેમને તેણે ઉમદા કાર્યો અને સમર્પણની ભાવના સાથે પાર પાડવાની છે,

આમ ઈશ્વરની નજરમાં માનવીના જીવનનું એક મૂલ્ય છે. આ જીવનનો અર્થ એ નથી કે અન્ય પ્રાણીઓની જેમ આપણું મૃત્યુ ન આવે ત્યાં સુધી આપણે માત્ર જીવવું. ઈશ્વરે માણસને બૌદ્ધિક શક્તિ વડે મહા શક્તિશાળી બનાવ્યો છે. તેણે મનુષ્ય પાસે એવી અપેક્ષા રાખી છે કે તે પોતાના જીવનના અર્થ અને હેતુને સમજે. આધ્યાત્મિક ઉન્નતિ એ માનવજીવનનું પરમ લક્ષ છે. આધ્યત્મિક્તામાં ઈશ્વરને જાણવાની અને તેની નિકટતા પ્રાપ્ત કરવાની બાબતો સમાએલી છે. પરંતુ, ઈશ્વર સાથેની નિકટતાના સોપાનને સર કરવા માટેની નિસરણીનું પ્રથમ પગથિયું તો એ છે કે માનવી સૌથી પહેલાં પોતાની જાતને ઓળખી લે.

હવે, મારા સુજ્ઞ વાંચકોનું ધ્યાન ‘પ્રથમ પોતાની જાતને ઓળખવી અને પછી મહાન શક્તિશાળી ઈશ્વરને જાણવો’ એ બાબત ઉપર કેન્દ્રિત કરું છું. અહીં નીચે મારી એક ગુજરાતી ટૂંકી વાર્તા છે કે જેને તમે લલિત નિબંધમાં પણ વર્ગીકૃત કરી શકો છો. મારી વાર્તા ‘સહજ જ્ઞાન’ ની શૈલી તમને કદાચ રમુજી લાગશે, પણ તે વાર્તા તમને ચૂપચાપ તમારી કલ્પના બહાર તેના વિષયવસ્તુ અને તેના લક્ષની પરાકાષ્ઠાએ લઈ જશે. આ વાર્તાના વાંચન દરમિયાન તમને એવું લાગશે કે વાર્તાના અનામી પાત્રની સાથે ને સાથે તમે પણ એ આધ્યાત્મિક દુનિયામાં વિહરો છો.

હવે, આગળ વધો અને વાર્તાને માણો…..]

