વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી

ન્યુ જર્સી નિવાસી ૭૫ વર્ષીય મારા મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ અમેરિકામાં પાર્કના બાંકડે બેસી ગપસપ કરીને એમની નિવૃતિનો સમય પસાર કરી રહેલા ૧૪+ દાદાઓની ખાસિયતોનું અવલોકન કરી એનું આબેહુબ સુંદર શૈલીમાં  વર્ણન કરતો એક મજાનો લેખ એમના બ્લોગમાં મુક્યો છે .

શાસ્ત્રીજી પોતે એક દાદા છે એટલે જ્યારે તેઓ બીજા દાદાઓ સાથે બાંકડે બેસી પાર્કમાં ગામ ગપાટા મારતા હશે ત્યારે બિચારા બીજા દાદાઓને ખબર પણ નહિ હોય કે મૂળ સુરતનો આ શાસ્ત્રી એફ.બી.આઈ નો એજન્ટ બની એમની ગીલ્લી ઉડાવતો એક લેખ લખી મારશે !

આ લેખ વિ.વિ.ના વાંચકો અને ખાસ કરીને સીનીયર સીટીઝનોને ખુબ ગમે એવો હોઈ આજની આ પોસ્ટમાં એને લેખક મિત્રના આભાર સાથે અહી રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

Mr.Pravin Shashtri

                  Mr.Pravin Shashtri

ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….  લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી  

જલસા છે જલસા. સીધી ને સટાક વાત.

ચાર ચોટલાની નહીં પણ ચૌદ ચોટલીની વાત.દસ ટાલને બાદ ચાર ધોળાના કાળા કરેલા દાદાઓની વાત. પાર્કની ત્રણ ચાર બેંચ પર દાદાઓ બેઠા છે. રોજ જ ચૌદ દાદાઓ એકની એક વાત ઘૂંટતા રહે છે.પૂછશો નહીં. કયા ટાઉનના પાર્કની વાત કરું છું. જોકે આ વાત તો અમારા અમેરિકાની છે પણ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ કે કોઈપણ ઓલ્ડીલેન્ડના કોઈપણ ટાઉનના કોઈપણ પાર્કના કે દેશી બજારના કોઈપણ ખૂણા પરની બેન્ચની ને લાગુ પડે એવી છે. અમારા અમેરિકામાં પણ મુરબ્બીઓ માટે ઠેર ઠેર બાંકડાઓ છે. પાર્ક, મોલ, મનમોહન કે મોદી બજારોમાં બાંકડાઓ છે, અધર્મી ઓ માટે પણ મંદીર બહાર બાકડાઓની સગવડ રાખેલી જ હોય છે. દાદીઓ જેટલો સમય મંદિરમાં હોય તેટલો સમય દાદાઓ ભેગા મળી હૈયા વરાળ કાઢી શકે છે. દાદીઓ પણ આવું લેડિઝ રૂમમાં કરતાં જ હોય છે.

મારા વિનોદભાઈ કહે છે અમેરિકાતો સોનાનું પિંજરૂ છે. સ્યોર. નો આર્ગ્યુમેન્ટ. પણ એ ગોલ્ડન કેઇજનું ડોર તો ખૂલ્લું જ છે ને! પણ હવે ઉડી ને કયા કાંટાળા ઝાડ પર બેસવું. અને હવે ઉડવાની તાકાત જ ક્યાં છે?

