વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2016

( 898 ) સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનાં ધર્મપત્ની તરુલતાબેન દવેનું દુખદ અવસાન- એક શ્રધાંજલિ

સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલથી જાણીને દુખ થયું કે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને લોકપ્રિય લેખક શ્રી રજનીકુમાર પંડ્યાનાં ધર્મ પત્ની તરુલતાબેન દવેનું ૮૦ વર્ષની વયે તારીખ ૨૭-૪-૨૦૧૬ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે.

પાછલી ઉમરે તરુબેન અને રજનીકુમાર પંડ્યાની તસવીર

પાછલી ઉમરે તરુબેન અને રજનીકુમાર પંડ્યાની તસવીર

સ્વ.તરૂબેનનો ટૂંક પરિચય- રજનીકુમાર પંડ્યા 

“અમારાં પ્રેમ લગ્ન 15-8-1970 ના રોજ સંપન્ન થયાં હતાં.સદગત એક સુપ્રસિધ્ધ વાર્તાલેખિકા અને લઘુ કથા લેખિકા હતાં. ‘કોઇ ને કોઇ રીતે’ તેમનો મહત્વનો વાર્તાસંગ્રહ છે.જેને વલ્લભદાસ હેમચંદ એવૉર્ડ એનાયત થયો હતો.

પૂ મોટાનું જીવનચરિત્ર તેમણે ‘મહાજ્યોત મોટા:’ શિર્ષકથી પ્રગટ કરેલું હતું,

આકાશવાણી અને ટેલિવિઝન પરથી તેમની અનેક કૃતિઓ પ્રસારિત થઇ હતી. 

RAJNIKUMAR PANDYA  

My Blog link:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.co 

AS I HAVE SHIFTED TO NEW RESIDENCE,PLEASE NOTE THE CHANGE IN MY ADDRESS:

Rajnikumar Pandya
B-3/GF-11,AkankshaFlats,JaymaalaChowk,

Maninagar-Isanpur Road,AHMEDABAD-380050
Gujarat.INDIA.
Contact: +91 79 253 237 11(R)  
             +91 98980 15545 (M) /  WhatsApp- 095580 62711

Mial-rajnikumarp@gmail.com

PLEASE AVOID CALLING FROM 2  TO 4.30 PM    

ગુજરાત પ્રતિભા પરિચયમાં  તરુબેન દવેનો પરિચય.સાભાર- શ્રી સુરેશ જાની 

તારીખ એપ્રિલ ૨૭ ૧૦૧૬ ના રોજ શ્રી ઉત્તમભાઈ ગજ્જરે શ્રી રજનીકુમાર પંડ્યાને લખેલ દીલાસાનો ઈ-મેલ 

આદરણીય સ્વજન રજનીભાઈ, 

તરુલતાબહેનના અવસાનના દુ:ખદ સમાચારથી અમે વ્યથીત છીએ..

હા, કબુલ કે, આપણ સૌએ મોડા વહેલા તરુબહેન જ્યાં ગયાં ત્યાં જવાનું જ છે..

આપણુંયે રીઝર્વેશન થઈ જ ગયું છે; પણ વેઈટીંગ લીસ્ટમાં આપણ સૌનું નામ છે.

કન્ફર્મ થતાં સૌએ અંતીમ મુસાફરીએ ઉપડવાનું જ છે..

પણ આ વયે, ‘બેકલતા’માંથી ‘એકલતા’ જીરવવી વસમી હોય છે..

તમે તો, બહુશ્રુત છો, વીદ્વાન છો, વળી, ઉત્તમ સર્જક છો..

મારી પાસે તમને આશ્વાસન આપવા માટે કોઈ શબ્દ નથી..

આશા કે તમે સ્વસ્થ હશો અને કુદરતદીધી સર્જકતાને સહારે વધુ સ્વસ્થ થશો..

આ સપ્તાહે ‘સ.મ.’માં મોકલાતી બક્ષીસાહેબની કલમપ્રસાદી મોકલું છું.. 

તમારા સ્વાસ્થ્ય અને સ્વસ્થતા માટે પ્રાર્થના.. 

આપનાં, 

..ઉત્તમ.મધુ ગજ્જરના પ્રણામ.. 

તારીખ ૨૮-૪-૨૦૧૬ ના રોજ શ્રી રજનીકુમારભાઈને લખેલ મારો ઈ-મેલ…..

પ્રિય રજનીકુમારભાઈ, 

મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલ દ્વારા આપનાં ધર્મપત્ની તરૂબેનના અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ થયું. 

