વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 798 ) વિરાટ વિશ્વાસ ….ચિંતન લેખ …. લેખક –ડો.પ્રકાશ ગજ્જર

 વિનોદ વિહારની આ અગાઉની પોસ્ટ નંબર ( 797 ) માં તમોએ ડો. પ્રકાશ ગજ્જર નો એક પ્રેરક ચિંતન લેખ“ચિંતાને રામ રામ “ વાંચ્યો હશે .

આજની પોસ્ટમાં ડો. પ્રકાશ ગજ્જરનો  જ બીજો લેખ” વિરાટ વિશ્વાસ …” એવો જ પ્રેરણાદાયી લેખ પ્રગટ કર્યો છે .આપને એ જરૂર વાંચવો ગમશે.

એક જ માતૃ સંસ્થા “સર્વ વિદ્યાલય-કડી “ના સહ અધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જરે એમના કોઈ પણ પ્રસિદ્ધ પુસ્તક કે અન્ય મેગેજીન કે બ્લોગોમાં પ્રગટ એમના કોઈ પણ લેખને વિનોદ વિહારમાં પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા બદલ હું એમનો આભારી છું .એમની મૈત્રી તાજી કરતાં આનદ અનુભવું છું.

વિનોદ પટેલ

============================================

વિરાટ વિશ્વાસ …. લેખક –શ્રી પ્રકાશ ગજ્જર

[ આજે “પ્રેરણાનો પ્રકાશ” વિભાગમાં અગાઉ “જનકલ્યાણ” સામાયિક (વર્ષઃ ૧૯૯૬) માં પ્રગટ થયેલ, પ્રકાશ ગજ્જર રચિત “વિરાટ વિશ્વાસ” માં જીવનનાં જરુરી એવી સફળતા ના પાયામાં રહેલા “આત્મવિશ્વાસ” જેવા અગત્યના પરિબળ ની આવશ્યકતા તેમજ તેને વિકસાવવાની રીત ને જગતના સર્વોતમ મહાનુભાવો ના અંગત અનુભવો ના વિવિધ ઉદાહરણો આપી ને સરસ રીતે રજુ કરી છે.]

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકનંદ જ્યારે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરીકા જતા હતા, ત્યારે હસ્તિનાપુરના રાજાએ એમને કહ્યું:

‘તમારે એક માર્ગદર્શક સાથે રાખવો જોઇએ.’     

‘શા માટે?’

‘પરદેશમાં જવાનું છે. તમે સાવ અજાણ્યા. કોઈ માર્ગદર્શક હોય તો સારું’

‘એવો માર્ગદર્શક તો છે.’     

‘ક્યાં છે?’

‘અહીં !’ પોતાના હ્રદય તરફ આંગળી ચીંધતા સ્વામીજીએ જવાબ આપ્યો.

એમનો અભિપ્રાય આત્મવિશ્વાસથી અણુંપ્રાણિત હતો એ સમજાય છે?

મહા પુરુષોનો આત્મવિશ્વાસ એટ્લોજ મહાન હોય છે, જેટલા એ મહાન હોય છે. આ બન્ને વચ્ચે એટલો ગાઢ સંબંધ હોય છે કે કોઈ માણસ પોતાની મહાનતા ને જગાડવા આત્મવિશ્વાસ ને જગાડીને યોગ્ય પરિણામો પ્રગટાવી શકે છે.

અબ્રાહિમ લિંકન

લિંકન અમેરીકામાંથી ગુલામીપ્રથા નાબુદ કરવાના મતનો હતો.

આ મુદ્દા પર ગૃહયુધ્ધ થયું ને હજારો માણસો મરાયા. વિરોધપક્ષના નેતા બ્રિયાને કહ્યું:  ‘આ સારું કહેવાય?’

‘આ કતલનો હું પણ વિરોધી છું. ભાઈઓ – ભાઈઓ વચ્ચેના વેર નો હું પણ વિરોધી છું. પણ ગુલામી ગઈ એનો મને આનંદ છે.’