-વલીભાઈ મુસા

સહજ જ્ઞાન
ચહેરા ! માનવીઓના ચહેરા ! સાફસુથરા અને ખરડાયેલા ચહેરા ! નિખાલસ અને દંભી, નિર્દોષ અને ખૂની ચહેરા ! ત્યાગી અને ભોગી ચહેરા ! કરૂણાસભર અને લાગણીશૂન્ય ચહેરા ! સ્વમાની અને અભિમાની ચહેરા, વિવેકી અને ખુશામતિયા ચહેરા ! લટકતા ચહેરા, ટટ્ટાર ચહેરા ! લાલચુ અને દરિયાવદિલ ચહેરા ! વૃદ્ધ, યુવાન અને બાળકોના ચહેરા ! સ્ત્રીપુરુષના ચહેરા ! કાળા-ગોરા, રૂપાળા-કદરૂપા ચહેરા ! નેતાઓના ચહેરા, પ્રજાઓના ચહેરા ! ખેડૂત અને ખેતમજૂર, શેઠ અને ગુમાસ્તાઓના ચહેરા ! અભિનેતા-અભિનેત્રીઓના ચહેરા ! શીતળાના ડાઘવાળા ચહેરા ! ચીબાં કે ચપટાં નાકવાળા ચહેરા ! વિવિધરંગી આંખની કીકીઓ ધરાવતા ચહેરા ! અંધ ચહેરા ! પાતળા કે જાડા હોઠવાળા ચહેરા ! દાઢીધારી અને ક્લિનશેવ ચહેરા ! મૂછાળા ચહેરા ! પફપાવડરયુક્ત ચહેરા ! પરસેવાથી રેબઝેબ ચહેરા ! ચશ્માંધારી ચહેરા ! નાકકાન વીંધેલા ચહેરા ! અલંકૃત અને કુદરતી ચહેરા ! કપાળે રંગબેરંગી ચાંદલા અને કોરાં કપાળવાળા ચહેરા ! માતાઓ, પુત્રીઓ, ભગિનીઓ અને વનિતાઓના ચહેરા ! વિધવાઓના ચહેરા, વિધુરોના ચહેરા ! પિતા, પુત્ર, ભાઈ અને ભરથારોના ચહેરા ! સૌમ્ય અને રૂક્ષ ચહેરા ! હસતા-હસાવતા, રડતા-રડાવતા ચહેરા ! ગભરુ અને ડરપોક ચહેરા ! નીડર અને મક્કમ ચહેરા ! ચહેરા જ ચહેરા ! ચોતરફ, બસ ચહેરા જ ચહેરા ! ચહેરાઓનાં જંગલ, ચહેરાઓના મેળા, ચહેરાઓનાં પ્રદર્શન, ચહેરાઓનાં બજાર, ચહેરાઓનાં ખેતર, ચહેરાઓના પહાડ, ચહેરાઓના દરિયા, ચહેરાઓનું આકાશ ! અરે, ચહેરાઓનું બ્રહ્માંડ !

ચહેરાઓની ભીડમાં ભીંસાતો, લપાતો, ગુંગળાતો, ખીલતો, કરમાતો, બહુરૂપી-બહુરંગી મારો ચહેરો લઈને હું પણ ચહેરાઓની ભીડનો એક અંશ બનીને ભમી રહ્યો છું. મારી નજરે આવી ચઢતા એ ચહેરાઓને અવલોકું છું, વર્ગીકૃત કરું છું, પસંદ કરું છું, તિરસ્કૃત કરું છું, વારંવાર જોઉં છું, બીજી વખત જોવાથી ડરું છું !

હું દૃષ્ટા છું, ચહેરાઓ દૃશ્ય છે, મારાં ચક્ષુમાં દૃષ્ટિ છે. આસપાસના સઘળા ચહેરા મારાં ચક્ષુમાં ઝીલાય છે, છતાંય તેમની એક મર્યાદા છે ! મારાં ચક્ષુ મારા ચહેરાને જોઈ શકતાં નથી ! પરંતુ મારે મારો ચહેરો જોવો છે, મારે જાણવું છે કે કેવોક છે મારો ચહેરો ! મારે મારા ચહેરા વિષેનો અભિપ્રાય મેળવવો છે ! પણ સાચો અભિપ્રાય હું આપી શકીશ ? તાટસ્થ્ય જળવાશે ખરું ? હરગિજ નહિ ! તો પછી કોને પૂછું ? આયનાને પૂછું ? ના, કેમ કે તે પ્રતિબિંબ આપશે, અભિપ્રાય નહિ ! અભિપ્રાય તો મારે જ આપવાનો રહેશે. વળી એ પણ નિર્વિવાદ છે કે મારો અભિપ્રાય મને ભાવતો, મને ગમતો જ હશે ! મારે તો તટસ્થ અભિપ્રાય જોઈએ, સાચો અભિપ્રાય જોઈએ ! હું જાણવા માગું છું કે હું જે ચહેરો લઈને ફરું છું તે અસલી છે કે નકલી ? મારા મૂળભૂત ચહેરા ઉપર બીજા ચહેરાનું મહોરું પહેરીને તો હું નથી ફરી રહ્યો ! મૂળ ચહેરા ઉપર એક જ નવીન ચહેરો કે પછી એક ઉપર બીજો, ત્રીજો કે સંખ્યાબંધ ચહેરા છે ?

