વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2018

1253 – પ્રવૃત્તિ જ જ્યારે ધ્યાન બની જાય…./ કલ્યાણસુંદરમ…શ્રી આશુ પટેલના બે પ્રેરક લેખો

પ્રવૃત્તિ જ જ્યારે ધ્યાન બની જાય…. આશુ પટેલ

એક ઝેન ગુરુએ એક દિવસ તેમના એક શિષ્યને કહ્યું, ‘તું મારી પાસેથી ઘણું શીખ્યો છે. હવે ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તું મારા એક મિત્ર પાસે જા.’

તે ઝેન ગુરુએ શિષ્યને બીજા એક ઝેન ગુરુ પાસે મોકલ્યો. શિષ્ય નવા ઝેન ગુરુ પાસે ગયો. તે મોડી સાંજે તેમની પાસે પહોંચ્યો. તેણે તેમને મળીને કહ્યું કે મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તમારી પાસે મોકલ્યો છે.

બીજા ઝેન ગુરુએ કહ્યું, ‘તારા ગુરુ એ જાણે જ છે, પરંતુ તેમણે તને અહીં મોકલ્યો છે તો ચોક્કસ કોઈ કારણ હશે. તું અહીં રોકાઈ શકે છે.’

તે શિષ્યને હતું કે અહીં આ ઝેન ગુરુ અને તેમના શિષ્યો રોજ ધ્યાન કરતા હશે. તે આતુરતાથી બીજા દિવસની સવાર પડવાની રાહ જોવા લાગ્યો, પરંતુ બીજા દિવસે તે નિરાશ થયો. તેણે જોયું કે આખા દિવસ દરમિયાન ઝેન ગુરુ કે તેમના શિષ્યોએ ધ્યાન કર્યું જ નહીં કે એ વિષે કશી જ વાત પણ કરી નહીં.

આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. હવે આગંતુક શિષ્યની ધીરજ ખૂટવા લાગી હતી. તેણે એક દિવસ ઝેન ગુરુ પાસે જઈને પૂછી લીધું, ‘મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના વિશે જાણવા અહીં મોકલ્યો છે. મને એ જ્ઞાન ક્યારે મળશે?’

ઝેનએ પૂછ્યું, ‘તો અત્યાર સુધી તેં અહીં શું જોયું?’

શિષ્ય ગૂંચવાઈ ગયો, ‘પણ અહીં તો કોઈ ધ્યાનમાં બેસતું જ નથી!’

ઝેન ગુરુ હસ્યા. તેમણે કહ્યું, ‘અહીં રોજ સૌ ધ્યાનમાં જ હોય છે. હું પણ બધો સમય ધ્યાનમાં જ હોઉં છું.’

શિષ્યએ કહ્યું, ‘મને સમજાયું નહીં. કૃપા કરીને સમજાવશો?’

ઝેન ગુરુએ કહ્યું, ‘જીવન દરમિયાન પ્રવૃત્તિ તો કરવી જ પડે એટલે અમે અહીં બધી પ્રવૃત્તિ કરીએ છીએ, પરંતુ અમે ધ્યાનમાં રહીને જ પ્રવૃત્તિ કરતાં રહીએ છીએ. ધ્યાન જીવનથી જુદું નથી. જીવન છે એટલે પ્રવૃત્તિ કરવી પડે અને અમે ધ્યાનમાં રહીને પ્રવૃત્તિ કરીએ છીએ, ધ્યાનમાં રહીને જ જીવીએ છીએ. મઠમાં બધી પ્રવૃત્તિઓ કરતા કરતા અમે ધ્યાનમાં જ હોઈએ છીએ.’

પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી દેવાનું કામ સામાન્ય માણસો માટે તો અશક્ય બની રહે, પણ પ્રવૃત્તિઓ દિલ દઈને કરીએ તો પ્રવૃત્તિનો ભાર કે થાક ન લાગે અને જીવન જીવવાની પણ મજા આવે.

એક લાઈબ્રેરિયને તેની આખી જિંદગી ગરીબ લોકોની સેવા પાછળ વિતાવી દીધી
આશુ પટેલ

તમિલનાડુના થુથુકડી જિલ્લાના શ્રીવાયકુંથમના નિવૃત્ત લાઈબ્રેરિયન કલ્યાણસુંદરમને સુપરસ્ટાર રજનીકાંતે પોતાના દત્તક પિતા જાહેર કર્યા છે, સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમનો સમાવેશ વીસમી સદીના સર્વોત્કૃષ્ટ લોકોમાં કર્યો છે અને અમેરિકાની એક સંસ્થાએ તેમને મેન ઓફ ધ મિલેનિયમ જાહેર કર્યા છે.