પતિ-પત્નીનો સંસાર એક બીજાની હૂંફથી ચાલતો હોય છે.પત્નીને અર્ધાંગની કહેવામાં આવે છે એટલે એ જ્યારે વિદાય લઇ લે છે ત્યારે પતિનું અર્ધું અંગ જાણે કે ચાલ્યું ગયું હોય એવી અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.ઉત્તમભાઈએ જે એકલતાનો નિર્દેશ કર્યો એનો મને ૧૯૯૨ થી અનુભવ છે.મારી હાર્દિક હમદર્દી સ્વીકારશો. 

આપને હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે આજથી ૧૫ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો ત્યારે ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારી સંપાદિત આપના વિશેનું પુસ્તક “રજનીકુમાર -આપણા સૌના તારીખ ૧૨-૯-૨૦૦૦ ના રોજ આપના અક્ષરે લખેલી નોટ સાથે મને ભેટ મોકલાવેલું આપનું પુસ્તક મારા હાથમાં છે.આ પુસ્તકમાં આપના કુટુંબીજનો,મિત્રો અને સ્નેહીઓએ આપની સાથેના એમના અનુભવો શેર કરીને એમનો સ્નેહ બતાવ્યો છે. 

આ પુસ્તમાં તરૂબેનએ ત્વમેવ માતા ચ બંધુ ત્વમેવ નો આખો શ્લોક ટાંકીને એમના “ત્વમેવ સર્વમ” શીર્ષક સાથેના પ્રેમ નીતરતા લેખના અંતે આપના વિષે લખ્યું છે :

“મારા માટે એ બધું જ છે.બધાં જ સ્વરૂપોનાં દર્શન એમનામાં મેં કર્યા છે ….. છીંક આવે તો હથેળી ધરીને ઉભા રહે …. મને કે તર્જનીને કશું થાય ત્યારે એમની ચિંતાનો પાર રહેતો નથી.કહે “મને ભલે ગમે તે થાય, પણ તમને બે ને તો કશું  જ થવું ના જોઈએ .” 

” હું ઘણી વાર હસતાં હસતાં કહું પણ ખરી,” હાર્ટની દર્દી છું.વહેલી મરી પણ જાઉં “એ અકળાઈને બોલી ઉઠે :”એવું ન બોલ,તારા વગરના જીવનની હું કલ્પના કરી શકતો નથી.” …… બસ એક સ્ત્રીને જીવનમાં આથી વિશેષ જોઈએ પણ શું ?”

“રજનીકુમાર આપણા સૌના ” કહેવા જેટલી ઉદારતા કેળવવી એ શું ઓછું છે ?” 

—શ્રીમતી તરુલતા દવે

 

આવાં પ્રેમાળ પત્ની સાથે એક બીજાનાં પુરક બની જીવન જીવ્યા પછી પત્નીની વિદાય માનસિક રીતે એક શૂન્યાવકાશ મૂકી જાય છે.  

તરુબેન  ૮૦  વર્ષનું ભરપુર જીવન જીવીને ગયાં છે.પ્રભુ એમના આત્માને ચીર શાંતિ બક્ષે અને આપને તથા આપનાં સૌ  કુટુંબીજનોને એમની વિદાયથી પડેલ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રત્યે મારી હાર્દિક પ્રાર્થના છે.  

ઉપરોક્ત પુસ્તક “રજનીકુમાર-આપણા સૌના”માં તરુબેન અને અન્ય કુટુંબીજનો,સ્નેહી જનો સાથેના આપના ઘણા ફોટાઓ મુકવામાં આવ્યા છે.એમાંથી તરૂબેન સાથેના યુવાન વયના આપના આ બે ફોટાઓ સાથે સ્વ.તરુબેનને હાર્દિક શ્રધાંજલિ આપું છું.

પ્રથમ ફોટામાં નાની બાળક વયની એમની પ્રિય પુત્રી તર્જની સાથે ખુશ ખુશાલ દંપતી દેખાય છે.

 

 વિનોદ પટેલ,સાન ડીએગો  

 

 

( 897 ) મારી બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ …વિનોદ પટેલ

 અગાઉ વિનોદ વિહાર ની પોસ્ટ નંબર (878 ) માં  માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ? એ વિષેના લેખ સાથે મારી એક માઈક્રોફિક્શન વાર્તા “અચંબો અને આઘાત”પ્રસ્તુત કરી હતી. 

આજની પોસ્ટમાં બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ(૧)  સાવચેતી ! અને (૨) દિવ્યાંગ પ્રસ્તુત કરેલ છે .

માઈક્રોફિક્શન … સાવચેતી ! 

રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.

જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.

રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.

પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :

“અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ  આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !”

માઈક્રોફિક્શન … દિવ્યાંગ 

સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.

કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને  એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.

આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે  અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.

કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.

મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.

વિકલાંગએ કહ્યું “બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો”

મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :”ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “ 

–વિનોદ પટેલ,સાન ડીએગો 

 

“બેઠક”-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી, 

માઈક્રોફિક્શન વાર્તા(49) બે ફોટા …વિનોદ પટેલ 

માઈક્રો ફિક્શન વાર્તા (53 ) … ભાર !….વિનોદ પટેલ 

માઈક્રોફિક્શન કોને કહેવાય અને કોને ના કહેવાય એ સમજાવતો એક વિગતવાર લેખ જાણિતા બ્લોગર મિત્ર શ્રી જીગ્નેશ અધ્વર્યુએ એમના બ્લોગ અક્ષરનાદ પર મુક્યો છે એને નીચેની લીંક પર વાંચી શકાશે.

માર્કોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે… જીજ્ઞેશ અધ્વર્યુ

http://www.aksharnaad.com/2014/07/29/microfiction-12/

( 896 ) કશું જ પરમેનન્ટ નથી,બધું જ સતત બદલતું રહેવાનું છે….ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 દિવ્ય ભાસ્કરની કળશપૂર્તિમાં પ્રકાશિત ‘ચિંતનની પળે’ કૉલમના એમના ચિંતન લેખોમાં શ્રી કૃષ્ણકાંતભાઈની કલમની કમાલ જોવા મળે છે.મને એમના પ્રેરક લેખો ગમે છે કેમ કે આ ચિંતન લેખોમાં એમના વિશાળ વાચન અને જિંદગીનો અનુભવ જોવા મળે છે. 

અગાઉ વિનોદ વિહારમાં મારી પસંદના એમના ઘણા ચિંતન લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે જે આ લીંક પર વાંચવા મળશે.

મને ગમતા એમના લેખો વિનોદ વિહારમાં મુકવા માટે ઈ-મેઈલથી સંમતિ આપવા માટે મેં શ્રી કૃષ્ણકાંતભાઈને વિનંતી કરી હતી .

એના જવાબમાં તેઓએ નીચે મુજબના ઈ મેલથી સંમતી આપવા માટે હું એમનો આભારી છું.  

પ્રિય વિનોદભાઇ,
તમે મારા આર્ટિકલ મૂકી શકો છો.
શુભકામનાઓ.
Krishnkant Unadkat,
Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell :09825061787.
e-mail : kkantu@gmail.com
Blog : http://www.chintannipale.com/

જિંદગી સાવ સરળ નથી જ રહેવાની  

ચિંતનની પળેશ્રી કૃષ્ણકાંત ઉનડકટ

કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે

Nothing Permenant -kanDKT

થાય છે આશ્ચર્ય એવું જોઇને કોઇની મહેનત ફળે છે કોઇને
કોઇના દિન જાય છે મીઠી નીંદમાં કોઇની રાતો વીતે છે રોઇને.
– શયદા

માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, શું લાગે છે, વરસાદ બંધ થશે? આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.

માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.

એક ગામમાં પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઇ ગયાં. એક ભાઇ પાણીથી બચવા પોતાના પરિવારને લઇ અગાશીએ ચાલ્યા ગયા. પાણીની સપાટી જોઇને ડરી ગયેલા બાળકે પિતાને પૂછ્યું, પપ્પા હવે શું થશે? પિતાએ દીકરાને બાજુમાં લીધો. દીકરાના વિખરાયેલા વાળ પર હાથ પસવારીને બહુ જ સલુકાઇથી કહ્યું, બેટા હવે પાણી ઓસરશે. આવું બધું થોડો સમય જ હોય છે. આવે છે અને ચાલ્યું જાય છે.

જિંદગીમાં બધું જ સેટ થયેલું લાગે અને ગાડી અચાનક સ્લિપ થઇને રસ્તાની બાજુમાં ઉતરી જાય છે. ગાડી સરળતાથી ચાલતી હોય ત્યારે માણસને બધું ઇઝી લાગે છે. ગાડી સાઇડમાં ઉતરી જાય પછી પાછી રસ્તા પર લાવવામાં મહેનત કરવી પડે છે. આપણને બધાને કોઇ ને કોઇ વાહન ચલાવવાનો અનુભવ છે. આપણને બધાને ખબર છે કે એક ને એક સ્પીડ કયારેય મેન્ટેન થતી નથી. કયારેક વાહન ધીમું તો કયારેક સ્પીડમાં ચલાવીએ છીએ. ખાડા આવે તો બ્રેક મારવાની અને સપાટ રસ્તો આવે તો સ્પીડ વધારવાની. જિંદગીમાં માણસ કેમ આ વાત સમજતો નથી? જિંદગીની રફતાર પણ હંમેશાં એકસરખી રહેવાની નથી.

