વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 317 ) એક હૃદય સ્પર્શી વાર્તા – ” ભાણ છતે ” લેખક ડો. અશ્વિન દેસાઈ

Adivasi Familyશ્રી ઉત્તમભાઈ ગજ્જરના બ્લોગ સન્ડે-ઈ-મહેફિલના તારીખ ૨૨મી સપ્ટેમબર , ૨૦૧૩ ના અંક નંબર ૨૭૯ માં તેઓએ સુરતના વતની લેખક શ્રી અશ્વિન દેસાઈ લિખિત એક સુંદર વાર્તા ” ભાણ છતે ” પ્રગટ કરી છે .

શ્રી ઉત્તમભાઇએ ઈ-મેલથી મને વાંચવા મોકલેલ આ વાર્તાને વાંચતા જ  દિલને સ્પર્શી ગઈ  .

ઈન્ટરનેટ અને પ્રિન્ટ મીડિયામાં રોજે રોજ અનેક વાર્તાઓ લખાતી હોય છે પણ જેમાં જન સમાજનું સાચું પ્રતિબિંબ રજુ થયું હોય અને વાર્તામાં સમાજ માટે કોઈ ઉચ્ચ પ્રકારનો સંદેશ સમાયેલો હોય એવી ઓછી વાર્તાઓ લખાતી હોય છે .

શ્રી અશ્વિન દેસાઈની વાર્તામાં ગુજરાતના આંતરીયાળ સોનગઢથી દુરના પ્રદેશમાં રહેતાં ગરીબ આદિવાસી લોકોના જીવનમાં ડોકિયું કરીને  એક સંવેદનાથી ભરપુર ચિત્ર આપણી સમક્ષ રજુ કર્યું છે .દુનિયાના દેશોમાં ભારતની આવતીકાલની ઉભરતી ઔદ્યોગિક શક્તિ તરીકે ભલે ગણના થતી હોય પરંતુ આઝાદીના ૬૩ વર્ષો પછી પણ એની કહેવાતી પ્રગતિનાં ફળ એના લાખ્ખો ગામો સુધી પહોંચ્યા નથી .અંતરીયાળ પ્રદેશમાં રહેતાં આદિવાસી લોકોની ગરીબાઈ અને પૈસાના અભાવે કેવું લાચારી ભર્યું જીવન તેઓ જીવે છે એ સત્ય ઘટના લાગે એવી આ વાર્તામાં  લેખકે આપણને બે ઘડી વિચાર કરતા કરી મુકે આબાદ સામાજિક ચિત્ર આલેખ્યું  છે  .

વાર્તાના શિર્ષક  “ભાણ છતે ” નો અર્થ થાય છે સુર્ય અસ્ત પામી જાય એ પહેલાં . સોનગઢથી દુરના અંદરના પ્રદેશમાં વસતા એક ગરીબ આદિવાસી કુટુંબની આ વાત છે . મજુરી કરી પરસેવો પાડી માંડ બે ટંકના ખોરાક ભેગાં થતાં આ કુટુંબમા પૈસાના અભાવે કેવી લાચારી ભોગવવી પડે છે એની વાત છે .

કુટુંબની આગેવાન સભ્ય સભ્ય સ્ત્રી છે .એનો  પતિ પત્થર કામમાં હાથ ગુમાવી બેઠો છે  . નાના છોકરાનો પગ રેલવેના પાટા ઉપર રમતાં કપાઈ જતાં કાળમાં અધિક માસની જેમ હોસ્પીટલમાં દાખલ કરવો પડે છે .હોસ્પિટલનું ૨૪૦૦ રૂપિયાનું બીલ ભરવા માટે આ રાંક દંપતી ૧૨૦૦ રૂપિયાની જોગવાઈ કરવા માટે એક દુકાનદારને ત્યાં પોતાની દીકરીને એક રાત માટે મૂકી આવે છે . જો સુરજ આથમે એ પહેલાં ૧૨૦૦ રૂપિયા દુકાનદારને ન ભરી શકે તો દીકરીનું શિયળ લુંટાઈ જવાની બીક છે . આવી પરિસ્થિતિમાં વાર્તા કહેતા પાત્ર માસ્તર  જેમને એમના એક ધનિક મિત્રે આવાં કામોમાં મદદ કરવા પૈસા આપી રાખ્યાં છે એમાંથી તેઓ આ આદિવાસી દંપતીને એમણે ઓફર કરેલ ઘરેણા ન સ્વીકારતાં ૧૨૦૦ રૂપિયા એક મદદ તરીકે આપે છે કે જેથી ભાણ છતે- સુરજ ડુબે એ પહેલાં – એમની  દીકરીને તેઓ હેમ ખેમ પાછી ઘેર લઇ આવી શકે !