શું વિશેષ છે કલ્યાણસુંદરમમાં કે જેના કારણે તેમને આટલું બધુ માન મળ્યું છે? તેમણે તેમનું આખું જીવન સમાજના કલ્યાણનાં કાર્યોમાં સમર્પી દીધું છે અને એ માટે લગ્ન પણ નથી કર્યા. તેમણે સાચા અર્થમાં તન, મન, ધનથી સમાજની સેવા કરી છે.

કલ્યાણસુંદરમે પાંત્રીસ વર્ષ સુધી શ્રીવાયકુંથમના કલા મહાવિધ્યાલયમાં લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવી. ૧૯૬૨થી તેમણે પોતાનો પગાર ગરીબોની મદદ પાછળ ખર્ચવા માંડ્યો હતો. ૧૯૬૨માં ભારતા-ચીન યુદ્ધ વખતે તેઓ યુદ્ધ ફંડમાં તેમની સોનાની ચેઈન આપવા એક અખબારની ઓફિસમાં ગયા હતા એ વખતે એ અખબારના તંત્રીએ તેમને મજાકમાં કહ્યું કે લોકોની સેવામાં દર મહિને પગાર આપી દો તો તમને ખરા માનું. એ વખતે જ કલ્યાણસુંદરમે નક્કી કરી લીધું કે હવે હું દર મહિને મારો પગાર ગરીબ લોકો પાછળ ખર્ચીશ.

લાઈબ્રેરિયન તરીકે ડ્યૂટી પૂરી થાય એ પછી તેમણે એક રેસ્ટોરાંમાં વેઈટર તરીકે કામ શોધી લીધું. એમાથી તેઓ પોતાનો ખર્ચ કાઢવા લાગ્યા અને લાઈબ્રેરિયન તરીકેનો પગાર તેઓ ગરીબો પાછળ ખર્ચવા લાગ્યા.

કલ્યાણસુંદરમ નિવૃત્ત થયા ત્યારે તેમણે રિટાયરમેન્ટ બેનિફિટના દસ લાખ રૂપિયા મળ્યા એ પણ તેમણે ગરીબોને દાનમાં આપી દીધા.

ગાંધીજીને પોતાના આદર્શ માનતા કલ્યાણસુંદરમે પોતાનું આખું જીવન બીજાઓને મદદરૂપ થવામાં વિતાવ્યું અને હજી પણ તેઓ પોતાનાથી થાય એટલી મદદ લોકોને કરી રહ્યા છે.

કલ્યાણસુંદરમ જેવા માણસો બીજાઓને સુખ આપીને સુખ મેળવતા હોય છે.

આશુ પટેલ

આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 39 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

સૌજન્ય ..સાભાર ..https://guj.cocktailzindagi.com/zen/

 

1252- થેંક્સ ગીવીગ ડે-૨૦૧૮ / આ દિવસને અનુરૂપ કેટલીક સ્વ-રચિત રચનાઓ

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .

થેંક્સ ગીવીંગ ડે  નો આવિર્ભાવ અને આ દિવસનો ઈતિહાસ જોતાં એ મૂળ પાયોનીયર પ્રજાનો સારો પાક લેવાનો અને છેલ્લું વર્ષ સારું ગયા માટે પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટેના દિવસ તરીકે ઉજવાતો હતો.

આજના આભાર દિનને અનુરૂપ મારી કેટલીક અછાંદસ રચનાઓ …

આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ મનુષ્ય જાતને આપેલ અગણિત ભેટો અને કરેલ ઉપકારો બદલ એને યાદ કરી એનો આદરથી આભાર માનવાનો પણ દિવસ છે .

મારી આ અછાંદસ રચનામાં એવી આભારવશતાનો ભાવ વ્યક્ત થયો છે.

ઓ પ્રભુ ,તારો આભાર !

પ્રભુ તારો આભાર,આજના આ દિવસ માટે,
એની સાથે આવેલી વિવિધ અમીરાત માટે.
ખેલતાં બાળકોના મુખ પર રમતું એ હાસ્ય ,
તાજા જન્મેલ બાળકના મુખ પરનું એ સ્મિત,
અને અમારા જીવનને અર્થપૂર્ણ બનાવતી,
નાની મોટી કૃપાઓ માટે,પ્રભુ તારો આભાર.
મુશ્કેલીઓમાં મને ખબર પણ ના પડે એમ,
મારા પર ભલાઈ વર્ષાવતા સૌ મિત્રો માટે,
અને સૌથી વધુ પ્રભુ તારો આભાર હું માનું,
મને બક્ષેલ જિંદગીની આ અણમોલ ભેટ માટે .