અમારા વિપુલભાઈ કહે છે કે હવેતો ગામે ગામ વૃધ્ધ વડિલો ભેગા થાય છે વાતો કરે છે. અમારા અમૃતભાઈ પણ કહેતા હતા કે હવે અમેરિકામાં પણ ઘણી જગ્યાઓએ સિનિયરો લો ગાર્ડન જેવી જ કંપની જમાવી વાતો દ્વારા સુખદુખનું સમતોલન જાળવતા થયા છે. હા હા અહીં પણ દાદાઓ પાર્કમાં ભેગા થાય જ છે. સુખ દુઃખની વાતોની ફેંકાફેંક થાય છે. બધા મુક્ત રીતે બોલે છે. પણ કોઈ સાંભળે છે કે કેમ એ સવાલ છે.seniors on park bench-001 તો ચાલો આજે વાત કરીયે પાર્કને બાંકડે બેઠેલા ભારતથી આયાત કરાયલા બુઢ્ઢાઓની. (સોરી, સોરી, સોરી…  અમેરિકના દેશી સિનિયોર્સની. )માફ કરજો અસંતોષની પહેલી વાત એ કે અમારે માટે બાગ કે ફૂલોથી મહેકતો, મેનિક્યોર ગાર્ડન બેસવા માટે ધણાં ઓછા છે. અમે પાર્ક કહીયે ત્યાં સાઈડ પર ખાણીપીણીની, ભેળ-પાણીપુરી, પાંઉભાજી લારીઓ નથી. માત્ર ઘાસીયું છે, ઘાસીયું. જેને અમે પાર્ક કહીયે છીએ. એ પાર્કમાં પિકનિક ટેબલ અને બાંકડાઓ છે. જ્યારે ખૂબ તડકો હોય ત્યારે થોડી બેશરમ ગોરી ચામડીઓ બ્રા ખોલીને ઉબડી પડેલી નજરે પડે છે. (એમની લાલ થતી ચામડી જોવા કેટલાક વડીલો ખાસ ડાર્ક ચશ્મા ગજવામાં રાખે છે. બધું ના જોવાય..અને જોયલું બધું તમને ના કહેવાય) આવા પાર્કમાં વડીલોને બેસવું પડે છે. કદાચ તમને પણ ત્યાં બેસવાનું ગમશે. અમારા દાદાઓ ત્યાં બેસી વિચાર વિનિમયનો નિઃશૂલ્ક આનંદ મેળવે છે.આ અમેરિકન બેન્ચ પરિષદના દેશી દાદાઓ (પ્લીઝ..પ્લીઝ દાદાને ગુંડાના અર્થમાં ના સમજતા.) પોતે પોતાની હેસિયતથી પરદેશમાં ભરાયા નથી પણ પાછલી ઉમ્મરે સગા-સ્નેહિઓએ તેમને આયાત કરેલા છે. એમની ઉમ્મરની રેન્જ ૬૫ થી ૮૫ની છે. ચાલો તમને બધા અમારા અમેરિકન પાર્કી દાદાઓની ઓળખાણ કરાવું.

દાદા નંબર ૧.

આ દાદા સલમાન જેવા બુલી છે અને “માય નેઈમ ઇઝ ખાન” શાહરૂખ જેવા અભિમાની સ્વભાવના છે. આમ જોવા જાવ તો બધા જ ખાનોનો સરવાળો એમના બ્રેઇન સર્લિટમાં ગુંથાયલો છે. સ્વપ્રશસ્તિમાં ચેમ્પિયન છે. એઓ ખૂબ મોટા ઈન્કમટેક્ષ ઓફિસર કતા અને એમને બધા જ સલામ ભરતા. એમના ભવ્ય ભૂતકાળની અનેક વાતો પુનરાવર્તન કર્યા કરે છે. એઓ દરેક વિષયમાં નિષ્ણાત છે. જબરજસ્તીથી બીજા ડોસાઓને સંભળાવે છે. બોલ્યા જ કરે છે. ખાંસતા જાય છે અને સાથે સિગરેટ પણ ફૂંકતા જાય છે. બોલતા થાકતા જ નથી.

દાદા નંબર ૨.

નબર એકની સામે ધારીને ધારીને જોતા રહે છે. ખૂબ ધ્યાનથી સાંભળતા હોય એવું લાગે છે. નંબર ૧ ની વાતો પર (વાંચ્યા વગર લાઈક મારનારની જેમ) થોડી થોડી વારે હકારાત્મક ડોકી હલાવતા જાય છે. ખરેખર તો મારી જેમ બહેરા છે. આંખ બંધ કરીને સાંભળે છે કે ઊંઘે છે એ નક્કી કરવું મુશ્કેલ છે.

દાદા નંબર ૩.

