વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1247- સરદારની વિશ્વવિક્રમી પ્રતિમાઃ અન્યાય બહુ થયો, હવે ન્યાય કરીએ… આલેખનઃ રમેશ તન્ના

સરદારની વિશ્વવિક્રમી પ્રતિમાઃ અન્યાય બહુ થયો, હવે ન્યાય કરીએ…
આલેખનઃ રમેશ તન્ના

statue-1

ભારતના જાહેરજીવન-રાજકારણમાં ઘણાને નાનો-મોટો અન્યાય થયો હશે, પરંતુ સરદાર પટેલ જેટલો અન્યાય ભાગ્યે જ કોઈને થયો હશે. એક જમાનામાં સરદાર ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા અને તેમણે અનેક લોકોને ન્યાય અપાવેલો, પણ તેમના પોતાના કિસ્સામાં કંઈક જુદું જ થયું. જીવનભર તેઓ સતત કામ કરતા રહ્યા અને અન્યાય સહન કરતા રહ્યા. 

તેમના મૃત્યુ પછી પણ અન્યાયનો સિલસિલો બરકરાર રહ્યો. નવી દિલ્હીમાં આરૂઢ કોંગ્રેસી સલ્તનતે સતત એવો પ્રયાસ કર્યો કે સરદાર પટેલનું નામ ભારતીય ઈતિહાસમાંથી ભૂંસાઈ જાય. એમનું ચાલત તો એવી સ્થિતિનું નિર્માણ કરત કે સરદાર પટેલ નામનો કોઈ માણસ ક્યારેય ભારતના રાજકારણમાં હતો જ નહીં. પહેલાં તેમના પ્રદાન પર મોટી ચોકડી મારી, એ પછી કદાચ તેમના અસ્તિત્વ ઉપર જ ડસ્ટર ફેરવી નાખવામાં આવત. કદાચ કોઈને આ વાતમાં અતિશ્યોક્તિ લાગશે, પણ જો તમે ભારતના જાહેરજીવનનો ઈતિહાસ તટસ્થ રીતે તપાસશો તો તેમાં ભારોભાર તથ્ય લાગશે. સરદાર પટલેના નામ અને કામને ભૂલાવવા માટે થયેલા પ્રયાસનું એક સ્વતંત્ર પુસ્તક થાય. 

૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ સરદાર સરોવર નર્મદા યોજના પાસે, સાધુબેટ પર વિશ્વમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થશે એ ઔતિહાસિક અને વૈશ્વિક ઘટના છે.


સરદાર પટેલ ભારતની સ્વતંત્રતાની લડતના અગ્રણી હતા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરાઈને તેઓ લડતમાં જોડાયા. એ પહેલાં એડવોકેટ તરીકે તેમના નામના ડંકા વાગતા. તેઓ સફળ ધારાશાસ્ત્રી હતા. ખૂબ કમાતા પણ હતા.
 

સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહનું સુકાન સફળતાથી સંભાળ્યું એ પછી ક્યારેય તેમણે પાછું વળીને જોયું નથી. ભારતની સ્વતંત્રતાની લડતમાં અનેક નાજુક ક્ષણો આવી, ગૂંચવણો ઊભી થઈ, મૂંઝવણો આવી, દર વખતે સરદારે પોતાની ભૂમિકા યોગ્ય રીતે અદા કરી. આજે કાશ્મીરની એક જ સમસ્યા સામે આપણે લડી રહ્યા છીએ, જો સરદાર ના હોત તો આવી અનેક સમસ્યાઓ આપણા રાષ્ટ્રને નડતી હોય. તેમણે પોતાને સોંપાયેલી દરેક સમસ્યાનો ઉકેલ શોધ્યો. સમયસર અને પાકો ઉકેલ શોધ્યો. તેઓ કદી મોડા ના પડ્યા કદી મોળા ના પડ્યા. તેઓ કદી કાચા ના પડ્યા કે ક્યારેય પાછા ના પડ્યા. તેમને જે જે કામ સોંપાયુ તે તેમણે સવાયું કરીને પૂર્ણ કર્યું. નિષ્ફળતા તેમના સ્વભાવમાં જ નહોતી. 

