વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1293..શબ્દોના વિશ્વમાં : ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ…ચંદ્રકાંત બક્ષી

ભૂગર્ભ એટલે જેના ગર્ભમાં પૃથ્વી રહેલી છે. સંભવ એટલે સદા અસ્તિત્વવાળા. પુરુષ એટલે 9 દ્વારવાળી શરીરરૂપી પુરીમાં રહેનારા. રુદ્ર એટલે દુષ્ટોને રડાવનાર અથવા સંહાર સમયે સર્વ પ્રાણીઓને રડાવનારા. યમ એટલે સર્વને પોતપોતાના કામમાં જોડનારા. મહેન્દ્ર એટલે મોટા ઈન્દ્ર, ઉપેન્દ્ર એટલે ઈન્દ્રના નાના ભાઈ, પાવન ટલે પવનને પવિત્રતા આપનારા. અશોક એટલે ક્ષુધા-તૃષા, જરા-મૃત્યુ, શોક-મોહરૂપી છ ઊર્મિઓથી રહિત. શ્રીમાન એટલે સદાય સર્વપ્રકારની લક્ષ્મીવાળા. દમ એટલે શિક્ષા કરવા યોગ્યને શિક્ષા કરનારા, માનદ એટલે અભિમાનીઓનું માન તોડનારા, સર્વને આત્માભિમાન દેનારા…! આવા કેટલાય શબ્દો વિષ્ણુસહસ્ત્રનામમાં આપવામાં આવ્યા છે.

સંસ્કૃત શબ્દોનો રોમાન્સ આજીવન છૂટતો નથી. ઉંમર વધે છે એમ એમ દરેક શબ્દની આભા અને પ્રભા વધતી જાય છે અને આપણી સમજદારી નવું નવું અર્થઘટન કરતી રહે છે. નારાયણને સમર્પણામિ સ્તુતિમાં એક વાક્ય આપણે જીવનભર રટતા રહ્યા છે, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’માં આગળ, ‘ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ…’ આવે છે. તમે વિદ્યા પણ છો અને દ્રવ્ય પણ છો. વિદ્યા અને ધનને માતા અને પિતાની જેમ અલગ કરવામાં આવ્યાં છે? એ એકબીજાનાં પૂરક છે કે બે વિપરીત પરિબળો છે? વિદ્યાના જેટલું જ દ્રવ્ય મહત્વપૂર્ણ હતું એ મોટી ઉંમરે સમજાય છે. ભગવાનને દ્રવ્ય સ્વરૂપે જોઈને પૂજા કરવી એ પણ એક નવો આયામ છે!

વિનોબા ભાવે સંત-સુરભિ, ભાગ-2માં દક્ષિણના વિખ્યાત ધર્મસ્થાન તિરુપતિની વ્યુત્પિત્ત સમજાવે છે. તિરુ એટલે લક્ષ્મી! મૂળ શ્રીપતિનું તમિળ એ તિરુપતિ છે. વિનોબા માર્મિક કટાક્ષ કરે છે : મોટા ભાગના લોકોની નજર એ નામમાં આવેલી તિરુ (લક્ષ્મી) પર હોય છે. બહુ થોડા લોકોને એના પતિની જરૂર હોય છે.

