વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2017

1123 – હેપ્પી હેલોવીન ૨૦૧૭ / વાઈટ હાઉસમાં હેલોવીન -ટ્રીક ઓર ટ્રીટ !

પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ પાળતા દેશોમાં દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના દિવસે હોલોવીન-Halloween કે Hallows’ Day તરીકે ઉજવાય છે.

હેલોવીન પ્રસંગે ઘરના આંગણામાં બીહામણા દ્રશ્યો ઉભા કરાય છે , બાળકો સાંજે અવનવા બિહામણા પોશાકો ધારણ કરી મા-બાપ સાથે ઘર ઘર ફરીને ટ્રીક-ઓર-ટ્રીટ કહી કેન્ડી ભેગી કરી લે છે અને પછી એને આરોગવાનો આનંદ લે છે. ઘેર ઘેર પમ્પકિન ( નારંગી રંગનું કોળું !) ખરીદાય છે અને એને કલાત્મક રીતે કોતરીને ઘર આગળ મુકવામાં આવે છે .

એક રીપોર્ટ પ્રમાણે એકલા અમેરિકામાં જ હોલોવીનમાં જુદા જુદા બિહામણા પોશાકો અને કેન્ડીની ખરીદી પાછળ લોકો ૬ બિલીયન ડોલરનો ધૂમ ખર્ચ કરે છે.વેપાર ધંધાની દ્રષ્ટીએ હોલોવીન ક્રિસમસ પછીનો બીજા નંબરનો ખર્ચાળ તહેવાર ગણાય છે .

હોલોવીનનો ઈતિહાસ અને બીજી માહિતી નેશનલ જ્યોગ્રોફી ના આ વિડીયોમાંથી જાણવા મળશે.

વાઈટ હાઉસમાં હેલોવીન -ટ્રીક ઓર ટ્રીટ !

– નીચેના બે વિડીયોમાં નિહાળો 

પ્રેસીડન્ટ બન્યા પછીની એમની પ્રથમ હેલોવીન-૨૦૧૭ ડોનાલ્ડ ટ્રમ્પ એમની ઓવલ ઓફિસમાં ખુરશીમાં બેઠાં બેઠાં બાળકો સાથે વાતચીત કરીને અને કેન્ડી-ભેટ આપી મનાવી રહ્યા છે.એમની સાથે ફર્સ્ટ લેડી નથી જણાતાં !
President Trump Greets Media’s Kids for Halloween Trick or Treat in Oval Office

Halloween Mela in Obama’s White House

હવે આ વિડીયોમાં જુઓ પ્રેસીડન્ટ બરાક ઓબામા અને મિશેલ ઓબામા ઓવલ ઓફિસમાંથી બહાર નીકળી મીલીટરી ફેમિલીનાં બાળકો સાથે બાળક બની જઈને કેવાં આનદ સાથે હેલોવીનનો દિવસ મનાવી રહ્યાં છે !વાઈટ હાઉસમાં જાણે બાળકોનો હેલોવીન મેળો જામ્યો છે.

Trick-or-Treat with the President Obama and First Lady-
President Obama and First Lady Michelle Obama welcome area students and the children of military families to the White House for trick-or-treating on Halloween. October 31, 2015.

વેમ્પાયર ટ્રીક…Halloween Prank 

અંક ચેના હોલોવીન પ્રસંગોચિત વિડીયોમાં એક ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકોને કાઉનટરની સામે રાખેલા સિક્યોરીટી કેમેરામાં એક બિહામણો વેમ્પાયર બતાવવામાં આવ્યો છે.

આ વેમ્પાયર ક્યાં છે એની કોઈને ખબર નથી પડતી . આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આ વેમ્પાયરનું દ્રશ્ય જોયા પછી કેવા ગભરાય છે.!

 હોલોવીન પ્રસંગે આ વેમ્પાયરની ટ્રીક  આ વિડીયોમાં માણો.

Scary | Spooky | Wishes | Ecards | Greetings Card | Video | 

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને હેપ્પી હોલોવીન

1122 – દાદીમાની દાદાગીરી …….. હેન્રી શાસ્ત્રી

દાદીમાની દાદાગીરી ….કવર સ્ટોરી …. હેન્રી શાસ્ત્રી

હાથ ધ્રૂજતા, બ્રશમાં સ્થિરતા

પેઇન્ટિંગનું બ્રશ પકડેલી સહેજ ધ્રૂજતી હાથની આંગળીઓ કેનવાસ પાસે પહોંચતાની સાથે સ્થિર થઇ જાય છે. ૧૦૨ વર્ષનાં ઇઝરાયેલી દાદીમા તોવા બર્નલિંસ્કી નવા સોલો એક્ઝિબિશન માટે સજ્જ થઇ ગયાં છે. વીસ વર્ષના ગાળા પછી થઇ રહેલા પહેલા પ્રદર્શનની તૈયારી વખતે તેમના ચહેરા પર ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે.

