વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1038 ) કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું પ્રખ્યાત કાવ્ય …એકલો જાને રે! (ભાવાનુવાદ -મહાદેવભાઇ દેસાઇ)

  Tagor -Quote

“એકલો જાને રે!” કાવ્ય કૃતિ નોબેલ પ્રાઈઝ વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર ની સૌને પ્રોત્સાહિત કરતી એક પ્રેરક અને અમર કાવ્ય કૃતિ છે.

પૂજ્ય ગાંધી બાપુના રહસ્ય મંત્રી સ્વ.મહાદેવભાઇ દેસાઇએ કવિવરની મૂળ સુંદર બંગાળી કાવ્ય કૃતિનો એટલો જ સુંદર ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે એ નીચે પ્રસ્તુત છે.

એકલો જાને રે!

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

– રવિન્દ્રનાથ ટાગોર …ભાવાનુવાદ -સ્વ.મહાદેવભાઇ દેસાઇ

(મૂળ બંગાળી ગીતનો પાઠ, ગીતની સમજુતી, હિન્દી અનુવાદ અને અંગ્રેજી અનુવાદ વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.)

આ ગીતમાં કવિ ટાગોર માનવીઓને સંબોધીને એક સંદેશ આપતાં કહે છે કે જો તારી જીવનની મુસાફરીમાં તારે કોઈનો સંગાથ પ્રાપ્ત નથી,કોઈનો સહકાર મળતો નથી, લોકો તારાથી મુખ ફેરવી લે છે તો શું થયું. કોઈ પણ વિપરીત સંજોગોથી તું ગભરાઈશ નહિ.કોઈ પણ સારાં કાર્ય માટે તારી સાથે કોઈ આવવા તૈયાર ના હોય કે ના આવતા હોય તો તું એકલો નીકળી પડ અને તારા નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કર.

ટાગોરે આ ગીતની રચના ૧૯૦૫માં કરી હતી જ્યારે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડતની શરૂઆત દેશમાં થઇ ચુકી હતી.ગાંધીજી એ વખતે આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી રહ્યા હતા.આવી રાજકીય પાર્શ્વ ભૂમિકામાં લોકોને દેશની આઝાદી માટે માટે એકલા નીકળી પડવાની હાકલ કરતું અને પ્રેરિત કરતું ટાગોરનું આ ગીત છે.પુ.વિનોબા ભાવેએ જ્યારે એમની ભૂદાન ચળવળ શરુ કરી એ વખતે તેઓએ ટાગોરનું આ ગીત ગાયું હતું.

કવિવરના આ ગીતમાં કેટલો પ્રેરક સંદેશ અને અદભૂત ભાવ છે ! શબ્દ પ્રયોજન પણ હૃદયને સીધું સ્પર્શી જાય એટલું સુંદર છે.એક સુંદર કાવ્યની બધી ખૂબીઓ આ પ્રેરક ગીતમાં છે.

કવિવર ટાગોરનું આ ગેય કાવ્ય જ્યારે કોઈ જાણીતા ગાયકના કંઠે ગવાય ત્યારે કેવું દીપી ઉઠે છે એ નીચેના વિડીયોમાં જ્યારે તમે સાંભળશો ત્યારે તમને કોઈ નવી જ અનુભૂતિ થશે.

ગુજરાતીમાં આ આખું ગીત તેજસ મોદીના સૌજન્યથી સાંભળો.
Ekla Chalo Re …Full Gujarati song Tejas Modi

ટાગોરનું મૂળ બંગાળી ભાષાનું આ ગીત જાણીતી બંગાળી ગાયિકા શ્રેયા ઘોષાલના સુરીલા કંઠે માણો.

Shreya Ghosal Ekla Chalo Re

હિન્દી ફિલ્મ કહાની ( ૨૦૧૨ ) માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના કંઠે અંગ્રેજી, બંગાળી અને હિન્દી મિશ્ર રીતે ગવાતું આ ગીત માણો.

Tribute to Tagore – Amitabh Bachchan – Ekla Chalo Re
(Movie Kahaani-2012)

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનના રચયિતા રવીન્‍દ્રનાથ ટાગોર

ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ ગીત એ નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી લીધેલી પ્રથમ પાંચ કડીઓ છે.આ રાષ્ટ્રગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું અને 2 જાન્‍યુઆરી,1947 ના દિવસે ભારતના ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.ભારતના પડોશી દેશ બંગલા દેશનું રાષ્ટ્રગીત સોનાર બંગલા પણ ટાગોરની જ ગીત રચના છે.

રાષ્ટ્રગીત
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
જય હે, જય હે , જય હે ,
જય જય જય જય હે

આ રાષ્ટ્રગીતને કવિવર ટાગોરના જ કંઠે નીચેના વિડીયોમાં સાંભળો.

ORIGINAL VOICE OF RABINDRANATH TAGORE

Jan Gan Mann Adhinaayak Jay Hai

1 responses to “( 1038 ) કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું પ્રખ્યાત કાવ્ય …એકલો જાને રે! (ભાવાનુવાદ -મહાદેવભાઇ દેસાઇ)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.