વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 960 ) જન્મદાત્રીના જન્મ દિવસનો જશન …(સત્ય ઘટના )… હેમંત વૈદ્ય

સમાજમાં બનતી સત્ય ઘટનાઓની પ્રેરક વાતો કોઈ વાર્તા લેખકની કાલ્પનિક વાર્તાઓ કરતાં મને વધુ ગમે છે.

લેખકો પણ છેવટે તો સમાજમાં બનતી ઘટનાઓનું નિરીક્ષણ કરી એમાં એમની કલ્પનાઓ ઉમેરીને અને એમની રીતે શબ્દો અને શૈલીના વાઘા પહેરાવીને વાર્તાઓની રચના કરતા હોય છે ને !

આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ સત્ય ઘટનામાં  શંકર પાટોળે નામનો કોલ્હાપુરનો રિક્ષાચાલક એની માતૃ વંદનાની અભિવ્યક્તિ અનોખી રીતે કરે છે એની વાત છે.સ્વર્ગસ્થ જન્મ દાત્રી માતાના જન્મ દિવસ ૨૩ ઑગસ્ટે માતા પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનો એક નવો શિરસ્તો પાડીને એ લોકોની ચાહના મેળવી ગયો છે. 

એક  સામાન્ય રીક્ષા વાળાની અનોખી માતૃ ભક્તિને ઉજાગર કરતી આ સત્ય ઘટના વાંચ્યા પછી તમને  શંકર પાટોળેને સલામ કરવાનું જરૂર મન થશે. 

આ સત્ય કથા વાંચીને મને સ્વ.કવિ બોટાદકર રચિત ખુબ જાણીતા કાવ્ય જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ (વિડીયો) ની યાદ તાજી થઇ ગઈ .

વિનોદ પટેલ 

 mother-rikshawala

જન્મદાત્રીના જન્મદિવસનો જશન

પ્રાસંગિક – હેમંત વૈદ્ય

આપણી સંસ્કૃતિમાં માનો દરજ્જો બહુ ઊંચો છે. ભગવાન કરતાં ઉપરનું સ્થાન તેને આપવામાં આવ્યું છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો પણ આપણે ત્યાં પ્રચલિત છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં એક રિક્ષાચાલક માતૃવંદના અનોખી રીતે કરીને લોકોની ચાહના મેળવી ગયો છે.

જન્મદિન અથવા વરસગાંઠનું આપણે ત્યાં અનેરું મહાત્મ્ય છે. દરેક જણ પોતપોતાની સમજણ તેમ જ ક્ષમતા અનુસાર આ દિવસની ઉજવણી કરતા હોય છે. કોઇ સાદાઇથી કરે તો કોઇ લાખો ખર્ચીને ધામધૂમ કરીને ઉજવણી કરે. કોલ્હાપુરના રિક્ષાવાળાએ પોતાની માતાની વરસગાંઠ નિમિત્તે આખા દિવસ દરમિયાન પ્રવાસીઓને વિનામૂલ્ય સેવા આપીને વરસગાંઠ મનાવી. તેણે શરૂઆત સવારે આઠ વાગ્યે કરી હતી અને ૧૨ કલાક સુધી રિક્ષા ચલાવીને રાતે આઠ વાગ્યા સુધી લોકોને સહેલ કરાવી. આ સાથે માતા પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનો નવો શિરસ્તો તેણે પાડ્યો.