તેમના મુખ્ય ચિત્રોમાં ગ્રે અને બ્લૅક ફૂલો છે જેનું સૌંદર્ય પ્રકાશના કિરણો દ્વારા વ્યક્ત કરવામાં તેમણે સફળતા મેળવી છે. તેમના પેઇન્ટિંગ્સમાં ઇઝરાયલના વિસ્તારો અવાવરુ અને વેરાન દેખાય છે. ખાલી ખુરશીઓ જીવનનો ખાલીપો વ્યક્ત કરે છે. તેમના પોર્ટે્રટ્સમાં પરિવારનાં સભ્યો ઝાંખા દેખાય છે અને એનું કારણ આપતા દાદીમા કહે છે કે ‘હવે એમાંનું કોઇ નથી રહ્યું. બસ, હું ને મારી સ્મૃતિઓ જીવીએ છીએ.’

૧૯૧૫માં પોલૅન્ડમાં જન્મેલાં આ દાદીમાએ જીવનમાં ઘણી યાતનાઓનો સામનો કર્યો છે. મિસ તોવા લગ્ન પછી તરત પોલૅન્ડ છોડીને ૧૯૩૮માં એ સમયે પેલેસ્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પતિ સાથે જઇને વસ્યાં.જોકે,બીજે જ વર્ષે નાઝીના અત્યાચાર અને સંહારની યાતના ભોગવવાનો વખત આવ્યો. એટલે તેમના મોટા ભાગના પેઇન્ટિંગ્સમાં જીવનમાં અનુભવાતા ખોટ અને દરદ દેખાય છે. યુવાન વયે આઇસક્રીમની લિજ્જત માણી હતી એ ક્ષણોના ચિત્રોમાં ચમક અને મોહક રંગો ધ્યાન ખેંચે છે. એપ્રિલમાં તેમની ૧૦૨મી વરસગાંઠ નિમિત્તે દોરેલા ચિત્રમાં ભૂરું આકાશ, લીલાછમ ઘાસની હરિયાળી અને રણપ્રદેશમાં રેલાતા સૂર્યકિરણોનો સુંદર સમન્વય જોવા મળે છે. એ સમયે તેમણે કહ્યું હતું કે ‘અચાનક જ રંગ મારી આંખોમાં પાછા ફર્યા.’ અત્યારે ચાલી રહેલા તેમના પ્રદર્શન માટે તેમને સાથ અને સહકાર મળ્યા છે. આ ઉંમરે તેમની સ્થિરતા માટે તેમને સલામ મારવી પડે.

———————————–

રામ રાખે એને કોણ ચાખે!

૭૪ વર્ષનાં દાદીમા શ્રીમતી માર્શ જે અકસ્માતમાંથી ઊગરી ગયાં એની તસવીર જોઇને તમે પણ બોલી ઊઠશો કે રામ રાખે એને કોણ ચાખે! આ વર્ષે મે મહિનામાં એક ગોઝારા અકસ્માતમાંથી ઉગરી ગયેલાં દાદીમા પ્રમાણિકપણે સ્વીકારે છે કે ‘એ તો નિર્વિવાદપણે ચમત્કાર જ હતો. કોઇ મારી રખેવાળીની ચિંતા કરી રહ્યું હતું અને એટલે જ આવા ભીષણ અકસ્માતમાંથી બચીને હું પાછી હરતીફરતી થઇ ગઇ.’ ટ્રાફિકમાં અટવાયેલી મિસિસ માર્શની કાર સાથે ૮૦ કિલોમીટરની ઝડપે આવી રહેલી સિમેન્ટ ભરેલી એક ટ્રક પાછળથી અથડાઇ અને કારનો કચ્ચરઘાણ વળી ગયો. દૃશ્ય જોનારા લોકોએ તો માની જ લીધું કે દાદીમા અવસાન પામ્યા હશે, પણ તેઓ ભાન ગુમાવી બેઠા હતા. તેમનો શ્ર્વાસ ચાલી રહ્યો હતો. એ ક્ષણ યાદ કરીને મિસિસ માર્શ કહે છે કે ‘કારના પાછલા દરવાજે કોઇએ ઠક ઠક કર્યું એટલું જ મને યાદ છે. મને ભાન આવ્યું ત્યારે હું ઍમ્બ્યુલન્સમાં હતી. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે મને કહ્યું કે તમારો અકસ્માત થયો છે.’

તેમની હાલત કેવી હતી? આઠ પાંસળી ભાંગી ગઇ હતી. કરોડરજ્જુ પણ તૂટી ગઇ હતી. છાતીનું હાડકું વાંકું વળી ગયું હતું તેમ જ ઠેર ઠેર ઉઝરડા પડ્યા હતા અને ઘણી જગ્યાએ સોજા આવી ગયા હતા. જોકે, નવાઇની વાત એ છે કે તેમને એક ટાંકો નહોતો લેવો પડ્યો. એક મહિનો હૉસ્પિટલમાં સારવાર લીધા પછી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. પોતાની જાતને બડભાગી ગણાવનાર શ્રીમતી માર્શ ઘરે બે દિવસ આરામ કરીને મિત્રો સાથે ફિલ્મ જોવા ઉપડી ગયાં હતાં. જાણવા જેવી વાત એ છે કે તેમના પિતા કાર મિકેનિક હોવાથી તેમનો ઉછેર કાર વચ્ચે જ થયો હતો અને તેમનો ભાઇ માત્ર ૨૭ વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.

