વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 733 ) શ્રી ગુણવંત વૈદ્ય ની સાહિત્ય પ્રસાદી …..

બ્લોગ વિનોદ વિહાર અને ફેસ બુક ગ્રુપ પેજ “મોતી ચારો “મુખ્યત્વે મારા સ્વ-રચિત સાહિત્ય સર્જન કે પછી અન્ય ગમતી જીવન પ્રેરક રચનાઓ, ચિત્રો, વિડીયો વી. સંપાદન કરી ગમતાનો ગુલાલ કરવાનું અને સહૃદયી મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું મારા માટે એક સારું માધ્યમ બની ગયું છે. બીજી રીતે ન મળી શકાય એવા સમરસીયા સાહિત્ય પ્રેમી મિત્રો  બ્લોગ અને ફેસબુકના માધ્યમથી આવી મળે છે તેનો આનંદ છે.

GUNVANT VAIDYA

GUNVANT VAIDYA

આ માધ્યમથી જ મને સાહિત્ય પ્રેમી ફેસબુક મિત્ર શ્રી  ગુણવંત વૈદ્ય અને એમની સાહિત્ય રચનાઓ મારફતે એમનો પરિચય થયો . આ સાહિત્ય પ્રેમી મિત્ર એમના ફેસ બુક ગુજ પ્રિયા ગ્રુપ પેજ પર એમની વાર્તાઓ ,લેખો ,કાવ્યો, વી. અવાર નવાર રજુ કરતા હોય છે એ વાંચવા લાયક હોય છે.શ્રી  ગુણવંત વૈદ્ય દ્વારા ફેસ બુક ઉપર મુકાતી એમની કૃતિઓ સિવાય અન્ય રીતે મને એમનો પરિચય નથી. હાલ બર્મિંગહામ, યુ.કે ના રહેવાસી આ સાહિત્ય રસિક ફેસ બુક મિત્રએ એમનું શિક્ષણ University of Wolverhampton માં લીધું છે .

આજની પોસ્ટમાં એમની કેટલીક મને ગમેલી સાહિત્ય પ્રસાદી એમના આભાર સાથે પોસ્ટ કરું છું.

શ્રી ગુણવંત વૈદ્યની બે ચોટદાર લઘુ વાર્તાઓ …

દફતર…. 

Humanity & caring at such a tender age...

હું ખૂબ થાક્યો હતો. ભરબપોરના આકરા તાપમાં ચાલીને હું હાંફી ગયો.
‘સાહેબ જરા…’ નો એક તીણો અસ્પષ્ટ અવાજ મારા કાને પડ્યો પરંતુ એને ખાસ ધ્યાન ન આપીને હું આગળ ચાલતો જ રહ્યો. મારું ગળું પણ સુકાતું હતું. વીસેક ડગલાં જેટલું ફરી ચાલીને હું ઊભો રહી ગયો. પાણી પીવાની તીવ્ર ઈચ્છાથી મારી પાસેની બોટલનું ઢાંકણ ખોલતાં મેં આગળ પાછળ નજર ફેરવી. ત્યાં જ ધડામ કરીને પાછળ કોઈના પડવાનો અવાજ સંભળાયો.

મેં ત્યાં નજર કરી. એક વૃદ્ધને કદાચ ગરમીને કારણે ચક્કર આવી ગયા હતા. એ જોઈ તે સમયે ત્યાંથી પસાર થતી એક બાળકીએ ખભેથી દફતર ઉતારી બોટલ કાઢી તે વૃદ્ધને પાણી પીવડાવ્યું.

‘હા….શ’ ના તૃપ્તિઅવાજે ‘સાહેબ જરા…’ ના ધ્વનિની યાદ પણ મને તાજી કરાવી જ દીધી અને તે સાથે મારા હાથમાંની અધખુલ્લી બોટલ નીચે પડી જ ગઈ અને મારી આંખમાંથી પણ દડ દડ દડ ….

મારા બંને હાથથી મેં મારું મોં છૂપાવી દીધું. મને ખૂબ દોષી માનતો હું સ્થિતપ્રજ્ઞ સમ ઊભો જ રહ્યો.

તેવામાં….. ‘અંકલ, તમારી આ બોટલ…’ કહેતા એણે હસીને નીચેથી ઉપાડીને એ બોટલ મારી સામે ધરી.

હું હાર્યો હતો. મારા પ્રત્યે મને ખૂબ ધિક્કાર થયો. પેલા વૃદ્ધ પણ જાણે મને કહેતા હતા, ‘તારું પાણી તને મુબારક, જા.’

પેલી બાળકીએ તો માનવતાની વધુ એક સિક્સર જ ફટકારી દીધી હતી !!!

હું જે પાઠો ભણીને ભૂલ્યો હતો તે આ બાળકી જીવનમાં લાવી ચુકી હતી.
જાણે કશું જ ન બન્યું હોય એમ રમતાં રમતાં પછી એ ત્યાંથી જતી રહી. 

‘હું કેમ એ ન કરી શક્યો?’ નો મૂંઝવતો સવાલ ભૂલીને પછી તો મેં પણ બાળક બનીને ભાવજીવન જીવવા દફતર ઉપાડી પુસ્તકોના પાઠો જીવનમાં ઉતારવાનો સંકલ્પ જ દીધો !!..

ગુણવંત વૈદ્ય.

