વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1306 – ‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’… સુધા મુર્તી…. અનુવાદ: સોનલ મોદી

આ સંવેદન શીલ લેખનાં લેખિકા સુધા મુર્તી ( Sudha Murthy ) ભારતના બીલ ગેટ્સ

કહેવાતા આઈ-ટી ઉદ્યોગપતિ  શ્રી નારાયણ મૂર્તિ ( N.R.Narayana Murthyનાં ધર્મ પત્ની

છે.તેઓ ‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ નામની સેવા સંસ્થાના ચેર પરશન છે.

આ લેખ શ્રીમતી સુધા મુર્તીના મુળ અંગ્રેજી પુસ્તક ‘WISE AND OTHERWISE – A SALUTE

TO LIFE’ નો ભાવાનુવાદ મનની વાત.. (–ઝીંદાદીલીને સલામ–)માંથી લેવામાં આવ્યો છે.

ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ સંસ્થાના અનુભવે સુધા મુર્તી ભારતભરના અસંખ્ય જરુરતમંદોના પરીચયમાં આવ્યાં. ભાતીગળ અનુભવોની રસલ્હાણ એમણે ‘મનની વાત’ પુસ્તકમાં વહેંચી અને એનો રસાળ ગુજરાતી અનુવાદ  સોનલ મોદીની કસાયેલી કલમે કરવામાં આવ્યો છે. ડીસેમ્બર ૨૦૦૨માં પ્રગટેલા આ માનવસમ્વેદના જગાડતાં અદ્ભુત પુસ્તકની પાંચ આવૃત્તીઓ થઈ છે અને ત્યાર પછીયે એનાં પાંચ પુનર્મુદ્રણો થયાં છે.

આ લેખ શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના જાણીતા બ્લોગ ‘સન્ડે ઈ–મહેફીલ’ (અંકઃ 311 – December 14, 2014) માં પ્રસિદ્ધ થયો છે .

લેખીકાએ  એમના  સામાજિક જીવનમાં અનુભવેલી  એક  સત્ય  ઘટના ઉપર આધારિત આ લેખ મને ખુબ ગમી ગયો.વિનોદ વિહારમાં આ પ્રેરક લેખને પ્રગટ કરવાની સંમતી આપવા માટે  શ્રી ઉત્તમભાઈ નો  હું આભારી છું.

વિનોદ પટેલ 

‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’

…સુધા મુર્તી અનુવાદ: સોનલ મોદી

     

સોમવાર એટલે બધી ઑફીસ માટે કટોકટીનો દીવસ. બે દીવસનું ચડેલું કામ, ઢગલો ઈ.મેલ જોવાના, એટલી જ ટપાલ–છાપાંના ઢગલા, મીટીંગો. હુલ્લડ જેવી પરીસ્થીતી સર્જાઈ જાય. રવીવાર સુધી પહોંચવા માટે પણ સોમવાર પસાર કરવો જરુરી તો છે જ ને ?

          આવો જ એક સોમવાર હતો. હું ઑફીસમાં ગળાડુબ કામમાં હતી. એકાએક સેક્રેટરીએ આવીને મને કહ્યું, ‘બહેન, બહાર બે ભાઈઓ આવ્યા છે. તમને મળવા માગે છે. એપૉઈન્ટમેન્ટ લીધેલી નથી; પણ ક્યારના ઉભા છે. વળી, તેમાંના એક તો બહુ જ ઘરડા છે. અંદર બોલાવું ?’ મારી સેક્રેટરી મમતા એટલે ખુબ જ હોશીયાર. ફાલતુ લોકોને તો જોતામાં જ ઓળખી જાય. તેથી મેં કહ્યું, ‘હા, એમને અંદર આવવા દે.’

          એક પચાસેક વરસના ભાઈ અંદર આવ્યા. તેમની સાથે એક પંચોતર–એંશી વર્ષની ઉમ્મરના વડીલ હતા. વડીલ શરીરે અત્યન્ત કૃશ અને થોડા વાંકા વળી ગયેલા હતા. તેમણે જુનાં કપડાં પહેરેલાં અને ખભે જર્જરીત થેલો લટકાવેલો હતો. પેલા આધેડ ઉમ્મરના ભાઈને મેં પુછ્યું, ‘બોલો ભાઈ, શી બાબત આવવું થયું ? અમારી સંસ્થા તમારી કેવી રીતે મદદ કરી શકે?’