સ્વતંત્રતાની લડત દરમિયાન પણ તેમને સતત અન્યાય થતો રહ્યો. તેઓ મહાત્મા ગાંધીની કસોટીમાંથી પાર ઉતરતા રહ્યા અને પાસ થતા રહ્યા. 

આમ છતાં જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન નક્કી કરવાની સૌથી મહત્ત્વની ઘડી આવી ત્યારે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને નાપાસ કર્યા. 

હિંદુસ્તાનની મોટાભાગની પ્રાંતિય સમિતિઓએ વડાપ્રધાનપદ માટે સરદાર પટેલનું નામ આપ્યું, પરંતુ ગાંધીજીના મનમાં તો જવાહરલાલ નેહરુનું નામ નિશ્ચિત હતું. તેઓ અગાઉ નેહરુને પોતાના વારસદાર જાહેર કરી ચૂક્યા હતા. 

સરદાર પટેલને જ નહીં, સમગ્ર દેશને થયેલો આ મોટામાં મોટો અન્યાય હતો.રાષ્ટ્રપિતા ગાંધીજી માટે પૂરેપૂરો આદર રાખીને પૂછવાનું મન થાય કે તમને આવું કરવાનો અધિકાર હતો ? જો તમામ પ્રાંતિય સમિતિઓ સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા ઈચ્છુક હોય તો તેમના મતનું સમર્થન ના થવું જોઈએ? જો તેમના મતની કોઈ કીમત નહોતી તો પછી તેમનો મત જાણવાની આવશ્યકતા કઈ હતી? 

એના કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે એ વખતે જવાહરલાલ નેહરુએ કેમ કોઈ ચોક્કસ પ્રતિસાદ ના આપ્યો ? તેઓ કેમ ચૂપ રહ્યા ? તેમણે ગાંધીજીને સ્પષ્ટ કહેવું જોઈએ કે કોંગ્રેસ પક્ષની મોટાભાગની પ્રાંતિય સમિતિઓ જો સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા માગતી હોય તો મારાથી કેવી રીતે વડાપ્રધાન બની શકાય ? હું નહીં બનું વડાપ્રધાન. સરદાર પટેલ જ વડાપ્રધાન બનવા જોઈએ.

સરદાર પટેલની આકાશને આંબતી પ્રતિભાને તે દિવસે ધરાર, હાડોહાડ, હલહળતો અન્યાય થયો, અને એકવીસમી સદીના પ્રારંભે, તેમની વિદાયનાં ૬૮ વર્ષ પછી, ૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ, તેમની ૧૪૩મી જન્મજંયતિએ, આકાશને આંબતી સરદારની વિશ્વવિક્રમી પ્રતિમાંનું સર્જન કરીને રાષ્ટ્ર અને ગુજરાત ચપટીક ન્યાય તોળવાનો પ્રયાસ કરી રહ્યું છે.જો સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન થયા હોત તો કાશ્મીર ભારતનું માથું હોત. આજે માથાનો દુઃખાવો છે. આટલો ફરક હોય છે એક સશક્ત નેતા અને એવરેજ નેતા વચ્ચે. સરદાર પટેલે મૂળમાં ઘા કરીને ૧૯૪૭માં જ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી દીધું હોત.

જે માણસ જોતજોતામાં ૫૬૨ રજવાડાં એક છત્ર નીચે લાવી શકે તે માણસ અન્ય એક રાજ્યને ભારત સાથે ના જોડી શકે ? સરદાર પટેલ એ કરી જ રહ્યા હતા, પણ નેહરુએ એમ ના કરવા દીધું કારણ કે તેઓ વડાપ્રધાન હતા. તેમનો અહમ્‌ આડે આવ્યો. તેઓ પ્રશ્નને યુનોમાં લઈ ગયા. ત્યારથી કાશ્મીરનો પ્રશ્ન ઉનોને ઉનો એટલે કે ગરમ છે, એ પ્રશ્ન ક્યારેય ટાઢો પડ્યો જ નહીં.

