વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1301 .. ભાષાપ્રેમી છો? ….હિમાંશુ કીકાણી

  • હિમાંશુ કીકાણી

હિમાંશુ કીકાણી

ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ભાષાપ્રેમી છો? ….હિમાંશુ કીકાણી

આ વખતે ફરી એક વાર, પહેલાં કેટલાક પ્રશ્નોનો મારો! પણ ચિંતા ન કરશો, આ વખતે આ દરેક સવાલના જવાબ ક્યાંથી મળશે એ પણ કહીશું.

⚫ ‘I feel bad’ એમ કહેવું જોઈએ કે પછી ‘I feed badly?’

⚫ ‘who’ને બદલે ‘whom’નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

⚫ વાક્યમાં ‘that’ અને ‘which’નો ક્યારે ઉપયોગ કરાય અને બંનેમાં ફેર શું?

⚫ આ બંનેમાંથી શું સાચું? ‘taller than I’ કે પછી ‘taller than me?’

⚫ ઇંગ્લિશના ઘણા બધા શબ્દોમાં ગૂંચવણ કેમ છે? ‘daughter’ અને ‘laughter’ બંનેના સ્પેલિંગ લગભગ સરખા હોવા છતાં ઉચ્ચાર કેમ જુદા છે?

⚫ ‘should’ અને ‘would’ ના સ્પેલિંગમાં ‘l’ કેમ ઘૂસી ગયો?

આ બધા સવાલો વાંચીને તમારાં બે રિએક્શન હોઈ શકે. એક, ‘જવા દો, આપણા કામની વાત લાગતી નથી.’ અને બીજું, તમને જાણે તમારી દુખતી રગ દબાઈ ગઈ હોય એવું લાગે!

જો તમને ભાષા પ્રત્યે (પછી વાત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગમે તે ભાષાની હોય) પૂરો લગાવ હોય તો એની બારીક ખૂબીઓ જાણવામાં તમને ચોક્કસ રસ હશે. એ જ કારણે, ઇંગ્લિશના સંદર્ભે વાત કરીએ તો ઉપર આપેલા થોડા સવાલો જેવા સંખ્યાબંધ સવાલો તમારા મનમાં રમતા રહેતા હશે અને તેના ઊંડાણભર્યા જવાબો મળવા મુશ્કેલ પણ લાગતા હશે.

યાદ રહે, અહીંથી આગળની વાત માત્ર એવા જ લોકો માટે કામની છે, જેઓ અંગ્રેજી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. એટલું પ્રભુત્વ કે ઉપર લખ્યા એવા સવાલો તેમને થઈ શકે છે!

જો તમે આ કેટેગરીમાં આવતા હો તો તમારે આ બ્લોગ જોવા જેવો છે – https://www.grammarphobia.com/

આ બ્લોગ પેટ્રિશિયા ટી. ઓ’કોનર અને સ્ટુઅર્ટ કેલરમેન નામના બે ભાષાનિષ્ણાતો લાંબા સમયથી લખે છે. બંને મૂળભૂત રીતે પત્રકાર છે. 1971માં ગ્રેજ્યુએટ થયેલ પેટ્રિશિયાએ વિવિધ અખબારો ઉપરાંત ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પંદરેક વર્ષ કામ કર્યું છે. જ્યારે સ્ટુઅર્ટે 1965થી ડિપ્લોમેટિક કોરસપોન્ડન્ટ અને ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ, લેટિન અમેરિકા વગેરેમાં કામ કર્યું છે. લાંબો સમય તેમણે દુનિયાનાં યુદ્ધો પણ કવર કર્યાં છે.

છેવટે પેટ્રિશિયા અને સ્ટુઅર્ટ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં ભેગા થઈ ગયા. બંનેએ સાથે મળીને આ બ્લોગ લખવાનું શરૂ કર્યું. બ્લોગ પર ઓગસ્ટ, 2006થી અત્યાર સુધીના જુદા જુદા અનેક લેખો વાંચી શકાય છે, જેમાં ઇંગ્લિશ ભાષાની ખરેખર બારીક ખૂબીઓ વિશે, એથી પણ વધુ ઊંડાણભરી સમજ આપવામાં આવી છે. જુદા જુદા શબ્દો કેવી રીતે જન્મ્યા એ જાણવામાં રસ હોય તો પણ આ બ્લોગ તમને કામ લાગશે.

આપણી ભાષામાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી, સ્વામી આનંદ (‘જૂની મૂડી’), હરિવલ્લભ ભાયાણી (‘શબ્દકથા’)થી માંડીને રતિલાલ ચંદરિયા (gujaratilexicon.com) વગેરેએ આ દિશામાં જુદી જુદી રીતે સરસ કામ કર્યું છે. અલબત્ત, તેમનું ફોકસ શબ્દો પર વધુ રહ્યું છે.

ગ્રામરફોબિયા જેવો કોઈ બ્લોગ આપણી ભાષા માટે પણ શરૂ થાય એવી અભિલાષા!

Source- 

https://www.divyabhaskar.co.in/rasdhar/ashok-dave/news/RDHR-HIMK-HDLN-article-by-himanshu-kikani-gujarati-news-6045348-NOR.html

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.