————————-

વિઝા નકાર્યો, ઉત્સાહ વધાર્યો

ઉત્સાહ અને ઉમંગને ઉંમર સાથે સંબંધ નથી હોતો. ચંદીગઢના ચમત્કારી દાદીમાનું બિરુદ મેળવનારા ૧૦૧ વર્ષનાં મન કૌર ગયા મહિને ચીનમાં શરૂ થયેલી સ્પર્ધામાં આ વર્ષના પ્રારંભમાં ન્યુ ઝીલૅન્ડમાં મેળવેલી સિદ્ધિનું પુનરાવર્તન કરવા ઉત્સુક હતાં , પણ નસીબ બે ડગલાં આગળ ચાલ્યું. આયોજકો તરફથી અંગત આમંત્રણ ન મળ્યું હોવાનું કારણ આપીને ચીને તેમનો વિઝા નકાર્યો છે. આ વર્ષે ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરમાં યોજાયેલી ૧૦૦ મીટર રેસમાં વિજેતાપદ મેળવનારા આ દાદીમા તેમના ૭૯ વર્ષના પુત્ર ગુરદેવ સિંઘ સાથે ચીનના રુગાઓ શહેરમાં યોજાયેલી ૨૦મી એશિયા માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લઇ ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસ તેમ જ ગોળા ફેંક અને ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા. જોકે, માજી નથી નિરાશ થયાં કે નથી નસીબને દોષ આપી નિ:સાસા નાખી રહ્યાં. બલકે આગામી રેસની તૈયારીમાં લાગી ગયાં છે. અત્યારે પતિયાલામાં ટ્રેઇનિંગ લઇ રહેલા આ દાદીમા કહે છે, ‘થોડી નિરાશા એટલા માટે થઇ કે દેશનું નામ રોશન કરવાની અને મેડલની સંખ્યા વધારવાની એક તક હાથમાંથી સરી ગઇ. ચીન જવા ન મળ્યું તો કંઇ નહીં. મને તો સ્પર્ધા માટે પ્રૅક્ટિસ કરવામાં કે એમાં ભાગ લેવામાં આનંદ આવે છે. હવે પછીની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કેમ કરી શકાય એ જ મારું લક્ષ્ય છે.’ મજાની વાત એ છે કે તાલીમ ઉપરાંત ડાયેટની કાળજી રાખીને ફિટનેસ જાળવવાને તેઓ પ્રાધાન્ય આપે છે.

૯૩ વર્ષની ઉંમરે ઍથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કરનારાં શ્રીમતી કૌરે આ વર્ષે ૨૪ એપ્રિલે ઑકલૅન્ડની સ્પર્ધા એક મિનિટ અને ૧૪ સેકંડમાં જીતી હતી. આ ઉપરાંત અમેરિકામાં યોજાયેલી માસ્ટર્સ સ્પર્ધામાં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અનેકો માટે તેઓ પ્રેરણારૂપ સાબિત થયાં હતાં.

— હેન્રી શાસ્ત્રી 

સૌજન્ય ..મુંબઈ સમાચાર.કોમ 

 

ઉપરની જવાંમર્દ દાદીમાઓની સત્ય કથાઓ  વાંચ્યા બાદ ૯૦ વર્ષનાં ફિગર સ્કેટીંગનાં ખેલાડી દાદીમા Yvonne Dowlen  ની એક બીજી પ્રેરક કથા નેશનલ જ્યોગ્રાફીની આ ટૂંકી ફિલ્મમાં એમના જ મુખે સાંભળો .

વૃધ્ધાવસ્થામાં નડેલ એક ગંભીર રોડ અકસ્માત અને સ્ટ્રોકની બીમારીમાંથી પ્રબળ મનોબળથી ઉભાં થઇ જઈને ફરીથી સ્કેટિંગ રમવાનું શરુ કરનાર આ દાદીમાને સલામ.

90-Year-Old Figure Skater Will Warm Your Heart with Her Amazing Talent | Short Film Showcase-National Geographic

1121 “અપ્પો દીપો ભવ:” ….  તું જ તારો દીવો બન …. 

અપ્પો દીપો ભવ:” ….  તું જ તારો દીવો બન ….આત્મ જ્યોતિ જગાવ 

તારીખ ૧૦-૨૮- ૨૦૧૭ ના રોજ મારા ફેસ બુક ગ્રુપ પેજ ” મોતી ચારો ”  પર  મેં નીચેની પોસ્ટ મૂકી હતી .

