વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1238 – સુખઃ હક પણ, ફરજ પણ! …….. શ્રી દીપક સોલિયા

સુખઃ હક પણ, ફરજ પણ! ……દીપક સોલિયા

જેટલા ટિખળી અને ચટાકેદાર એટલા જ ગંભીર અને અભ્યાસુ એવા લેખક ખુશવંત સિંઘે ૯૫ની ઉંમરે એક પુસ્તક લખેલું, ‘એબ્સોલ્યુટ ખુશવંત’. એમાં એક જગ્યાએ એમણે સુખી થવા વિશે કેટલીક સીધીસાદી સલાહો આપેલી.

સાડા નવ દાયકાના જીવનના નિચોડ જેવી એમની આ ‘વડીલસહજ’ સલાહો ખૂબ વખણાઈ છે. તમે કદાચ એ વાંચી હોય તો પણ ફરી એક વાર એ વાંચી જવા જેવી છે, કારણ કે આજે છે દિવાળી અને કાલથી શરૂ થાય છે નવું વર્ષ. આવા મસ્ત મજાના માહોલમાં ખુશીની ચાવી ચીંધતી આ ખુશવંતી સલાહો વિશે શાંતિથી બેસીને થોડું વિચારશો અને એનો યથાશક્તિ અમલ કરશો તો ફાયદામાં રહેશો.

૧) સૌથી પહેલી તબિયત.

તમારી તબિયત સારી નહીં હોય તો તમે સુખી નહીં જ થઈ શકો. બીમારી ગમે તેટલી નાનકડી હશે તો પણ એ તમારા સુખમાંથી થોડી બાદબાકી કરશે જ.

૨) બીજી વાત છે, હેલ્ધી બેન્ક બેલેન્સ.

જરૂરી નથી કે તમારી પાસે કરોડો રૂપિયા હોવા જોઈએ, પરંતુ કમસે કમ એટલા રૂપિયા તો હોવા જોઈએ જેથી તમારી મૂળભૂત સગવડો સચવાઈ જાય. આ ઉપરાંત, બહાર જમવા જવું, ફ્લ્મિો જોવા જવું, પર્વતોમાં કે દરિયાકાંઠે ફરવા જવું… આવા મનોરંજનો માટેના પૈસા હોવા પણ જરૂરી છે. નાણાંભીડ બૂરી ચીજ છે. એ માણસને ભાંગી નાખે છે. ઉધારી પર જીવવું એ અપમાનજનક છે. ઉછીના પૈસે જીવવાથી લોકોની તો ઠીક, આપણી ખુદની નજરમાંથી પણ આપણે ઉતરી જઈએ છીએ.

૩) ત્રીજી વાત, તમારું પોતાનું ઘર

ભાડાના ઘરમાં તમને આરામ અને સુરક્ષાનો એ અનુભવ નહીં થાય જે પોતાની માલિકીના ઘરમાં થશે. ઘરમાં એક બગીચો પણ હોય તો ઉત્તમ. જાતે જ ઝાડ ઉગાડો, ફૂલવાળા છોડ ઉગાડો અને એમને ઉગતાં નિહાળો. એ ઝાડ-પાન સાથે એક પ્રકારની દોસ્તી કેળવો.

૪) ચોથી વાત છે, સમજુ સાથી.

એ જીવનસાથી પણ હોઈ શકે કે મિત્ર પણ હોઈ શકે. જો તમારા સંબંધમાં બહુ બધા વાંધા વચકા હશે તો એ તમારી માનસિક શાંતિ હણી લેશે. સતત ઝઘડવા કરતાં તો છૂટાછેડા લઈ લેવા સારા.

૫) પાંચમી વાત,તમારાથી આગળ નીકળી ગયેલા લોકોથી જલવાનું બંધ કરો.

તમારાથી વધુ સફ્ળતા, વધુ પૈસો, વધુ ખ્યાતિ મેળવનારાઓ સાથે તમારી જાતને સરખાવો નહીં. ઇર્ષ્યા માણસને કોરી ખાનારી ચીજ છે.

૬) છઠ્ઠી વાત એ કે કુથલીખોરોને છેટા રાખો.

આવા લોકો તમારા મગજમાં ઝેર ભરે છે. તમે એનાથી પીંડ છોડાવો ત્યાં સુધીમાં એ લુચ્ચી-ટુચ્ચી વાતો સંભળાવી-સંભળાવીને તમને થકવી નાખે છે.

૭) સાતમી વાત એ કે એકાદ-બે શોખ કેળવો.

એવા શોખ, જે તમને આંતરિક સમૃદ્ધિનો અહેસાસ કરાવે, જેમ કે, બાગકામ, વાંચવું, લખવું, ચિત્રો દોરવા, રમવું કે સંગીત સાંભળવું. બાકી, ક્લબો કે પાર્ટીઓમાં જવું, મફ્તનું ખાવું-પીવું, મોટા મોટા માણસોને મળવું… આ બધામાં સમય બગાડવો એ તો અપરાધ છે, અપરાધ. (એને બદલે) એવી કશીક પ્રવૃત્તિ પર ધ્યાન આપો જેમાં ગાળેલો સમય લેખે લાગે, સાર્થક બની રહે. મારા કેટલાંક પરિવારજનો અને મિત્રો એમનો આખો દિવસ રખડતાં કૂતરાંઓની કાળજી લેવામાં ગાળે છે. એમને ખાવાનું આપે છે, દવાઓ આપે છે. બીજા કેટલાંક મોબાઈલ ક્લિનિક ચલાવે છે. એમાં તેઓ માંદા માણસો તેમ જ પશુઓને મફ્તમાં સારવાર આપે છે.

૮) આઠમી વાત એ કે રોજ સવારે અને સાંજે ૧૫ મિનિટ આત્મનિરીક્ષણ માટે ફળવો.