હું નીકળી પડું છું, મારા ચહેરા વિષેની પૂછતાછ કરવા ! સામે જે કોઈ આવે તેને પૂછતો જાઉં છું, નિ:સંકોચ પૂછી બેસું છું; મારી ડાગળી ચસકી ગયાની શંકા લોકો કરશે કે કેમ તેની પણ પરવા કર્યા સિવાય હું પૂછતો જાઉં છું.

પ્રારંભે હું મળ્યો, મારા ફેમિલી કેશકર્તકને ! જવાબ મળ્યો, મારી શૉપમાં આપ પ્રવેશો છો ત્યારે વધી ગએલી દાઢીના આવરણમાં આપનો ચહેરો મને સંપૂર્ણ દેખાતો નથી ! ત્યાર પછી તો વળી સાબુના ફીણમાં બધું જ ઢંકાઈ જાય છે ! અસ્ત્રાના બે હાથ ફરી ગયા પછી પણ મને આપનો ચહેરો દેખાતો નથી. મને તો માત્ર છૂટાછવાયા રહી ગયેલા વાળ માત્ર દેખાય છે ! મારું લક્ષ હોય છે – બસ; વાળ, વાળ અને વાળ ! માટે સાહેબ, આપના ચહેરા વિષે હું કશું જ કહી શકું નહિ ! સોરી ! તેણે ચાલાકીપૂર્વક મને હાથતાળી આપી દીધી ! પણ વળી છૂટા પડતાં તેણે મારા ઘરનું સરનામું બતાવી દેતાં મારા કાનમાં ફૂંક મારી, ‘સાહેબ, આડાઅવળા ભટકવા કરતાં ઘરવાળાંને પૂછી લો તો વધારે સારું, કારણ કે તમારે તેમનો સહવાસ વધારે !’

હું ઝડપથી ઘર તરફ રવાના થયો અને પ્રથમ ઘરવાળી અને પછી ઘરવાળાંને પૂછ્યું. બધાંએ જાણે કે સર્વાનુમતે ઠરાવ પસાર કરી દીધો હોય તેમ જવાબ વાળી દીધો, ‘તમારો ચહેરો ? સુંદર, અતિ સુંદર !’ મને તેમના અભિપ્રાયમાં નર્યા પક્ષપાતની ગંધ આવી.

તાબડતોબ હું ઘરેથી નીકળ્યો. મિત્રો પાસે ફરી વળ્યો. વિવિધ અભિપ્રાયો મળ્યા : ‘વેદિયો, ચિબાવલો, ચીકણો, રૂપાળો, એરંડિયું પીધેલો, છેલબટાઉ, વરણાગિયો, રમતિયાળ, ગંભીર, ચોખલિયો, ઉતાવળિયો, બળતરિયો, લોભિયો, ધૂતારો, સત્યવાદી, શેતાની, ગધેડા-પાડા-કાગડા જેવો, ભોળિયો, ડફોળ, માયકાંગલો, આખાબોલો, ખુશામતિયો, બોચો, સુંવાળો, ખંતીલો, એદી, હરામી, ડંફાસિયો !’ મિત્રોએ મને ગૂંચવી નાખ્યો, મને હતાશ કર્યો. દુશ્મનોને પૂછી લેવાનું વિચાર્યું, પણ તેમની કરડી આંખો નજર સમક્ષ આવી જતાં મુલતવી રાખ્યું, અનામત રાખ્યું ! નાછૂટકે છેલ્લે પૂછવાનું રાખી હું આગળ વધ્યો.

