વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1290 – વારતા ચિનુ-વિનુની… વિનોદ ભટ્ટ

આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર, હાસ્ય લેખક વિનોદ ભટ્ટ  એમના નીચેના લેખમાં એમની રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.

આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.

વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ

ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.

આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે બાળઉછેરનાં પુસ્તકો તે સમયમાં ખાસ પ્રગટ થતાં નહીં હોય ને બહાર પડ્યાં હશે તો પણ ફટકારવા આડે એ બંને પિતાશ્રીઓને એ વાંચવાનો સમય નહીં મળ્યો હોય. જોકે ચિનુના બાપા તેને બૂટે ને બૂટે મારતા. ને મારા બાપા મને ચંપલથી મારતા.

મને પ્રમાણમાં ઓછું વાગતું. ચિનુની ખબર નથી,  પણ મને તો મારા બાપા કયા કારણે મારે છે એની ખબર પણ પડતી નહીં ને વધુ માર પડે એ બીકે માર મારવાનું કારણ જાણવાની હિંમત પણ મેં કરી ન હતી. અલબત્ત બંનેના પિતાઓની મહત્ત્વાકાંક્ષાઓ અલગ અલગ હતી. ચિનુના બાપુજી તેને આઇ.એ.એસ. ઓફિસર બનાવવા માગતા હતા ને મારા ફાધર મને વનેરુમાંથી એક નોર્મલ છોકરો બનાવવા ઇચ્છતા હતા. આઇ.એ.એસ. થવા માટેતો અમુક બૌદ્ધિક આંક જરૂરી હોય છે.

જ્યારેવનેરુને સામાન્ય માણસ બનાવવાની મહત્ત્વાકાંક્ષા જરા પણ વધારે નહીં હોય. છતાં બંને બાપા નિષ્ફળ નીવડ્યા. ફુલ્લી ફેલ થયા. જોકે ચિનુ છેલ્લાં કેટલાંય વરસથી SPIPAના આઇ.એ.એસ.ના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેના બાપુજી હયાત હોત તો આ જાણીને ખુશ થયા હોત. બાપાઓ નાની વાતે રાજી થતા હોય છે.  હા, ચિનુ મારાથી બે માર્ક આગળ હતો. S.S.C.માં ગુજરાતી વિષયમાં મારા પાંત્રીસ માર્ક હતા ને તેના સાડત્રીસ. અમે બંને સર એલ. એ. શાહ આર્ટ્સ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં તે ભાગ્યે જ દેખા દેતો.

આચાર્યશ્રી એમ. એમ. ઠાકોર સાહેબે કૉલેજના વિદ્યાર્થીઓને મિત્રતાના દાવે એકવાર હળવાશથી કહ્યું હતું કે,

‘વહાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, એક વાત યાદ રાખજો. આપણી કોલેજની સામે મ્યુનિસિપાલિટીએ હમણાં જ બગીચો બાંધ્યો છે અને શહેરીજનો આપણી કોલેજને કારણે એને લો-ગાર્ડનને બદલે લવ-ગાર્ડન કહે છે. તમે પણ ફ્રી પિરિયડમાં ત્યાં જવું હોય તો જજો. પણ એક વાત યાદ રાખજો આપણી પાસે મેટરનિટી હોસ્પિટલની સગવડ નથી.’

હા, અમારા બંનેમાં એ બાબતે સામ્ય છે કે અમે ઘણી કોલેજો બદલી હતી. મેં વિદ્યાર્થી તરીકે ને તેણે એક પ્રોફેસર લેખે અડધો-પોણો ડઝન કોલેજોને લાભ આપ્યો હતો. એ તો યુવાન કવિઓને કવિતા પણ શીખવતો.
***