=======================

કાચીંડો*…. લઘુ કથા 

આ વાર્તા ખુબ ટૂંકી માઈક્રો ફિક્શન ટાઈપ છે પણ એમાંનો ભાવ અને સંદેશ મેક્રો ટાઈપ છે. સમાજમાં જે બનતું જોવામાં આવે છે એનું આ વાર્તામાં સરસ નિરૂપણ છે.વાર્તાની ખૂબી એના શીર્ષક -કાચીંડો-માં છે .

kachindo-chameleons

*કાચીંડો એ ગરોળીની જાતનું ખાસ કરી જંગલમાં દેખાતું પ્રાણી- જંગલી ગરોળી છે જેનું અંગ્રેજી નામ છે chameleon.આ પ્રાણી એના રંગો અવાર નવાર બદલતું હોય છે. એની જીભ પણ લાંબી હોય છે.

વૃદ્ધ મા એના દીકરા માટે મનોમન કાચીંડો કહે છે એમાં એના દિલનું દર્દ બોલે છે એ તમે આ લઘુ કથા વાંચશો એટલે સમજાઈ જશે .

કાચીંડો*

” આજે દાળ કેમ આટલી પાતળી બનાવી ?”

પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ મા ને ત્રાડ જ નાખી .

“શિલ્પા વહુએ બનાવી છે આજે ….” વૃધ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો .”

“જો કે બની છે ખુબ જ સ્વાદિષ્ટ ” પુત્રનો સૂર છેક સરગમનો નીચલા “સા ” પર પછડાયો હતો.

તત્કાળ પુરતો વૃધ્ધા એ નિરાંતનો દમ લીધો અને મનોમન બબડી “કાચીંડો “*

ગુણવંત વૈદ્ય  

—–

વેડિંગ એનીવર્સરી- ટૂંકી વાર્તા -અક્ષરનાદની નીચેની લીંક પર ક્લિક કરી વાંચશો.

http://aksharnaad.com/2014/04/28/story-28/

——-

શ્રી ગુણવંત વૈદ્યની બે અછાંદસ કાવ્ય રચનાઓ 

ઉદાસી માનવ !
જમીનથી ઊંચે
સુસવાટાભર્યા પવનમાં
બેફામ ફંગોળાઈ તૂટું તૂટું થતી
એક વૃક્ષની ડાળને મજબુતાઈથી પગની આંટીમાં રાખીને બેઠેલા
પેલા પારેવાંનો સ્વશક્તિથી ઊડી શકવાની કાબેલિયત
ઉપરનો અનન્ય ભરોસો જોઈને તારા
સ્વકાંડામાં સંકલ્પીત કૌવત ભરીને
નૈરાશ્ય કાઢી
યશસ્વી થા.

========

શરાબની બોટલના બુચ આકારની એમની એક અછાંદસ રચના

નશો.

નશો
પણ કેવો?
શીશીનું ટીપેટીપું
ગટગટાવો ને પછી તો
ખુલ્લી આંખે પ્રજ્ઞા ઊંઘે, અંધારા રસ્તા,
ચક્રભ્રમણમાં જગ ભમે પણ ઘર તો આઘે, ને
હોઠચાટુડી બેલગામી નિર્લજ્જ જીહવાને જરા પણ
બે આંખની શરમ નૈ …..!!!! આ તે કેવો નશો ? હેં ..?
હવે તો બુચ જ માર એ શીશીને, ઓ ઘમંડી !!
ને …ઉતારી દે ‘હું’ નો નશો, પછી…
પ્રજ્ઞાશીશી ખોલીને ચડાવી દે
બે પેગ સમજદારીનો નશો
ને ચક્રીભ્રમણ છોડી,
બંધ રસ્તા ખોલી
ઘરની કેડીએ
ડગ માંડ..
કારીગર..
ઊઠ !

ગુણવંત વૈદ્ય.

=====================

શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ તાજી હાઈકુ રચનાઓ 

અવલંબન

જતાં, અંધારે, દીવી

સ્વપ્રકાશી થૈ.

====

પોકળ વાંસે

સરગમ મધુરી

તૃપ્તિ બેહદ !

=======

વન ભટકે

મૃગ સોડમ કાજે,

નાભિ વિસરી?

ગુણવંત વૈદ્ય.

અક્ષરનાદ માં શ્રી ગુણવંત વૈદ્યનું ઘણું સાહિત્ય પ્રગટ થયું છે

એને અહીં ક્લિક કરીને વાંચો. 

4 responses to “( 733 ) શ્રી ગુણવંત વૈદ્ય ની સાહિત્ય પ્રસાદી …..

  1. pragnaju જૂન 12, 2015 પર 3:39 એ એમ (AM)

    ખૂબ સરસ રચનાઓ

    Like

  2. સુરેશ જાની જૂન 12, 2015 પર 6:02 એ એમ (AM)

    સરસ રચનાઓ. તેમનો પરિચય કરાવવા માટે આભાર.

    Like

  3. pravinshastri જૂન 12, 2015 પર 2:01 પી એમ(PM)

    મારે માટે ગુણવંતભાઈનું નામ અજાણ્યું હતું. હવે એમની વાતો વાંચતો રહીશ. વિનોદભાઈ હંસ-મોતી ચારો તો ન ચૂકાય જ.

    Like

  4. nabhakashdeep જૂન 12, 2015 પર 7:48 પી એમ(PM)

    મનનીય સાહિત્ય સરવાણીની પ્રસાદીને સરસ પરિચય..શ્રી ગુણવંતભાઈની કલમનો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.