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,
સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,
માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,
સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,
આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,
કે સમજાય ના,કેટલા ઉપકારો માટે માનું આભાર,

આ દિવસે ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી પ્રભુનાં આ કમનશીબ બાળકો પ્રત્યે દયા ભાવ દર્શાવાય છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

આ દયા ભાવને અનુરૂપ મારી એક અછાંદસ રચના ..

જીવન સાફલ્ય

જીવનમાં જે લીધું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના મારો,
કદીક તમારો હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,
જાત માટે તમે જીવો એથી બને છે તમારી જિંદગી,
પરાર્થે જીવી જાણો ત્યારે એ બને છે પ્રભુની બંદગી.
જીવો છો ત્યારે કંઇક એવું સદ્કાર્ય કરીને જ જાઓ,
લોકો યાદ કરે કે જનાર ખરે પરોપકારી જીવ હતો.

એક તાજી જ રચના ..

પ્રાર્થના- અંતરનો શાંત કોલાહલ

બાહ્ય સંગીત એટલે કે નાદ-અવાજ,
આત્માનું સંગીત હોય છે સાવ નીરવ,
મનની સંપૂર્ણ શાંતિ છે આ સંગીતમાં.
પ્રાર્થના એ છે આત્માનો શાંત રવ
પ્રાર્થનાનું શાંત સંગીત મધુરતમ છે.
પ્રાર્થનાનો શાંત અને આહ્લાદક રવ,
અંતરમન અજવાળી બક્ષે છે ધન્યતા.
દરેક સદ્કાર્ય હોય છે એક પ્રાર્થના.
એના અનહદ આનંદની અનુભૂતિ,
બનાવે અંતરના કોલાહલને નીરવ.
ચિંતાઓ અને પીડાઓને ભુલાવતી,
આવી સાધનામય શાંતિની અનુભૂતિ,
એટલે કે પ્રભુનો એક આસ્વાદ્ય પ્રસાદ.

આભારવશતા

આભારવશ થવાની એટલે કે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાની વૃત્તિ માણસને દુ:ખ અને નિરાશામાંથી બહાર લાવે છે.આ આભારવશતા (ગ્રૅટિટ્યુડ)ની લાગણી ‘હૅપીનેસ’ મેળવવાની ચાવી છે.સુખી થવું હોય અને રહેવું હોય તો તમે જે પામ્યા છો એ બદલ કૃતજ્ઞતા (ગ્રૅટિટ્યુડ) નામની કવાયતને આદત બનાવવાનું ચૂકવા જેવું નથી.

આ થેન્ક્સ ગીવીંગ દિવસની ભાવનાઓને અનુરૂપ મને ગમી ગયેલા એક અંગ્રેજી લેખનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે રજુ કરેલ છે સૌએ એમાં દર્શાવેલ સકારાત્મકતાના વિચારને સમજવા જેવો છે.

પ્રભુનો આભાર માનો કે ………

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ તમારા જીવન દરમ્યાન ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હોય છે એ ક્યાંથી મળ્યો હોત !

— પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એથી  તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની વધુ તકો માટે પ્રયત્નશીલ બનો છો.

— પ્રભુનો આભાર માનો કે તમારે જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કેમ કે મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.

—પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .

— પ્રભુનો આભાર માનો કે તમારા જીવનમાં કોઈવાર નવા પડકાર પણ આવે છે કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા ચારિત્ર્ય(Character)નું ઘડતર કરે છે.

— પ્રભુનો આભાર માનો કેમ કે તમારાથી ભૂલો પણ થાય છે કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળે છે.

— તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો જરૂર આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો આનંદ જ અનેરો હોય છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વ નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

વિનોદ વિહારના સૌ વાચકો, મિત્રો અને સ્નેહી જનોને

એમના આજ દિન સુધીના સહકાર બદલ ખુબ ખુબ આભાર 

Wish you and your family a “HAPPY THANKSGIVING”

વિનોદ પટેલ, સાન ડિયેગો

1251 -વિદુર નીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ સુવાક્યો …../ વિદુર નીતિ ..સંપૂર્ણ પાઠ /કથા

વિદુર નીતિનાં સૌથી શ્રેષ્ઠ ૧૦૮ સુવાક્યો

મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ એનો સાર છે’ તેમ એના જાણકાર પંડિતો કહે છે.મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે.

વિદુરનીતિના ૫૭૯ શ્લોકોમાં કુલ મળીને અલગ અલગ પૂરાં ૧૦૦૦ (એક હજાર) નીતિ વચનો છે. એમાંથી વાચકોને જીવનમાં ઉપયોગી થાય એવાં માળાના મણકા જેટલાં ૧૦૮ ચૂંટેલાં નીતિ વાક્યો નીચે સાદર પ્રસ્તુત છે.

