વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1308 – ૧ લી મે … ગુજરાતનો સ્થાપના દિવસ …અભિનંદન અને શુભેચ્છાઓ

આજથી ૫૯ વર્ષ પહેલાં ૧ લી મે,૧૯૬૦ના રોજ , મહાત્મા ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,ગાંધી અનુયાયી પુ.રવિશંકર મહારાજના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.

વિનોદ વિહારની ગયા વર્ષની ગુજરાતના ૫૮ મા જન્મ દિવસની આ પોસ્ટમાં ગુજરાત વિષે ઘણી માહિતી આપવામાં આવી છે.

આજના ગુજરાત દિવસના સંદર્ભમાં એને ફરી જોઈ/વાંચી જવા ભલામણ છે.

આ ઉપરાંત ગુજરાતના આજના જન્મ દિવસે આજની પોસ્ટમાં ગુજરાત વિશેની વધુ માહિતી -લેખ, વિડીયો વિ. નીચે પ્રસ્તુત છે.

સૌજન્ય ..વિનોદચન્દ્ર ભટ્ટ -એમાંથી ઈ-મેલમાંથી પ્રાપ્ત

From Facebook wall of dhaivat joshipura – May 1st.

ગુજરાતના જાણીતા ગુજરાતી સારસ્વતોનો ટૂંકો પણ સચોટ પરિચય.

– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી

– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.

– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.

– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.

– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.

– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.

– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.

– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.

– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા

– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.

– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.

– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.

– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!

– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.

– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!

– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.

– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”

– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ

– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.

– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”

– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?

– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.

– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”

– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”

– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં

– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !

– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”

– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.

– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”

– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”

– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે

– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.

– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “

– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.

– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ

– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.

– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”

– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’

– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે

– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”

– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું

– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?

– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય

– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “

– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!

– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?

– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.

– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”

– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.

– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” 

– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

રાધા રાજીવ મહેતાનું ગુજરાત વિશેનું સુંદર વક્તવ્ય

રાધા મહેતાના વક્તવ્યના વિવિધ વિષય ઉપરના ઘણા વિડિયો યૂ ટ્યૂબ પર અપલોડ થયેલા જોઈ શકાય છે.”મારું ગુજરાત My Gujarat_ગુજરાતની અસ્મિતા” ઉપર રાધા મહેતાની આ માહિતીસભર સ્પીચ ખરેખર સાંભળવા જેવી છે.

ગુજરાતના અનેક ગાયકો-કલાકારોના મુખે ગવાએલું આ જાણીતા ગીત ”જય જય ગરવી ગુજરાત” નો સુંદર વિડીયો.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત.

ગુજરાતના આ જન્મ દિવસે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાત અને ગુજરાતી પ્રેમી ભાઈ-બહેનોને અભિનંદન

અને ગરવી ગુજરાતની વધુ પ્રગતિ માટે અનેક શુભેચ્છાઓ

જય જય ગરવી ગુજરાત …જય ભારત

1 responses to “1308 – ૧ લી મે … ગુજરાતનો સ્થાપના દિવસ …અભિનંદન અને શુભેચ્છાઓ

  1. nabhakashdeep મે 5, 2019 પર 9:40 પી એમ(PM)

    જય જય ગરવી ગુજરાત.. સરસ માહિતીસભર સંકલન

    આપની જહેમતભરી પોષ્ટ એક ખજાના સમ છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.