પહાડોને પૂછ્યું, ‘મારો ચહેરો કેવોક છે ?’ જવાબમાં મારા પ્રશ્નના પડઘા મળ્યા. નદીને પૂછ્યું : કલકલ અવાજમાં મારા પ્રશ્નને તેણે હસી કાઢ્યો. દરિયાને પૂછ્યું : તેના ઘૂઘવાટમાં મારો પ્રશ્ન ડૂબી ગયો. વૃક્ષોને પૂછ્યું : ડાળીઓ હલાવીને ‘જવાબ નથી’નો સંકેત આપ્યો. કૂતરાની ટપકતી લાળને, મતલોલૂપ ચૂંટણીના ઉમેદવારોની આંખોને, રેલપાટાની ફિશપ્લેટોને, ટિક ટ્વેન્ટીની શીશીને, મદિરાને, ગેસના બાટલાઓને, રેશનીંગ કાર્ડને, કચરાના ડબ્બાને, બીડીઓનાં ઠૂંઠાંઓને, તમાકુ ઘસેલા રખડતા પોલિથીન ટુકડાઓને, ઘોડાઓના હણહણાટને, આકાશને, હૉટલના એંઠવાડને, રેલવે પ્લેટફોર્મની ગંદકીને, ડૉક્ટરોના સ્ટેથોસ્કૉપને, ઉકરડાઓને, ગટરનાં ઢાંકણાંઓને, બાગબગીચાઓને, રંગબેરંગી ફૂલોને, ફુવારાઓને, ભિખારીઓની આજીજીને; જે સામે આવ્યું તેમને પૂછતો જ ગયો. મારો એક જ પ્રશ્ન હતો, ‘મારો ચહેરો કેવો છે ?’ બધાંએ કાં તો જવાબ આપવાનું ટાળ્યું અથવા ગમે તેવાં વિશેષણોથી મારા ચહેરાને કાં તો નવાજ્યો અથવા વખોડ્યો. હું પૃથ્વી ફરી વળ્યો. જડ અને ચેતનને પૂછી લીધું. મને ક્યાંયથી મારા ચહેરા વિષેનો વ્યવસ્થિત જવાબ ન મળ્યો.

હું હાર્યો, થાક્યો, કંટાળ્યો. પથારીમાં આડો પડ્યો. મેં આંખો બંધ કરીને અંતરના ઊંડાણમાં ડોકિયું કર્યું, પછી અંતરમાં ઊતર્યો, ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. બાહ્ય જગત દેખાતું બંધ થયું, આંતરજગત ખૂલ્લું થતું ગયું. દૂરદૂર સુધી મને દિવ્ય આકાશ દેખાવા માંડ્યું. પછી તો મને પાંખો ફૂટી. હું ઊડવા માંડ્યો. ચહુદિશ મારું ઉડ્ડયન થતું રહ્યું. મને કોઈ દિવ્ય આનંદની અનુભૂતિ થઈ રહી હતી. મને સ્વૈરવિહાર કરવાની ખૂબ મજા પડી. મજાની વાત તો એ હતી કે મને પાંખો હલાવતાં જરાય પરિશ્રમ પડતો ન હતો. સહેજ પાંખો હલાવું અને સ્થિર કરું તેટલામાં તો અસંખ્ય જોજનોનું અંતર કપાતું હતું. અકલ્પ્ય અને અનંત આનંદ લૂટતાં કેટલાય સમય સુધી મારો સ્વૈરવિહાર ચાલુ રહ્યો.