ભર્તૃહરિના વૈરાગ્ય શતકમાંથી સંસ્કૃત શબ્દો મળતા રહે છે, એવા શબ્દો તો આજે નષ્ટપ્રાય થઈ ગયા છે અથવા અદૃશ્ય થઈ ગયા છે. ક્ષત્રિય એટલે યોદ્ધો, પણ ક્ષત્રિય એટલે વિદ્વાન. અજ્ઞ એટલે અજ્ઞાની…. કાકા કાલેલકરે ‘સદાબોધશતકમ્’માં કેટલાક શબ્દોનાં સમાસ-સંધિ છૂટાં પાડીને સમજાવ્યા છે. અજ્ઞઃ એટલે? જાનાતિ ઈતિ જ્ઞઃ અજ્ઞઃ ! હાથીને માટે દ્વિપ શબ્દ વપરાય છે. બંનેથી પીતો હોય એ દ્વિપ છે. દ્વાભ્યાં (શુંડ્યા, મુખેન ચ… સૂંઢ અને મુખથી પણ) પિબતિ ઈતિ દ્વિપઃ ! પદ્દમ અને કૈરવ બંને કમળ છે પણ બંને વચ્ચે તાત્ત્વિક ફર્ક છે. પદ્દમ એટલે સૂર્યથી વિકસતું કમળ, જ્યારે કૈરવનો અર્થ થાય છે, ચંદ્રથી વિકસતું કમળ ! દુર્ગનો વ્યુત્પત્તિ અર્થ થાય છે : દુખેન ગમ્યતે અત્ર ઈતિ. દુર્ગમ-સ્થાન, જ્યાં દુઃખથી જવાય છે. શંકરમાં શમ્ + કર છે, જે જોડવાથી શંકર બને છે. માત્ર શમનો અર્થ કલ્યાણ થાય છે. જે મૌન રાખતો હોય એ મુનિ છે. ઐશ્વર્યમાં ઈશ્વરસ્થ ભાવ છે, સ્વામિત્વ, વૈભવની કલ્પના છે. ધી એટલે બદ્ધિ અને બુદ્ધિ ચલાવનાર એ ધીર છે. પ્રારબ્ધમનો અર્થ જરા રસિક છે. પ્રારબ્ધમ એટલે શરૂ કરેલું. મૃદંગની વ્યુત્પત્તિમાં અસલ ભાવ આવી જાય છે. મૃદંગ એટલે માટીના અંગ-વાળા, જે મૃદંગ અથવા માટીના અંગવાળા છે એને લોટ મળવાથી એ મીઠું મીઠું બોલતા રહે છે.

સંસ્કૃત સાહિત્યનો મહાસમુદ્ર એટલો વિરાટ છે કે જુદી જુદી શાખા-પ્રશાખાઓ અને વિધાઓમાંથી શબ્દો મળતા રહે છે. સંસ્કૃત શબ્દભંડાર કદાચ વિશ્વમાં અગ્રિમસ્થાને હશે કારણ કે ઉપસર્ગ-વિસર્ગ વાપરીને એક જ શબ્દમાંથી સેંકડો શબ્દો બનાવી શકાયછે. યોગ જેવા શબ્દને અભિયોગથી યોગાભ્યાસ સુધી સેંકડો સ્વરૂપોમાં ફેરવી શકાય છે.

ગતિ શબ્દ પાયામાં હોય અને પ્રગતિ, વિગતિ, અવગતિથી ગતિરોધ જેવા શબ્દ સુધી સેંકડો શબ્દો બનતા રહે છે. ઘણા શબ્દો એવા છે કે એકથી વધારે ઉપસર્ગો જોડી શકાય છે. ઘણા એવા પણ શબ્દો છે જે વપરાશ ન હોવાથી ખોવાઈ રહ્યા છે અને ઘણા સજીવન થઈ રહ્યા છે.

નાટ્યશાસ્ત્ર વિશે રસિકલાલ છો. પરીખની એક પુસ્તિકા છે, જેમાં વિશદ માહિતી આપવામાં આવી છે. આહાર્ય એટલે કૃત્રિમ. આમાં મેક-અપ અને નેપથ્યની વેશભૂષા આવી જાય છે અને આને આહાર્યાભિનય કહેવામાં આવે છે.

નાટકની દુનિયામાં હાવ, ભાવ અને હેલા એવો શબ્દપ્રયોગ થતો રહે છે. ભાવ એટલે મનની સ્થિતિ, ભાવના, હાવ એટલે સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. હેલા એટલે તીવ્ર સંભોગેચ્છા અને એ વ્યક્ત કરતી ચેષ્ટાઓ અને રતિક્રીડા. આ શૃંગારરસના શબ્દો છે. આને સ્ત્રીઓ માટે સ્વભાવજ અર્થાત્ સ્વભાવમાંથી જન્મેલી વૃત્તિઓ ગણવામાં આવે છે.

નાટ્યવિશ્વમાં સંસ્કૃત ભાષામાં ખીલે છે. નટો છે અને સામાજિકો છે. પ્રાશ્નિકો છે, સૂત્રધાર છે, પારિપાર્શ્વક છે, વિટ છે, વિદૂષક છે. એક્ટિંગના કેટલા પ્રકારો છે?