અમારી કૃતિઓ છપાવવા ને એ દ્વારા નામ કમાવા અમે બંને સરખાં હવાતિયાં મારતા. ‘કુમાર’ કે ‘અખંડઆનંદ’ જેવાં સામયિકો તો અમારી સામે આંખ ઊંચકીને જોતાં સુધ્ધાં નહીં. શું થાય! પણ ચિનુ મારે ત્યાં સાઇકલ લઇને આવે.પછી અમે મેગેઝિનના તંત્રીની ઓફિસે પહોંચી જઇએ. અમે આને મૃગયા કહેતા. ભક્તિમાર્ગ કાર્યાલય મારા ઘરથી બહુ નજીક. ત્યાંથી ‘વિશ્વવિજ્ઞાન’ પ્રગટ થાય.

એના સંપાદક રમણ નાવલીકર અમને કામના માણસ તરીકે બરાબરના ઓળખે. ઑફિસની બાજુની એક ઓરડીમાં રમણભાઇ, તેમનાં પત્ની ને બે-અઢી વર્ષની નાનકડી દીકરી રહે. અમે જઇએ એટલે ગંજીફરાક ને પટાવાળો લેંઘો પહેરીને શાક સમારતા બેઠેલા પતિને આનંદથી તેમની પત્ની કહી દે કે પેલા બે આયા છે તે બકુડીને રાખશે, તમે જઇને ખંખોળિયું કરી આવો. અમારા નામની  બહેનને ખબર નહોતી. અને આજ્ઞાંકિત પતિ અડધાં સમારેલ શાકની થાળી ને શાક માંડ કપાય એવું બુઠ્ઠું ચપ્પુ મારા હાથમાં મૂકીને ને રમાડવા માટે દીકરી ચિનુને સોંપીને સ્નાન કરવા જાય.

અમે બંને ઓશિયાળા ચહેરે એકબીજા સામે જોતા અમને સોંપાયેલ કામ કરીએ.લાલચ એટલી જ કે ‘વિશ્વવિજ્ઞાન’નો સંપાદક અમારી રચના સહાનુભૂતિથી વાંચે ને આવતા કે પછીના અંકમાં છાપે-સભાર પરત ન કરે. લેખક થવા માટે અમે આવી લાચારી પણ વેઠી છે.

***

ચિનુને લાભશંકરનો પરિચય મેં કરાવેલો. આદિલ મન્સૂરીને લઇને તે મારા ઘેર બે-ત્રણ વાર આવેલો, પણ એ છોકરડો આદિલ મારા સ્મરણમાં નથી. તેના પાલડી ગામ વાળા ઘેર ગયાનું કે તેનાં માતા-પિતાને મળવાનું બન્યું નથી. ચિનુની મધર બંદૂક રાખતી, પણ મા જ્યારે એ બંદૂક સાફ કરવા, સર્વિસ કરવા બહાર કાઢતી ત્યારે ચિનુ ઘરની બહાર સરકી જતો. એનું કારણ એ કે ગુજરાતી સાહિત્યે એક સશક્ત સર્જક વગર ચલાવી લેવું ન પડે.

ચિનુએ તેની આત્મકથા ‘જલસા અવતાર’માં નોંધ્યું છે કે તેની મા ધનાઢ્ય કુટુંબની એકમાત્ર સંતાન હતી તો પણ ચિનુના બાપુજીથી તે બહુ બીતી. પણ પછી બાપુજીના અવસાન બાદ સ્પ્રિંગ ઉપરથી દબાણ ખસી ગયું. એની મધર ઘેર આવતા બધા કવિઓને નખશિખ ઓળખતી ને જે તે કવિ વિશેનો પોતાનો મત મોઢામોઢ પ્રગટ કરતી. આદિલ મન્સૂરીને તો જોતાં વેંત ચોપડાવતી: ‘સાલા મિયાં, તેં જ મારા દીકરાને બગાડ્યો.’