ક્યાંકથી ગુજરાતી ન્યુઝ પેપર લઈ આવે છે અને અમેરિકાના સમાચાર વાંચે છે. ગોસીપમાં જ ઈન્ટરેસ્ટ છે. એઓ ખાસ કરીને હૉલિવૂડ-બૉલિવૂડની કઈ કઈ એક્ટ્રેસે ન્યૂડ પોઝ આપ્યા તે રસ પૂર્વક વાંચે છે. ફાઈનલી તો એમની વાત સેક્સ તરફ જ વળે છે. જમાનો કેટલો બધો ખરાબ થતો જાય છે તેનો અફસોસ વ્યક્ત કરે છે. પેલી ઉબડી પડેલી લલના ક્યારે ઉભી થાય તેની રાહ જૂએ છે.

દાદા નંબર ૪ .

હમણાં છ મહિના પહેલા જ ભારતથી આવ્યા છે. બ્રાહ્મણ છે. શનિ રવિમાં સત્યનારાયણ કથા કરાવવાની તક શોધે છે. કાયમ ધોતિયું, કફની, બંડીમાંજ દેખાય છે. ગળાનું મફલર દિલ્હીના અરવિંદભાઈની જેમ ગળે માથે વિંતાળેલું હોય છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના રખેવાળ છે. એ માને છે કે દાદા નંબર ૩ એ આ ઉમ્મરે આવું જોવું વિચારવું ના જોઈએ. એઓ હંમેશાં ગ્રુપ મેમ્બરને મગજમાં ઠસાવવાનો પ્રયાસ કરતા રહે છે કે આપણે જ્યારે ભેગા મળીયે ત્યારે વાતચીતની શરૂઆત કરતાં પહેલાં જે તે વાર પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જો તમને ના આવડતી હોય તો હું ઝિરોક્ષ લાવ્યો છું એમાંથી ગાઈએ. ભગવાને આપણને આવા સરસ દેશમાં આવવાની તક આપી છે તેનો આભાર માનવો જોઈએ. અને છૂટા પડતાં પહેલાં ક્યાંતો જણગણમન કે વંદેમાતરમ ગાવું જોઈએ…બીજા ડોસાઓ…(સોરી; દાદાઓ) ઝિરોક્ષ બાજુ પર મૂકીને વાતે વળગે છે. દાદા નંબર ૩ કહે છે, માસ્તર હવે લપ છોડોને યાર.

દાદા નંબર ૫.

પ્રખર ભાજપી છે. મોદી ભક્ત છે. મોદી સિવાયની બીજી કોઈ વાત કરતા નથી. વાત સાંભળતા નથી. ઈટાલિયન બાઈ અને તેના જમાઈની જેટલી ખોદાય તેટલી ખોદે છે. “મોદી તો આપણા ખાસ માણસ. કંઈ પણ ગુંચવાડો હોય તો એના સેલ્રેટરીને કહે દાદાને ફોન કરી એમનો અભિપ્રાય લો.” એમને દાદા નંબર ૧ અને નંબર ૬ સાથે રાજકારણની વાતોમાં કાયમ ખૂબ જ જીભાજોડી થાય છે. …પણ બન્ને એકજ રાઈડમાં સાથે આવે જાય છે.

દાદા નંબર ૭.

ગજબના રોમેન્ટિક છે. ‘એક ઝમાના થા. હમ ભી કાલિજમેં હિરો બનકે ફિરા કરતે થે. લડકિયાં હમ પે મરતી થી.’ એઓ કોલેજમાં નાટલોમાં ભાગ લેતા. રાજ કપુરના આર.કે. સ્ટુડિયોમાં કાસ્ટિંગ મેનેજરે એમને ઓડિસન માટે બોલાવેલા પણ બોમ્બે જવાનો ટાઈમ ન હતો એટલે સ્ટાર થવાની તક ગુમાવવી પડેલી એવી વાત દર પંદર દિવસે બધાને યાદ કરાવતા રહે છે. હંમેશાં પણ બે પાંચ છોકરીઓના નામ લાળ ટપકતા મોંએ જણાવતા રહે છે. એમને ખરેખર કોલેજમાં પ્રેમ કરવાની તક ન મળેલી કારણ કે આ પટેલભાઈ (હા ભાઈ) તો નાનપણથી જ પરણેલા છે. જો કે કોલેજની એ બધીઓ પણ આજે તો દાદીઓ જ બની ગઈ હશે.

દાદા નંબર ૮.