આ સુવાક્યોમાંથી બોધ લઇને શક્ય હોય તેટલું સદાચરણ કરી સુખી થવાનો પ્રયત્ન કરીએ.

વિનોદ પટેલ 

 

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો 

🌟૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.

🌟૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.

🌟૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.

🌟૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.

🌟૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.

🌟૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.

🌟૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.

🌟૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.

🌟૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.

🌟૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.

🌟૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.

🌟૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.

🌟૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.

🌟૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.

🌟૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.

🌟૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.

🌟૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.

🌟૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.

🌟૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.

🌟૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.

🌟૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.

🌟૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.

🌟૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.

🌟૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.

🌟૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.

🌟૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.

🌟૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.

🌟૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.

🌟૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.

🌟૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.

🌟૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.

🌟૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.

🌟૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.

🌟૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.

🌟૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.

🌟૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.

🌟૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.

🌟૩૮. દુર્જનોનું બળ હિંસા છે.

🌟૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.

🌟૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.

🌟૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.

🌟૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.

🌟૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.

🌟૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.

🌟૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.

🌟૪૬. હણે તેને હણવામાં પાપ નથી.

🌟૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.

🌟૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.

🌟૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.

🌟૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.

🌟૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.

🌟૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.

🌟૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.

🌟૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.

🌟૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.

🌟૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.

૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.

🌟૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.

🌟૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.

🌟૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.

🌟૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.

🌟૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.

🌟૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.

🌟૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.

🌟૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.

🌟૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.

🌟૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.

🌟૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.

🌟૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.

🌟૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.

🌟૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.

🌟૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.

🌟૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.

🌟૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.

🌟૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.

🌟૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.

🌟૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.

🌟૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.

🌟૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.

🌟૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.

🌟૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.

🌟૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.

🌟૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.

🌟૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.

🌟૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.

🌟૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.

🌟૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.

🌟૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.

🌟૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?

🌟૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.

🌟૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.

🌟૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.

🌟૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.

🌟૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.

🌟૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.

🌟૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે
.
🌟૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.

🌟૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.

🌟૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.

🌟૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.

🌟૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.

🌟૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.

🌟૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.

🌟૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.

🌟૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.

🌟૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.

🌟૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.

🌟૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે.

વિદુર નીતિનો સંપૂર્ણ પાઠ / કથા  

મહાભારત ….૦૫ ઉદ્યોગપર્વ (અધ્યાય ૧-૧૯૬)
પ્રજાગરપર્વ (અધ્યાય ૩૩-૪૦)

સૌજન્ય ..http://www.swaminarayanworld.net/en/node/1030

વિદુરનીતિ સંપૂર્ણ કથા – શાસ્ત્રી શ્રી હરિકેશવદાસજી સ્વામી

આઠ અધ્યાયને ઓડિયો -mp3- માં નીચે ક્લિક કરીને સાંભળો

સૌજન્ય …શ્રી સ્વામીનારાયણ સંસ્થા ,રાજકોટ ગુરુકુળ પ્રકાશિત પુસ્તક

વિદુર નીતિ –આવૃત્તિ ત્રીજી

નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

https://drive.google.com/file/d/0B37fn75wcwOsYU9zZldodHBoNzA/view

1250- મીણબત્તી …. બે અછાંદસ કાવ્યો …. વિનોદ પટેલ

પ્રેમની પહેચાન !

મીણબત્તી વચ્ચેનો સળગતો ધાગો,
પૂછી રહ્યો ઓગળી રહેલા મીણને ,
અરે ભાઈ, સળગી રહી છું હું અને,
તું શાને ઓગળે, જાણે રડે ભાઈ !
ઓગળી રહેલી મીણબત્તી બોલી,
મારા શરીર વચ્ચે તને સ્થાન આપ્યું ,
તારો મારો જીવનભરનો સાથ થયો,
એટલે તારું દુખ એ મારું દુખ થયું ,
તું સળગે અને હું શું માત્ર જોયા કરું !
તો તો આપણો સથવારો લજવાય !
પ્રેમની પાવક જ્વાળામાં તું અને હું,
સાથે બળીને પોતાનું બલીદાન આપી,
ખુશીથી પ્રકાશ આપી સૌને ખુશ કરીએ ,
એ જ તો છે અન્યોન્ય પ્રેમની પહેચાન !

