વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1252- થેંક્સ ગીવીગ ડે-૨૦૧૮ / આ દિવસને અનુરૂપ કેટલીક સ્વ-રચિત રચનાઓ

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .

થેંક્સ ગીવીંગ ડે  નો આવિર્ભાવ અને આ દિવસનો ઈતિહાસ જોતાં એ મૂળ પાયોનીયર પ્રજાનો સારો પાક લેવાનો અને છેલ્લું વર્ષ સારું ગયા માટે પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટેના દિવસ તરીકે ઉજવાતો હતો.

આજના આભાર દિનને અનુરૂપ મારી કેટલીક અછાંદસ રચનાઓ …

આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ મનુષ્ય જાતને આપેલ અગણિત ભેટો અને કરેલ ઉપકારો બદલ એને યાદ કરી એનો આદરથી આભાર માનવાનો પણ દિવસ છે .

મારી આ અછાંદસ રચનામાં એવી આભારવશતાનો ભાવ વ્યક્ત થયો છે.

ઓ પ્રભુ ,તારો આભાર !

પ્રભુ તારો આભાર,આજના આ દિવસ માટે,
એની સાથે આવેલી વિવિધ અમીરાત માટે.
ખેલતાં બાળકોના મુખ પર રમતું એ હાસ્ય ,
તાજા જન્મેલ બાળકના મુખ પરનું એ સ્મિત,
અને અમારા જીવનને અર્થપૂર્ણ બનાવતી,
નાની મોટી કૃપાઓ માટે,પ્રભુ તારો આભાર.
મુશ્કેલીઓમાં મને ખબર પણ ના પડે એમ,
મારા પર ભલાઈ વર્ષાવતા સૌ મિત્રો માટે,
અને સૌથી વધુ પ્રભુ તારો આભાર હું માનું,
મને બક્ષેલ જિંદગીની આ અણમોલ ભેટ માટે .

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,
સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,
માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,
સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,
આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,
કે સમજાય ના,કેટલા ઉપકારો માટે માનું આભાર,

આ દિવસે ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી પ્રભુનાં આ કમનશીબ બાળકો પ્રત્યે દયા ભાવ દર્શાવાય છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

આ દયા ભાવને અનુરૂપ મારી એક અછાંદસ રચના ..

જીવન સાફલ્ય

જીવનમાં જે લીધું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના મારો,
કદીક તમારો હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,
જાત માટે તમે જીવો એથી બને છે તમારી જિંદગી,
પરાર્થે જીવી જાણો ત્યારે એ બને છે પ્રભુની બંદગી.
જીવો છો ત્યારે કંઇક એવું સદ્કાર્ય કરીને જ જાઓ,
લોકો યાદ કરે કે જનાર ખરે પરોપકારી જીવ હતો.

એક તાજી જ રચના ..

પ્રાર્થના- અંતરનો શાંત કોલાહલ

બાહ્ય સંગીત એટલે કે નાદ-અવાજ,
આત્માનું સંગીત હોય છે સાવ નીરવ,
મનની સંપૂર્ણ શાંતિ છે આ સંગીતમાં.
પ્રાર્થના એ છે આત્માનો શાંત રવ
પ્રાર્થનાનું શાંત સંગીત મધુરતમ છે.
પ્રાર્થનાનો શાંત અને આહ્લાદક રવ,
અંતરમન અજવાળી બક્ષે છે ધન્યતા.
દરેક સદ્કાર્ય હોય છે એક પ્રાર્થના.
એના અનહદ આનંદની અનુભૂતિ,
બનાવે અંતરના કોલાહલને નીરવ.
ચિંતાઓ અને પીડાઓને ભુલાવતી,
આવી સાધનામય શાંતિની અનુભૂતિ,
એટલે કે પ્રભુનો એક આસ્વાદ્ય પ્રસાદ.

આભારવશતા

આભારવશ થવાની એટલે કે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાની વૃત્તિ માણસને દુ:ખ અને નિરાશામાંથી બહાર લાવે છે.આ આભારવશતા (ગ્રૅટિટ્યુડ)ની લાગણી ‘હૅપીનેસ’ મેળવવાની ચાવી છે.સુખી થવું હોય અને રહેવું હોય તો તમે જે પામ્યા છો એ બદલ કૃતજ્ઞતા (ગ્રૅટિટ્યુડ) નામની કવાયતને આદત બનાવવાનું ચૂકવા જેવું નથી.

આ થેન્ક્સ ગીવીંગ દિવસની ભાવનાઓને અનુરૂપ મને ગમી ગયેલા એક અંગ્રેજી લેખનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે રજુ કરેલ છે સૌએ એમાં દર્શાવેલ સકારાત્મકતાના વિચારને સમજવા જેવો છે.

પ્રભુનો આભાર માનો કે ………

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ તમારા જીવન દરમ્યાન ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હોય છે એ ક્યાંથી મળ્યો હોત !

— પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એથી  તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની વધુ તકો માટે પ્રયત્નશીલ બનો છો.

— પ્રભુનો આભાર માનો કે તમારે જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કેમ કે મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.

—પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .

— પ્રભુનો આભાર માનો કે તમારા જીવનમાં કોઈવાર નવા પડકાર પણ આવે છે કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા ચારિત્ર્ય(Character)નું ઘડતર કરે છે.

— પ્રભુનો આભાર માનો કેમ કે તમારાથી ભૂલો પણ થાય છે કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળે છે.

— તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો જરૂર આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો આનંદ જ અનેરો હોય છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વ નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

વિનોદ વિહારના સૌ વાચકો, મિત્રો અને સ્નેહી જનોને

એમના આજ દિન સુધીના સહકાર બદલ ખુબ ખુબ આભાર 

Wish you and your family a “HAPPY THANKSGIVING”

વિનોદ પટેલ, સાન ડિયેગો

1 responses to “1252- થેંક્સ ગીવીગ ડે-૨૦૧૮ / આ દિવસને અનુરૂપ કેટલીક સ્વ-રચિત રચનાઓ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.