વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ખુબ જ જાણીતું છે.એમના બ્લોગ “નેટ ગુર્જરી” ( જે હાલ ”માતૃભાષા’ નામના બ્લોગમાં પરિવર્તિત થયું છે )બ્લૉગમાં તેઓ સક્રિય રહી મા ગુર્જરીની અભિનંદનીય સેવા બજાવી રહ્યા છે.આજે ખુબ વંચાતો બ્લોગ “વેબ-ગુર્જરી” પણ એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.

મિત્ર શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ”મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ  માં  વિગતે જુ’ભાઈનો પરિચય વાંચી શકાશે.

અત્યારે ચાલી રહેલ નવરાત્રી-નોરતાં- અને ગુજરાતની એક પહેચાન બની ગયેલ ગરબા ના માહોલમાં વાતાવરણ ધમધમી રહ્યું છે.આના સંદર્ભમાં એમના બ્લોગ ”નેટ ગુર્જરી” માં પ્રકાશીત્ત એમનો લેખગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ મને ખુબ ગમ્યો. આ લેખમાં એમની આગવી શૈલીથી નવરાત્રી પર્વ અને ગરબા પર એમણે જે ઊંડું ચિંતન રજુ કર્યું છે એ કાબીલેદાદ છે.

વિનોદ વિહારના વાચકો માટે જુ.ભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં એમના પ્રસંગોચિત લેખો નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ ‘


વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો.  – જુગલકીશોર.

દીવડામાં રહેલી વાટ, એમાંનું તેલ કે ઘી, સાધનરુપ કોડીયું અને એને આંચ આપનાર દીવાસળી – આ બધા પદાર્થો નર્યા ભૌતીક છે. એટલું જ નહીં, દીવાની જ્યોત અને એનો પ્રકાશ પણ ભૌતીક બાબતો જ છે. પરંતુ એ પ્રકાશનું પ્રકાશત્ત્વ, એ અગ્નીનું અગ્નીપણુ, તેજસ્વીતાને શું કહીશું ?

ગરબો જે રાસ લેતી બહેનોના કુંડાળા વચ્ચે સ્થપાયેલો છે તે અને ગર્ભમાં રહેલો દીપ ભલે એ બન્ને ભૌતીક તત્ત્વો રહ્યા, પણ એને કેવળ અને કેવળ પ્રતીકરુપે ગણીને ચાલીશું તો ધાર્મીક ગણાતી આ આખી વીધીમાં કલ્પનાની બહુ મોટી ઉડાન જોવા મળે છે. હીન્દુધર્મના ગ્રંથોમાં, એની વાર્તાઓમાં, એનાં ધાર્મીક વીધીવીધાનો – રીચ્યુઅલ્સ –માં, અરે એમણે બતાવેલાં વ્યક્તીસ્વરુપો – ભગવાનો –માં હંમેશાં પ્રતીકો જ દેખાય છે. ધાર્મીકતા એ ધર્મની સત્તા સ્થાપવાનું કે પ્રસરાવવાનું ષડયંત્ર નથી. એ ખાસ કરીને જીવનસમસ્તની લાંબાગાળા માટેની વ્યવસ્થા હતી. એ સામાજીક, રાજકીય, આર્થીક જેવાં બધાં પાસાંઓને આવરી લેનારી વ્યવસ્થાનું બંધારણ હતું.

ધર્મના માધ્યમની, ધાર્મીક વીધીઓની અને એ રીતે આ સમગ્ર જીવનવ્યવસ્થાની એક સૌથી મોટી ખુબી એ હતી કે એ જેટલું સામુહીક વ્યવસ્થા માટે હતું એના જેટલું જ બલકે એનાથીય વધુ તો વ્યક્તીગત વીકાસ માટેનું વ્યવસ્થાતંત્ર હતું. એને મોક્ષ નામ આપીને આપણા એ મહાનુભાવોએ સૌ કોઈની સમક્ષ એક લક્ષ્ય મુકી દીધું. ટાર્ગેટ નક્કી કરી આપ્યો. આ મોક્ષ માટેની જ બધી વ્યવસ્થાને ધર્મના નામથી સંચાલીત કરી. જેમ લોકશાહી પણ એક વ્યવસ્થા જ છે અને બીજી એનાથી વધુ સારી વ્યવસ્થા ન મળે ત્યાં સુધીની એ અનીવાર્ય અનીષ્ટો સહીતની આજની ઉત્તમ વ્યવસ્થા ગણાય છે. તેમ ધર્મ અને એનું વ્યવસ્થાતંત્ર પણ બીજું એનાથી ઉત્તમ ન મળે ત્યાં સુધીનું (અને એમાં વચ્ચે ઉભા થતાં રહેતા વચેટીયાઓને બાદ કરીને) સ્વીકારીને ચાલવામાં નાનમ ન હોય.

