વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1142 -મારાં પ્રેરણાસ્રોત જાણીતાં લેખિકા અવંતિકા ગુણવંતની  ચિર વિદાય  – હાર્દિક શ્રધાંજલિ

”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”  

-અવંતિકા ગુણવંત  

 મને સુપરિચિત અને પ્રેરણાસ્રોત પ્રિય લેખિકા અવંતિકાબેન ગુણવંત હવે સદેહે નથી રહ્યાં એ સમાચાર જાણીને ખુબ જ દુખ થયું.

સમાજમાં જીવાતા જીવનનો પડઘો પાડતું સત્વશીલ સાહિત્ય ઘણા વર્ષોથી એમની કોલમોના  માધ્યમથી પૂરું પાડી અનેક વાચકોમાં પ્રિય બનેલાં જાણીતાં લેખિકા અવંતિકા ગુણવંતનું અમદાવાદમાં તેમના નિવાસસ્થાન ‘’શાશ્વત ‘’ માં તારીખ ૯ મી ડીસેમ્બર, ૨૦૧૭ , શનિવાર ના રોજ સાંજે દુખદ નિધન થયું .પાલડી વિસ્તારમાં આવેલ વી.એસ. હોસ્પિટલ પાછળના સ્મશાનગૃહમાં અવંતિકાબહેનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

અવંતિકાબેનનો જન્મ ૧૭ મી ફેબ્રુઆરી,૧૯૩૭ માં અમદાવાદ ખાતે થયો હતો.અવસાન વખતે એમને ૮૧ મુ વર્ષ ચાલતું હતું. છેલ્લા ઘણા સમયથી એમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.એમનું મૂળ વતનનું ગામ ઝુલાસણ મારા વતનના ગામ ડાંગરવાની ખુબ નજીક આવેલું છે.  

વાંચન,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની મુખ્ય શોખની પ્રવૃત્તિ રહી હતી.

એમનાં બે સંતાનો-દીકરો-મરાલ સાઉદી એરેબીયામાં અને દીકરી પ્રશસ્તિ,બોસ્ટન,યુ.એસ.એ.માં  એમ બન્ને વિદેશમાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી સારી રીતે સેટ થયાં છે અને આજે સપરિવાર  સુખી છે.

અવંતિકાબેન શરૂઆતથી જ એમના પતિ શ્રી ગુણવંતભાઈનું નામ એમના નામ સાથે જોડીને અવંતિકા ગુણવંતના નામે લખતાં હતાં.ગુણવંત જાણે કે એમની અટક બની ગઈ હતી.

અવંતિકા ગુણવંત વર્ષોથી મુંબાઈ સમાચાર,જન્મભૂમિ-પ્રવાસી,સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર),હલચલ,સાંવરી(કલકત્તા),અખંડાનંદ વી. પ્રકાશનોમાં એમની કોલમોમાં સ્ત્રીઓના પ્રશ્નો,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખો લખીને વાચકોમાં પ્રિય બન્યાં હતાં .

૨૦૦૪-૨૦૦૫ દરમ્યાન આરપાર સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો -વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.

ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર,જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો/વાર્તાઓને  વાચકો ખુબ રસથી વાંચતા હતા..

આજસુધીમાં એમનાં 24 પુસ્તકો પ્રકાશિત થયાં છે.

અવંતિકાબેનનાં ખુબ વખણાએલાં પુસ્તકોની યાદી .

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર.

તેઓ માત્ર વાર્તા લેખિકા જ નહોતાં પરંતુ એમના સકારાત્મક અને સત્વશીલ સમાજ લક્ષી સાહિત્ય રચનાઓના માધ્યમથી ઈશ્વર પેટલીકરની જેમ સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહેલ એક સામાજિક કાર્યકર પણ હતાં.ઘણા વાચકો એમની કોલમોમાં પ્રગટ થતા સાહિત્યથી પ્રેરિત થઇ તેમને રૂબરૂ મળવા મુંબઈ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી એમના નિવાસ સ્થાને આવતા અને એમના પ્રશ્નો એમની સમક્ષ રજુ કરતા.તેઓ દરેક મુલાકાતીને પ્રેમ અને ધીરજથી સાંભળતાં અને યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપતાં હતાં.