તુમ ભગવાનકા દિયા હો… 

માટીનો બનેલો એક નાનકડો દીવડો આખી રાત બળીને, અંધારા સાથે જંગ ખેલીને એને હટાવે છે. તું તો ભગવાનનો બનાવેલો દિવ્ય દીવડો છે, તો પછી તારે ડરવાની કે નિરાશ થવાની શી જરૂર છે. – બ્રહ્મા કુમારી સિસ્ટર શિવાની

 

આ જ દિવસે જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરમાં ‘’દીવા’ વિષય ઉપર જ વિવિધ ફિલ્મી ગીતોના વિડીયો અને એની વિવેચના સાથે શ્રી નિરંજન મહેતાનો એક સરસ પોસ્ટ થયો છે.લેખક શ્રી નિરંજન મહેતાના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે. 

દીવો-દીપક ફિલ્મી ગીતોમાં …. નિરંજન મહેતા

શ્રી નિરંજનભાઈએ કરાવેલ આ સંગીત મઢી ફિલ્મી સફરથી  આપના દિલમાં ખુશીનો દીપક જો ના પ્રગટે તો જ નવાઈ.! 

આજના આ દીપક વિષયની પોસ્ટના સંદર્ભમાં જાણીતાં કાવ્ય યાત્રી કવિયત્રી સુ.શ્રી દેવિકા ધ્રુવના નીચેના દિવાળીના  દીપક વિશેની એમની આ ભાવવાહી સુંદર કાવ્ય રચનાને પણ યાદ કરી લઈએ.

આ આખું ભાવવાહી ગીત આ રહ્યું. 

દીપ જલે 

દીપ જલે જો ભીતર સાજન,
 રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત  જાણે,
 પરમ પુનિત ને પાવન.


માંજીએ સાચ્ચે મનના બરતન
 ચકચકાટ દિલભાવન.
પછી ખીલે જો ભીતર આતમ,
 રોજ દિવાળી આંગન.


નાની અમથી સમજી લઈએ,
     ક્ષણની આવન જાવન.
 અમાસને અજવાળી લઈએ
 ઝગમગ દીવા મુબારક.


દીપ જલે જો ભીતર સાજન,
 રોજ દિવાળી આંગન. 

દેવિકા રાહુલ ધ્રુવ

આ કાવ્યમાં તેઓ કહે છે કે જો ભીતરનો દીવો જલતો હોય તો બહાર દીવાઓ પ્રગટાવ્યા સિવાય પણ રોજે રોજ દિવાળી જ છે.દિવાળીમાં ઘરની બહાર કે ઘરમાં દીપક ની હારો પ્રગટાવીએ પણ જો આપણી ભીતરમાં અંધારું હોય તો એ સાચી દિવાળી નથી.સાપ ગયા ને લીસોટા રહ્યાની માફક એ માત્ર ઔપચારિકતા કહેવાશે. 

ઉપરના ગીતને દેવિકાબેનના જ સ્વરમાં આ વિડીયોમાં પણ સાંભળો.

સૌજન્ય  … શબ્દોને પાલવડે બ્લોગ

 

દિલમાં દીવો કરો – LIGHTEN UP YOUR HEART 

ભક્ત કવિ રણછોડનું આ જાણીતું ભજન પણ આપણને દિલમાં દીવો કરવાની શીખ આપે છે.

 દિલમાં દીવો કરો 

દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;

એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં

ભક્તકવિ રણછોડ

 બેઠક સાહિત્ય સંસ્થાનાં એક મુખ્ય સંચાલિકા સુ.શ્રી પ્રજ્ઞાજીએ કરાવેલ સુંદર આસ્વાદ અહીં  ક્લિક કરીને વાંચી શકાશે.

અંતમાં એટલું જ કહીશ કે અંતરનો દીવો સદા પ્રજ્વલિત રહેવો જોઈએ તો જ અંતરમાં અજવાળું ફેલાઈ શકે અને એની મદદ વડે આપણા જીવનનો રાહ અંધારામાં ભટકાયા વિના સંતોષથી અને સારી રીતે પૂરો કરી શકીએ.મારા એક કાવ્ય’’ મને શું ગમે ‘’માં પણ મેં કહ્યું છે.

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે . 

વિનોદ પટેલ, સાન ડીએગો ,૧૦-૨૮-૨૦૧૭

 

સૌજન્ય- શ્રી સુરેશ જાની 

1120 – નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ ….. ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ  

નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આંખોથી પાછી ફરતી’તી, અટકાવી છે,

કાલે રાતે નીંદરને ધમકાવી છે,

કેવી સજ્જડ ચોંટી ગઈ છે મારા મનમાં,

તારી યાદો તેં શેનાથી ચીપકાવી છે?