બિચારા દાદા! માથાના રહ્યા સહ્યા વાળથી માંડીને પગના અંગુઠા સૂધીના બધા રોગના સ્વાનુભવી છે. કોઈ પણ દાદા એમની કે બીજાના કોઈપણ રોગની વાત કરે એટલે તરત પોતાના દુઃખડા ગાવા બેસી જાય છે. ખાવાપીવાના શોખને તિલાંજલી આપીને એલોપથી ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદની બધી જ પરેજી પાળે છે. દરેક રોગની માહિતી ગુગલમાંથી મેળવીને ડોકટરને પણ સલાહ આપે છે. દરેક રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેક્રેટરી અને નર્સના નામ મોઢે છે. એમને બધું જ મફત મળે છે પણ ઘરમાંથી કોઈ એની એની સાથે બેસીને સહાનુભૂતિથી વાત નથી કરતું. ઈન્ડિયામાં જીવ ભરાયલો રહે છે.

દાદા નંબર ૯.

દાદા નંબર ૮ કરતાં જૂદી ખોપરીના છે. પુત્રવધૂ કડક સાર્જન્ટ જેવી છે. એમને અનકન્ટ્રોલેબલ ડાયાબિટિઝ છે. એ૧સી ૧૦-૧૧ જેટલું રહે છે. આંખ અને કિડની ખરાબ થતી જાય છે. ઘરમાં જરા પણ ગળપણ ખાવા દેતી નથી. મીઠું પણ તદ્દન ઓછું. સારું છે કે સિનિયોર સેન્ટરમાં કાલાવાલા કરીને કે ગુંડાગીરી કરીને ડિઝર્ટના ડબલ ડોઝ માણી લે છે. ત્યાંથી મિઠાઈનુ પડિકું પણ ગજવામાં સરકાવતાં આવે છે. નંબર ૮ ને કહે છે ‘તમે ભૂખા મરશો. હું ખાઈને મરીશ.’

દાદા નંબર ૧૦.

ડોસા મંડળમાં આવે છે. લો પ્રોફાઈલના દાદા છે. સૌ ડોસાઓને (સોરી દાદાઓને) હાઈ કહે છે. ગ્રાન્ડસને ફોન પર ગેઇમ કેમ રમવી તે શીખવ્યું છે ત્યારથી બેસીને ફોન પર આંગળા અંગુઠા રમાડ્યા કરે છે. નિરર્થક વાતોમાં રસ નથી. પણ આવે છે. બેસે છે. અને સૌને બાય કહીને જળકમળવત પાર્કમાંથી નીસરી સીધા ઘેર જાય છે.

દાદા નંબર ૧૧.

આ દાદા ઈન્ડિયામાં કાયમ પાયજામા-અને લટકતા બૂશકૉટમાં ફરતા. હવે અહીં પુરા બ્રિટિશ-અમેરિકન થઈ ગયા છે. ઘરની બહાર સ્યૂટ ટાઈ અને ફેલ્ટ હેટ વગર પગ નથી મૂકતા. ખરા ખોટા અંગ્રેજીમાં બેધડક ઠોક્યે રાખે છે. બધા ડોસાઓને (સોરી દાદાઓને) દેશીવેડા છોડીને અમેરિકન થવા હથોડા મારે છે. પણ ક્રિકેટ અને ક્રિકેટરો સિવાય બીજી કોઈ રમતમાં રસ નથી. સ્પોર્ટ્સ્ની બાબતમાં અમેરિકન નથી. અમેરિકન બેઝબોલમાં રસ નથી. સમજ જ નથી પડતી. એમને સિનિયોર્સની ક્રિકેટ ટીમ ઉભી કરવી છે. પણ બધાને માત્ર બેટિંગ જ કરવું છે. બોલિંગ-ફિલ્ડિંગમાં પડવું નથી એટલે ક્રિકેટ ટીમ ઉભી કરી શકતા નથી.