વિનોદ પટેલ …૧૧-૧૭-૨૦૧૮

અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નંબર 607 / 12-9-2014 માં    ”હું છું એક મીણબત્તી” 

એ નામે  એક અછાંદસ કાવ્ય પ્રકાશિત કર્યું હતું એને નીચે ફરી પ્રસ્તુત છે.

”હું છું એક મીણબત્તી” 

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,
ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,
બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,
ગર્વ થાય જ્યારે આપું હું મારું બલિદાન.
પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં,
મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,
સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,
મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,
જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,
પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,
જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,
એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.
મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,
પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.

વિનોદ પટેલ

 

 

1249- નુતન વર્ષાભિનંદન … નવા સંવત વર્ષ ૨૦૭૫માં લેવા જેવા શુભ સંકલ્પો

દિવાળી પર્વ – વાક બારસ,ધન તેરશ.કાળી ચૌદશ અને દિવાળી -ના દિવસોના ઉત્સાહી દિવસો પછી હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૫ નું નવું વર્ષ શરુ થઇ ચુક્યું છે.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભીનંદન … સાલ મુબારક ..

આ સંદેશ સાથે …

નવા વર્ષ વિશેની મારી અછાંદસ કાવ્ય રચના ‘‘નવા વરસે ” નીચે પ્રસ્તુત છે.

એમાં નુતન વર્ષ વિશે મારા વિચારો રજુ કર્યા છે.

નવા વર્ષના શુભ સંકલ્પો.. મારો એક લેખ 

નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે,પછી ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય.આમ છતાં નવા વર્ષે કેટલાક લેવા જેવા સંકલ્પો  મનમાં યાદ રાખીને વર્ષ દરમ્યાન એ પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.

અગાઉ અમદાવાદના ગુજરાતી માસિક ” ધરતી” માં પ્રગટ મારો લેખ
” નવા વર્ષના શુભ સંકલ્પો” નીચે પ્રસ્તુત છે.

નવા વર્ષના શુભ સંકલ્પો — વિનોદ આર. પટેલ

 

એક પ્રાર્થના

Dr.Prakash Gujjar

મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય,કડીના સહાધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી નવા વર્ષની શરૂઆત કરીએ તો કેવું !

આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ મિત્રએ ઘણાં પ્રેરણાદાયી-Motivational –સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.

”સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?

હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.”

પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩

 

ગુજરાતી સુવિચારો 

નીચેના વિડીયોમાં રજુ કરેલ ઉત્તમ ગુજરાતી સુવિચારો  આપને જરૂર ગમશે.

BEST GUJARATI QUOTES | GUJARATI SUVICHAR

1248- નવા વર્ષને નવપ્રકાશિત કરીએ, હેપ્પી દિવાળી….ચાલો. ….ભવેન કચ્છી

ઘરની સફાઈ તો થઈ ગઈ પણ તમે જ્યાં પ્રત્યેક ક્ષણ વસો છો તે મનની સફાઈ કરી ખરી ?

આ જે દિવાળીનો પર્વ…ચાલો, આપણને નવા વર્ષમાં નવપ્રકાશિત, નવપલ્લવિત, નવસંચારિત અને નવપ્રેરિત નવા માનવી બનાવી શકે તેવા આ તારામંડળના કુમળા તેજ અને તણખાંમાંથી જીવન દ્રષ્ટિનો ઉજાસ પ્રાપ્ત કરીએ. 

મનના ઘરની ડિઝાઇન કેવી ? 

આપણે બંગલો, ડુપ્લેક્સ કે ફલેટમાં નથી રહેતા. આપણે આપણા મનમાં વસીએ છીએ. હા, તે જ આપણું કાયમનું સરનામું છે. ત્યાં કોઈ સ્કેવર ફીટ કે સ્કેવર યાર્ડનું માપ નથી. તે વિશાળ અને અનંત વ્યાપેલું છે. તમે ગમે તેટલા મોટા દિવાનખંડ, શયન કક્ષ, વરંડા, ગરાજ, બાથરૂમ, બગીચા અને સુશોભન સાથે રહેતા હો તો પણ તમને સુખની અનુભૂતિ તો જ થશે. જો મન રૂપી ઘર પારદર્શક, સાફ-સુથરૂ, દિવ્ય દ્રષ્ટિ સાથેનું હશે.

દિવાળીના તહેવાર પૂર્વે પ્રત્યેક ઘેર સફાઈ થતી હોય છે. ઘણા તો એ હદે મનોબીમાર હોય છે કે રોજેરોજ ઘર, કપડા, વાસણને ચમકાવે. પલંગની ચાદર પર એક કરચલી કે જમીન કે ફર્નિચર પર ધૂણની રજકણ સુદ્ધા ચલાવી ના લે. આખો દિવસ આ સફાઈ, ધોલાઇમાં જ આવી ચિવટ બતાવતાં પૂરો કરી દે. જ્યારે પુરૂષો તેના કબાટ, ફાઈલ, પાસબુક, ડાયરીમાં આવી કાળજી બતાવતાં વર્ષ પૂરું કરે છે.