ત્યાં તો દૂર-સુદૂર મેં એક વિરાટ વૃક્ષ જોયું – દિવ્ય વૃક્ષ જોયું ! દિવ્ય પ્રકાશથી ઝળહળતું અદભુત વૃક્ષ ! જોજનો સુધી ફેલાયેલી પ્રકાશમય ડાળીઓ ! તેના ઉપર તેજોમય પર્ણ અને ફૂલ ! હું લલચાયો. થાક્યો ન હતો, વિસામાની જરૂર ન હતી; છતાંય આનંદ લૂંટવા એક ડાળીએ બેઠો. હું મંદગતિએ ડાળીએ ઝૂલવા માંડ્યો. કોઈ પક્ષીનું પીછું ખરે, તેમ મારામાંથી કંઈક ખરતું – કંઈક છૂટું પડતું હું અનુભવવા માંડ્યો. સાપ કાંચળી ઊતારે તેમ મારા દેહમાંથી બીજો દેહ વિખૂટો પડવા માંડ્યો. મારી જ પ્રતિકૃતિ સમી એ આકૃતિ દિવ્ય તેજ ધરાવતી હતી. તેણે વિરાટ ધવલ વૃક્ષની પ્રદક્ષિણા કરીને મારી સામેની ડાળીએ આસન જમાવ્યું. હું રોમાંચ અનુભવવા માંડ્યો. દિવ્ય જ્યોતિસ્વરૂપ તેના ચહેરા ઉપર દિવ્ય સ્મિત, આંખોમાં દિવ્ય પ્રકાશ, ધવલ દાંત, ઘેરા ધવલ હોઠ, તેજસ્વી કપોલ પ્રદેશ ! અદભુત કૃતિ ! અદભુત આકૃતિ ! અદભુત મારી પ્રતિકૃતિ ! અમારી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો :

મેં પૂછ્યું, ‘તું કોણ છે ?’

‘પૂછવાની જરૂર ખરી !’ જવાબ મળ્યો.

‘તોયે !’

‘હું તારું સૂક્ષ્મ સ્વરૂપ અને તું છે મારા ઉપરનું આવરણ ! તું નાશવંત, હું અમર ! છતાંય પરમ જ્યોતિરૂપ ઈશ્વરમાં વિલીન થઈ જવાની શક્યતા ખરી ! મારો નાશ તો નહિ જ ! માત્ર ભળી જવું ! તેને મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, સિદ્ધિ ગમે તે નામ આપ !’

‘મતલબ કે ‘તું’ એ ‘હું’ જ છું ! તો મારા ‘હું’ને કેવી રીતે છૂટો પાડી શકાય ?’

‘વળી પાછી ભૂલ ! એમ કહે કે ‘સૂક્ષ્મ ‘હું’થી સ્થૂળ ‘હું’ કઈ રીતે છૂટો પડે ? સહેલો સિદ્ધાંત બતાવું ?’

‘હા’

‘એ છે શેષ સિદ્ધાંત, બાદબાકીનો સિદ્ધાંત, છેદ સિદ્ધાંત !’

‘એ વળી શું ?’

‘તારા નાશવંત શરીરના એક એક અંગને બાદ કરતો જા, તારાથી દૂર કરતો જા ! એટલે સુધી કે તારા બાહ્ય શરીરને સંપૂર્ણપણે ફેંકી દે ! છેલ્લે વધે તે ‘હું’ કે જે હાલ તારી સામે મોજૂદ છે !’

‘મેં મારા જગતના તમામ ધર્મોના સર્વસારરૂપ એક વાત જાણી છે કે આપણો ઈશ્વર દિવ્ય પ્રકાશરૂપ છે, જેને કોઈ જ્યોતિરૂપે કે નૂરસ્વરૂપે ઓળખાવે છે ! મને ‘તું’માં દેખાતા ‘હું’માં ઈશ્વરીય દિવ્ય પ્રકાશની પ્રતીતિ થાય છે, તો પછી ‘હું’ ઈશ્વર તો નથી ?’

‘ના હરગિજ નહિ, કેમ કે તારા જેવાં અનંત જડ અને ચેતન પોતપોતાનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો ધરાવે છે ! પછી તો ઘણા ઈશ્વર થઈ જાય ! પણ, ઈશ્વર તો એક જ છે. તે નિરંજન છે, નિરાકાર છે ! આમ તું તો ઈશ્વરનો અંશમાત્ર છે. તે અખંડ છે, તું ખંડ છે; ખંડ કદીય સમગ્રની બરાબર થઈ શકે નહિ ! તારા દુન્યવી ભૂમિતિશાસ્ત્રમાં પણ આ સિદ્ધાંત વડે કેટલીક આકૃતિઓના પ્રમેયો સિદ્ધ કરવામાં આવે છે. તારું અસ્તિત્વ નહિવત્ છે; વિરાટ સમદરના ટીપા સમાન, વિરાટ વૃક્ષના પર્ણ સમાન કે પછી દિવ્ય પ્રકાશના એક કિરણ સમાન તું છે. ખાબોચિયું સમુદ્રતોલે ન આવી શકે. પાણીનું બંધારણ સમાન હોવા છતાં ‘બિંદુ’ એ બિંદુ છે અને ‘સિંધુ’ એ સિંધુ છે.’

