ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 853 ) શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર
ડોકટરોનો વ્યવસાય દર્દીની જિંદગીની સાથે જોડાયેલો હોય છે. દર્દીની જિંદગી બચાવવા માટે એને અંગત શોખનાં કામો પડતાં મૂકીને ઘણીવાર હોસ્પિટલ દોડી જવું પડે છે.
આ સત્ય ઘટનાત્મક વાર્તાના લેખક ડો.શરદ ઠાકર પોતે એક જાણીતા ડોક્ટર તો છે જ પણ એક લોક પ્રિય વાર્તા લેખક પણ છે.ડોકટરના વ્યવસાયના એમના જાત અનુભવો પરથી એમણે ઘણી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ લખી છે એમાંની આ એક વાર્તા છે.
ઉતરાણ ઉપર પતંગ ચગાવતાં કુટુંબીજનોની અને મિત્રોની મરજી વિરુદ્ધ પણ પત્નીની મુક સંમતિથી વાર્તાના ડો. અશોકભાઈ હોસ્પિટલ દોડી જઈને એક સગર્ભા યુવતીની કઠીન ડીલીવરી કરાવી એનો જીવ બચાવે છે.આ વાર્તા વાંચી આ ડો. અશોકભાઈ પર અને ડોકટરના વ્યવસાય પર તમને જરૂર માનની લાગણી થશે.
વાર્તા લેખક ડો. શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં વાર્તાની સરસ જમાવટ કરી છે.શરૂથી અંત સુધી વાર્તા રસ જાળવી રાખતી ડો. શરદ ઠાકરની આ સત્ય ઘટનાત્મક પર આધારિત વાર્તા મને ગમી એવી તમને પણ જરૂર વાંચવી ગમશે .
વિનોદ પટેલ
શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે, એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે
લેખક- ડો. શરદ ઠાકર -Dr. Sharad Thakar
સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા.
ડો.અશોકભાઈ આજે સંપૂર્ણપણે રિલેક્સ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું: ‘આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટરસાહેબ રજા ઉપર છે.’
આવું કરવા પાછળ એક કરતાં વધારે કારણો રહેલાં હતાં. પત્નીએ બે દિવસ પહેલાં જ અલ્ટિમેટમ આપી દીધું હતું: ‘તમને પરણીને આવી એ વાતને આજકાલ કરતાં પાંત્રીસ વરસ પૂરાં થયાં. આજ સુધીમાં એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઊજવવા મળી નથી. આ ફેર તો તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે.’
ડો. અશોકભાઈને નવાઈ લાગી: ‘તમારી સાથે? કે તારી સાથે? ઘરમાં આપણે બે હુતો-હુતી જ છીએ. દીકરો-વહુ તો ફરવા ગયાં છે.’
‘એ ત્રણેય (દીકરાને એક દીકરી હતી) આવતી કાલ સુધીમાં પાછા આવી જવાના છે. રાજકોટથી દીકરી-જમાઈ પણ ઉત્તરાયણ કરવા આવવાનાં છે. સાથે એમનો દીકરો પણ. બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યાં છે.’
ડો. અશોકભાઈ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો. ડો. તેજપાલ હતા: ‘હાય! શું ચાલે છે?’
‘બસ, ઉત્તરાયણની તૈયારી.’
‘તો એમાં ત્રીસ જણાની તૈયારી પણ ઉમેરી દેજો.’
‘કેમ?’
‘આપણા મેડિકલ એસોસિયેશનના દસેક ડોક્ટર મિત્રોએ નક્કી કર્યું છે. આખી જિંદગી બહુ વૈતરું કર્યું. હવે વર્ષના બધા જ તહેવારો સાથે મળીને ઊજવવા છે. વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ તો હવે આવી જ રહ્યો છે. પહેલો લાભ તમને આપીએ છીએ. સવારના ચા-નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનું ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે. બી પ્રીપેર્ડ!’
અશોકભાઈને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત સાચી તો હતી જ. આ સાવ નાનકડા ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઈ ગઈ. ગાયનેકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા. પાંત્રીસ વર્ષમાં કમાયા પણ ખૂબ સારું, પરંતુ જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઉજવણીઓ કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચે મૂરઝાઈ ગયું. પત્ની પરિવારને સાચવતી રહી, સામાજિક સંબંધોને નિભાવતી રહી. આજે પહેલી વાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માગી રહ્યાં છે. બીજું કંઈ નહીં, માત્ર સમય માગી રહ્યાં છે.
એટલે એમણે પાટિયું લટકાવી દીધું: ‘આજે ડોક્ટર રજા પર છે.’