પણ આપણા મનની અસ્તવ્યસ્તતા અંગે ક્યારેય વિચારતા જ નથી હોતા. મનના એક ખૂણામાં સતત ઇર્ષા સળવળાટ કરે છે. બીજા ખૂણામાં વ્યક્તિઓ અને સમાજ તરફથી અપેક્ષાઓ ઉધઇની જેમ મનને ફોલી ખાય છે. કેટલીયે ખંધાઇ અને ચાલાકી આપણા મનના કક્ષની શેતરંજી હેઠળ આપણે છુપાવીને ફરતા હોઇએ છીએ. 

આપણા મનના કક્ષની જમીન પર વ્યર્થ ચિંતા, નકારાત્મકતા અને બીજા સાથેની તુલના ઠેર ઠેર વિખરાયેલી પડી છે. આપણા  મનના ઘરની શીશીઓમાં ગુરૂતાગ્રંથિ લીક થતી હોય છે. મોહ, લોભ, ક્રોધથી વાસણો ઉકળીને ઉભરાઇ રહ્યા છે. જૂના પૂર્વગ્રહોના વાસણો કાટ ખાઈ ચૂક્યા છે. 

દિવાળી નિમિત્તે ચાલો, આ મનના ઘરની સફાઈ કરીએ. મન છે તો જ દુનિયા સ્વર્ગ છે કે નર્ક છે. એટલે જ ‘મન મંદિર’ શબ્દનું પ્રયોજન થાય છે. પણ આ મનના ઘરની સફાઈની એક ખાસિયત પણ છે. તે તમારા વતી બીજા કોઈ કે નોકર સાફ કરી આપી શકે તેમ નથી. તે તમારે જ સાફ કરવું પડે. તો નવા વર્ષનો સંકલ્પ કરીએ કે તન દુરસ્ત અને મન દુરસ્ત રહીએ.

બોક્સિંગની રમત

જીવન બોકસિંગની રમત જેવી છે… તમે જ્યારે હરિફના બોક્સિંગ પંચથી અધમૂઆ થઇ … જમીન પર ચત્તાપાટ પડી જાવ છો ત્યારે રેફરી તમને પરાજીત જાહેર નથી કરતો પણ તમે જ્યારે જમીન પરથી ઉભા થવાની ના પાડો છો ત્યારે તમને પરાજીત જાહેર કરે છે.

પાણીમાંથી છાસ બને ?

પાણીને ગમે તેટલી વલોવશો તો પણ તેમાંથી છાશ ના જ બને. કાંટાને ગમે તેટલું પાણી પીવડાવશો તો પણ ગુલાબ નહીં ઉગે કોઇની 

પ્રકૃતિ સ્વીકારો. તેની જાતને બદલવા માંગતો વ્યક્તિ પોતે ઇચ્છશે તો જ તે બદલાઈ શકશે પણ તમે તે માટે તમારો વ્યર્થ સમય ન ખર્ચો…. બીજ સ્વયં ફૂટતું હોય છે.

સ્વભાવનું મેનેજમેન્ટ

છીએ એના કરતા

ઓછા દુ:ખી થવાની કળા

…અને……

હોઇએ એના કરતા

વધુ સુખી હોવાની અનુભૂતિ

…એટલે…..

”સ્વભાવનું મેનેજમેન્ટ”

ઓશોવાણી

એક ઘરમાં કેટલાયે વર્ષોથી એક ગિટાર ધૂળ ખાતુ પડી રહ્યું હતું. બાપ-દાદાના જમાનાના ઘણા ઘરો એવા હોય છે જ્યાં વર્ષોથી કોઈ ચીજ એમને એમ જ પડી હોય બસ તે જ હાલ ગિટારના હતા. ભૂલથી કોઈ બાળક તેના તાર છેડે અને અવાજ કરે તો ઘરના સભ્યો અકળાઇને કહેતા કે આ ઘોંઘાટ બંધ કર. કોઈ વખત એવું પણ બનતું કે ઘરમાં ફરતી બિલાડી છલાંગ મારે અને ગિટાર પડી જાય તો રાત્રે બધા ડરના માર્યા ઊંઘમાંથી ઊઠી પણ જતા. 