-જિતેન્દ્ર પ્રજાપતિ

‘સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યૂં હી તમામ હોતી હૈ.’ પ્રેમ ધવને લખેલા આ ગીતની જેમ જ દરરોજ જિંદગીનો એક દિવસ ખતમ થાય છે. દિવસો જાય છે, એની તો પ્રકૃતિ જ જવાની છે. આપણી નજરની સામે ઘડિયાળના કાંટા ફરતા રહે છે અને તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે. કંઈ રોકી શકવાની આપણી તાકાત નથી. અલબત્ત, આપણામાં એક બીજી તાકાત તો છે જ. જિંદગીને જીવી લેવાની તાકાત. થોડા થોડા હસતા રહેવાની તાકાત. થોડા થોડા ખીલતા રહેવાની તાકાત.

સમયની સાથે આપણે ખીલતા હોઈએ છીએ કે મૂરઝાતા હોઈએ છીએ? છોડને ઉછેરવા માટે પાણી સીંચતા રહેવું પડે, જિંદગીને માણવા રોજ થોડુંક વધુ જીવતા રહેવું પડે છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે. કાલે દિવાળી છે. સદીઓથી ચાલ્યા આવતા કેલેન્ડરમાં પરમ દિવસે નવી કૂંપળ ફૂટવાની છે. આસ્તેકથી કશુંક ઊઘડશે. થોડાક દિવસમાં બધું રાબેતા મુજબની થઈ જશે. એ જ બધાં શિડ્યુલ્સ, એપોઇન્ટમેન્ટ્સ, કામ, ગોલ, ટાર્ગેટ, જવાબદારી, ફરજો, પરંપરાઓ, વ્યવહારો, ચિંતા, ઉપાધિ, નારાજગી, ઉદાસી, ફરિયાદો વળી પાછા આપણા ખભે લદાઈ જશે. નવું હોય એને આપણે કેટલી ઝડપથી જૂનું કરી દેતા હોઈએ છીએ! આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. ઘડીકમાં રૂટિનમાં ગોઠવાઈ જઈએ છીએ. ગોઠવાવું તો પડે જ ને! રોજ કંઈ થોડા તહેવારો હોય છે? રોજ કંઈ થોડી રજા હોય છે? હા, એ રોજ નથી હોતા, પણ જિંદગી તો રોજ હોય છેને? સવાર તો રોજ નવી હોય છેને? રોજ કંઈક તો નવું હોય જ છે! આપણે એ નવા તરફ નજર જ ક્યાં નાખીએ છીએ? આપણે તો જૂનાને જ પકડી રાખીએ છીએ! આદત પડી ગઈ હોય છે, આપણને રોજેરોજ એકસરખું જીવવાની! નવું આપણને ઝાઝું સદતું નથી! આપણામાંથી રોમાંચ ધીમે ધીમે ઓસરતો જાય છે. બધી ખબર છે હવે, સમજીએ છીએ બધું, કંઈ બદલાતું નથી. ખરેખર કંઈ બદલાતું હોતું નથી? ના, બદલાતું હોય છે. સતત બદલતું રહે છે. દુનિયા તો રોજ નવી થાય છે. આપણે બદલતા નથી એટલે આપણને કંઈ બદલતું લાગતું નથી.

એક માણસ હતો. દરરોજ ડાયરી લખે. જે કંઈ બન્યું હોય એ બધું જ લખે. એક વર્ષ પૂરું થયું. તેને થયું કે લાવ તો ખરા, જરાક ચેક કરું. આખાં વર્ષમાં શું થયું છે? શું બદલ્યું છે? તે આખા વર્ષનાં પાનાં ફેરવી ગયો. થોડાક વિચાર પછી તેને થયું કે, સારું તો થયું છે, ખરાબ પણ થયું છે છતાં જિંદગી બદલાયેલી કેમ નથી લાગતી? આ તો જાણે એવું થઈ ગયું છે કે, તારીખિયાનું એક પાનું ખરે છે અને ડાયરીનું એક પાનું ભરાય છે! આ જ જિંદગી છે? જિંદગીને નવેસરથી લખી શકાય? નવા વર્ષની ડાયરીના પહેલા પાને તેણે લખ્યું કે હવે હું જિંદગીને નવેસરથી લખીશ! તેને વિચાર આવ્યો કે જિંદગીને નવેસરથી લખવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ તો એ કરવું જોઈએ કે, થોડુંક ભૂસવું જોઈએ. ડાયરીમાં લખાઈ ગયું છે એ ભલે ત્યાં જ રહ્યું, પણ એને દિલમાં ભરી રાખવાની શું જરૂર છે? સારા દેખાવવા માટે રોજ ઊગતી દાઢીને તો આપણે બ્લેડથી ઘસી ઘસીને હટાવી દઈએ છીએ! આફ્ટર સેવ લગાડીએ ત્યારે થોડુંક બળે પણ છે. એમ ને એમ થોડું કંઈ ભૂંસાતું હોય છે? ભલે થોડીક બળતરા થાય, પણ જિંદગીને કદરૂપી બનાવે તેવું થોડુંક ભૂંસી તો નાખવું જ છે. મેકઅપથી ઊજળા દેખાવવામાં કંઈ વાંધો નથી. હોય એના કરતાં થોડાક વધુ સારા દેખાવવાનો દરેકને અધિકાર છે. ચહેરાથી ભલે થોડાક વધુ સુંદર દેખાવ, પણ મેકઅપ કરતી વખતે માત્ર એટલું વિચારો કે હું અંદરથી પણ વધુ સુંદર થઈશ. અંદરથી સારા દેખાવાનો મેકઅપ હોય? હા હોય, પણ એ બજારમાં મળતો નથી. એને બનાવવો પડે છે. પોતાના હાથે, પોતાના વિચારોથી, પોતાના સ્વભાવથી અને પોતાની જાતથી. લાગણી થોડીક વધુ ખીલી શકે. કરુણા થોડીક વધુ પ્રગટી શકે, પ્રેમ તો તમે ધારો એટલો વધી શકે. સવાલ માત્ર આપણી દાનતનો હોય છે. સારા થવાની તમારી દાનત છે? સારા દેખાવવા માટે હજારોનો ખર્ચ કરતો માણસ સારા થવા માટે કેટલા પ્રયાસો કરતો હોય છે? એ તો સાવ મફતમાં છે. હળવા રહેવું આપણા હાથની વાત છે. આપણા હાથમાં હોય એટલું આપણે કરી શકીએ તો સુખ કંઈ છેટું હોતું નથી.