‘અમારી વચ્ચે બીજો કોઈ ફરક ખરો ?’

‘હા, તું અનંત સર્જનો પૈકીનું એક સર્જન, જ્યારે તે એટલે કે ‘ઈશ્વર’ સર્જક !’

‘એક વધુ પ્રશ્ન પૂછું કે તે જો બધું જ સર્જી શકે તો પછી પોતાના જેવો સર્વશક્તિમાન બીજો ઈશ્વર સર્જી શકે ખરો ?’

‘હા’

‘તો પછી મારે કોને ભજવો ?’

‘સર્જકને જ તો વળી ! ખેર, રહેવા દે. આ બધી ગહન વાતો છે. તું તારા ચહેરાના પ્રશ્ન ઉપર આવી જા. મારા ચહેરા સામે તેં જોયું ? આ જ તારો અસલી ચહેરો છે, તારા સૂક્ષ્મ સ્વરૂપનો ચહેરો ! તારા સ્થૂળ દેહના ચહેરા ઉપર તું અનેક મહોરાં બદલતો જાય છે, બદલી શકે છે; કારણ કે તું સત્યથી દૂર ભાગ્યો છે !’

“તારો ‘સત્ય’ શબ્દ સાંભળીને મને એક વળી બીજો પ્રશ્ન યાદ આવે છે. ધર્મશાસ્ત્રોમાં, સત્ય એ જ ઈશ્વર છે તે મને કઈ રીતે સમજાવીશ ?”

“અહીં તારી ભૂલ થાય છે. ‘સત્ય’ એ તો અનેક ગુણો કે વિશેષણો પૈકીનો એક શબ્દ છે. ‘સત્ય’ને ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરવા કરતાં એમ કહેવું વધુ ઇષ્ટ રહેશે કે ઈશ્વર સત્ય છે; માત્ર ‘સત્ય’ જ નહિ, ‘પરમ સત્ય’ છે. આમ છતાંય સાવ સહેલી રીતે એ બંનેની એકરૂપતા તને સમજાવું. ઈશ્વર એક જ છે અને કોઈપણ પ્રશ્નનો સત્ય ઉત્તર એક જ હોય છે, અસત્ય ઉત્તરો અનેક હોઈ શકે. ‘તારા બંને હાથનાં આંગળાં કેટલાં’નો સત્ય જવાબ એક જ છે; પણ તેના અસત્ય જવાબો ‘દસ’ સિવાયની અગણિત સંખ્યાઓ હોઈ શકે. આમ ઈશ્વરને અને સત્યને એકત્વનો ગુણ લાગુ પડે છે, માટે આ ગુણથી ઉભય એકરૂપ છે.”

‘તારી પાસેથી દિવ્ય જ્ઞાન લાધ્યું !’

