વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1013 ) એક કબીર ભજન … વિડીયો … વિચાર વિસ્તાર ( સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )

(સંકલન સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )

Sant-Kabir-Das-4148

એક કબીર ભજન …મત કર મોહ તુ …..

મત કર મોહ તુ, હરિભજન કો માન રે.

નયન દિયે દરશન કરને કો,
શ્રવણ દિયે સુન જ્ઞાન રે … મત કર

વદન દિયા હરિગુણ ગાને કો,
હાથ દિયે કર દાન રે … મત કર

કહત કબીર સુનો ભાઈ સાધો,
કંચન નિપજત ખાન રે … મત કર

– સંત કબીર

આ કબીર ભજનને શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશીના સ્વરે મગ્ન થઈને સાંભળો/માણો.
Mat Kar Moh Too Hari Bhajan Ko Maan Re–Bhimsen Joshi

ભજનનો વિચાર વિસ્તાર ….

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ હરિભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ કહે છે કે આ સંસારમાં મોહ કરવા જેવું કશું નથી. સ્ત્રી, ઘર, સંતાન, ધન વગેરેની માયા કરવી નકામી છે. અંત સમયે માત્ર હરિભજન જ કામ આવવાનું છે.

તેઓ મનુષ્યને કહે છે કે ભગવાને તને આંખો પ્રભુના દર્શન કરવા માટે આપેલી છે, કાન પ્રભુનું નામ સાંભળવા માટે આપેલા છે, વાણી હરિના ગુણગાન ગાવા માટે અને હાથ સત્કર્મો કરવા માટે આપેલા છે. જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તું આ બધી ઈન્દ્રિયો વડે એ કામ કરી લે. એક વાર પ્રાણ શરીરમાંથી નીકળી ગયા પછી કશું જ થઈ શકવાનું નથી. જેમ ખાણમાંથી ખોદીને તારવીને સોનું પ્રાપ્ત કરવામાં આવે છે એવી જ રીતે આ મનુષ્ય દેહ એક ખાણ સમાન છે. એમાં તું હરિનામનું કંચન પ્રાપ્ત કરી લે. આત્મ તત્વની અનુભૂતિ કરી લે. ઈશ્વરને પ્રાપ્ત કરી લે.

જો તમને તમારા અંદરથી સંતોષ ન મલે તો બીજે ક્યાંય થી મળવાનો નથી. બહાર શોધીને તમારી શક્તિ નો વ્યય ન કરો.કબીરસાહેબ એક સર્વસ્વીકાર્ય સાચા સંત હતા. એમણે જીવનના તત્ત્વજ્ઞાનને પોતાની સરળ ભાષામાં, પદો, ભજનો, સાખીઓ અને દોહાઓ દ્વારા પીરસ્યું છે. એમની એક સાખી છેઃ

ગોધન, ગજધન, બાજધન, ઔર રતનધન ખાન;
જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.

કબીરસાહેબ કહે છે કે તમારી પાસે ગમે તેટલું ધન હોય અને રત્નોની ખાણ હોય પણ જ્યારે તમને ‘સંતોષ’ રૂપી ધન પ્રાપ્ત થાય છે ત્યારે બાકીનાં બધાં ધન તમને ધૂળ સમાન લાગવા માંડે છે. એટલે કે માણસ ‘સંતોષી’ થાય તો જ સુખી થઈ શકે છે.

કબીરસાહેબની વાત આત્મસાત કરવા જેવી છે, કારણ કે આજના માનવીને પોતાની જીવનજરૂરિયાતથી વધારે મળ્યું હોવા છતાં એની ઇચ્છાઓ વધુ ને વધુ મેળવવા માટે બહેકી જાય છે. અને પછી કોઇ એક તબક્કે પોતે શું મેળવવા ઇચ્છે છે એનું ભાન પણ એને રહેતું નથી.

ટોલ્સ્ટોયની વાર્તા ‘માણસને કેટલી જમીન જોઈએ?ના નાયકની જેમ આજનો માનવી વધુ ને વધુ મેળવવા માટે દોડયા જ કરે છે, એને સંતોષ જ થતો નથી. ટોલ્સ્ટોયની વાર્તામાં મુદ્દો એવો છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં માણસ જેટલી જમીન ઉપર દોડી શકે એટલી જમીનનો એ માલિક બની શકે. હજી વધુ, હજી વધુની ઇચ્છામાં એક માણસ દોડતો જ રહે છે, છેવટે થાકીને હાંફીને એ પડી જાય છે અને એમ જ મૃત્યુ પામે છે. જે જમીન ઉપર એ ફસડાઈને મૃત્યુ પામ્યો હોય છે ત્યાં જ એને દફન કરવામાં આવે છે. છેવટે ‘એની કબર બની એટલી જમીન જ એને મળી.’

સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ

1 responses to “( 1013 ) એક કબીર ભજન … વિડીયો … વિચાર વિસ્તાર ( સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.