હવે આ ગિટાર ઘરના સભ્યોને ઉપદ્રવ સમાન અને ઘરની શોભા બગાડનાર લાગતી હતી. ઘરના સભ્યોએ નક્કી કર્યું કે આમ પણ નકામી, ખલેલ પહોંચાડતી, ધૂળ ખાતી ગિટારને ફેંકી દઇએ. તેઓએ ઘર નજીકના ઉકરડામાં તે ગિટારને તુચ્છ ભાવ સાથે ફેંકી દીધી. 

હજુ તો ઘરના સભ્યોએ ગિટાર ફેંકી જ હશે ત્યાં ઉકરડા પાસેથી પસાર થઈ રહેલ ભિખારીએ તે ગિટાર લઈ લીધી. તેણે તેની સફાઈ કરી. તારને ઠીકઠાક કર્યા. તેણે તારનો ઝણઝણાટ આંગળીઓ ફેરવીને શરૂ કર્યો. રસ્તાના નાકે બેસીને તે એવી કર્ણપ્રિય રીતે ગિટાર વગાડતો હતો કે રસ્તા પરથી પસાર થતા રાહગીરો તેને સાંભળવા થંભી જતા, કમાણી તો થઈ જ પણ યશ, કિર્તિ અને કરારો પણ થયા.

હવે ઘરના જે સભ્યો હતા તેઓને લાગ્યું કે આ તો એ જ ગિટાર જે વર્ષોથી ધૂળ ખાતી હતી, પજવતી હતી એને ઉકરડાને હવાલે કરેલી. તેઓ તે ભિખારી પાસે ગયા. જો કે હવે તે ભિખારી નહતો રહ્યો. ઘરના સભ્યોએ કહ્યું કે, ”લાવ આ ગિટાર તો અમારી છે. તું તો જાણે જ છે કે અમે તેને અમારા ઘરની સામેના ઉકરડામાં ફેંકી હતી.”

ભિખારીએ મર્મવેધ નિવેદન કર્યું કે ‘ગિટાર એની છે જેને વગાડતા આવડે છે જે તેનું કામણ અને મહત્તા સમજે છે. તમે ગિટાર ઘરે લઈ જશો તો ફરી તમને તે ઘરમાં પછી ભંગારને સ્થાન આપ્યું તેમ લાગશે. તમારી ઘરની જગા રોકનારું જણાશે. તમારી શાંતિમાં ખલેલ પહોંચાડશે’ ભિખારી ઉમેરે છે ‘કે મારા વ્હાલા સજ્જનો તમને ખબર છે આ જ ગિટાર તમને વગાડતા આવડે તો તમને ગહરી શાંતિની અનુભૂતિ પણ કરાવી શકે તેમ છે. બધુ જ વગાડવા પર નિર્ભર કરે છે.’

જીવન પણ એક ગિટાર છે. પણ આ જીવનની ગિટાર કહો કે વીણા કહો તેને વગાડતા બહુ ઓછા લોકોને આવડે છે. આ જ કારણે આપણને તે ગિટાર ભંગાર, હેતુહિન, શાંતિ માટેની બાધારૂપ અને બોજ સમાન  લાગે છે. આપણે જીવનને બગીચાની જગાએ ઉકરડાને હવાલે કરી દઇએ છીએ.

જેને જીવન જીવતા આવડે છે તેની પ્રેરણા લેવાની જગાએ ઇર્ષા કરીએ છીએ. આપણે એવા અજ્ઞાાનમાં રાચીને ફરી ફેંકી દીધેલી ગિટારને મેળવવા જઇએ છીએ જાણે ગિટારમાં સુખ સમાયેલું છે. ના ગિટારમાં નહીં તેને વગાડવામાં, તેના તારને છેડવામાં, લયબદ્ધ કરીને લીન થવામાં જ દિવ્ય સુખ છૂપાયેલું છે. જીવન અને મનરૂપી ગિટાર અને તેના તાર બંને તમારા હાથમાં છે.

 ધૂળ ખંખેરો, તેને ઓળખો, શાંતિના સ્ત્રોતને જ અશાંતિના સ્ત્રોત તરીકે જોવાનું અજ્ઞાાન ત્યજો.

વકીલની મજા

માણસ પોતાની ભૂલો માટે

ખૂબ સરસ ‘વકીલ’ બને છે.

જ્યારે

બીજાની ભૂલો પર

સીધો ”જજ” બની જાય છે.

પૂર્ણવિરામનું મહત્વ 

પકડો, મત જાને દો.

પકડો મત, જાને દો

ઉપરની બે લીટી સરખી છે માત્ર પૂર્ણવિરામ આમ તેમ થઈ જવાથી દુ:ખી થવાનું અને સુખી થવાનું કારણ સમજાઇ જશે !?