આનો અર્થ એ થયો કે બગડવાની બાબતમાં ચિનુ ચંદ્રકાન્ત બક્ષી જેવો સ્વાવલંબી નહોતો, કોઇની મદદની તેને જરૂર હતી. નાટ્યકાર સુભાષ શાહને તે ગિલિન્ડર કહેતી. (માં કભી જૂઠ નહીં બોલતી, સુભાષ પ્લીઝ ટેઇક ઇટ ઇઝી).

***

મિત્રો, એ તમે જોયુંને કે લેખક બનવા માટે અમે બંનેએ કેવાં કેવાં ‘તપ’ કરેલાં! એ વાત જવા દો. (જોકે ‘એ વાત જવા દો’ કવિમિત્ર અનિલ જોશીનો તકિયા કલામ છે. તે કોઇ અગત્યની વાત કર્યા પછી તરત જ આ વાક્ય બોલે છે). હા, પણ એ વાત જવા દેવા જેવી નથી કે અમે બંને જોતજોતામાં મહાન સર્જક તો બની ગયા. અલબત્ત અમે બંને મહાન સર્જકો છીએ એ હકીકતની અમારા બે સિવાય કોઇને આજેય ખબર નથી. હશે. સો-દોઢસો વરસ પછીય કોઇને આ માહિતી મળશે તો પણ અમે અમારું લખ્યું ને રમણ નાવલીકરની બેબલીને રમાડ્યું વસૂલ માનીશું.

***

ચિનુ અને વિનુ એકબીજાના ગાઢ મિત્ર હતા એટલે તો અમારી વચ્ચે નાની મોટી માલ વગરની વાતમાં ઠેરી જતી. 30મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ.2016ની તેની વર્ષગાંઠ નિમિત્તે વિનુ-ચિનુની જુગલબંધીના કાર્યક્રમનો પ્રસ્તાવ લઇને તે મારી પાસે આવ્યો. હુકમ કર્યો કે આપણે બંને સ્ટેજ પર સાથે બેસીને, ‘તને સાંભરેરે, મને કેમ વિસરેરે’ની વાતો કરીશું. મેં તરત જ હા પાડી. પણ એક ઓડિટ કાઢ્યું:

‘ચિનિયા, આ કાર્યક્રમ તારા જન્મદિન નિમિત્તે છે એટલે તારું નામ પહેલું હોય, ‘ચિનુ-વિનુની જુગલબંધી.’ મારી સામે એઝ યુઝવલ, સ્થિર આંખે જોઇ તે ડોમિનેટિંગ અવાજે બોલ્યો. ઉંમરમાં તે મારા કરતાં લગભગ દોઢ વર્ષ નાનો હોવા છતાં સર્જક લેખે દોઢેક કિલોમીટર મોટો હોવાથી મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. એનું બીજુંને મોટું કારણ એ કે મારો ચિનિયો ભારે રીસાળ.

તેની આગળ જીદ કરવા જતાં કાર્યક્રમનાં કાગળિયાં ફાડીને ચાલવા માંડે. બાળક આગળ બાળક થવું વિનુને કેમનું ગમે! અહીં જેવા સાથે તેવા થવાય એવું ન હતું. પણ તે ઉદાર ઘણો.  હા, એક વાર તેને મેં દુભવેલો ખરો. જેના ઘાની વાત તેણે આત્મકથામાં એક જ વાક્યમાં નોંધી છે. તેણે બીજાં લગ્ન કર્યાં એ સામે મારો ખાસ વાંધો ન હતો. (કયા મોઢે હું વાંધો ઉઠાવું?). પણ બીજાં લગ્ન કરવા માટે તે ઇર્શાદ એહમદ બની ગયો એ મને જરાય નહોતું ગમ્યું. મારા ભાગનો અડધો ચિનુ ગુમાવવાનું મને પાલવ્યું ન હતું.