અમેરિકાથી હમણાં એક મિત્ર આવ્યા. અમેરિકામાં મંદીનો માહોલ છે. ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. ધંધા સાવ મંદા થઇ ગયા છે. મિત્રે કહ્યું કે, લોકો રડે છે. બધી જ ગણતરીઓ ઊધી પડી ગઇ. તેણે કહ્યું કે ગણતરીઓ એટલા માટે ઊધી પડી ગઇ કારણ કે તમારી ગણતરી જ ખોટી હતી. તકલીફ કયારેક આવવાની જ છે એવી ગણતરી કયારેય તમે કરી જ નહોતી. એ મિત્રે કહ્યું કે ઇન્ડિયન્સને કંઇ વાંધો નથી આવવાનો. બધા એક જ વાત કરે છે કે, આપણે બચત શા માટે કરી છે ? આવા સમયમાં કામ લાગે એટલા માટે જ સ્તો! થોડીક બચત વાપરીશું. સારો સમય આવશે એટલે પાછા કમાશું અને પાછી થોડીક બચત કરીશું.

મિત્રે કહ્યું કે, ધોળિયાવ અપસેટ થઇ ગયા છે. એ લોકો ડિસ્ર્ટબ છે, કારણ કે તેમણે કયારેય વિચાર જ નહોતો કર્યોકે ખરાબ દિવસો આવશે. ઇન્ડિયનો ડાહ્યા સાબિત થયા છે. ડહાપણ એટલે શું? ડહાપણ એટલે એવી સમજ કે એકસરખી સ્થિતિ કયારેય રહેવાની નથી. સુખ હોય તો પણ અને દુ:ખ હોય તો પણ, સફળતા હોય તો પણ અને નિષ્ફળતાં હોય તો પણ. માણસ દરેક સ્થિતિમાં કેટલો સ્વસ્થ રહે છે, કેટલો ટકી જાય છે તેના પર જ તેની સમજદારીનું માપ નીકળે છે.

એક પાર્ટી ચાલતી હતી. બધા જ લોકો ખાવા-પીવા અને નાચ-ગાનમાં મસ્ત હતા. જેના ઘરે પાર્ટી હતી એ યુવતી પણ બધા સાથે મોજ-મસ્તી કરતી હતી. પાર્ટીમાં આવેલી બીજી યુવતી તેની પાસે ગઇ. તેણે પૂછ્યું, હમણાં પાર્ટી પૂરી થઇ જશે. બધા લોકો ચાલ્યા જશે. તું એકલી થઇ જઇશ. તને એવું નથી થતું કે પાર્ટી પૂરી થશે પછી અવ્યવસ્થિત થઇ ગયેલું આખું ઘર તારે પાછું વ્યવસ્થિત કરવું પડશે, કામમાં તારો દમ નીકળી જશે.

યુવતીએ હસીને કહ્યું કે, માય ડીયર ફ્રેન્ડ મને બધી જ ખબર છે. અત્યારે એન્જોય કર. મને એ પણ ખબર છે કે આ સમય પણ ચાલ્યો જવાનો છે પણ અત્યારનો સમય એન્જોય કરવાનો છે. કામ કરવાનું આવશે ત્યારે કરી લઇશ. મારો અત્યારનો સમય એ ચિંતામાં શા માટે વેડફું? અને કામ કરવાનું આવશે ત્યારે પણ હું એવું જ વિચારીશ કે બધા લોકોએ કેટલી સરસ રીતે એન્જોય કર્યું!

દરેક સ્થિતિમાં ખુશ રહી શકાય. નિર્ણય કરો, હું દરેક સ્થિતિમાં ખુશ રહીશ, હું દરેક સંજોગોમાં સ્વસ્થ રહીશ. મારે રોદણાં રડવાં નથી. મારે બિચ્ચારા થવું નથી. સુખ કાયમી નથી તો દુ:ખ પણ કયાં પરમેનન્ટ છે? સૂરજ ઉગવાની સાથે જ અંધારું અલોપ થઇ જાય છે. અંધારાથી ડરવાનું કોઇ કારણ નથી, સવાર પડવાની જ છે. દરેક હાલતમાં હું મજામાં રહીશ એવું નક્કી કરો, કોઇ હાલત તમને હેરાન નહીં કરી શકે.‘

છેલ્લો સીન

આપણે કયારેય એટલા સુખી નથી હોતા અને કયારેય એટલા દુ:ખી નથી હોતા, જેટલા આપણે સમજતાં હોઇએ છીએ.- લા રોશ ફૂંકો.

