વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1258 – આપણી પ્રાર્થનાનો ઓરડો! … લેખિકા શ્રીમતી નીલમ દોશી

આ જની પોસ્ટમાં જાણીતાં લેખિકા શ્રીમતી નીલમબેન દોશીનો મને ગમેલો  લેખ ” આપણી પ્રાર્થનાનો ઓરડો!” વિ.વિ.ના વાચકો માટે પ્રસ્તુત છે.

આ લેખને વિનોદ વિહારમાં પોસ્ટ કરવાની સંમતી આપવા માટે નીલમબેનનો હું આભારી છું.

નીલમબેનના બ્લોગ પરમ સમીપે માં એમના પરિચયમાં તેઓએ લખ્યું જ છે કે …

”અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….”

પ્રાર્થના વિશેના પ્રસ્તુત લેખમાં લેખિકાના આધ્યાત્મિક વિચારો વાચકોને જરૂર ગમશે.

વિનોદ પટેલ

   શ્રીમતી નીલમ દોશી

એમનો ટૂંક પરિચય અહીં વાંચો.

આપણી પ્રાર્થનાનો ઓરડો! ……શ્રીમતી નીલમ દોશી

(લેખિકાના પુસ્તક ”જીવનઝરૂખે” માંથી..)

પ્રેમલ જ્યોતિ,તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ…

પ્રાર્થના એ ફકત ભારતીય સંસ્ક્રતિનું જ નહીં..કોઇ પણ સંસ્કૃતિનું આગવું અને અગત્યનું અંગ રહ્યું છે.દરેક ધર્મમાં એનું મહત્વ સ્વીકારાયું છે. શિશુ બોલતા શીખે ત્યારથી તેને એક કે બીજી રીતે પ્રાર્થના, કોઇ શ્લોક શીખવાડવામાં આવે છે જે જીવનપર્યંત..અંતિમ ક્ષણ સુધી ચાલતી રહે છે. જીવનની વિદાયવેળાએ… આખરી ઘડીએ પણ એના કાનમાં એવા કોઇ ધાર્મિક શબ્દો પડે એનું મહત્વ સ્વીકારાયું છે.

સ્કૂલમાં સવારે ગવાતી સમૂહ પ્રાર્થના મોટા થયા પછી પણ આપણી ભીતરમાં જળવાઇ રહેતી હોય છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થનાના કેટલા આગ્રહી અને ચુસ્ત સમયપાલનના હિમાયતી હતા એનાથી આપણે કોઇ અજાણ્યા નથી જ.

પ્રાર્થના એક શબ્દની હોઇ શકે કે લાંબી પણ હોઇ શકે. અથવા શબ્દો વિના મૌન પણ હોઇ શકે. ગમે તેવો નાસ્તિક માનવી પણ જીવનમાં એકાદ ક્ષણે તો કોઇ અદ્રશ્યના અસ્તિત્વથી અભિભૂત થયો જ હોય છે. સંકટ સમયે.. કોઇ પરમ પીડાની ક્ષણે “ હે મા..” હે ભગવાન કે પછી એવો કોઇ પણ શબ્દ જે અનાયાસે આપોઆપ અંદરથી નીકળી આવે તે પ્રાર્થનાનું જ સ્વરૂપ છે ને ?

પ્રાર્થનાથી સમય કે સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ જો દિલથી સાચી પ્રાર્થના થઇ શકે તો આપણું ભીતરનું પોત જરૂર બદલાઇ શકે.. અને એ બદલાયેલું પોત..બદલાયેલું મન સમય અને સંજોગો બદલવા સમર્થ બને છે. આત્મવિશ્વાસ, શ્રધ્ધા જાગે છે. અને ભીતરી શક્તિનો સંચાર થતા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત આવે છે.

જીવનમાં ઘણી વખત નિરાશાની ક્ષણો આવતી હોય છે. અને આપણને લાગે છે કે ઇશ્વર આપણી કોઇ પ્રાર્થના સાંભળતો જ નથી. આપણા કોઇ પ્રશ્નો ઉકેલાતા જ નથી. અને ગુસ્સે ભરાયેલા શિશુની માફક આપણે કદીક બોલી ઉઠીએ છીએ.. “ જા, નથી રમતા..નથી કરવી પ્રાર્થના.. “ આપણી આવી બાલિશતા પર જગન્નનિયંતાને ચોક્કસ હસવું આવતું હશે.

આ વાત સાથે સંકળાયેલી ચીનની એક લોકકથા યાદ આવે છે.

એક માણસને એક વાર સપનું આવ્યું કે દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઇ જાય છે. ત્યાં દેવદૂત એને એક પછી એક ઓરડામાં ફેરવે છે. એક ઓરડામાથી પસાર થતા માણસે ત્યાં પડેલા જુદા જુદા પ્રકારના અનેક બોક્ષ પડેલા જોયા. જે બધા પેક થયેલા, અકબંધ હતા અને દરેક પર “ ભેટ “ એવા શબ્દો લખાયેલા હતા. માણસને આશ્વર્ય થયું છે..આટલા બધા સુંદર ગીફટ બોક્ષ ? તેણે દેવદૂતને પૂછયું.