“એ તારી ભ્રમણા છે. આપણા વચ્ચેની આટલી વાતચીતમાં દિવ્ય જ્ઞાનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ પણ નથી. એને તું ‘સહજ જ્ઞાન’ કહી શકે ! ખેર, આપણી વચ્ચે ભવિષ્યે પણ ઘણીબધી વાતો થતી રહેશે. જ્યારેજ્યારે તું આંતરદર્શન કરશે, ત્યારેત્યારે તારી સમક્ષ હાજર થતો રહીશ. એક જ મુલાકાતે સઘળું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે ! હવે, મૂળ વાત તારા ચહેરા વિષેની ! તેં તારો અસલી ચહેરો હોઈ લીધો, જાણી લીધો ? એ ભૂલીશ નહિ કે તું દિવ્ય ચહેરો ધરાવે છે ! આ ચહેરાનું પ્રતિબિંબ તને તારા અંતરના અરીસામાં જોવા મળશે ! જે ‘હું’ને જાણી શકે, તેના માટે જ પરમ સત્યરૂપ ઈશ્વરને જાણવા માટેનાં દ્વાર ખુલી શકે ! છેલ્લે એક વાત અન્યના ચહેરાઓ વિષે કે જે તને ચિત્રવિચિત્ર લાગતા હતા, હવે તને બદલાયેલા લાગશે. કેવા લાગશે તે હું નહિ કહું ! એની અનુભૂતિ તું જાતે જ કરી લેજે.’

મારામાંથી છૂટો પડેલો ‘હું’ ફરી મારામાં પ્રવેશવા માંડ્યો. હું બેમાંથી એક થઈને જાગ્યો. ઊઠ્યો. શું એ દિવાસ્વપ્ન હતું કે પછી તંદ્રાવસ્થા યા સહજ જ્ઞાન ! અરીસામાં જોયું. મારા દિવ્ય ચહેરાનાં મને દર્શન થયાં. હું મારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ગોઠવાયો. સામે આવતાજતા અન્ય ચહેરાઓ પણ મને દિવ્ય લાગવા માંડ્યા. મને દિવ્ય દૃષ્ટિની જડીબુટ્ટી હાથ લાગી ગઈ હતી. મને સઘળું દિવ્ય, સુંદર, અતિ સુંદર દેખાવા માંડ્યું ! અંતરમાં એક સૂત્ર સ્ફૂર્યું ! પણ ના, એને સૂત્ર કહીશ તો તે શુષ્ક લાગશે ! એને મંત્ર જ કહીશ ! હા, તે જ ઉચિત ગણાશે. તો એ મંત્ર છે : ‘દિવ્ય જો દૃષ્ટિ, તો દિવ્ય સૃષ્ટિ !’

– વલીભાઈ મુસા

સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ

લેખક – સ્વ. પી.કે. દાવડા

​ વિનોદભાઇનો  જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને  જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને  પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો .

          ડાંગરવામાં  આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .વિનોદભાઈનું  છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વવિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસકરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધા રૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે

“ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરેછે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે, જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .”

      કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો. આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ  વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.

૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નિભાવ કરવાનો હોવાથી પિતાને  આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી  સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસ ગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી . અહીં  આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા, અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસકરી .સાથે સાથે  કમ્પનીની મેનેજમેન્ટ દ્વારા  એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી .

૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકાસ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ  સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો . અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ  વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી દીધી .

ઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી   વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .

વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવનબાદ ૧૯૯૨માં ૫૪વર્ષની વયે જ કુસુમબહેનનો  દુખદ સ્વર્ગવાસ થયો. એમનાબે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે.

૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા . ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને  વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .

કુટુમ્બીજનો સાથે

          અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો” ૧૯૯૬માં   છપાઈ  .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક “ગુજરાતટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટથતાં રહ્યાં .

           વિનોદભાઈએ  ૨૦૧૧માં કોમપ્યુટરમાં  ગુજરાતીમાં  કેમ લખાય એ  શીખી લીધું અને “વિનોદવિહાર” નામે બ્લોગ શરૂ કર્યો. બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહેછે: “નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીયમિત્ર શ્રીસુરેશજાનીનો હું આભારીછું .વિનોદવિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટમિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાંરહેછે.”