આ કારણે થોડા ગુસ્સામાં અને વધારે તો વેદનાથી એક લેખ મેં મારી કોલમમાં ફટકારેલો, જાણે હું ચિનુને ફટકારું છું. લેખનું શીર્ષક હતું: ‘જૂની કહેવત છે. ‘શીરા માટે શ્રાવક બનવું.’ નવી કહેવત: ‘બિરિયાની માટે ઇર્શાદ થવું.’ મારો આ પ્રહાર વાંચતી વખતે ચિનુને ચચરેલો,પણ એ લખતી વેળાએ ચિનુના વિનુને એ કેટલો ચચર્યો હતો એની તો ખુદ ચિનુને પણ એ સમયે જાણ નહોતી. બાય ધ વે, મારી નાની સગ્ગી બહેનનું નામ પણ હંસા હતું.’

જોકે આ જ ચિનુને તેની પત્ની હંસાએ સાચા પ્રેમ અને ફટકિયા પ્રેમ વચ્ચેનો ભેદ, ચિનુને સાચકલો પ્રેમ આપીને સમજાવેલો, ને ચિનુએ શબ્દોમાં અપરાધભાવ ભીની આંખે વ્યક્ત કરીને પોતાને તુચ્છ લાગ્યો હોવાનું આત્મકથામાં  કબૂલ્યું છે. હું સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ ચિનુને ગમ્યું નહોતું. આ ગુના માટે મારી જોડે થોડોક સમય બોલવાનું પણ તેણે બંધ કર્યું હતું ને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિષદ માટે મને રૂપિયા 51 લાખનું મોટું ડોનેશન આપ્યું ત્યારે ચિનુએ મને અણગમાથી જાહેરમાં કહેલું કે ‘લ્યા વિનોદ ગાયને દોહીને કૂતરાંને પાવાનો કોઇ અર્થ ખરો?’

એના મરવાના થોડા વખત પહેલાં તેણે મારા બરડા પર પ્રેમથી ધબ્બો મારતાં કહ્યું કે મારી ગાયને દોહીને-વાળી કહેવત સાચી પડીને! લાગે છે કે ચિનુ દૂ…રનું જોઇ શકતો હોવો જોઇએ. તે જ્યોતિષ સારું જોતો હતો. એક પોતાનું ભવિષ્ય બાદ કરતાં ઘણાનું તેણે ભાખેલ ભવિષ્ય લગભગ સાચું પડતું. એક પોતાની કુંડળી જોવામાં તે માર ખાઇ ગયો. તેને તો 94 વર્ષ જીવવાનું વચન ખુદ તેના ગ્રહોએ આપ્યું હતું- પછી એ ફરી ગયા!’

***

તેનો શુક્ર ઘણો બળવાન હતો. તે જાહેરમાં કહેતો કે ગુજરાતી સાહિત્યના કોઇ પણ સર્જક કરતાં આ ચિનુ મોદીએ બહુ જલસા કર્યા છે. કદાચ આ વિધાન જ તેને નડ્યું છે, આ જલસા અવતારે ઘણાં બધાંનાં મનમાં ઇર્ષ્યાભાવ પેદા કર્યો. ‘ચિનુ ભાઇ’ સાબ બહુ લિસ્સો’ કહેનાર આપણે તેનાથી જરાય ઓછા લિસ્સા નથી, પણ વાત જાણે એમ છે કે તકના અભાવે આપણામાંના કેટલાક પોતાનું ચરિત્ર્ય ટકાવી શક્યા છે. બાકી વિનુમાં પણ ચિનુ કાયમ લાગ જોઇને બેઠેલો હોય છે.

જોકે ગુજરાતી છાપાઓની કૉલમ્સ વાંચતાં તેમજ શોકસભાના અહેવાલો જોતાં સમજાય છે કે ચિનુની સર્જકતાને બદલે વધારે મહિમા તેની ઇતર પ્રવૃત્તિઓનો વધારે થયો છે. કોઇ એક યુનિવર્સિટી તૈયાર કરી શકે એનાથી વધુ યુવાન શક્તિશાળી કવિઓ ચિનુએ એકલા હાથે તૈયાર કરી આપ્યા છે. સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં તેણે તગડું કામ કર્યું છે. તે નાટકો પણ ઝડપથી લખી શકતો. એક વાર થોડા યુવાન છોકરા-છોકરીઓ જ ચિનુને ઘેરી વળ્યાં. કહે: ‘ચિનુકાકા, અમારે ઝડપથી ભજવવા માટે એક એકાંકી નાટક જોઇએ છે. ચિનુના હાથમાં ગુજરાતના માહિતી ખાતાનો અંક હતો.