          પેલા વૃદ્ધ તો ચુપ જ રહ્યા; પણ આધેડ ઉમ્મરના ભાઈ કહે, ‘બહેન, મારે તો કંઈ જરુર નથી; પણ આ વડીલ સામે બસસ્ટૉપ પર બેઠેલા. સારા ઘરના લાગે છે. પુછપરછ કરતાં જાણવા મળ્યું કે બીચારાનું કોઈ નથી અને પૈસા પણ નથી. રહેવા માટે છાપરુંયે નથી.’ વગેરે વગેરે.. ભાઈને આગળ ઘણુંબધું કહેવું હતું; પણ આટલાં વર્ષોના સંસ્થાના અનુભવે હું થોડી ધીટ થઈ ગઈ છું. કદાચ થોડી તોછડાઈ પણ આવી જાય છે. લોકો મુદ્દાસર વાત કરતા નથી અને ગોળગોળ વાત ફેરવીને અન્તે તો પૈસાની જ માગણી કરતા હોય છે. ‘ગરજવાનને અક્કલ નહીં’ – તે કહેવત સાર્થક થતી મેં અનેક વાર નજરે જોઈ છે.

          મેં આડીઅવળી પ્રસ્તાવના વગર પુછ્યું, ‘તમે આ વડીલને મારી પાસે શી આશાએ લાવ્યા છો ?’

          પેલા ભાઈ કહે, ‘તમારી સંસ્થા(ઈન્ફોસીસ ફાઉન્ડેશન) વીશે મેં ઘણું સાંભળ્યું છે. આ કાકા મને ખરેખર મદદને લાયક લાગ્યા એટલે હું તેમને સીધો જ અહીં લઈ આવ્યો.’

          મેં કાકાને પુછ્યું, ‘તમારું ખરેખર કોઈ નથી ?’

          વડીલની આંખો ભરાઈ ગઈ. ગળામાં ડુમો ભરાઈ ગયો હશે કે કેમ; પણ ખુબ જ ધીમેથી ફક્ત એટલું જ બોલી શક્યા : ના…. બહેન, મારું કોઈ નથી.’

          મેં આગળ ચલાવ્યું, ‘બીજા કોઈ કુટુમ્બીજનો ?’ વડીલ કહે, ‘ના’. મેં તેમની નોકરી, પુર્વજીવન અંગે પણ પ્રશ્નો પુછ્યા. કાકા ખરેખર ખાનદાન, ની:સહાય અને જરુરીયાતમંદ લાગ્યા. બેંગ્લોર નજીકના જ એક વૃદ્ધાશ્રમ સાથે અમારે કાયમી સમ્પર્ક છે. મેં ત્યાં ફોન કરી, સંચાલીકાબહેનની મદદ માગી. ‘બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વૃદ્ધને ત્યાં રાખવાની સગવડ થશે ? બધો ખર્ચ અમારી સંસ્થા ભોગવશે.’

          બધું નક્કી થઈ ગયું. પેલા ભાઈ વડીલની સાથે જ ઉભા થયા. મને કહે, ‘આ વડીલને હું જ વૃદ્ધાશ્રમ મુકી દઈશ. તમે આટલું કરો છો, તો મારી એટલી ફરજ તો છે જ કે તેમને ત્યાં સુધી મુકી આવું. ત્યાંથી જ મારી ઑફીસ જવા નીકળી જઈશ.’

          બન્ને ઉભા થયા. ગયા. હું મારી ફાઈલો, ઈ.મેલ, પત્રો, મુલાકાતીઓ, વાવચર્સ અને પ્લાનીંગની દુનીયામાં વ્યસ્ત થઈ ગઈ. વચ્ચે–વચ્ચે બે–ત્રણ વાર મારી ઑફીસમાંથી ફોન કરીને મેં વડીલની ખબર પુછી હતી; પણ જવાનો સમય નહોતો મળ્યો. અમારી સંસ્થા તરફથી એમનાં ખર્ચા–પાણીનો ચેક નીયમીતરુપે વૃદ્ધાશ્રમને પહોંચી જતો.