સન્ડે-ઈ-મહેફિલના સંપાદક મારા મિત્રશ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગમાં અવંતિકાબેનના વ્યક્તિત્વની ખાસિયતોનો પરિચય આપતાં સુંદર લખ્યું છે કે …

પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ છે .”  

શ્રીમતી અવંતિકાબેન ગુણવંત સાથે મારો સૌ પ્રથમ પરિચય ૨૦૦૩માં અમેરિકન જીવન પરના એમના અનુભવો આધારિત સત્યઘટનાત્મક વાર્તાઓના પુસ્તક ´છેલ્લી ઘંટડીવાંચ્યા પછી એમના એક પ્રસંશક તરીકે થયો હતો.એ વખતે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે હું ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાતી અખબાર ગુજરાત ટાઈમ્સમાં લેખ/કાવ્યો લખી મોકલતો હતો.આ અખબારમાં એમના પુસ્તક ‘’છેલ્લી ઘંટડી ‘’પુસ્તક વિષે સારો અભિપ્રાય વાંચીને મેં એ ખરીદીને વાંચ્યું.મને એ ખુબ ગમ્યું.મેં પુસ્તકમાં આપેલા એમના સરનામે પત્ર લખ્યો .એના જવાબમાં એમના પત્રમાં મને પ્રોત્સાહિત કરતાં એમણે લખ્યું લખવાનું ચાલુ રાખશો.બંધ ના કરશો.તમે સારું લખી શકો એમ છો ‘’ત્યારબાદ એમના અન્ય પત્રો દ્વારા તથા ફોનમાં થતી વાતચીતમાં તેઓએ મારા અંગત જીવનમાં રસ લઇ મને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.દા.ત.એમના નવેમ્બર ૩૦,૨૦૦૫ના એક પત્રમાં તેઓએ મને લખ્યું હતું:

હમણા શું નવું વાંચ્યું ?લખ્યું ?તમારા સંસ્મરણો લખો છો? ચિંતન,મનન ના અંતે જે પ્રાપ્ત થાય એ અને જીવનભરના અનુભવો દ્વારા જે તારતમ્ય ,દ્રષ્ટિ મળ્યાં એ બધું કલમ દ્વારા સમાજને મળો એ જ શુભેચ્છા.કોઈને ફાયદો થાય ,પ્રેરણા મળે.લખવા બેસીએ છીએ ત્યારે આપણે આપણા વિચારોમાં વધારે સ્પષ્ટ બનીએ છીએ.એ આપણો  learning process બની રહે છે. ‘’

અવંતિકાબેનએ મને લખેલા બધા જુના પત્રો મારી ફાઈલમાં મેં હજુ જતનથી સાચવી રાખ્યા છે.

નિવૃતિમાં લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખવાના ઉદ્દેશ્યથી મારી ૭૫ વર્ષની ઉંમરે નવું લેપટોપ કમ્પ્યુટર ખરીદી એમાં ગુજરાતીમાં લખવાનું જ્ઞાન મેળવી સપ્ટેમ્બર,૨૦૧૧ થી શરુ કરેલ મારો  આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારઅવંતિકાબેનની પ્રેરણા અને માર્ગદર્શનનું પરિણામ છે એમ હું ચોક્કસ પણે માનું છું જેના માટે હું એમનો ઋણી છું.

નવેમ્બર ૨૦, ૨૦૦૭ ના રોજ હું અવંતિકાબેન અને ગુણવંતભાઈને  એમના નિવાસ્થાને પ્રથમવાર રૂબરૂ મળ્યો વખતે સારસ બેલડી સમાં ખુશમિજાજી દંપતીની મારા કેમેરામાં કેદ કરેલી એક યાદગાર તસ્વીર આ રહી.