આંગિક, વાચિક, આહાર્ય (પુટ-ઑન) અને સાત્ત્વિક, એમ ચાર પ્રકારના અભિનયો છે. જેને આપણે એક્ટિંગ કહીએ છીએ એ માત્ર આંગિકમાં આવી જાય છે. ઑડિટોરીઅમ અથવા પ્રેક્ષાગૃહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે : લંબચોરસ (વિકૃષ્ટ), ચોરસ (ચતુરસ્ર) અને ત્રિકોણ (ત્રસ્ત્ર), સંસ્કૃત ભાષાનો વૈભવ સમજવો હોય તો ભરતમુનિએ માથાથી પગ સુધી બુદ્ધિપૂર્વક હલાવીચલાવી શકાય એવાં અંગો-અવયવોની ક્રિયાઓ માટે અલગ-અલગ નામો આપ્યાં છે. આંગિક અભિનય કેવી રીતે કરી શકાય? એ સૂચિ : આંખની કીકીઓની 11 પ્રકારની ક્રિયાઓ, પોપચાંની 9 ક્રિયાઓ, ભાવની 7 ક્રિયાઓ, નાકની 6 પ્રકારની ક્રિયાઓ, ગાલની 6 પ્રકારની ક્રિયાઓ, અધર અથવા નીચલા હોઠની 6 પ્રકારની ક્રિયાઓ, ચીબુક અથવા હડપચીની 6 પ્રકારની ક્રિયાઓ, ગ્રીવાની 9 પ્રકારની ક્રિયાઓ…! આ સૂચિ પૂર્ણ નથી. આ સૂચિ માત્ર ચહેરાના કેટલાક હિસ્સાઓ વિશે જ છે. પૂરા શરીરની અન્ય આંગિક ક્રિયાઓ વિશે જુદા અધ્યાયો છે !

શિક્ષણના વિશ્વમાં સંસ્કૃત પાસે કેવું વૈવિધ્ય હતું એ માટે માત્ર થોડા શબ્દપ્રયોગો પર્યાપ્ત છે. ઉપનયન એટલે શિષ્યને ગુરુની પાસે લઈ જવો. ગુરુકુળ શબ્દમાં વિદ્વાન આચાર્ય અને એમના શિષ્યમંડળનો સમાવેશ થતો હતો. અંતેવાસી શબ્દ પણ આ જ કક્ષાનો છે. જે ગુરુની પાસે વસે છે એ અંતેવાસિન છે. આચાર્ય શિષ્યને સંબોધન કરતા ત્યારે ‘સોમ્ય’ શબ્દ વપરતા અને શિષ્યો આચાર્યને આદરપૂર્વક ‘ભગવાન્’ કહેતા. આચાર્ય શબ્દનો અર્થ થતો હતો આચાર ગ્રહણ કરાવનાર વ્યક્તિ.

એક ઉપનિષદ્દમાં પિપ્પલાદ ઋષિનો ઉલ્લેખ આવે છે, જે પીપળનું ફળ ખાઈને જીવતા રહેતા હતા માટે એમનું નામ પિપ્પલાદ પડ્યું હતું. માત્ર અમુક વિદ્યાઓ જાણનાર મંત્રજ્ઞ કહેવાતો હતો, સાચો જ્ઞાની એ આત્મજ્ઞાની હતો.

ગ્રેજ્યુએટને માટે સ્નાતક શબ્દ વપરાતો હતો અને આ શબ્દને સ્નાન સાથે સંબંધ હતો. સ્નાતક એટલે સ્નાન કરેલો. સ્નાતક થઈ ગયા પછી એક પ્રકારનું સ્વલ્પવિરામ આવી જાય છે?

ક્લોઝ અપ :

અહં બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ હોઉં, હું પોતે જ ઈશ્વર હોઉં, તો પછી મને મરજીમાં આવે તેમ આચરવાનો પરવાનો મળી જાય છે. ઘણા… આવો અર્થ માનનારા વેદાન્તીઓનો ઉપહાસ કહે છે…

આનંદશંકર બાપુભાઈ ધ્રુવના ‘આપણો ધર્મ’માં રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખેલા ઉપોદ્દધાતમાંથી : પૃષ્ઠ 20

Source-

https://m.khabarchhe.com/magazine/bakshitva/in-the-world-of-words.html

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.