આ બધું શું છે ? આટલી બધી ભેટ કોની છે ? આ કોને આપવા માટેના બોક્ષ છે ?

દેવદૂતે જવાબ આપ્યો.

“અનેક લોકો પોતાને જોઇતી વસ્તુ માટે પ્રાર્થના કરતા હોય છે. માગણી કરતા હોય છે. એમને એની પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે..એમને એ બધી વસ્તુઓ પહોંચાડવા માટે અમે એમની માગણી મુજબની ભેટ તૈયાર કરીએ છીએ..પણ હજુ એ પૂરી તૈયાર થાય અને એ પહોંચાડી શકીએ એ પહેલા જ એ લોકો પ્રાર્થના કરવાનુ છોડી દે છે અને અમારા પરથી વિશ્વાસ ઉઠાવી લે છે. એમનો ભરોસો તૂટી જાય છે. લોકો થોડી ધીરજ રાખીને રાહ જોવા તૈયાર નથી.

જયારે આટલા બધા લોકોની પ્રાર્થના સાંભળવાની હોય..એમની માગણીઓ, અપેક્ષાઓ પર હ્દ્યાન આપવાનું હોય ત્યારે વિલંબ તો થવાનો જ. પણ એ સમજયા સિવાય લોકો પ્રાર્થના ચાલુ રાખવાને બદલે છોડી દે છે. તેથી અમે એની પર ધ્યાન નથી આપી શકતા.અને તેમની અધૂરી તૈયાર થયેલી ભેટ અહીં જ રહી જાય છે. આ બધી એ પહોંચ્યા સિવાયની પડેલી ભેટોના બોક્ષ છે.. કાશ..એમણે પ્રાર્થના ચાલુ રાખી હોત તો અમે એમને આ ભેટો તૈયાર કરીને પહોંચાડી શકયા હોત. “

આ લોકકથાનો સન્દેશ સહેજે સમજાઇ શકે તેવો છે

ઘણી વખત તો આપણે પ્રાર્થના તો શું ઇશ્વર સુધ્ધાં બદલી નાખતા હોઇએ છીએ.. કોઇ આપણને કહે કે આ જગ્યાની માનતા તો બહું ફળે છે. બે ચાર અસરકારક ઉદાહરણ આપે અને આપણે તુરત ત્યાં દોડીએ.. પછી એ મસ્જિદ હોય, મન્દિર હોય કે ચર્ચ હોય.. આપણને ભગવાન સુધ્ધાં બદલી નાખતા વાર નથી લાગતી. આપણો ઇશ્વર પરનો વિશ્વાસ આસ્થા કેટલા તકલાદી બની ગયા છે.

હમણાં જ એક મિત્ર સાથે વાત થઇ ત્યારે મને કહે,

જયારથી મેં મુંબઇમાં હાજી અલીની મસ્જિદમાં જવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારા બધા કામ સરસ રીતે પૂરા થાય છે. મેં કહ્યું તું તો હિન્દુ છે.

ત્યારે મોટી ફિલોસોફીની વાત કરતાં તેણે મને સમજાવ્યું કે આટલા વરસ સુધી શંકર ભગવાનના મંદિરે ગયો. એક પણ સોમવાર પાડયા સિવાય એકટાણા કર્યા અને મહાદેવજીને દૂધ ચડાવ્યું. પણ કંઇ વળ્યું નહીં. ત્યાં કોઇએ આ હાજી અલીની દરગાહની વાત કતી. આપણે તો અખતરો કરી જોયો..અને તું માનીશ..? જાણે ચમત્કાર થયો. હજુ તો બે શુક્રવાર જ ગયો હતો ત્યાં મારી માનતા, મહેનત ફળી.. મારું માને તો તું પણ ત્યાં જવાનું ચાલુ કરી દે.પછી જો ચમત્કાર…

તો કોઇ કહે છે.. બીજા બધા ગણપતિજીને છોડો.લાલબાગના ગણશેજી તો હાજરાહજૂર છે. એની પાસે જ જાઓ…

આમ આપણે તો ભગવાનના યે અખતરા કરવાવાળા ! ભગવાનને યે ભૂલાવામાં નાખી દઇએ. એક જગ્યા કે એક ભગવાન છોડીને બીજી, ત્રીજી જગ્યાએ ભટકતા રહીએ .
દોસ્તો, તમે જ કહો દોષ કોનો ? આપણી પ્રાર્થના વણસુણી જ રહી જાય ને ?

(મારા પુસ્તક જીવનઝરૂખેમાંથી…)

નીલમ દોશી 

પ્રાથના વિષે સ્વ.સુરેશ દલાલના વિચારો …

ડો .સુરેશ દલાલ (10-11-1932...8-10-2012)

ડો .સુરેશ દલાલ (10-11-1932…8-10-2012)

પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.

જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત.

” પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.”

સુરેશ દલાલ

આજની પ્રાર્થના વિશેની પોસ્ટના અનુસંધાનમાં વિનોદ વિહારમાં અગાઉ પ્રસ્તુત નીચેની પોસ્ટ પણ વાંચો.  

098 -પરમ સમીપે … પ્રાર્થનાઓ …..કુન્દનિકા કાપડીયા

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.