તેણે એક દીકરીના હાથમાં અંક મૂક્યો. કહ્યું: ‘ગમે તે પાનું ખોલ ને જે વંચાય એ બોલ. એના પર હું એકાંકી લખી આપીશ.’ દીકરીએ અંકની વચ્ચેનું એક પાનું ખોલ્યું. બોલી: ‘ઝાલ્યાં ન રહ્યાં.’ બીજે દિવસે ચિનુલાલે આ જ વિષય ‘ઝાલ્યાંન રહ્યાં’ પરનું નાટક છોકરાંના હાથમાં મૂકી દીધું. બાય ધ વે, આવી વિરલ ટેલેન્ટ ઉર્દૂ વાર્તાકાર સહાદત હસન મન્ટોમાં હતી. પણ ચિનુની આવી બધી પોઝિટિવ વાત લખવામાં આપણો T.R.P. તે કંઇ વધતો હશે? – જવા દો એ વાત.

પણરહી રહીને અત્યારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘શીલ અને સાહિત્ય’ની વાત કરતાં તેમણે એકવાર કહ્યું હતું કે,

‘આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઇએ છીએ ત્યારે માટલું કેટલું મજબૂત ને ટકાઉ છે એ તપાસવા આપણે માટલા પર ટકોરા મારીએ છીએ, કુંભારના માથા પર નહીં. (તેજીને તો બસ, એક જ ટકોરો પૂરતો છે).’

***
યાદ આવ્યું: મારી ચિતા પર વૃક્ષ કાપીને તેનાં લાકડાં ગોઠવશો નહીં, કદાચ આવતા જન્મે મને પંખીનો અવતાર મળે તો હું માળો ક્યાં બાંધીશ?’

– ચિનુ મોદી

તેને ચિનુ મોદી થઇને બળવું નહોતું તેમજ ઇર્શાદ એહમદ બનીને દટાવું નહોતું એટલે તો તેણે દેહદાન કર્યું-કેવો ચતુર વાણિયો!
–વિનોદ ભટ્ટ

ચિનુ મોદીની એક રચના … 

વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો,
કહી ના શક્યો કોઇને કે ખસો…

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે,
અને દરવખત આપ ફિક્કું હસો…

સમય નામની બાતમી સાંપડી,
પછી લોહી શું કામ નાહક ધસો…

પડે ડાળથી પાંદડું, એ પછી,
ઇલાજો કરું એકથી એક સો…

ઇલાજો કરું એકથી એક સો,
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સ્વ. ચિનુ મોદી-વિનોદ ભટ્ટ વિશેનો એક બીજો વાંચવા જેવો લેખ

ચિનુ મોદી- વિનોદ ભટ્ટની જુગલબંધીમાં ‘જલસા’નું કારણ ‘એવા રે અમે એવા ..

સૌજન્ય ..નવગુજરાત સમય ..અમદાવાદ 

https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/other/jugalbandhi-by-chinu-modi-and-vinod-bhatt-14302/

2 responses to “1290 – વારતા ચિનુ-વિનુની… વિનોદ ભટ્ટ

  1. nabhakashdeep માર્ચ 31, 2019 પર 12:44 પી એમ(PM)

    વિનોદભાઈએ સાચે જ ‘વિનોદ વિહાર ‘ કરાવી દીધો. બે નીવડેલા સાહિત્ય દિગ્ગજ અંતરપટ પર છવાઈ ગયા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.