વર્ષ બદલાતું હોય ત્યારે આપણે થોડુંક એવું વિચારતા હોઈએ છીએ કે, હવે તો હું આમ કરીશ. રિઝોલ્યુશન લાંબું ટકતા નથી. કદાચ એનું કારણ એ છે કે આપણે વર્ષમાં એકાદ વખત જ આવું વિચારીએ છીએ. બદલવા માટે કોઈ મોકાની, કોઈ તકની, કોઈ તારીખની કે કોઈ તહેવારની જરૂર હોતી નથી. બસ, નક્કી કરવાનું હોય છે. જ્યારે કંઈક નક્કી કરીએ ત્યારે એ નવું જ હોય છે. નવું લાગવું જોઈએ. નવું ફીલ થવું જોઈએ. જ્યારે તમે તમારી નજીક આવો ત્યારે એ નવું જ હોય છે. આપણે કહીએ છીએ કે દુનિયા હાઇટેક થઈ ગઈ છે. આજ સુધીમાં કેટલી બધી શોધ થઈ છે? હજુ નવી નવી શોધો થતી જ રહે છે. છતાં સદીઓથી એક શોધ ચાલી આવે છે જે પૂરી થઈ જ નથી! એ છે સુખની શોધ! ખુશી, આનંદ, ઉત્સાહની શોધ! માણસ જાતનું અસ્તિત્વ થયું ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સુખને શોધી લીધું છે. સુખ હાથવગું લાગે છે. પાછું એ છટકી જાય છે! કોઈ સુખ લાંબું ટકતું નથી!

દુ:ખ છેને, દરિયામાં રહેતી મોટી માછલીઓ અને મગરમચ્છ જેવું છે! પેલી વાર્તા તમે સાંભળી છે? દરિયામાં રહેતી નાની-નાની માછળીઓ એક વખત ભગવાન પાસે ગઈ! બધી માછલીઓએ કહ્યું કે, ભગવાન તમે અમને કેટલી સુંદર બનાવી છે! અમને જીવવાની બહુ મજા આવે છે. તકલીફ માત્ર એક જ છે. દરિયામાં જે મોટી મોટી માછલીઓ છેને એ અમને ખાઈ જાય છે. તમે બસ દરિયામાંથી એને બહાર કાઢી નાખોને! ભગવાન હસવા લાગ્યા! તેણે કહ્યું, એ તો હું ન કરી શકું. હા, તમને એટલું કહી શકું કે તમે એનાથી બચજો. તેનાથી બચવા માટેના રસ્તા તમને બતાવી શકું. બચવું તો તમારે જ પડે! આવું જ જિંદગીનું છે. દુ:ખ, પીડા, વેદના અને બીજી તકલીફો આપણી સાથે મોટી માછલીઓની જેમ રહેવાની જ છે, તમારે એનાથી બચતા રહેવું પડે. એને નજીક નહીં આવવા દેવાની! બચવાની વાત તો દૂર રહી, આપણે તો એને આમંત્રણ આપતા રહીએ છીએ! વેદનાને વાગોળતા રહીએ છીએ, દુ:ખને પંપાળતા રહીએ છીએ!