નવેમ્બર/ડીસેમ્બર ૨૦૦૭ માં મારી અમદાવાદની મુલાકાત વખતે એમના પાલડી વિસ્તારમાં આવેલ  શાશ્વતબંગલે મારે  અવંતિકાબેનને ત્રણ વાર રૂબરૂ મળવાનો,સાથે ભોજન લેવાનો અને લંબાણથી વાતચીત કરવાનો લાભ મળ્યો હતો.આટલાં જાણીતાં અને વ્યસ્ત લેખિકા હોવા છતાં,આ નખશીખ સન્નારીની આડમ્બર વિહીનતા,સાદગી અને સ્નેહ અને માયાળુ સ્વભાવનો એમની સાથેની આ પ્રત્યક્ષ મુલાકાતો દરમ્યાન જે અનુભવ મને થયો એ કદી ભૂલ્યો ભૂલાય એમ નથી.

તારીખ  ૨૧ નવેમ્બર ૨૦૦૭ ની એમની સાથેની મુલાકાત વખતે એમણે એમનાં ચાર પુસ્તકો એમના હસ્તાક્ષર અને આશીર્વચનો લખીને મને ભેટ આપ્યાં હતાં. કથા અને વ્યથા ભેટ પુસ્તકના અર્પણના પેજ પર અવંતિકાબેનના હસ્તાક્ષરમાં એમનો સ્નેહ નીતરતો સંદેશ આ રહ્યો.

 એમના પતિ શ્રી ગુણવંતભાઈ પણ ખુબ મજાના અને મળતાવડા સ્વભાવના માણસ છે. ’એક દુજે કે લિયે’ બન્યાં હોય એવાં આ આદર્શ પતી-પત્ની વચ્ચે અનોખો પ્રેમ હતો.અવંતિકાબેન નાદુરસ્ત તબિયત હોવા છતાં એમની કોલમો માટેના લેખો પથારીમાં સુતાં સુતાં ગુણવંતભાઈને લખાવતાં જેને તેઓ જે તે પ્રકાશનોને નિયમિત પોસ્ટમાં મોકલી આપતા.જીવનના અંત સુધી  અવંતિકાબેનની માંદગીમાં એમની ઉચ્ચતમ કાળજી રાખી સેવા બજાવી  આદર્શ દામ્પત્યનું એક ઉમદા ઉદાહરણ ગુણવંતભાઈએ સૌને માટે પૂરું પાડ્યું છે.એમનાં સદાનાં સુખ-દુઃખનાં જીવન સાથી અવંતિકાબેન જતાં તેઓ હવે એકલા થઇ ગયા !આ વીકમાં એમને દિલાસા આપતો ફોન મેં કર્યો હતો,એમાં તેઓએ મને જણાવ્યું કે આ ફેબ્રુઆરી ૨૦૧૮ થી તેઓ એમની દીકરી પ્રશસ્તિ સાથે એના આગ્રહથી બોસ્ટનમાં  રહેવા આવી જવાના છે.  

સૌને સમજાય એવા સરળ શબ્દોથી હૃદયને સ્પર્શી જાય એવા સત્વશીલ સાહિત્ય દ્વારા અનેક વાચકોને પ્રેરણા આપનાર અવંતિકાબેનની ખોટ ખુબ વર્તાશે.જીવનના અંત સમય સુધી એમની કોલમોમાં કલમ ચલાવતી રાખી એમના શબ્દ સાહિત્યથી ગુજરાતી ભાષાને એમણે સમૃદ્ધ કરી છે. સદેહે ભલે અવંતિકાબેન આપણી વચ્ચે નથી પણ અક્ષર દેહે એમનું નામ અમર રહેશે.

એમના અનેક પ્રસંશકોનાં પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક સ્વ.અવંતિકાબેનના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એવી પ્રાર્થના.મારી હાર્દિક શ્રધાંજલિ.

 

સ્વ.અવંતિકા ગુણવંત વિનોદ વિહારના વાચકો માટે અપરિચિત નથી .એમની વાર્તાઓ અગાઉ વિનોદ વિહારની ઘણી પોસ્ટમાં પરિચય સાથે પ્રસિદ્ધ થઇ છે જેને આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

 

એક સુચના … 

વિનોદ વિહારની હવે પછીની  પોસ્ટમાં અવંતિકાબેનના દેહ વિલયના   દિવસે એટલે કે દર શનિવારે એમની સ્મૃતિમાં એમની  પ્રગટ વાર્તાઓમાંથી  મારી પસંદગીની એક વાર્તા પોસ્ટ કરવામાં આવશે.