સરદાર પટેલને થયેલા અન્યાયનો કોઈ હિસાબ નથી. કથા ઘણી લાંબી છે. ડગલેને પગલે તેમને મહાત કરવા પ્રયાસો થયા. હિમાલય જેવડા આ માણસને વારેવારે તોડી નાખવા પ્રયાસો કરાયા. ભારતના કરોડો લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા આ મહામાનવને કોંગ્રેસ પક્ષે ૧૯૯૧માં ભારત રત્ન આપ્યો હતો.(એ જ વર્ષે રાજીવ ગાંધીને પણ ભારત રત્ન અપાયો હતો.) આનાથી મોટી મશ્કરી કઈ હોઈ શકે સરદારની? સરદાર પટેલનું મૃત્યુ થયું ૧૯૫૦માં અને તેમને ભારત રત્ન અપાયો છેક ૧૯૯૧માં. સરદાર પટેલ ભારત રત્ન હતા તે નક્કી કરવામાં કોંગ્રેસને ૪૧ વર્ષ લાગ્યાં. અને એ દરમિયાન કેવા કેવા લોકોને ભારત રત્ન અપાઈ ગયા ? તેની ચર્ચા ના કરવામાં જ સાર છે. 

જો તટસ્થ રીતે ઈતિહાસ તપાસીએ તો સ્પષ્ટ વંચાય છે કે કોંગ્રેસ પક્ષે, જવાહરલાલ નેહરુએ, નેહરુ-ગાંધી પરિવારે સરદાર પટેલનું નામ ભૂંસવા માટે સતત પ્રયાસો કર્યા. જાણે કે ભારતની સ્વતંત્રતાની લડતમાં તેમનું કોઈ પ્રદાન જ નહોતું. આ અન્યાય આજે ૧૮૨ મીટરની ઊંચી પ્રતિમા બનીને હવે જવાબ આપી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષની માથું ઊંચું કરવાની પણ શક્તિ નથી. એ કબૂલવું જ રહ્યું કે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ કરીને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસે સરદાર પટેલને કરેલા અન્યાયનો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. 


ભારતને સરદાર પટેલની વિશ્વવિક્રમી પ્રતિમાની ભેટ આપવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈતિહાસ સદાય યાદ કરશે. તમે નરેન્દ્ર મોદીના ગમે તેટલા કડક અને કટ્ટર વિરોધી હોવ તો પણ તેમના આ પ્રદાનને કદી ભૂલી નહીં શકો.


પ્રતિમા તો માત્ર પ્રતીક છે, તેમણે ભારતના એક મહામાનવ, સરદાર પટેલની સાચી પ્રતિભાનું, તેમના રાષ્ટ્રપ્રેમનું, તેમની રાષ્ટ્રભક્તિનું, તેમણે દેશ માટે આપેલા સમર્પણનું બહુમાન કર્યું છે. સરદાર પટેલની પ્રતિમાને પૂતળું કહીને હસી કાઢનારા લોકોએ યાદ રાખવું જોઈએ કે પ્રતિમાઓ માત્ર પૂતળાં નથી હોતી. રાષ્ટ્રનાયકોની પ્રતિમાઓ રાષ્ટ્રના લોકોમાં ગૌરવ અને સ્વાભિમાનનો મંત્ર ફૂંકે છે. તેઓ લોકોના હૃદયમાં નવી આશા, નવી હીંમત અને નવા પ્રાણ ભરે છે.


‘સાધુબેટ’ પર ઊભી ઊભી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર ભારતવર્ષને તેમની હીંમત, તેમની ઉર્જા અને શક્તિ, તેમની સહિષ્ણુતા અને માનવતાના પાઠ યાદ કરાવતી રહેશે. અહીં ઊભા ઊભા સરદાર સમગ્ર રાષ્ટ્ર પર નજર રાખશે. દુબળા અને નબળા લોકોને સશક્ત અને મજબૂત થવા પ્રેરશે. હારી ગયેલાને બેઠા થવા કહેશે. બેઠા થયેલાને ઊભા થઈને આગળ ધપવા હાકલ કરશે. સરદાર પટેલની આ પ્રતિમા પાકિસ્તાન અને ચીન પર પણ કડક નજર રાખશે. સરદાર કહેશે કે સરહદ પર તમે હદમાં રહેજા. અમે તમારી મર્યાદા રાખીશું, પણ તમે મર્યાદા પણ રાખજો. જો તમે તમારી મર્યાદા ચૂકશો તો અમે મર્યાદા છોડીને આગળ વધીશું. કોઈને દુઃખી કરવાના અમારા સંસ્કાર નથી, પણ કોઈ અમને દુઃખી કરવા પ્રયાસ કરે તો અમે ચૂપ બેસીશું નહીં.