કિસ્મત

જીવન કિસ્મતથી ચાલે છે સાહેબ,

એકલા મગજથી ચાલતુ હોત તો

અકબર નહિં બિરબલ રાજા હોત.

અંગત કોણ ?

આપણું અશ્રુ વિનાનુ રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!!

કેમ છો કહેનારા તો હજાર મળશે પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈ અંગત જ મળશે.

‘કુલી’ની ભૂમિકા

અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘કુલી’ના ગીતની પંક્તિ

”સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ,

લોગ આતે હૈ લોગ જાતે હૈ

હમ યહાં પે ખડે રહ જાતે હેં”

આ પંક્તિ રેલવે સ્ટેશન પર જીવન ગુજારતા ‘કુલી’ની છે.

આપણું પણ કંઇક આવું જ નથી…?

વર્ષો આવતા અને જતા રહે છે આપણે, આપણો સ્વભાવ, આદતો, પ્રકૃતિ અને અહંકાર હજુ ઠેરના ઠેર છે. સમય વીત્યો છે ચહેરો અને કદ કાઠી બદલાઈ છે આપણે તો એના એ જ રહ્યા. જીવનના સીમકાર્ડમાં પણ પ્લાન બદલીએ.

આધુનિક ‘પંચ’ તંત્ર

દિવાળીના તહેવાર નિમિત્તે હળવી શૈલીમાં પણ બોધ લઈએ.

પહેલી વાત : દરેક માણસ પાનકાર્ડ અને આધાર કાર્ડમાં દેખાય છે તેટલો ખરાબ નથી હોતો.

બીજી વાત : દરેક માણસ તેની પત્ની સમજે છે તેટલો ખરાબ નથી હોતો અને એની મા (માતા) સમજે છે એટલો સારો પણ નથી હોતો.

ત્રીજી વાત : દરેક માણસ એમ ઇચ્છે છે કે તેની પત્ની મિસ યુનિવર્સ જેવી દેખાય  અને ઘરમાં કામ મણિબેન જેવું કરે.

ચોથી વાત : દરેક પત્ની એવું ઇચ્છે છે કે તેનો પતિ અંબાણી જેટલું કમાય અને વ્યવહાર-વર્તન મનમોહનસિંઘ જેવું કરે.

પાંચમી વાત : નસીબ તો મોદી જેવું હોવું જોઈએ. સવાલ પૂછવા વિપક્ષમાં કોઈ નેતા નહીં અને ઘરમાં — નહીં.

કયું વરુ જીતશે ?

એક વૃદ્ધ તેના પૌત્રને વાર્તા કહી રહ્યા હતા

”મારા લાડલા, આપણા મનમાં બે વરૂઓ વચ્ચે જોરદાર લડાઈ ચાલતી રહેતી હોય છે. જેમાંથી એક વરુ ખૂબ જ ખૂંખાર, ઝેરીલું, ક્રોધથી ભરેલું છે. જેને આપણે ઇર્ષા, લઘુગ્રંથિ, અહંકાર તરીકે ઓળખી શકીએ… અને બીજું વરૂ સૌમ્ય, શાંત, ઉમદા, ઉદાર, આશાવાદી, દયાળુ અને સત્યપ્રેમી છે. બંને વરૂ એકબીજાને પછાડવા એકબીજા પર હાવી થવા (લડાઇ-સંઘર્ષ) કરતા રહે છે. બંને ભારે તાકતવર પણ છે.”

દાદાનું વાર્તા કથન જારી જ હતુ ત્યાં પૌત્રએ પૂછી કાઢ્યું કે ”દાદા, બેમાંથી ક્યું વરૂ જીતે છે ?” દાદાએ પૌત્રમાં વિચારવાની શક્તિ પ્રબળ બને તે રીતે ઉત્તર આપ્યો કે ‘તું જે વરૂને ખોરાક આપીને તગડુ બનાવીશ,  તે વરૂ જીતશે.’

છેલ્લી બે-ત્રણ પંક્તિનું અંગ્રેજી :

The boy thought and asked.

” Grand Father, Which Wolfwins ?”

The old man quitely replied

“The one you feed.”

…નવા વર્ષમાં આવી પ્રેરક વાતો આચરણમાં મુકી શકીએ તેવી શુભેચ્છા.

સૌજન્ય-સાભાર ..

વિવિધા .. ગુ.સ… ભવેન કચ્છી 

સૌજન્ય- શ્રી વિપુલ દેસાઈ … સુરતી ઊંધિયું 

CLICK FOLLOWING LINK FOR AUDIO

સુખી થવાના દીવાળીના પાંચ દીવસો-જય વસાવડા

Diwali Greetings-1