“બાળપણની શારીરીક  ક્ષતિ અને ૭૮ વર્ષની  ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એકજ  હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય  હજુ પીરસી શકું છું  એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે. આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”

વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે,

“જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી, મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી. ગીતાનો આસાર મનમાં હંમેશાં યાદરાખવો….जो हुआ वह अच्छा हुआ, जो हो रहा है, वह अच्छा हो रहा है, जो होगा, वह भी अच्छा होगा .

આંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે. “

જીવન દીપ બૂઝાઈ ગયો

વિનોદવિહારના સર્જક અને મારા પરમ મિત્ર – સાન ડિએગો નિવાસી વિનોદ ભાઈ પટેલ આપણી સાથે હવે નથી. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે .

ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત

ચાલો ઉજવીએ આ દિવસ નીચેના બે ગુજરાતની યશ ગાથા

રજુ કરતા ભાવવાહી Videothir

courtesy…Smt.Devika Dhruv

 

આજના શુભ દીવસે વિનોદ વિહારના સૌ

વાચકોને

એક ખુશ ખબર અને આભાર

100 0000 + એક મિલિયન થી વધુ

મુલાકાતીઓ !!

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી

મુલાકાતીઓની સંખ્યા…..

As on today no.of visitors…..

 

  • 1,024,013 મુલાકાતીઓ

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧

 

જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…

 

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —

 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છે
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યો જમવા સાથે બેસો ત્યારે  જાતે આ સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. માટે 2 વાર વાંચજો…*

 

 
સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ   —
 
— ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી.
 
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.
 
     આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.
 
     એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા….
”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”
 
   દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!
    લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….
      આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!
 
અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.
 
દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’
 
‘..પણ અત્યારે દાદા,  અમારી પાસે સમય નથી…’ ઓફિસમાંથી અવાજ આવ્યો.
 
અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે.  ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.
 
દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ?
 
હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.
 
દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.
ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ  ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ?
તમારા પરિવારને  આ બાબતની જાણ છે ?
*આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ?”*
 
“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને  ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે?
 
પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”
 
‘બોલો દાદા….’
 
    આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે….
    આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો  ઉતારવા યોગ્ય લાગે છે ?
 
“ના દાદા…”
 
આ કોઈ કીર્તિદાન નથી બેટા તેથી….
બસ , મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે.. આટલું બોર્ડ મારી દેજો…..!!
 
     કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”
 
દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..?
 
દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ
રીસીપ્ટની તો મારે જરૂર નથી  છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..
 
*”કૃષ્ણ અર્પણમ્…”*
 
બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું ,  ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.
 
    થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા  પુત્ર  કુણાલને USA  ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું…..
 
પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ     કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત…જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..
 
જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..
*જ્યોત સે જ્યોત જલે .*
સેવાભાવી સંસ્થાઓને  કોઈ આપશે તો સંસ્થા ચાલશે .
 
બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન  પૂરું કરી હું હળવો થઈ  ગયો છું…..!!
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 
મિત્રો ,
 
મોત માટે તો કોઈ કારણ નિમિત્ત બને છે. એ તો કોઈ પણ સ્વરૂપે આવે છે. મારનાર સાથે તારણહાર ઉપર પણ વિશ્વાસ  મુકવો જોઈએ .
 
આપણી નજર હંમેશા કોઈ પણ ઘટના વખતે કેટલા મર્યા એ સંખ્યા ઉપર જ હોય  છે. પણ કેટલા બચ્યાં તેની ઉપર જતી નથી.જો મારનાર માટે ઈશ્વર જવાબદાર હોય તો બચાવનાર માટે કેમ નહીં ?
 
પરમાર્થ કરવા નીકળ્યા હો,
કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે  તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે  ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે
👆🏽બહુ જ ઉત્કૃષ્ટ વાત કરી છેં
 
       અહીં  આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો . કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય…
 
ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!
 
દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.
 

Source … WhatsApp