એવું નથી કે જિંદગીમાં બધું ખરાબ જ થાય છે. ખરાબ થાય છે એ તો સાવ થોડુંક જ હોય છે. સારું વધારે જ થયું હોય છે. આપણી તકલીફ એ હોય છે કે આપણે ખરાબને જ યાદ રાખીએ છીએ. દુ:ખી થવાની અને દુ:ખી રહેવાની આપણને એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે સુખને ભૂલી ગયા છીએ. આપણને તરત જ વાંધા પડે છે. અપેક્ષાઓ આભ જેવડી થઈ ગઈ છે. આપણને બધું જ જોઈએ છે અને બહુ ઝડપથી જોઈએ છે અને એની પાછળ દોડવામાં જે છે એને જોઈ જ શકતા નથી. થોડુંક એ વિચારીએ કે આપણે કઈ તરફ જઈએ છીએ? જે તરફ જઈએ છીએ એ દિશા સાચી તો છેને? આપણે ચારે તરફ જઈએ છીએ, ફક્ત પોતાના તરફ જઈ શકતા નથી. પોતાનાથી તો દૂર ને દૂર જ જતા હોઈએ છીએ. આપણે ક્યાંય પણ પહોંચવું હોય તો પહેલાં તો પોતાના સુધી પહોંચવું પડશે. દુનિયાને એ જ ઓળખી શકે જે પોતાને ઓળખે છે.

લખી રાખજો, નવા વર્ષમાં કંઈ બદલવાનું નથી. બધું એમ ને એમ જ રહેવાનું છે. આપણે કંઈ બદલી શકવાના નથી. હા, આપણે ધારશું તો આપણે ચોક્કસ બદલી શકીશું. તમારી તમને બદલવાની તૈયારી છે? આપણે બદલશું તો બધું જ બદલાયેલું લાગશે. આપણે નવા બનશું તો બધું જ નવું લાગશે. અંધ હોય એને ચક્ષુદાનથી મળેલી કોઈની આંખો આપી શકાય, પણ દૃષ્ટિ તો એણે પોતે જ કેળવવી પડી. આપણે ‘આઈ’ આપી શકીએ, ‘વિઝન’ નહીં! એવી જ રીતે બદલવું તો આપણે જ પડે!

જિંદગી સુંદર છે. આખી દુનિયા સારી છે. સવાલ માત્ર એટલો જ હોય છે કે તમારે શું જોવું છે? તમારે કેવી રીતે જીવવું છે? બીજું કંઈ નહીં તો આપણે એટલું તો નક્કી કરી જ શકીએ કે હું આખા વર્ષના બધા જ દિવસોને પૂરેપૂરા જીવીશ! યાદ રાખવા જેવું ન હોય એને ભૂલતા શીખીશ! જિંદગી તો દરરોજ આપણામાં એક પાઠ ઉમેરે છે, આપણે બસ એને સારી રીતે શીખવાના હોય છે. ઘણું બધું ‘અનલર્ન’ પણ કરવાનું હોય છે! તમારી જિંદગીનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. સ્ટિયરિંગ કોઈના હાથમાં હોય તો પછી ગાડી આપણે ધારીએ એ તરફ ક્યાંથી ચાલવાની?’

છેલ્લો સીન :

ભૂલી જવા જેવું ભૂલી જતા શીખો,

યાદ રાખવા જેવું આપોઆપ યાદ રહેશે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

સૌજન્ય- http://chintannipale.com/2017/10/18/10/21/4628

 

1119 – નવા વર્ષમાં મનન કરવા જેવાં સુવાક્યો- વિચારો ….નવા વર્ષનું નઝરાણું ..

નવું સંવત વર્ષ જ્યારે શરુ થઇ રહ્યું છે ત્યારે આજની પોસ્ટમાં નવા વર્ષમાં મનન કરવા જેવાં કેટલાંક સંકલિત સુવાક્યો અને અંતે – મારું નવા વર્ષમાં મમળાવવા જેવું વિચાર મંથન પ્રસ્તુત કરું છું.

યુ-ટ્યુબ ચેનલો પર ભ્રમણ કરતાં સુંદર સુવાક્યોનો નીચેનો વિડીયો -સ્લાઈડ શો જોવામાં આવ્યો જે મને ગમી ગયો.આ સ્લાઈડ શોમાંના દરેક સુવાક્યો ધ્યાનથી વાંચી એને જીવનમાં ઉતારવા જેવાં છે.

જીવન પ્રેરક સુવાક્યો નો સ્લાઈડ શો.(સાભાર ..Nilesh Sukhadia)

નીચેના વિડીયોમાં સુખ ઉપર કેટલાંક અંગ્રેજી સુવાક્યો પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

નવા વર્ષ માટેનું મારું વિચાર મંથન –નવા વર્ષ માટેનું નઝરાણું

ભૂતકાળ અને ભવિષ્ય કાળની ચિંતા સાથે જીવવું,એટલે
હાથની આંગળીઓમાંથી જીવનને પસાર થતું જોઈ રહેવું,
વર્તમાન કાળની દરેક પળને સારી રીતે જીવીએ
એટલે આખો દિવસ સારી રીતે જીવી લીધા બરાબર થશે,
દરેક આખો દિવસ આનંદથી જીવી લઈએ.
એટલે આખું વર્ષ આનંદથી જીવી લીધા બરાબર થશે .