          એક દીવસ વૃદ્ધાશ્રમનાં સંચાલીકાબહેનનો મારા પર ફોન આવ્યો. ‘સુધાબહેન, તમે મોકલ્યા હતા તે વડીલ ખુબ જ બીમાર છે. અંતીમ ઘડીઓ ગણાય છે. તમને ખુબ યાદ કરે છે. સમય મળે તો સાંજે ઘરે જતાં અહીં થઈને ઘરે જશો ?’

          સાંજે થોડાં ફળો લઈને હું વૃદ્ધાશ્રમ પહોંચી. દાદા ખરેખર છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. મને થયું, વડીલને પુછું, તેમને કોઈ સગાં–સમ્બન્ધી, ભાણીયા, ભત્રીજા, પૌત્રી કોઈ જ નથી ? કોઈને પણ તેઓ મળવા માંગે છે ? છેલ્લે–છેલ્લે કાંઈ કહેવા માંગે છે ? મેં તેમને પુછ્યું, ‘દાદા, તમારી કોઈ પણ ઈચ્છા હોય તો વીનાસંકોચે જણાવો. કોઈને બોલાવવા છે ? કોઈને કંઈ કહેવું છે ? તમારી પાસે કોઈનો ફોન નંબર હોય તો હું જઈને ફોન પણ કરી આવીશ.’

          ધ્રુજતા હાથે દાદાએ ચબરખીમાં એક નંબર લખી આપ્યો. હું બહાર દોડી. પબ્લીક ફોનમાંથી નંબર જોડી વડીલની તબીયતના સમાચાર અને વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. થોડી જ વારમાં એક ભાઈ આવી પહોંચ્યા. લાગણી અને ચીંતાના ભાવ સાથે દાદાને ખાટલે ધસી પહોંચ્યા ! તેમને જોઈને મને લાગ્યું કે, મેં આ ભાઈને ક્યાંક જોયા છે. જરુર જોયા છે. રોજ હું એટલા બધા લોકોને મળું છું કે ઘણી વાર ભુલ થઈ જાય. કદાચ આ ભાઈ જેવા જ બીજા કોઈને જોયા હોય. મારી કંઈક ભુલ હશે. કંઈ યાદ આવતું ન હતું.

          થોડી વારમાં ડૉક્ટર આવ્યા. દાદાના મૃત્યુના સમાચાર આપ્યા. મને ખરેખર દુ:ખ થયું. ન તો મારા સગા હતા, ન સમ્બન્ધી; છતાંય મનમાં ભારોભાર ગ્લાની વ્યાપી. આ રીતે એકલા–અટુલા દુનીયામાંથી વીદાય લેવી તે પણ કેવી નીષ્ફળતા છે !

          પેલા ભાઈ બહાર આવ્યા. તેમની આંખોમાં આંસુ હતાં. શાન્તીથી બાજુની બૅંચ પર બેસીને કંઈક વીચારમાં ખોવાઈ ગયા. આખુંયે વાતાવરણ દુ:ખદ–ભારેખમ લાગતું હતું. વૃદ્ધાશ્રમનાં બહેન, હું અને આ ભાઈ, અંતીમવીધીની રાહ જોતાં બેઠાં હતાં.

          એકદમ પેલા ભાઈ કહે, ‘ડોસા અહીં આવ્યા ત્યારે તેમની પાસે એક ઝોળી–થેલી હતી ને, તે ક્યાં છે ?’

          સંચાલીકાબહેન કહે, ‘કઈ થેલી ?

          પેલા ભાઈ, ‘કેમ ? તે જોડે લાવ્યા હતા તે !’

