વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 890 ) સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતાને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધાંજલિ …. પી.કે.દાવડા

મિત્રો,

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ જેમની એક દાદથી સાહિત્ય અને સંગીતના સર્જકો તૃપ્ત થઈ જતા, એવા Bay Area ના સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાંબહેનને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપતો એક લેખ મોકલ્યો છે.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં છે .

આ લેખને વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ

સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતા

શ્રધાંજલિ 

શ્રી મહેન્દ્ર મહેતા અને મીરાંબેન મહેતા(ખુરશીમાં બેઠેલાં ) ની કાજલ ઓઝા વૈદ્ય સાથેની એક તસ્વીર -તારીખ ૧૧-૩-૨૦૧૩ (ફોટો સૌજન્ય - ફેસ બુક પેજ )

શ્રી મહેન્દ્ર મહેતા અને મીરાંબેન મહેતા(ખુરશીમાં બેઠેલાં ) ની કાજલ ઓઝા વૈદ્ય સાથેની એક તસ્વીર -તારીખ ૧૧-૩-૨૦૧૩ (ફોટો સૌજન્ય – ફેસ બુક પેજ )

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતીઓએ બે વર્ષ પહેલાં સાહિત્ય અને સંગીતની એક અભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાય આપી. નામ હતું મીરાં મહેતા.

મીરાંબહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર, ૧૯૪૧ ના રોજ થયેલો. પિતા બાલકૃષ્ણ ત્રિવેદી ન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અને માતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથે. પિતા આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.

મીરાંબહેને ભારતમાં Sociology માં M.A. કર્યા બાદ Law Collegeમાંથી LLBની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થી વધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરી અને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્ય બનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢા ગુનેગારો સાથે કામ કરી, એમને સમાજની મુખ્ય ધારામાં પાછા કેમ વાળવા દિશામાં કામ કર્યું હતું.

૧૯૭૦માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅર મહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયાં હતાં. મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યાં. ૧૯૭૧માં એમની પુત્રી કલાનો જન્મ થયો ત્યારે એમને કદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણે જીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે.

મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્ય અને સંગીતના ચાહક નીકળ્યા,એટલે મીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયાં . આમ તો મીરાંબહેનનો સાહિત્ય પ્રેમ કોલેજ કાળથી વિકસિત હતો.ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં તેઓ અચૂક હાજર રહેતાં.માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એક નવલકથાકલાપ્રણયલખી અને આ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાં ત્રીજું ઈનામ મળેલું.

કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંના ન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરી મળી.પુત્રીનો ઉછેર અને નોકરીની બેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા, મીરાંબહેનના માતાપિતા અમેરિકા આવ્યા,અને ત્યારબાદ અમેરિકામાં સ્થાયી થયા.

દસેક વર્ષ ન્યાય ખાતામાં કામ કરી મીરાંબહેનને કંઈક વધારે કરવાની ઈચ્છા થઈ. એમણે ૧૯૮૪માં California Bar ની અઘરી ગણાતી પરીક્ષા માટે અભ્યાસ કરી, એમાં સફળતા મેળવી. ત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટ સમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. એમણે કુટુંબને લગતી કાનુની બાબતો, જેવી કે વીલ, ટ્રસ્ટ, પ્રોપર્ટીના વિવાદો, છૂટાછેડા અને બાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાન કેંદ્રિત કર્યું. સમયે વિસ્તારમાં માત્ર બે કે ત્રણ સ્ત્રીઓ વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી. મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપ થવાનું હતું એટલે એમણે ઘણી બહેનોને પોતાના ખર્ચે એમના હક્ક અપાવેલા.

સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓ ઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Area નું સંસ્કૃતિ ધામ બની રહ્યું. બહાર ગામથી કે ભારતથી કોઈ કલાકાર આવે તો એમના ઘરે રોકાતા,એમને રહેવાની ખાવાપીવાની સગવડ ઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવા, એમને શહેર અને આસપાસનાં જોવા લાયક સ્થળોએ લઈ જવામાં મહેતા દંપતીને આનંદનો અનુભવ થતો.

૧૯૮૯માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદ સાન ડિયેગો રહેવું પડેલુંત્યાં પણ મીરાંબહેનની નાની મોટી મહેફીલો સજતી, અને સાહિત્ય, સંગીત અને નૃત્ય કલા પાંગરતી. ૨૦૦૬માં Bay Area માં પાછા ફર્યા,અને ત્યારબાદ જીવનના અંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયા વગર કલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યાં. એમનું ઘર Bay Area માં આવનારા કલાકારોનું સરનામું બની ગયું. કોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તો મીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા.કેટલીયે વાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓને પોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી, કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગની આડ વગર.

મહેતા દંપતીએ આગેવાની લઈ, ૨૦૦ થી વધારે જાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજી, વક્તાઓ, કવિઓ, નૃત્યકારો અને સંગીતકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી. આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલીઅકબર ખાં, પંડિત રવિશંકર, પંડિત નિખીલ બેનર્જી, ઉસ્તાદ ઝાકીર હુસેન,પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિત હરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણ સામીલ હતી. ગુજરાતી ગાયકો અને સંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી અને વિભા દેસાઈ, અમર ભટ્ટ અને અન્ય ઘણા કલાકારો સામીલ હતા. સાહિત્યકારોમાં ઉમાશંકર જોષી, મનુભાઈ પંચોલી, નિરંજન ભગત અને સુરેશ દલાલ અને બીજા અનેક લેખકો શામીલ હતા.

 

મી એપ્રીલ, ૨૦૧૪ ના રોજ મીરાંબેનના સ્વર્ગવાસના સમાચારથી Bay Areaના કલા રસિકોમાં સોપો પડી ગયો. એમનું આતિથ્ય માણી ચૂકેલા કે એમની મદદથી કલા જગતમાં પા પા પગલી માંડેલા નહિં, પણ સમગ્ર ભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા. એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ  એમને ભારે હૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.

ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્ની એન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “મારા કાર્યક્રમમાં મીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો, હવે એની ખોટ સાલસે. હું, મારી પત્ની અને અમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથ હમદર્દી દર્શાવે છે.”

કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએ એમની સાથે આપણે શું હતા કહી શકે છે, પણ આપણે એકલા શું હશું, જાણવામાં મદદરૂપ થઈ શકે નહિં. જે આજે હૈયાત નથી, એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અને આપણા વર્તનમાં વણાઈ જાય છે.”

શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યુંકલાની દુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિં ભૂલાય. એમનો કલાકારો, સંગીત અને સાહિત્ય પ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”

શ્રીમતી વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દો ટાંકતાં લખ્યું છે,

અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,

 ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે.”

(૨૪) શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,

    ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,

      દિલમેં જગહ કર લેતે હૈ,

      ઈસ જહાંસે કૂચ કરકે ભી,

      દિલમેં બસર કરતે હૈ .”

હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલી મીરાં બહેનને અર્પણ થઈ હતી.

મેં ૨૦૧૩ માં એમની સાથે માત્ર પાંચેક મીનીટ વાતચીત કરી હતી, પણ એ પાંચ મીનીટમાં એમની નમ્રતા અને નિખાલસતા મને જચી ગઈ હતી.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં . Bay Area એની રોજીંદી પ્રવૃતિઓથી ધમધમી રહ્યું છે,પણ મીરાં સંસ્કૃતિની ઉણપ તો જરૂર વર્તાય છે.

પી. કે. દાવડા

મળવા જેવા માણસ – મહેન્દ્ર મહેતા…. પી.કે.દાવડા

https://sureshbjani.wordpress.com/2014/07/26/mahendra_mehta/

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.