 

કરુણાનું વર્ષ – નવા વર્ષનો સંદેશ …વિડીયો 

શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

( 895 ) આલ્બર્ટ આઈનસ્ટાઇનની ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !.. The day that Albert Einstein feared most has arrived!…

અંગ્રેજીમાં એમ કહેવાય છે કે A picture is worth a thousand words એટલે કે હજારો શબ્દો જે વાત અસરકારક રીતે સમજાવી નથી શકતા એ એક ચિત્ર સરળતાથી સમજાવી દે છે.

નીચે મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇનનું એમના ચિત્ર સાથેનું એક સરસ અવતરણ છે એનો ગુજરાતીમાં અર્થ એ છે કે ….

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા બબૂચકો-મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”– આઈનસ્ટાઇન  

નીચે જે ચિત્રો મુક્યાં છે એવાં જ દ્રશ્યો જ્યારે આપણે આજે ઠેર ઠેર જોઈ રહ્યા છીએ ત્યારે તમને એમ નથી લાગતું કે આઈનસ્ટાઇનની એ ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !

વિનોદ પટેલ

Courtesy- Mr.Narsinhbhai  Patel / Mr.Chiman Patel 

The Day that ..1

આલ્બર્ટ આઈનસ્ટાઇનને જે દિવસનો ભય હતો એ દિવસ આજે આવી ગયો છે !

The day that Albert Einstein feared most has arrived!
          

It is Here 

નીચેનાં ચિત્રો એનાં ઉદાહરણો છે !

The Day that ..2

 Planning their honeymoon.

તાજુ પરણેલું યુગલ  હનીમુન ક્યાં કરીશું એની યોજનાઓ સ્માર્ટ ફોન પર કરી રહ્યું છે ! 

 

The Day that .3

A day at the beach.

બીચ પર જઈ દરીયાની મજા લેવાને બદલે જુઓ આ જુવાનીયાંઓ શું કરી રહ્યાં છે ? 


The Day that .4
Having dinner out with your friends.

મિત્રો સાથે રેસ્ટોરંટમાં ડીનર લેવા ગયેલ આ લોકોની નજર શેમાં સ્થિર થઇ ગઈ છે  !


The Day that .5
Out on an intimate date.

આ બે યુવક-યુવતી બહાર ડેઇટ પર ગયા છે અને આ શું કરી રહ્યા છે ?

The Day that .6
Having a conversation with your bestie.

આજુબાજુ બેઠેલા બે જણ વાતો તો કરે છે પણ ટેકષ્ટ મેસેજથી !

The Day that .7
A visit to the museum.

આ વિદ્યાર્થીઓ મ્યુઝીયમની મુલાકાતે  ગયા છે પણ ચિત્રો જોવાના બદલે એમના સ્માર્ટ ફોન પકડીને બીજે જ ક્યાંક વ્યસ્ત છે! 

આલ્બર્ટ આઈનસ્ટાઇન નું અવતરણ ફરીથી વાંચો ….  

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”આઈનસ્ટાઇન   

Biodata of Albert Einstein
https://en.wikipedia.org/wiki/Albert_Einstein

:

( 894 ) મરનારને મળવાનું મળે તો કેવું ! …ગઝલ…. ચીમન પટેલ/ રસ દર્શન … વિનોદ પટેલ

Niyantika -2

 સ્વ .નિયંતિકાબેન પટેલ અને હાઈકુ સાથે ચીમનભાઈ પટેલ  

 
હ્યુસ્ટનના સાહિત્ય રસિકોની જાણીતી સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરિતા”ની ૧૬૩ મી બેઠક, તારીખ ૯ એપ્રિલ ૨૦૧૬ને શનિવારના રોજ,સુગરલેન્ડના માટલેજ રોડ ખાતેના હોલમાં યોજવામાં આવી હતી.ખ્યાતનામ કોલમ લેખિકા તથા નવલકથા અને ટૂંકી નવલિકાઓના લેખનમાં જેમનું નામ પ્રથમ પંક્તિના સર્જકોમાં ગણાય છે એવાં સુ.શ્રી નીલમબેન દોશી આ બેઠકના મુખ્ય મહેમાન હતાં .બેઠકમાં સ્થાનિક સાહિત્ય રસિકોએ એમની રચનાઓ રજુ કરી હતી.

આ બેઠકમાં હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” એ પણ એમની એક ગઝલ રચના ‘મળવાનું મળે તો કેવું’ રજૂ કરી હતી.

આ ગઝલ નીચે પ્રસ્તુત છે.

મળવાનું મળે તો કેવું!

મરનારને એકવાર મળવાનું મળે તો કેવું!
પછી ભૂલો બધી કબૂલવાનું મળે તો કેવું!