આગલા દિવસે પંદર હજાર રૂપિયાના પતંગો આવી ગયા હતા. પચાસ જેટલી ફીરકીઓ તૈયાર કરાવી હતી. રાજકોટની પ્રખ્યાત કાજુ-ચીકી (આઠસો રૂપિયે કિલોના ભાવની) દસ કિગ્રા. મગાવી લીધી હતી. કેટરરને ઓર્ડર આપી દીધો હતો. અગાસી પતંગોત્સવ માટે પહેલી વાર થનગની ઊઠી હતી.
ઉત્તરાયણ આવી પહોંચી. સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા. કોઈકે તો મોબાઇલ ફોન કરીને કહ્યું પણ ખરું: ‘સાહેબો, આજે બધા ડોક્ટરો અગાસી ઉપર હાજર છે; તો કોઈ બીમાર પડે એનું શું થશે?’
ડો. સાગરે જવાબ આપી દીધો: ‘આજે જે બીમાર પડે એનો ડોક્ટર ભગવાન!’
‘કાપ્યો છે’ની બૂમોથી હવા ગાજી ઊઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ બની ગઈ. મધ્યાહ્્નના તાપમાં ચાળીસ જણા માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને પતંગની મજા માણવા લાગ્યા.
ત્યાં જ ડો. અશોકભાઈનો મોબાઇલ ટહુક્યો. અજાણ્યો નંબર હતો. કોઈ સ્ત્રીનો અવાજ હતો:
નમસ્તે સર, હું સરકારી હોસ્પિટલથી બોલું છું.’
‘કોણ?’
‘લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ.’
‘બોલો સિસ્ટર! શું કામ છે?’ ડો. અશોકભાઈની નજર ઊંચા આસમાનમાં ચગી રહેલા પતંગ તરફ હતી અને કાન સિસ્ટરની વાતમાં.
‘સર, ગઈ કાલે રાતથી લેબર રૂમમાં એક ડિલિવરી કેસ દાખલ થયો છે. પહેલી જ ડિલિવરી છે. સર્વિક્સ છેલ્લા દોઢ-બે કલાકથી ફુલ્લી ડાઇલેટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે.’
‘ઓહ! પણ તમારે ત્યાં તો ગાયનેક ડોક્ટર છેને!’
‘હા સર, પણ એ આજથી બે દિવસ માટે રજા ઉપર ગયા છે. એમનું ફેમિલી ભાવનગરમાં છે. ઉત્તરાયણ કરવા…’
‘સોરી સિસ્ટર! હું પણ આજે મારા ફેમિલીની સાથે ઉત્તરાયણ ઊજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો!’
‘સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે અને બાળક પણ…! જો તમે આવી જાવ તો બેયનો જીવ બચી જાય…’
ડો. અશોકભાઈએ પતંગની દોરી પુત્રવધૂના હાથમાં થમાવી દીધી. પત્નીની સામે જોઈને કહ્યું, ‘મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું.’
ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો-વહુ નારાજ થઈ ગયાં. દીકરી-જમાઈનાં મોં ચડી ગયાં. પૌત્રી અને દૌહિત્ર ભેંકડો તાણીને રડવા લાગ્યાં. ડોક્ટર મિત્રોએ ટોણા માર્યા: ‘કંજૂસ! પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ…’
ડો. અશોકભાઈ નીકળી પડ્યા. કોઈને એટલું કહેવા પણ ન રોકાયા કે ‘આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. આ તો સરકારી દવાખાનામાં કોઈ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે એને બચાવવા માટે જઉં છું.’
જો કોઈ એક વ્યક્તિ કંઈ ન બોલી હોય તો એ ડોક્ટરની પત્ની હતી. એણે ધીમું હસીને પતિને વિદાય આપી દીધી. ડોક્ટરે એનો ખભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં બત્રીસ વર્ષ પહેલાંની આવી જ એક ઘટના સળવળી ઊઠી.
ત્યારે ડો. અશોકભાઈ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગના છેલ્લા વર્ષની તાલીમ લેતા હતા. એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઈ હતી. અચાનક એને દુખાવો ઊપડ્યો. ટાઉનમાં એક જ ગાયનેકોલોજિસ્ટ હતા. એ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલિવરીમાં બહુ વાર લાગી. વસુબહેન ભગવાનને વિનવી રહ્યાં: ‘જલદી છેડાછૂટકો કરાવ! હવે નહીં જીવાય!’
સરકારી હોસ્પિટલની બધી નર્સ બહેનો થાકી ગઈ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડોક્ટરે આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબહેન જીવી ગયાં. દીકરો જન્મ્યો હતો જે આજે અગાસી પર નારાજ થઈને પતંગ ચગાવી રહ્યો હતો. જો વસુબહેનનો છેડાછૂટકો ન થયો હોત તો અત્યારે ધાબું સૂનું હોત.