સરદાર પટેલની આ પ્રતિમા ભલે કેટલાકને નિર્જીવ લાગે, પૂતળું બનીને ઊભેલી એક આકૃતિ લાગે, પણ ખરેખર તો આ પ્રતિમા, નવો ઉત્સાહ, નવી શક્તિ, નવી ઉર્જા, નવા સંકલ્પો, નવો આનંદ બનીને ભારતના ૧૨૫ કરોડ લોકોના હૃદયમાં પ્રસરી જશે. જે લોકો એમ માનશે કે આ તો જુદાં જુદાં ધાતુઓથી બનેલી એક પ્રતિમા છે તે લોકો ખોટા પડશે. ખરેખર તો ભારતના સ્વાભિમાન અને ભારતના આત્મગૌરવે પ્રતિમાના સ્વરૂપમાં મૂર્ત દેહ ધારણ કર્યો છે. હવે અહીંથી રાષ્ટ્રચેતનાનો શંખ ફૂંકાશે જેનો ધ્વનિ ભારતના ખૂણે-ખૂણે સંભળાશે. એ ધ્વનિ નિરાશ-હતાશ થયેલાને પણ દોડતા કરશે. હારી ચૂકેલાને પણ તે પુનઃ રણમેદાનમાં મોકલશે. 


એ ધ્વનિ રાષ્ટ્રના તમામ પ્રકારના ખાલીપાને ભરી દેશે.


તુલસીપત્રઃ


સરદાર પટેલની વિશ્વવિક્રમી પ્રતિમાના પાયામાં છે ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ. તેઓ જ્યાં સરદાર સરોવર નર્મદા યોજના થઈ છે ત્યાં કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની એકસો ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવા માગતા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લઈને તેને વિશ્વવિક્રમી બનાવી દીધો. વિશ્વવિક્રમી પ્રતિમાના અનાવરણ વખતે સ્વામી સચ્ચિદાનંદનું સ્મરણ પણ કરવું જોઈએ.


(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

રમેશ તન્ના 

ઓક્ટોબર  ૨૪,

આજનો કચ્છમિત્ર અને ફૂલછાબમાં પ્રકાશિત થતી કોલમ ખુલ્લી બારીનો લેખ

 

 

2 responses to “1247- સરદારની વિશ્વવિક્રમી પ્રતિમાઃ અન્યાય બહુ થયો, હવે ન્યાય કરીએ… આલેખનઃ રમેશ તન્ના

  1. Anila Patel નવેમ્બર 5, 2018 પર 9:26 પી એમ(PM)

    સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી એની કાન્તિને ઝાંખપ નથી લાગતી . કઠોર પરિશ્રમ નો કોઇ વિકલ્પ નથી એમ કહેનાર સરદાર ને અન્યાય કરનારા ઝાંખા પડી ગયા. આખરે નરેન્દ્ર મોદીના પ્રયત્નો રંગ રાખ્યો.
    સરદાર અમર રહો, છે અને રહેશે. જય સરદાર.

    Like

  2. મનસુખલાલ ગાંધી નવેમ્બર 5, 2018 પર 9:51 પી એમ(PM)

    સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી એની કાન્તિને ઝાંખપ નથી લાગતી . કઠોર પરિશ્રમ નો કોઇ વિકલ્પ નથી એમ કહેનાર સરદાર ને અન્યાય કરનારા ઝાંખા પડી ગયા. આખરે નરેન્દ્ર મોદીના પ્રયત્નો રંગ રાખ્યો.
    સરદાર અમર રહો, છે અને રહેશે. જય સરદાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.