દાદા નંબર ૧૨,

કવિ છે. લેખક છે. બ્રીફ કેસ લઈને આવે છે. ખાસ બોલતા નથી. કોઈવાર બુક કે કોઈવાર ટેબ્લેટ પર કંઇક વાંચતા હોય છે. અંગ્રેજી કવિતાઓનો ભાવાનુવાદ કરવાની માથાફોડ કર્યા કરે છે. કવિતાઓ લખે છે. કોઈકવાર પાસે બેઠેલાને સંભળાવે છે. અભિપ્રાય માંગે છે અને છેકા છેકી કરી લખેલું મઠારતા રહે છે. નિસાસો નાંખતા હોય છે કે કોઈ સામયિક એની કવિતાઓ સ્વિકારતું નથી.

દાદા નંબર ૧૩.

એને શાસ્ત્રીનો તેર નંબરનો અપશુકનિયાળ વાયરસ લાગ્યો છે. એ કોઈની કોઈ પણ વાત ગંભીરતાથી લેતા જ નથી. બધાને ઉશ્કેરવા કંઈક ને કંઈક સળી કરતા રહે છે. ભાજપીની સામે મનમોહનના વખાણ કરે છે. કોન્ગ્રેસીને ભાજપી સાથે લડાવે છે. ધાર્મિકની સાથે રેશનાલિસ્ટ બની જાય છે. રેશનાલિસ્ટ સામે ધાર્મિક બની મહાપ્રસાદ આરોગે છે. નારદવેડામાં માસ્ટરી છે. કોઈની લાગણી દુભાય તો સોરી કહેવામાં શરમાતા નથી.

દાદા નંબર ૧૪.

બીજાના બધાના નામ ન દેવાય (કોર્ટ કેસ થાય) ૧૪ નંબરના દેસાઈ દાદાનું નામ પ્રેમથી અને વટથી લખાય… નંબર ૧૩ એમને આનંદી કાગડો કહે છે. ક્યારે યે કોઈ વાતની ફરિયાદ નહીં. દેસાઈ દાદા ઈન્ડિયામાં રેલ્વે ગાર્ડ હતા. આનંદી સ્વભાવ. સાંઠ વર્ષે પત્ની પરલોક સિધાવ્યા. પોતે દીકરાને ત્યાં પરદેશ આવ્યા. પહેરવા ઓઢવાનો શોખીન જીવડો. ડિઝાઈનર જિન્સ અને ઉપર પોલો ટી-શર્ટ. કાળા ભમ્મર ડાઈ કરાવેલા વાળ અને રૅ-બન સન ગ્લાસીસથી શોભતા દેસાઈ સાહેબને દાદા કહેવાને બદલે દેસાઈ કાકા જ કહેવા પડે. પચાસના જ લાગે. દીકરો-વહૂ ડોક્ટર. દીકરા-વહુ પણ પ્રેમાળ. પોતે ખૂબ જ ફ્લેક્સિબલ. દીકરા-વહુના કોઈ પણ સૂચનમાં એકજ જવાબ. બેટા, નો પ્રોબ્લેમ. પાંસઠ વર્ષે સિટિઝન થયા. ડ્રાઈવિંગ શીખી લીધું. ડાક્ટર દીકરાનો મોટો બંગલો. પોતાનો બાથરૂમ વાળો બેડરૂમ. ઉપરથી એસ.એસ.આઈની મફતની આવક લટકામાં. ફોકટિયા ચંદન ઘસ બે લાલિયા. સવારે ડે-કેરનો આનંદ. સાંજે દિકરાની કાર લઈને લાઈબ્રેરીમાં જાય કે સિનિયોરની બેન્ચ પરિષદમાં જાય. રાત્રે કોમ્પ્યુટર પર ઈન્ડિયાના દોસ્તારો સાથે સોસિયલાઈઝેશન. બે-ત્રણ ડોસા મંડળના આજીવન સભ્ય. ઈન્ડિયાથી આવતા બાવાઓ હોય કે બોલિવૂડની બ્યુટિફુલ બાવીઓ હોય દરેક એમની પાસે કમાય. નાટકો જૂએ, બ્રોડવે પ્લે પણ માણે. દેશ-વિદેશના પ્રવાસમાં ભટકે. દર વર્ષે ત્રણ અઠવાડિયા ભારત ફરી આવે. દીકરા સાથે જાય અને વહુ સાથે પાછા આવે. કોઈ પૂછે દાદા અમેરિકામાં કેવુંક છે. દાદા હસતે મોંએ જવાબ વાળે “અરે! આવો આવો…અમેરિકામાં તો જલસા છે જલસા”.* વડીલો તમ તમારે અહીં આવવાની તક મળતી હોય તો સમજી વિચારીને કે વગર સમજ્યે સોનાના તબેલામાં આવી જાવ…શરત માત્ર એટલી જ કે વહુ જમાઈ પાસે વધુ અપેક્ષાઓ રાખવી નહીં. સમજ્યાને?