બધી ભૂલો સમજાઈ મને એના ગયા પછી,
હવે ખૂલ્લા દિલે કબૂલવાનું જો મળે તો કેવું!

દબાવી રાખીને મેં બોલવા એને ન દીધી કદી!
પીડા આંસુની હવે જો મને, સમજવાનું મળે તો કેવું!

મળ્યું જો હોત સમજ વાનું મને એ આંસુની પીડા,
કદીક સ્વપ્નામાં એને ભેટવાનું મળે તો કેવું!

ભજવ્યો ભાવ મેં ભરથારનો જ્યારે હતી સાથે,
હવે ફરી કદીક એને મળવાનું મળે તો કેવું!

વિતાવી દીધી સમજ્યા વિના જિંદગી મેં મારી સારી,
હવે આ આખરી વેળાયે ભણવાનું જો મળે તો કેવું!

કદી સમજાઈ જો હોત તને આ વાત ‘ચમન’
હવે આંસુ એના, તારા હાથે લૂછવાનું મળે તો કેવું!

ચીમન પટેલ ‘ચમન’(૯એપ્રિલ’૧૬)

 

ગઝલનું રસ દર્શન ..વિનોદ પટેલ

હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે. એમનો પરિચય અને રચનાઓ એમના બ્લોગની આ લિંક પર  જવાથી મળી રહેશે.

શ્રી ચીમનભાઈ મારા માસીના દીકરા -કઝીન ભાઈ થાય છે.ચારેક વર્ષ પહેલાં તેમનાં પત્ની નિયંતિકાબેન કે જેઓ સગાં વ્હાલાંને મળવા માટે એકલાં અમદાવાદ ગયાં હતાં ત્યારે કેન્સરના રોગને લીધે ત્યાં હોસ્પીટલમાં એમનું દુખદ અવસાન થયું હતું.

આ ગઝલમાં હાલ પત્ની વિના એકલા રહેતા વિધુર કવિ ચીમનભાઈ વલોપાત કરે છે કે પત્નીની હયાતીમાં મેં એની વાત બહુ સાંભળી ન હતી.મેં ઘણી ભૂલો કરી હતી.આજે હવે એ નથી ત્યારે બધું યાદ આવે છે અને થાય છે કે એ વખતે કરેલી બધી ભુલો કબુલી લઇને એને સુધારવાની તક મળે તો કેવું સારું.હવે આ વાતનો એમને મનમાં પસ્તાવો થાય છે.

જે વ્યક્તિ અવસાન પામે છે એને સદેહે ફરી મળી શકવાનું અશક્ય છે એ કવિ પણ જાણે છે તો પણ કવિએ એમના મનમાં રમતી ઈચ્છા વ્યક્ત કર્યા વિના રહી શકતા નથી કે જો મૃત પત્ની ફરી જીવિત થાય અને મને પાછી મળે તો હું એની સાથે બેસીને એની હયાતીમાં કરેલી બધી ભૂલો કબુલી લઉં.પહેલાં મેં એને અવગણી હતી ત્યારે મારી એ ભૂલની મને કોઈ ખબર જ ન હતી પરંતુ એના ગયા પછી આજે જ્યારે એકલો બેસી વિચાર કરું છું ત્યારે મને મારી બધી ભૂલો સમજાય છે.હવે જો એ મને મળે તો આ ભૂલોને મારે ખુલ્લા દિલે કબુલી લઈને મારું દિલ હળવું કરવું છે.

કવિ આગળ કહે છે કે જ્યારે જ્યારે એ મને કૈંક કહેવા જતી ત્યારે મેં એને દબાવી કાઢીને બોલવા નહોતી દીધી.એ વખતે એણે આંસુ સાર્યા હતાં.એની એ પીડા હવે એ નથી ત્યારે મને બરાબર સમજાય છે.મારી આ ભૂલને જો સમજાવવાનું મને મળે તો કેવું સારું એવો કવિના દુખી હ્રુદયનો આર્તનાદ છે.એમને પત્નીના આંસુની એ પીડા પહેલાં સમજાઈ ન હતી એ આજે સમજાય છે.હવે એની એ પીડાથી દ્રવિત થઈને રાત્રે સ્વપ્નમાં એને ભેટવાનું જો મળે તો કેવું ! પીડિત પત્નીને ભેટીને એમનો પ્રેમ બતાવવાની કવિને હવે ઈચ્છા રાખે છે.