 

 

 

7 responses to “1142 -મારાં પ્રેરણાસ્રોત જાણીતાં લેખિકા અવંતિકા ગુણવંતની  ચિર વિદાય  – હાર્દિક શ્રધાંજલિ

  1. pragnaju જાન્યુઆરી 18, 2018 પર 4:35 એ એમ (AM)

    ‘બે વ્યક્તિ બે મટીને એક થવાનો પડકાર ઝીલે એ બહુ મોટું સાહસ છે, માર્ગમાં નાનીમોટી સમસ્યાઓ તો આવે જ. નિર્ભેળ, નર્યું સુખ જીવનમાં કોઈ નસીબદારને જ મળે, જીવનમાં ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ગભરાવાનું નહીં કે ખોટી શંકા,કુશંકા નહિ કરવાની. પ્રેમમાં શ્રદ્ધા રાખવાની. પ્રેમ નહીં ધારેલા ચમત્કાર સર્જે છે. દામ્પત્યજીવનની સફળતા માટે પતિ-પત્ની બેઉએ મથવાનું છે. લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે. એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રિએટેડ ડેઈલી. અને તું યાદ રાખ, દરેક માણસનું મન અકળ હોય છે. કઈ ઘડીએ કઈ લાગણી અનુભવશે એ કહી શકાતું નથી. ક્યારેક આશા-અપેક્ષા મુજબ સામેથી પ્રત્યુત્તર ના મળે તોય કોઈ નકારાત્મક વિચાર નહિ કરવાનો, પતિ-પત્ની વચ્ચેની આત્મીયતાનો લય ખોરવાવો ના જોઈએ. બેટા, લગ્ન કર્યા પછી આદર્શ પતિ ના શોધાય. પતિનાં પારખાં ના લેવાય પણ પ્રેમ કરાય. સ્નેહ, સહિષ્ણુતા, ઉદારતા, સંબંધ ટકાવી રાખવાની ખેવના, સમય પારખવાની સૂઝ, ક્યારે બોલવું, ક્યારે મૂંગા રહેવું એની સમજ, નમ્રતા અને ખાસ તો જિંદગીને અખિલાઈપૂર્વક જોવાની પરિપક્વતા પતિપત્ની બેઉમાં હોવાં જોઈએ. તો જ લગ્ન સફળ થાય. પતિપત્ની માટે અન્યોન્યમાં ખામી શોધવી સહેલું છે પણ એમ કરવામાં જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. અને યાદ રાખ કે કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતાં. થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું. તો એને સમજી શકાશે અને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. બેટા, તારું જીવન સુખભર્યું બનાવવાનું તારા હાથમાં છે.’આવી સદા યાદ રહે તેવી તેમની વાત અનેકોને કહી…
    તેઓ અમારા હ્રુદયમા જીવીત છે

    હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
    શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
    જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

    વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
    ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
    લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

    સુખ-સંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
    જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
    આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

    મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
    દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
    સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

    Like

  2. Krishnakumar જાન્યુઆરી 18, 2018 પર 6:36 એ એમ (AM)

    બહુ સારી માહિતી સભર શ્રધ્ધાંજલી, સાથે અવંતિકા બહેન વિષે

    Like

  3. Krishnakumar જાન્યુઆરી 18, 2018 પર 6:40 એ એમ (AM)

    જણાવવા બદલ આભાર અને તેમની વાર્તાઓ માટે અગાઉથી આભાર.

    Like

  4. chaman જાન્યુઆરી 18, 2018 પર 8:56 એ એમ (AM)

    સમય લઈ સરસ લખાણ;વાંચવું ગમે ને વર્તનમાં મૂકવા વિચારવું ગમે એવું છે. આભાર દિલથી.

    Like

  5. ગોવીન્દ મારુ જાન્યુઆરી 19, 2018 પર 1:37 એ એમ (AM)

    લેખીકા અવંતીકાબહેન ગુણવંતને ભાવાંજલી…

    Like

  6. Pingback: 1144 – અદ્દભુત છે આ માતાઓ …..સ્વ.અવંતિકા ગુણવંતની સત્યઘટનાત્મક વાર્તા | વિનોદ વિહાર

  7. Pingback: અવંતિકા ગુણવંત, Avantika Gunwant | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.