સવારના આત્મનિરીક્ષણ વખતે દસ મિનિટ મગજ એકદમ સ્થિર રાખવું અને બાકીની પાંચ મિનિટોમાં દિવસ દરમિયાન કરવાના કામો વિશે વિચારવું. સાંજે (આનાથી ઊલટું) પાંચ મિનિટ મગજ સ્થિર કરવા પર ધ્યાન આપવું અને પછી દિવસમાં કરવા ધારેલા કામો વિશે દસ મિનિટ વિચારવું.

૯) નવમી વાત, ભડકો નહીં (ડોન્ટ લૂઝ યોર ટેમ્પર).

વાતે વાતે મગજ ફટકવું, મનમાં ડંખ રાખવો… આ બધાથી બચવાની કોશિશ કરો. કોઈ મિત્ર તમારી સાથે તોછડાઈથી વર્તે તો પણ એ આખી વાતને અવગણીને આગળ વધી જાવ.

૧૦) સૌથી મહત્ત્વની વાત એ કે

જ્યારે જવાનો સમય આવી પહોંચે ત્યારે તમને કોઈ અફ્સોસ ન હોવો જોઈએ કે કોઈની સામે કશી ફરિયાદ ન હોવી જોઈએ. ઇકબાલે એક શેરમાં કહેલું કે સાચો ભક્ત એ છે જેના ચહેરા પર મરતી વખતે સ્મિત હોય.

આ લખ્યાના ત્રણેક વર્ષ પછી, ૯૮ પૂરા થવા આવ્યા ત્યારે ખુશવંત સિંઘે ‘ડેક્કન હેરાલ્ડ’ અખબારમાંની એમની કોલમમાં ફરી સુખની દસ ચાવીઓ આપી, જેનો સાર આ પ્રમાણે છેઃ

▪રોજ મસાજ કરાવો. ઝાઝા તેલની જરૂર નથી. બસ, મજબૂત હાથ તમારા આખા શરીર પર ફરી વળે…
▪ખાવા-પીવાનું ઘટાડો…
▪ખાવા બાબતે ચુસ્ત રૂટિનનું પાલન કરો…
▪અન્ય ફ્ળો કરતાં જામફળનો રસ શ્રેષ્ઠ છે…
▪રાતે જમતા પહેલાં તમારી જાતને કહોઃ ઓછું ખાજે, ઓછું ખાજે…
▪થોડું ચૂર્ણ લેવાનું રાખો…
▪એકલા જમો, શાંતિથી જમો…

ઇડલી-ડોસા આરોગ્ય માટે સારાં છે અને પચવામાં હલકાં છે…
કબજિયાતથી કોઈપણ ભોગે બચો. રેચક દવા, એનિમા, ગ્લિસરીન વગેરે કોઈપણ ઉપાય અજમાવીને પણ કબજિયાતથી બચો…
▪મનની શાંતિ માટે હેલ્ધી બેન્ક બેલેન્સ જાળવો…
▪વાતે વાતે ખીજાઈ ન જાવ…
▪જૂઠું ન બોલો…
▪આત્માને એકદમ સ્વચ્છ રાખો અને ઉદારતાથી આપી છૂટો. તમારી પાસે જે છે તે સંતાનોને, નોકરોને કે દાનરૂપે આપો, પણ બસ, આપો…
▪પ્રાર્થનામાં ડૂબેલા રહેવા કરતાં બાગકામ કરો, બાળકોને મદદરૂપ બનો.

તો, બીજી વારની આ સલાહોમાં, વધુ વૃદ્ધ થયેલા ખુશવંત સિંઘે આરોગ્ય અને આહાર પર વધુ ભાર મૂક્યો. બરાબર છે. ઉંમર સાથે માણસની અગ્રિમતાઓ બદલાય.

ખેર, ખુશવંત સિંહની આ ઠરેલ અને દુન્યવી સલાહો વિશે વિચારજો. આ ઉપરાંત, મારું પણ એક સૂચન એ છે કે જીવનમાં સુખી થવું હોય તો જાત સાથે ઝઘડા ન કરવા. આ લેખ શ્રેણીમાં આપણી વાત એ ચાલી રહી હતી કે પ્રેમમાં લોચા શા માટે પડે છે? સંબંધોમાંથી જોઈએ તેટલું સુખ શા માટે નથી મળતું? આ મામલે છેલ્લે એ વાત કરેલી કે જે માણસ પોતાને નથી ખમી શકતો એ અન્યને ક્યારેય નહીં ખમી શકે. જે માણસ પોતાની જાતને સાચી રીતે ચાહી નથી શકતો એ અન્યને ક્યારેય ચાહી ન શકે. આ નિયમ ન્યુટનના નિયમો જેવો જ એક અફર નિયમ છે. ટૂંકમાં, સુખની એક મહત્ત્વની શરત આ છેઃ જાતનો સ્વીકાર, જાત સાથે દોસ્તી.

એક વાત ખાસ સમજી લો કે સુખી થવું એ આપણો હક તો ઠીક, ફરજ પણ છે. આપણે પોતાની જાતને જ સુખી ન રાખી શકીએ તો બીજાને શું ધૂળ સુખી કરવાના? જે માણસ પોતે અંદરથી સુખ-સંતોષનો અનુભવ નહીં કરે એને જીવનમાં ક્યારેય સાચો પ્રેમ, સાચી દોસ્તી નહીં મળે. લખી રાખો.

-દીપક સોલિયા 

શ્રી દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતની એક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા છે. અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકવાની આ લેખકની ક્ષમતા કાબિલેદાદ છે.

1 responses to “1238 – સુખઃ હક પણ, ફરજ પણ! …….. શ્રી દીપક સોલિયા

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.