કવિ કહે છે કે પત્ની જ્યારે હયાત હતી ત્યારે જીવનના નાટકમાં મેં એક ભરથાર તરીકેનો મારો પાઠ ભજવ્યો હતો જેમાં મેં પત્નીને અન્યાય કર્યો હતો.મને હવે પસ્તાવો થાય છે કે મેં એને સમજ્યા વિના જ એની સાથેની મારી જિંદગી વિતાવી દીધી . જો હવે એની સાથે ફરી જીવવાનું મળે તો મારે એની સાથે આ બધા ખુલાસા કરી મારા હૃદયમાં જે ભાર છે એને હળવો કરવો છે.

ગઝલના છેલ્લા શેરમાં કવિ કહે છે કે આ બધી વાતો મને મારી પત્ની જીવિત હતી ત્યારે સમજાઈ ગઈ હોત તો કેવું સારું થાત.પહેલાં મારી કનડગતથી એ આંસુ સારતી હતી ત્યારે હું ગણકારતો ન હતો. હવે મને એ આંસુ મારા હાથે લૂછવાની તક મળે તો કેવું!

આ ગઝલને જો ચાર જ શબ્દોમાં જો સમજાવવી હોય તો એ છે….એક વિરહી વિધુરની વેદના અને વલોપાત …

હાલ સજોડે લગ્ન જીવન જીવી રહેલ સૌ વ્યક્તિઓ માટે ચીમનભાઈની આ ગઝલ એક બોધપાઠ રૂપ છે.પત્ની જ્યારે હયાત હોય ત્યારે જ એની ભાવનાઓને સમજી એવો વર્તાવ કરવો જોઈએ કે જેથી કદાચ એ અચાનક સાથ છોડીને સદાના માટે ચાલી જાય તો મનમાં કોઈ વાતનો વસવસો રહી ન જાય,કે પસ્તાવો ના થાય.પત્ની સમક્ષ તમારા મનના ભાવ અભિવ્યક્ત કરવાનું મુલતવી રાખવું ના જોઈએ.ઘણી વાર એ જોવામાં આવ્યું છે કે પતિ એના બેટર હાફની હયાતીમાં એને સાચી રીતે સમજી નથી શકતો.પત્નીના મૃત્યુ પછી એનાથી થયેલી બધી ભૂલો સમજાય છે અને એ માટે પસ્તાવો થાય છે.પરંતુ અબ ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

–વિનોદ પટેલ 

ફલાફલના ગોટાનો લોટ! …. સ્વ.નિયંતિકા પટેલ

પત્નીના મૃત્યુ પછી શ્રી ચીમનભાઈને એમના ઘરની પેન્ટ્રીમાંથી એક કાચની લોટ રાખવાની બરણીમાંથી નિયંતિકાબેનના અક્ષરે લખેલી એક કાગળની ચબરખી મળી આવી.એમાં  “ફલાફલના ગોટાનો લોટ કેમ તૈયાર કરવો” એની રેસીપી લખેલી હતી.

ચીમનભાઈએ એમના બ્લોગની તારીખ November 5, 2015 ની પોસ્ટમાં આ રેસીપી એમના હૃદયના ભાવો વ્યક્ત કરતા લખાણ સાથે મૂકી હતી.

મહિલા વાચકો નીચે પ્રસ્તુત પોસ્ટ ખાસ વાંચશો અને સ્વ.નિયંતિકા પટેલનો મનમાં આભાર માની ફલાફલનો લોટ તૈયાર કરી એના ગોટા પણ બનાવજો અને સ્નેહી જનોને પ્રેમથી ખવડાવશો.

ફલાફલના ગોટાનો લોટ કેમ તૈયાર કરવો
(સ્વઃ નિયંતિકા પટેલ)

પ્રિયે,

તારી પાછળ મેં સમુહ ભજનો નો’તા રાખ્યા, પણ આજે જાહેરમાં તને યાદ કરવાની મારી અલગ રીતથી, તું જ્યાં હોય ત્યાં, તને જાણ કરું છું.

એક દિવસ હું પેન્ટ્રીમાં કંઇક ખોળતો હતો ને એક કાચની બરણીમાં લોટ જેવું દુરથી દેખાતાં એને બહાર કાઢીને જોતાં, તારા અક્ષ્રરોમાં લખાયેલી એક ચબરકી જોવા મળી! એ વાંચતાં, એની પાછળ કરેલી તારી મહેનતનો મને અહેસાસ થયો. આ લોટને નાખી દેવાનું મન ન થયું! તને આ ધરતી છોડે ત્રણ વર્ષ થઇ ગયા, પણ આ લોટ ખરાબ થયો નથી એનું કારણ સમજાયું!