માટે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ છોડી,
આજ આજ ભાઈ અત્યારે જ નો અભિગમ રાખી,
વર્તમાનની દરેક પળને આનંદથી જીવી લઈએ,
અને આખા વર્ષને આનંદથી –‘’હેપ્પીનેસ’’થી ભરી દઈએ .
ડાહ્યા માણસનો એ જ એક સદગુણ અને સુલક્ષણ છે.

વિનોદ પટેલ ,૧૦-૧૮-૨૦૧૭

==============

જીવન અને સુખ …. વિનોદ પટેલ

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

બધાંને

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

આનંદ ….. પરમાનંદ …..સત્ચિદાનંદ …એ જ મહા સુખ !

1118 -દિવાળી એટલે તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ …..દીપોત્સવી અંક ..

 

દિવાળી યા દીપાવલી એ હિન્દુ ધર્મમાં ઘણાં વર્ષોથી ઉત્સાહથી મનાતો આવતો એક મહત્વપૂર્ણ લોક તહેવાર છે .

વાઘ બારશથી શરુ કરી ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

દિવાળી પર્વ વિષે જાણીતા કવિ શ્રી અનીલ ચાવડાની મને ગમતી આ રચના એમના આભાર સાથે માણીએ .

લ્યો આવી ગઈ દિવાળી………– અનિલ ચાવડા

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

દિવાળી પર્વ અંગે મેં અગાઉ લખ્યું હતું એમ દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે તમારામાં હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની સફરમાં એકલા પડી ગયા છે, ભટકી રહ્યા છે એમની સાથે પ્રેમથી વાત કરીએ,એમની આંખોની ઉદાસી દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરીએ.જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈએ અને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરીએ તો કેવું !

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને આદરથી નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામીએ તો ખરી દિવાળી-નવું વર્ષ ઉજવ્યું કહેવાશે.

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય.

ઓશોએ પણ કહ્યું છે કે ”દિવાળીનો દીપક અને એનો બહારનો પ્રકાશ કેટલો મનોહર લાગે છે !પરંતુ મનુષ્યની અંદર પડેલું અંધારું એ દુર કરી શકતો નથી !ભીતરમાં ધ્યાનની રોશની જો પ્રગટે તો જિંદગીનો હરેક દિવસ દિવાળી, દિવાળી જ છે.”

આ સંદર્ભમાં દિવાળી વિષે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલએ ઈ-મેલમાં મોકલેલ અખાના ચાબખાઓની યાદ અપાવતી એમની આ કટાક્ષ રચનાને પણ સાભાર માણીએ.

દિવાળી!

કંઈ દિવાળીએા આવીને ગઈ !

સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ!

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

સાફ કરે સહું પોતાના ઘર

દિવો પ્રગટાવે અંધકાર પર

કપડાં સારા પહેરીને સૌ ફરે

બને વાનગીઓ સારી ઘરે ઘરે!

દિલની સાફસુફી કરવાની રહી,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

પૂજન કરીને મેળવવું છે સુખ

દેવ દર્શનથી દૂર કરવું છે દુઃખ

મંદિરમાં જઈને પ્રદિક્ષણા ફરે

ભાથુ ભાવીનું આમ સૌ ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

સાફ કરે સૌ અંદરના ઘર

રાખે અમિ દ્રષ્ટિ સૌની પર

પ્રેમ પૂજન કરી મેળવે સુખ

દૂર કરે જે દુઃખીએાનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,

કંઈ દિવાળીએા આવીને ગઈ!

 

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું

લાગે ભલે કોઈને કડવું ને ખાટું

હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં

વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં!

ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ!

કંઈ દિવાળીએા આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

 

દિવાળી પર એક ચિંતનાત્મક લેખ… સૌજન્ય/સાભાર  … રીડ ગુજરાતી.કોમ

દિવાળી એટલે…   [ચિંતનાત્મક]  …  દિનકર જોષી

વાચક મિત્રો,

ગત સંવત વર્ષ દરમ્યાન આપ સૌએ આપેલ સહકાર અને પ્રોત્સાહન બદલ આપનો દિલથી આભાર માનું છું . નવા વરસે પણ એવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એવી હાર્દિક શુભ કામનાઓ સહીત-

દીપાવલી અભિનંદન …..નુતન વર્ષાભિનંદન 

સાલ મુબારક

અંતે મારી દિવાળીની હાઈકુ રચનાઓ ….

પ્રિય  જનોને 
દિવાળી,નવું વર્ષ,
મુબારક હો.
=====
જાતે મહેંકો,
મહેંક ફેલાવો જગે,
દરેક વરસે,
======
દિવાળી શીખ
અંધકાર હટાવો
પ્રકાશ લાવો
=====
નવા વરસે
નવા થઈએ, જુના
કેમ રહીએ !

=====

દિવાળી ,નવું 

વર્ષ, કેલેન્ડરની 

કમાલ માત્ર  

વિનોદ પટેલ,સંપાદક, વિનોદવિહાર