ડો. અશોકભાઈ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી; સુવાવડ ન જ થઈ. હવે બાળક પેટમાં જ ઝાડો કરી ગયું હતું. પાણી લીલા રંગનું આવતું હતું. બાળકનું મૃત્યુ હાથવેંતમાં હતું. પ્રસૂતા તો થાકીને લાશ જેવી બનીને પડી હતી.
ડો. અશોકભાઈએ નિર્ણય લઈ લીધો, ‘વેક્યૂમ લગાવવું પડશે. સિસ્ટર, મશીન લાવો.’
‘અહીં વેક્યૂમ મશીન નથી, સર.’ સિસ્ટરે જવાબ આપ્યો. ડો. અશોકભાઈ મારતી ગાડીએ ગયા. પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યૂમ મશીન લઈને પાછા આવ્યા. બાળકના માથા પર ‘કપ’ લગાવીને વેક્યૂમ ડિલિવરી કરાવી દીધી. ખૂબ જહેમત પછી બાળક રડ્યું. પ્રસૂતાના ટાંકા વગેરે લઈને ડો. અશોકભાઈ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે બપોરના ચાર વાગી ગયા હતા. ઓગણચાળીસ જણાના ચહેરાઓ નારાજ દેખાતા હતા. માત્ર એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો: ‘શું થયું? સિંહ કે શિયાળ?’
‘સિંહ! સિંહ! મા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું.’ ડો. અશોકભાઈના અવાજમાં ચીકીની મીઠાશ હતી અને બત્રીસ વર્ષ પહેલાંનુ ઋણ ચૂકવી દીધાનો સંતોષ હતો.
આસમાનમાં રંગીન પતંગો ઊડતા હતા; આખું નગર ઉત્તરાયણ ઊજવી રહ્યું હતું.
ડો. અશોકભાઈ એમની ઉત્તરાયણ ‘ઊજવીને’ આવ્યા હતા.
(સત્યઘટના)
સાભાર- ડો. શરદ ઠાકર

PM નરેન્દ્ર મોદી સાથેની ડો.શરદ ઠાકરની એક તસ્વીર
વાર્તા લેખક ડો. શરદ ઠાકર નો પરિચય અને અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી સત્ય ઘટનાત્મક વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.
Like this:
Like Loading...
Related
શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …આવા અનેક સૂત્રો જીવનમા અપનાવનાર શ્રી. ડો. શરદ ઠાકર ને ભાગ્યે જ કોઇ ન ઓળખતું હોય
એમની બધી જ વાત રી બ્લોગ કરવા જેવી હોય
ધન્યવાદ
LikeLike
આવી ફરજ ભાવના વાળા ડોક્ટરો પણ હોય છે. પૂણ્ય પરવાર્યું નથી.
LikeLike
Om Shanti, Ashokbhai jevun nam tevuj karya karun ketlayna jeevan shokmukt kari anandni avirat sarita vahavi, whachani sathe mari ankho abhar na ashrubhini thai gai, kahevata kaliyugman pan satyuman jeevan jeevi janra che jena karne dhatee thami cche
LikeLike
ડોશ્રી શરદભાઈની વાર્તા એટલે સંવેદનાના પૂર…ખૂબ જ ઉમદા સત્ય ઘટનાની વાર્તા. ઉત્તરાયણની મજા જે ચગાવતા હોય તે જાણે…ફરિજીયાત ઈમર્જન્સી સર્વિસવાળાને આવા પ્રસંગો સદા અનુભવવા પડે છે..અમારે યાંત્રિક ખોટકાના હોય..પણ ઝખમારીને અડધી રાતે..કકડતી ..વરસતી..રાતોમાં વગડે..ભમવાની વાત યાદ આવી ગઈ..ક્યાં કોઈ મોબાઈલ હતા?..ઉપર આભ, નીચે ધરતી ને નદી કોતરોના વનચરોના અવાજો….રખેવાળ રામ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આજના જમાનામાં આવા ડૉક્ટરો મળવા મુશ્કેલ હોય ત્યાં અશોકભાઈ જેવા બધા તો ન હોઈ શકે પણ, વધારે પણ હોય તો સમાજનું બહુજ કલ્યાણ થાય, બાકી આજે તો લાખો કરોડો રૂપિયા કમાયેલા ડૉક્ટરો પણ છે જે પૈસા લીધા વગર કેસ નથી લેતા.
બહુ સુંદર પ્રસંગ…………….
મને લાગે છે કે આ સત્ય ઘટના ઉપરથીજ ચેતન ભગતે ૩ ઈડેયટનો ડીલીવરીનો પ્રસંગ બતાવ્યો હશે.
LikeLike