          હવે મારા કાન સરવા થયા. આ થેલીની વાત તો ફક્ત મને જ ખબર હતી. કેમ કે મેં જ એમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. મેં પટાવાળાને દાદાના રુમમાં મોકલ્યા. થેલી આવતાંની સાથે જ પેલા ભાઈ ઝુંટવવા ગયા. હું વચ્ચે પડી. મેં કહ્યું, ‘તમને શો હક્ક છે આ થેલીની ગાંઠ ખોલવાનો ? તમે છો કોણ ? દાદા જોડે તમારે શો સમ્બન્ધ છે ? તમને આ થેલીની ખબર જ કેવી રીતે પડી ?’

          પેલા ભાઈને આ બધી પડપુછ ગમી નહીં; પણ તેમણે જવાબ આપવો જ પડે તેમ હતો. સંચાલીકાબહેન તો ફક્ત મને જ ઓળખતાં હતાં. આમેય, ભારતદેશમાં પુરુષોને, સ્ત્રીઓને જવાબ આપવો જરા ઓછો ગમતો હોય છે. પૌરુષ અને અહંકારના સદીઓ જુના ખ્યાલો જલદી દુર નહીં થાય. હવે જો કે સ્થીતી બદલાતી જાય છે.

          પેલા ભાઈ કહે, ‘હું જ એમને(દાદાને) અહીં મુકી ગયો હતો.’

          મેં કહ્યું, ‘પણ તમે છો કોણ ?’

          ભાઈ કહે, ‘હું એમનો પુત્ર છું.’

          મને ભયંકર શૉક લાગ્યો. હવે આ ભાઈને મેં બરાબર ઓળખ્યા. અરે, આ તો પેલા જ ભાઈ છે, જે આ વૃદ્ધને લઈને ફાઉન્ડેશનની ઑફીસે આવ્યા હતા અને મારી સામે હડહડતું જુઠ્ઠું બોલ્યા હતા કે વૃદ્ધ તેમને બસસ્ટૉપ પર મળ્યા હતા. અરેરે.. શો જમાનો આવ્યો છે ! થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગઈ. આવા માણસને કહેવું પણ શું ? મને સ્વસ્થ થતાં જરા વખત લાગ્યો, ‘અરે ભાઈ, તમે આટલું મોટું જુઠાણું કેમ ચલાવ્યું ?’

          ભાઈ કહે, ‘મારે ઘરે એમને રાખવાનો પ્રૉબ્લેમ હતો. મારી પત્નીને ને તેમને રોજ કજીયો–કંકાસ થાય. એક દીવસ મારી પત્નીએ કહી દીધું, ‘આ ઘરમાં ક્યાં હું નહીં; ક્યાં એ નહીં.’ એવામાં જ તમારી સંસ્થા વીશે ક્યાંક વાંચ્યું. અમે નક્કી કર્યું કે બાપુજીને તમારે આશરે મુકી દઈએ. પૈસા વગર અમારો તો પ્રૉબ્લેમ સોલ્વ થઈ ગયો.’

          ‘અરે ભાઈ, શો તમારો આઈડીયા છે ! ખરેખર, મેં આજ સુધી અનાથ બાળકો જોયાં છે; પણ અનાથ બાપ નથી જોયા. તમે તો ખરેખર ‘જીનીયસ’ છો. ભાઈ, તમારા બાપુજીને ખરી અવ્વલ મંજીલે પહોંચાડ્યા તમે તો…’

          થેલી હું જ પકડીને બેઠી હતી. હવે હું ખુબ જ ગુસ્સે થઈ ગઈ હતી. આ માણસ પ્રપંચી, જુઠ્ઠો અને શઠ તો હતો જ; પણ તેણે મને મુર્ખ બનાવીને પોતાનું કામ કાઢ્યું હતું. થેલીની ગાંઠ મેં ખોલી. અંદર બેત્રણ ફાટેલાં પહેરણ, થોડી દવાઓ, બેત્રણ ફોટા અને જર્જરીત થઈ ગયેલી એક બૅંકની પાસબુક હતી. મેં પાસબુક ઉઘાડી. બેલેન્સ જોઈને મારી આંખો ચાર થઈ ગઈ ! દોઢ લાખ રુપીયા ! માની શકો છો ? ખાતામાં બીજું નામ તેમના આ ‘પનોતા’ પુત્રનું હતું, જેણે તેમને ઘરમાંથી તડીપાર કર્યા હતા.