નીચેના કઠોળ ‘ઓવન’માં શેકવામાં આવ્યા હતા, અને એને ‘બ્લેન્ડ’ કરી તૈયાર કરી રાખ્યા હતા એની પહેચાન થઇ. તું એનો લાભ ન લઇ શકી! મને થયું કે તારા અક્ષ્રરોવાળી ચબરખી હું સાચવી રાખીશ સ્મૃતિ માટે. આજે તારી ‘રેસેપી’ને ટાઇપ કરી તારા ‘લેડીઝ’ મિત્રોને મોકલું છું તો એ મિત્રપત્નીઓ આ રેસેપીનો ઉપયોગ કરશે ત્યારે ત્યારે તને યાદ કરશે. આજે ખાસ સમય કાઢી તારી રેસીપી અહિ ટપકાવું છું.
• ૧ પેકેટ મોટા ચણા ૧૬ ઔંસ
• ૧ કપ આખા મગ
• ૧ કપ ઘઉના ફાડા
• ૧ કપ તુવેરની દાળ
• ૧ કપ ચોખા
• ૧/૨ કપ અડદની દાળ
આ બધુ ઓવનમાં શેકીને ‘બ્લેન્ડ’ કરવું.(આમાં ધાણા શેકીને ‘બ્લેન્ડ’ કરી નાખી શકાય)
નોંધઃ દિકરી હેતાએ આ લોટમાંથી ગોટા બનાવ્યા ને બધાને ખૂબ જ ભાવ્યા.

November 5, 2015 …Posted by chiman Patel

ચીમનભાઈ અને નિયંતિકાબેનના જીવનની એક સત્ય ઘટના પર આધારિત મારી એક લઘુ વાર્તા અગાઉ વિનોદ વિહારમાં ” ના માન્યું ને !” એ નામે પ્રસિદ્ધ થઇ હતી એને અહીં ક્લિક કરીને વાંચો.

( 893 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું .આ દુખદ પ્રસંગને આજ કાલ કરતાં ૨૪ વર્ષ થઇ ગયાં ! સમય સમયનું કામ કર્યે જાય છે.  

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ , પાનખર બની ખરી ગયાં !

આજે ૧૪મી એપ્રિલ ૨૦૧૬ ના દિવસે સ્વ.કુસુમબેનની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ આ પોસ્ટ દ્વારા આપું છું.

 

 

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ
(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

હાર્દિક કાવ્યાંજલિ

ગોઝારા એ કરુણ દિને હૃદય અમારાં ભગ્ન થયાં હતાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .

નશ્વરદેહ તમારો ભલે પંચ મહાભૂતમાં ભળી ગયો,

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.

વેદનાઓ, કષ્ટો સહ્યાં અત્યંત ધીરજથી, બેશબ્દ રહી,

જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી, તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ઓછા પડે ખરે ગણવા ઉપકારો અમ પર આપના,

ચોવીસમી પુણ્યતિથીએ અર્પું, શ્રધાંજલિ અલ્પ શબ્દો થકી.

૧૪મી અપ્રિલ,૨૦૧૬ —વિનોદ પટેલ

“કુસુમાંજલિ “ -ઈ બુક

ગયા વરસે સ્વ.કુસુમબેનની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી પ્રતિલિપિ ના સહયોગમાં “કુસુમાંજલિ “ નામની એક ઈ-બુક બહાર પાડવામાં આવી હતી.

કભી ખુશી,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ એમાં તમને આમુખ -પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંત,ભજન સંગ્રહ વી.આ આ ઈ-પુસ્તકમાંથી વાંચવા મળશે .

ઉપરાંત મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં પ્રકાશિત મારા સ્વ-રચિત ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો વી.માંથી મારી પસંદગીની રચનાઓનો પણ એમાં સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીએ એમની યાદમાં “કુસુમાંજલિ” ઈ-બુક દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુકને વાંચી શકાશે.

kusumaanjali- big-2

આજના દિને મને ગમતી પાંડીચેરી અરવિંદ આશ્રમનાં શ્રી માતાજી રચિત એક પ્રાર્થના

પ્રાર્થના
હે પ્રભુ ! હે પરમાત્મન ! હે ગુરુદેવ !
મારા સર્વ વિચારો,મારી સર્વ ઉર્મિઓ,
મારા સર્વ મનોરથો મારા દેહનું અણું એ અણું,
મારા લોહીનું બિંદુએ બિંદુ તારામય હો.
તારા જગતની સેવા માટે હો.

હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો,
મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ,
મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ,
ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય,
હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય ,
તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ
તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.

—–શ્રી માતાજી (અરવિંદ આશ્રમ ,પાંડિચેરી)

गीता सार
Gita sar

 જિંદગીની આ તો કેવી છે કરુણતા કે,

નજર સમક્ષ રોજ  રહેતાં  પ્રિય જન,

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે ! 

વિદાય થાય પણ યાદો રહી જાય છે!

વિનોદ પટેલ