શંકર પાટોળે નામનો આ રિક્ષાચાલક છેલ્લાં ૨૦ વર્ષથી રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરી રહ્યો છે. ઘરની પરિસ્થિતિ અત્યંત નાજુક. શંકર દસ વર્ષનો હતો ત્યાં જ તેના પિતાશ્રીનું અવસાન થયું હતું. જોકે, માતા કમલતાઇ હિંમત ન હાર્યાં. વાસણ-કપડાં ધોવાનું કામ કરીને તેમ જ પોસ્ટ ઑફિસમાં કૉન્ટ્રૅક્ટ પર સાફસફાઇનું કામ કરીને તેમણે બાળકોનો ઉછેર કર્યો. માને પડતું કષ્ટ અને તેને થતી વેદના શંકરથી છૂપી નહોતી. એટલે માતાને જતી જિંદગીમાં કોઇ કરતા કોઇ પ્રકારનું કષ્ટ ન પડે એવું ઘરનું વાતાવરણ તે જાળવી રાખતો હતો. બીજી એક વાત તેણે ખાસ નોંધી કે જ્યારે પણ પરિવારની કોઇ વ્યક્તિની વરસગાંઠ હોય ત્યારે માતુશ્રી એ દિવસ ધ્યાનમાં રાખીને ઘરમાં કોઇ ગળી વાનગી બનાવીને લોકોના મોઢાં મીઠાં કરાવતી, પણ પોતાના જન્મદિનની તારીખ સંતાડીને રાખતી. શંકરને તો માની વરસગાંઠ કયે દિવસે છે એની જાણ પણ નહોતી અને માને પૂછતા પોતાને યાદ નથી એનું કહીને વાત ટાળી દેતી. જોકે, થોડા દિવસો પહેલા આધાર કાર્ડ બનાવવાને નિમિત્તે કેટલાક કાગળો શોધતા શોધતા માતાની વરસગાંઠ ૨૩ ઑગસ્ટે હોવાની અને એ દિવસે તેમને ૬૫ વર્ષ પૂરાં થઇ રહ્યા હોવાની શંકરને જાણ થઇ. બસ, આ દિવસે કંઇક નોખું કરવું એવો નિર્ધાર શંકરે કરી લીધો.

‘ધાર્યું હોત તો હું બસો રૂપિયાની કેક ખરીદીને વરસગાંઠની ઉજવણી કરી શક્યો હોત,’ શંકરે કહ્યું, ‘પણ મને એ દિવસો યાદ આવ્યા જ્યારે મા વાસણ-કપડાં ધોવા જતી. ક્યાંય જવું હોય તો પગપાળા જતી, કારણ કે રિક્ષા ત્યારે પોસાતી નહોતી. એટલે એ દિવસે (૨૩ ઑગસ્ટે) પ્રવાસીઓ પાસેથી ભાડું નહીં લેવાનો નિર્ણય લીધો. હું ભાડું નથી લેતો એ જાણીને ઘણા લોકોને સુખદ આંચકો લાગ્યો. જોકે, જ્યારે મેં તેમને કારણ જણાવ્યું ત્યારે તેમના ચહેરા પરના ભાવે મારી ઉજવણીને વધુ આનંદદાયક બનાવી દીધી.’ શંકરે એ દિવસે રિક્ષાના પાછળના ભાગમાં માતુશ્રીની તસવીર તેમ જ આજનો દિવસ વિનામૂલ્ય પ્રવાસનો આનંદ માણો એવી જાહેરાત પણ કરી. કેટલાક લોકોએ ભાડું આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે નમ્રતાથી ના પાડી. જોકે, એક પ્રવાસીએ ફૂલની દુકાન નજીક રિક્ષા ઊભી રખાવીને ફૂલનો બુકે લઇને ઉજવણી કરી તો વળી એક પ્રવાસીએ મીઠાઇનું પડીકું બંધાવ્યું. બે-ત્રણ જણે તો શંકરની સાથે સેલ્ફી લઇને આનંદ વ્યક્ત કર્યો. માતા પ્રત્યેનો આદર અનોખી રીતે વ્યક્ત કરવાનો શંકરનો આ પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે.

સૌજન્ય- મુંબઈ સમાચાર 

માતાની મહત્તાને ઉજાગર કરતાં બે ચિત્રો 

2 responses to “( 960 ) જન્મદાત્રીના જન્મ દિવસનો જશન …(સત્ય ઘટના )… હેમંત વૈદ્ય

  1. pragnaju ઓક્ટોબર 2, 2016 પર 6:26 પી એમ(PM)

    માતા પ્રત્યેનો આદર અનોખી રીતે વ્યક્ત કરવાનો શંકરનો આ પ્રયાસ ને ધન્યવાદ
    આવી પ્રેરણાદાયક વાતો રજુ કરવા બદલ તમને પણ ધન્યવાદ

    Like

  2. સુરેશ ઓક્ટોબર 3, 2016 પર 2:40 પી એમ(PM)

    બહુ જ પ્રેરણાદાયક સત્યકથા. ગમી ગઈ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.