          મને પુત્ર પર તો ગુસ્સો આવ્યો જ હતો; પણ આ દીવંગત વૃદ્ધ પર વધારે ગુસ્સો આવ્યો. આ નપાવટ, નગુણા છોકરાને દોઢ લાખ રુપીયા અને જે વૃદ્ધાશ્રમે તેમને અંતીમ દીવસમાં આશરો આપ્યો તેને દોઢીયુંય નહીં ! દુનીયામાં ‘આભાર’ જેવો કોઈ શબ્દ રહ્યો છે ખરો ?

          છેલ્લાં થોડાં વર્ષોમાં મેં ઘણી દુનીયા જોઈ છે. પશ્ચીમના દેશોમાં વૃદ્ધોને વર્ષોનાં વર્ષો ક્લીનીકમાં, આશ્રમોમાં રહેતાં જોયા છે. જ્યારે આ વૃદ્ધો ગુજરી જાય છે ત્યારે તેમની સમ્પત્તીનો મોટો ભાગ, ઘણી વાર તો બધી જ સમ્પત્તી વૃદ્ધાશ્રમો કે હૉસ્પીટલોને આપતા જાય છે. તેમાંથી હૉસ્પીટલો અદ્યતન સાધનો વસાવે, નવી સગવડો ઉભી કરે. આ વૃદ્ધો તેમનાં છોકરાંઓને રાતી પાઈ પણ પરખાવતાં નથી. જો કે, છોકરાંઓ મા–બાપની સમ્પત્તીની અપેક્ષા પણ રાખતાં નથી હોતાં.

          પણ આપણે અહીં ભારતમાં પરીસ્થીતી તદ્દન ઉંધી છે. છોકરાં મા–બાપની સંભાળ રાખે કે ન રાખે, સમ્પત્તીની તો સમ્પુર્ણ આશા રાખે છે.

          પેલા ભાઈને મારાથી કહ્યા વીના ન રહેવાયું, ‘તમે અને તમારા બાપુજીએ મારી ઑફીસમાં, થોડા હજાર રુપીયા બચાવવા જે નાટક કર્યું, તે કરતાં તમને સહેજે શરમ ન આવી ? હવે સાચી જરુરીયાતમંદ વ્યક્તીને પણ હું શંકાની નજરે જોતી થઈ જઈશ. નજર સામે તમે જ આવશો.’

          ભાઈ શરમના માર્યા નીચું જોઈ ગયા. એક ટ્રક પાછળ થોડા વખત પહેલાં મેં વાંચેલું તે યાદ આવી ગયું : ‘સૌ મેં સે નીન્યાનબે બેઈમાન; ફીર ભી મેરા ભારત મહાન !’

          –સુધા મુર્તી

અનુવાદક : સોનલ મોદી (સમ્પર્ક : smodi1969@yahoo.co.in )   

સૌજન્ય ..સાભાર …શ્રી ઉત્તમ ગજ્જર 

‘સન્ડે ઈ–મહેફીલ’ – અંકઃ 311 – December 14, 2014

Inspirational Story Of Sudha Murthy

 

1 responses to “1306 – ‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’… સુધા મુર્તી…. અનુવાદ: સોનલ મોદી

  1. સુરેશ એપ્રિલ 30, 2019 પર 5:55 એ એમ (AM)

    વાત તો સાચી છે. દેશમાં મૂલ્યો પાતાળે ગયાં છે. પણ એ જ શા માટે જોતાં રહીએ? હજારો અનામી વ્યક્તિઓના પૂણ્યના પ્રતાપે તો દેશ પ્રગતિ કરી રહ્યો છે. એના મોભીનું જીવન જ જુઓ તો ? કદાચ આપણને નકારાત્મક વાતો વધારે ગમે છે. પણ નાના નાના ખાનદાન બીજને પોષીએ તો? અહીં….

    નૂતન ભારત

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.