વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 26, 2017

1131 -મારું એક પ્રિય ભજન …”પ્રેમળ જ્યોતિ તારો દાખવી ..” રચના-કવિ નરસિંહરાવ ભો.દિવેટિયા

”પ્રેમળ જ્યોતિ તારો દાખવી” એ કાવ્ય સ્વ. કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા  રચિત ખુબ જ જાણીતું ગેય કાવ્ય-ભજન યા પ્રાર્થના છે.

આ પ્રાર્થના મને મારા વિદ્યાર્થી કાળથી જ બહુ ગમે છે.

મહાત્મા ગાંધીએ આ પ્રાર્થનાને એમને પ્રિય ભજનોના પુસ્તક ”આશ્રમ ભજનાવલી ”માં પણ સમાવેશ કર્યો છે.એક વખતે સાબરમતી આશ્રમમાં પૂજ્ય મહાત્મા ગાંધીના સાન્નિધ્યમાં મથુરાબહેન ખરેના સ્વરે આ પ્રાર્થના અવાર નવાર ગવાતી હતી.

આ કાવ્યમાં પ્રભુને એની પ્રેમળ અને દિવ્ય જ્યોતિના પ્રકાશથી  અંધકાર મય જીવન પથમાં પ્રકાશ પાથરવાની કવિના હૃદયની આરઝુ વ્યક્ત થઇ છે.આખાએ કાવ્યમાં રહેલો ભાવ ઉત્તમ છે જે કવિની સાથે સૌ ભાવકને પણ એટલો જ લાગુ પડે છે.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

રજનિ જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ

– નરસિંહરાવ દિવેટિયા

આ ભજન એ ૧૮૩૩ માં એક ખ્રિસ્તી કેથોલિક કાર્ડીનલ John Henry Newman એ સૌ પ્રથમ રચિત અંગ્રેજી ભજન રચના ” Lead, Kindly Light ” નો કવિ ન.ભો.દિ એ કરેલ સુંદર ભાવાનુવાદ છે. કાવ્યના ભાવના સંપૂર્ણ આસ્વાદ માટે આખી અંગ્રેજી રચના પ્રસ્તુત છે.

Lead, Kindly Light

“Lead, Kindly Light, amidst th’encircling gloom,
Lead Thou me on!
The night is dark, and I am far from home,
Lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene; one step enough for me.

I was not ever thus, nor prayed that Thou
Shouldst lead me on;
I loved to choose and see my path; but now
Lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years!

So long Thy power hath blest me, sure it still
Will lead me on.
O’er moor and fen, o’er crag and torrent, till
The night is gone,
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile!

Meantime, along the narrow rugged path,
Thyself hast trod,
Lead, Saviour, lead me home in childlike faith,
Home to my God.
To rest forever after earthly strife

In the calm light of everlasting life.”

સર્વ વિદ્યાલય હાઈસ્કુલ-કડી અને એના પરિસરમાં જ આવેલી બોર્ડીંગ-આશ્રમ-વખતના વિદ્યાકાળ વખતે મારા ગળાનો સુર સારો હતો. હું આ ભજન આશ્રમની સાંજની દૈનિક પ્રાર્થનામાં અમારા સંગીત શિક્ષક ચતુરભાઈ પટેલની હાર્મોનિયમની સંગતે ૪૦૦ વિદ્યાર્થીઓ સમક્ષ સ્ટેજ ઉપરથી ગાતો અને ગવડાવતો હતો એનું સ્મરણ થાય છે.

સમય અને ઉંમરની સાથે ના ગમતા ઘણા શારીરીક ફેરફારો થયા એમાં મારા ગળાના સૂર પણ કેમ બાકી રહી જાય !ઘણા વખતથી ગાવાનો મહાવરો પણ છૂટી ગયો છે.

એમ છતાં આ કાવ્યને મારા હાલના સ્વરમાં નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં ઢાળવાનો મેં એક પ્રયોગ તરીકે પ્રયત્ન કર્યો છે એ કદાચ આપને ગમે !

પ્રથમ આ કાવ્યના ભાવને હૃદયમાં ઉતારી લીધા પછી વિડીયોમાં મને ( મારા બેસુરા સ્વરમાં !) ગાતો નિહાળો.

આવાં બીજાં મેં ગાયેલાં ભજનો વિગેરેના વિડીયો યુ-ટ્યુબ પર 

Vinod R.Patel ચેનલની આ લીંક પર ક્લિક કરીને સાંભળી શકાશે.