દરેક ક્ષેત્રમાં, દરેક યુગે વ્યવસ્થાનો ગેરલાભ લેનારા પ્રગટતા જ રહે છે. આવાઓ પોતાની વીશીષ્ટ શક્તીઓ (કે મેળવી લીધેલી સગવડો)નો લાભ લઈને આ વ્યવસ્થાઓને પોતાની રીતે મચડી મારે છે ! આજે પણ ધાર્મીકતાનો ગેરલાભ લેવાનું મોટા પાયા પર ચાલી જ રહ્યું છે. એટલે પ્રતીકોને અને એના મુલ્યને એકબાજુ હડસેલી દઈને કેટલાય રીતરીવાજો વગોવાય છે, દંડાય છે.

નોરતાં પણ આમાંથી બાદ શી રીતે રહી શકે ? પણ સદીઓથી જે ગવાતા રહ્યા છે તે ગરબાને અને ગાનારાંઓની વચ્ચે બીરાજમાન ગર્ભદીપને વખતોવખત ઓળખતાં રહેવાનું ગમે છે. એનો મહીમા ગાવાનું, એની આરતી ઉતારવાનું કે એને ભજવાનું ચોક્કસ ગમે છે. ગરબાની ફરતે ઘુમતા નારીવૃંદની ગોળાકાર – ભાઈ ચીરાગે યાદ અપાવ્યા મુજબ લંબગોળાકાર/અંડાકાર – ગતીને સમગ્ર બ્રહ્માંડની અંડાકાર ગતીના પ્રતીકરુપ ગણીને એને    પુજવાનું પણ ગમે છે.

આ નવરાત્રીઓ વર્ષાૠતુમાં પાકેલા ધાનનો ઉત્સવ હોય તો પણ ગરબાના મુળતત્ત્વને સમાવી લેનારી રાત્રીઓ છે. આ નવલી રાત્રીઓમાં સ્ત્રીશક્તી પ્રકાશની આસપાસ ઘુમીને કેન્દ્રમાં બીરાજેલા ગરબા સહીત એક અદ્ભુત રહસ્યમય આકૃતી રચી આપે છે. આ જગતના વીકાસમાં જેણે બહુ મોટો ફાળો આપ્યો છે તે ચક્ર – પૈડું – અહીં સાક્ષાત્ પ્રગટ થાય છે. ચક્રની ધરી અને તેમાંથી પ્રગટતા આરાઓ અને બધા આરાઓને વીંટાળી રાખતું, સૌને એક તાંતણે બાંધી રાખતું સુર અને લય–તાલનું સંકલનતત્ત્વ એ આ ગરબાને ચક્ર સાથે જોડી આપે છે. કોઈ પણ પૈડાને આ ચાર બાબતો જોઈએ – કેન્દ્ર, ધરી, આરાઓ અને બધા આરાઓને બાંધી રાખતી કીનારી. ગરબામાં કેન્દ્રમાં પ્રકાશ છે. ગરબો–ઘડો એ ધરી છે. ગરબા સાથે સીધી આત્મીયતા અનુભવતી નારી એ આરાઓ છે ને ગરબાનાં ગીતોમાં રહેલો સુર અને ગતીને કારણે ઉભો થતો લય એ બધાંને બાંધનારી કીનારી છે. ભક્તીનું તત્ત્વ આ આખાય માહોલનું પરમ તત્ત્વ છે. એ તત્ત્વ ગરબાના આખા કાર્યક્રમનો પ્રાણ છે.