આ આખી વાર્તાનો સંદેશ સરસ છે કે  ભગવાને આપણને જો પૈસાની છૂટ આપી હોય તો એમાંથી થોડાક જ પૈસાનું કરેલું દાન આવાં અબુધ અને ગરીબ માણસો માટે આશીર્વાદ રૂપ નીવડે છે ,એમની  લાજ જળવાય છે અને આવુ દાન લેખે લાગે છે .

વિદેશોમાં ભૌતિક સંપત્તિની ઝાકઝમાળ  વચ્ચે રહેતા આપણા સુખી ભાઈઓ/બહેનો પૈસાને અભાવે લાચારીથી જીવતાં વતનના લોકો માટે  દુર બેઠાં બેઠાં પણ જો વિચારે અને એમની પાયાની જરૂરીયાતો પૂરી પાડવા માટે થોડી ઘણી પણ મદદ કરે તો કેવું સારું !

શ્રી ઉત્તમભાઈ ગજ્જર , સન્ડે-ઈ- મહેફિલ અને લેખક શ્રી અશ્વિન દેસાઈના આભાર સાથે

“ભાણ છતે” વાર્તાને નીચેની લીંક ઉપર વાંચો .

ભાણ છતે -ટૂંકી વાર્તા -લેખક- ડો .અશ્વિન દેસાઈ .

વાચક મિત્રો , આ વાર્તા અંગેનો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો .

વિનોદ આર.પટેલ

4 responses to “( 317 ) એક હૃદય સ્પર્શી વાર્તા – ” ભાણ છતે ” લેખક ડો. અશ્વિન દેસાઈ

  1. pragnaju સપ્ટેમ્બર 26, 2013 પર 9:55 એ એમ (AM)

    સુંદર
    આ તો અમારી જ વાતો…
    અમારા જ લેખક
    તેમના મોઢે જ તેમની બીજી વાતો સાંભળૉ
    Pustak Parichay Ashvin Desai 22 6 13 – YouTube
    સંપત્તિ અને સુખ વચ્ચેનો સંબંધ શું ? અશ્વિન દેસાઈ દ્વારા …
    http://www.youtube.com/watch?v=lQ8KpWgsm-U – Cached
    .Play Video
    More results from youtube.com »

    Like

    • mdgandhi21, U.S.A. ઓક્ટોબર 1, 2013 પર 3:09 પી એમ(PM)

      હૃદયને હલાવી નાંખે તેવી વાર્તા છે. ભલે વાર્તા હોય, પણ સમાજમાં દરરોજ આવું આવું બનતું જ હોય છે…..ગરીબ, અબુધ લોકોની લાચારીનો ઘણા લોકો બહુ ખરાબ રીતે લાભ લેતા હોય છે, જ્યારે સારા માણસો હંમેશા સેવા ભાવનાથી લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતાં હોય છે.

      Like

  2. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 26, 2013 પર 2:10 પી એમ(PM)

    આ આખી વાર્તાનો સંદેશ સરસ છે કે ભગવાને આપણને જો પૈસાની છૂટ આપી હોય તો એમાંથી થોડાક જ પૈસાનું કરેલું દાન આવાં અબુધ અને ગરીબ માણસો માટે આશીર્વાદ રૂપ નીવડે છે ,એમની લાજ જળવાય છે અને આવુ દાન લેખે લાગે છે ………………………
    Also saw the Video Clip via Pragnajuben’s Comment.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  3. nabhakashdeep સપ્ટેમ્બર 26, 2013 પર 4:23 પી એમ(PM)

    વાર્તાનો સંદેશ સરસ છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.