        આ ચૌદ છાપ જોઈને અકળાશો નહિ. આ તો પાર્કમાં ભેગા થતાં દાદાઓની વાત છે. આગળ વાત કરી તેમાનાં  કેટલાક સંતોષી, તો કેટલાંક અસંતોષી, કેટલાંક ખરેખર સુખી અને ખરેખર દુઃખી. કેટલાક સુખી હોવા છતાં સ્વભાવે રડતાંરામ દુઃખી. કેટલાક હઠીલા અને જક્કી તો કેટલાક ફુલ્લી ફ્લેક્ષીબલ.

         કેટલાક મુરબ્બીઓ પાર્કમાં જતા નથી કે જઈ શકતા નથી. તેઓ ઘરે જ બેસીને કોમપ્યુટર અને સ્માર્ટફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરીને બાહ્ય જગતનો આનંદ માણે છે. કંઈક સર્જનાત્મક કાર્ય કરે છે.  અને સંતોષથી હિંચકે ઝૂલે છે.

WP_20151219_006.jpg

સૌ વડીલ દાદાઓને સાદર વંદન.

પ્રવીણ શાસ્ત્રી

બ્લોગ 

પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

6 responses to “( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી

  1. pragnaju ફેબ્રુવારી 12, 2016 પર 11:09 એ એમ (AM)

    મારા દાદા ઝભ્ભો પહેરતા
    સીધા સાદો
    છડી પકડીને ફરવા જતા
    ફુલ તોડીને રોજ લાવતા
    જમી-પરવાની સૂઈ જતા

    Like

  2. Jagdish Parikh ફેબ્રુવારી 13, 2016 પર 2:01 એ એમ (AM)

    Shame there are no dadis. We, here in pune had 33 grand papas and papis with everyone specialising in a subject giving us variety of subjects and feast every couple of weeks.
    Alas, like Satyajit Ray movie, one by one started departing for heaven leaving few of us orphans
    Jagdish Parikh

    Like

  3. nabhakashdeep ફેબ્રુવારી 13, 2016 પર 4:13 પી એમ(PM)

    આદરણીયશ્રી પ્રવિણભાઈ

    નામ એવા જ ગુણ…ખૂબ જ સરસ.. ધરાના આ સત્યને નાણી , ગજબ રીતે વ્યંગ કરી..અંદર ઢંઢોળી નાખ્યા આપે. આ દેશમાં …વસતા સઘળા દાદાઓ અંતર વ્યથાને માપી..આ[પના પુરાણનું પાત્ર બની જ જાય. જીંદગીની સત્યતા છે..ઊડીને જવું એટલે કોઈ ખૂણે જઈને પટકાવું.માણ્યું તેનું રટણ કરવું એય છે એક લ્હાવો…જીવે જાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. Vimala Gohil ફેબ્રુવારી 13, 2016 પર 5:24 પી એમ(PM)

    હાસ્ય-કટાક્ષ સાથેની “દાદા પરાયણ” આપના મુખે બોલાતી હોય ને સાંભળતા હોઈએ તેવું લાગ્યુ.વળી
    વ્યથાની કથાઓ પણ લાગી. થયું ચાલો, “દાદા”ઓની વ્યથાને કોઇકેવાચા તો આપી..

    “કેટલાક મુરબ્બીઓ પાર્કમાં જતા નથી કે જઈ શકતા નથી. તેઓ ઘરે જ બેસીને કોમપ્યુટર અને સ્માર્ટફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરીને બાહ્ય જગતનો આનંદ માણે છે. કંઈક સર્જનાત્મક કાર્ય કરે છે. અને સંતોષથી હિંચકે ઝૂલે છે.” અમને તો આપે જેનો નંબર નથી આપ્યો એવા આ મુરબ્બી ( દાદા??)ગમ્યા એમને અમારા વંદન.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.