સમગ્ર સૃષ્ટીનું સર્જકતત્ત્વ તેજસ્વરુપે ગરબામાં બીરાજમાન છે. ગરબો–ઘડો પોતાનાં છીદ્રો થકી પ્રકાશને સૌમાં વહેંચીને પ્રકાશને સૌનો બનાવે છે. એમાંથી પ્રગટતી તેજશીખાઓ ચક્રના આરારુપ બની રહીને દરેક વ્યક્તીને – અહીં દરેક ‘જીવ’ને એમ સમજવું રહ્યું – એ સૌનામાં રહેલી આત્મસ્વરુપ એકતાને ચીંધે છે. (અહીં મને રાસલીલા યાદ આવે છે. એમાં એક ગોપી અને એક કૃષ્ણ બાજુબાજુમાં રહેલાં છે. કેન્દ્રમાં બ્રહ્મ, ગોળાકારે એક કૃષ્ણ અને એક ગોપી. દરેક જીવની સાથે એક શીવ છે. બ્રહ્માંડની આ અવીરત ગતીમાં આ બન્ને તત્ત્વો એકસાથે છે. પણ રાસલીલાની મજા તો એમાં છે કે કૃષ્ણતત્ત્વ કે જે દરેક ગોપી સાથે છે તે જ કેન્દ્રમાં પણ છે ! બ્રહ્મનું રહસ્ય આ જ છે કે, તે કેન્દ્રમાં છે અને સૌની અંદર પણ છે !! દરેક જીવ, દરેક પદાર્થમાં રહેલું ચૈતન્ય આ રાસલીલામાં દર્શાવાયું છે. રાસમાં જોડાયેલાં સૌ દર્શકો પણ છે અને પાત્રો પણ છે. બહારથી જોનારો દર્શક – નરસૈયો અર્થાત્ ભાવક – પણ એમાં એટલો મશગુલ થઈ જાય કે એ પોતે પણ રાસલીલાનો ભાગ બની જાય !! )

ગરબામાં ઘણુંબધું છે. એમાં વ્યક્તી પણ છે અને સમાજ પણ છે; અર્થાત્ વ્યક્તી–સમષ્ટીનું સાયુજ્ય છે; એમાં લગભગ બધી કલાઓ છે; એમાં ગતી છે ને સ્થીતી પણ છે; એમાં શાશ્વતી છે ને ક્ષણ પણ છે; એમાં ભક્તી પણ છે ને વહેવારો પણ છે;

નવરાત્રીમાં, મેં આરંભમાં જ મુકેલા ‘નવ’ શબ્દના ત્રણે અર્થો પડેલા છે. એ નવલી રાત્રીઓ છે, એ નવધાભક્તીનો નવનો આંકડો બતાવે છે ને નવ એટલે નહીંના અર્થમાં રાત્રી નથી પણ દીવસ–રાત્રીથી પર જ્યાં સદાય પ્રકાશ જ પ્રવર્તે છે તેવું સતત ગતીમાન વીશ્વ છે.

ને છેલ્લે એક વાત.

ઉપરનાં લખાણોની બધી જ વાતો ઘડીભર ભુલી જઈને ફક્ત એક જ દૃષ્ય જોઈ લઈએ. આ દૃષ્ય છે અંધારી કાજળકાળી રાત્રીએ થતું આકાશદર્શન !! આખું આકાશ ખીચોખીચ તારાઓથી ભરેલું છે. આપણે નીચે ઉભા જોઈશું તો આભલું એક મહાકુંભ જેવું દેખાશે. કલ્પનાની બાથમાં ન આવી શકે એવો આકાશી ગરબો માથા ઉપર ઝળુંબી રહેલો દેખાશે ! એના તેજસ્વી તારલાઓ જાણે કે ગરબાનાં છીદ્રો જ જોઈ લ્યો !! કોઈ અગમ્ય ગર્ભદીપ તારાઓરુપી છીદ્રોમાંથી અવીરતપણે પ્રકાશ રેલાવી રહ્યો છે.

કોઈને આ બ્રહ્માંડનો ગરબો બહીર્ગોળને બદલે આંતર્ગોળ દેખાય તોય એનો અર્થ હું તો એમ જ કરું કે સમગ્ર બ્રહ્માંડમાંની આપણી ધરતી અને આપણે સૌ પણ ગર્ભદીપ જ છીએ. અને તો બ્રહ્મના જ એક અંશ રુપે આપણે પણ આ વીશ્વના સંચાલનમાં ભાગીદાર તરીકે સામાન્ય માનવી જ ફક્ત નથી, આપણી ભુમીકા એકદમ ઉંચકાઈ જાય છે !!

નવરાત્રી પરનાં મારાં આ બધાં અર્થઘટનો મારાં વ્યક્તીગત છે; પણ આ પ્રકાશપર્વને બહાને અહીં રજુ કરી દેવાનું મન રોકી શકાયું નહીં……

– એટલે જ બસ !!

સૌજન્યNET-ગુર્જરી

શ્રી જુગલકીશોર વ્યાસના નવરાત્રી  અને ગરબા  વિશેના  અન્ય  RELATED લેખો પણ જરૂર માણો.

2 responses to “1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ

  1. jugalkishor ઓક્ટોબર 13, 2018 પર 11:09 પી એમ(PM)

    ખુબ આભાર, વિનોદભાઈ ! -જુ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.