‘પણ ખોટા બલિદાનો દેવાયા ને?’

‘એ બલિદાનો એળે પણ નથી ગયા. આપણે તો એટ્લું જ સમજવાનું કે માનવતાના મહાન આદર્શ માટે જ આ બધું થઈ ગયું છે. દ્ઢ નિશ્ચયની સામે આખા સંસાર ને ઝુકી જવું પડે છે તેની ખાતરી થઈ ગઈ.’

આવી ઊંચી ભૂમિકા ભલે દરેક માણસ બતાવી ન શકે. પણ એના અંગત હિતો વિશ્વની સાથે ન ટ્કરાય એ રીતે દ્દ્ઢતા ધારણ કરે અને આત્મવિશ્વાસથી ચાલે તો એને માટે મુશ્કેલ શું કહેવાય?

રાણા પ્રતાપ, શિવાજી ને વીર દુર્ગાદાસનાં નામ તમને તરત જ યાદ આવશે.

દુર્ગાદાસની આસપાસ જે વિષમતાઓ વ્યાપી હતી તેનાથી કોઈ પણ થાકી જાય. પણ દુર્ગાદાસ હાર્યા નહિ ને છેક સુધી લડત આપી ને ઔરંગઝેબને હંફાવ્યો.

એને નીચે પાડવા માટે અનેક ભેદનીતીઓ અજમાવવામાં આવી. પાર વગરનાં પ્રલોભનો અપાયાં .

પણ એ વીર અડગ રહ્યો ને છેવટે દુશ્મનને ઝુકવું જ પડ્યુ.

દ્દ્ઢ નિશ્ચય અને આત્મવિશ્વાસવાળો કશાયથી ડરતો નથી, એ સત્ય એણે ફરી એક વાર દુનિયા સામે સ્પષ્ટ કરી આપ્યું.

પ્રફુલચંદ્ર રોય

પ્રફુલચંદ્ર રોય

પ્રફુલચંદ્ર રોયની ગણતરી વિશ્વના મહાન રસાયણશાસ્ત્રીઓમાં થાય છે. પેટે પાટા બાંધીને એ સંશોધનો કર્યા કરતા.

એમના ફોઈ એમને વારતાઃ ‘પ્રફુલ, તારા શરીરની તો જરા કાળજી રાખ.’

‘તો મારા સંશોધનકાર્યનું શું થાય?’     

‘બીજું કોઈ એ કરશે. પણ તારું શરીર તો જો !’

‘શરીર તો આમ પણ જવાનું છે તો શું એને યોગ્ય ઉપયોગમાં લઈ ઘસી નાખવું શું બરોબર નથી?’

ને… ખરેખર એમણે જાતને ઘસી નાખી. પણ રસાયણશાસ્ત્રનો પાયો નાખી દીધો. જે કામમાં સફળ થવું હોય એમાં આખા અસ્તિત્વને જોડી દેવું પડે.

વિલિયમ પિટ્ટ

વિલિયમ પિટ્ટ ને જ્યારે બ્રિટનની પાર્લામેન્ટે વડાપ્રધાન પદે થી ફેંકી દીધો ત્યારે આ વીર નર સહેજ પણ હતાશ નહિ થયેલો.

નેતાઓ એને મળવા ગયા. એક નેતાએ લુખ્ખા વિવેકથી કહ્યું:  ‘બહું બૂરું થયું’

આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. છતાં એક જણે વિવેક કર્યોઃ  ‘તમારા જેવો માણસ નહિ મળે.’

‘નહિ જ મળૅ. પાર્લામેન્ટ્ની ભૂલ થઈ. ભયંકર ભૂલ થઈ. તમને મારા વગર નહિ ચાલે. આજે તમે મને ભલે ઘેર બેસાડ્યો, પણ કાલે તમારે મને પાછો બોલાવવો જ પડશે.’

અને… ખરેખર પિટ્ટને પાછો બોલાવવો જ પડ્યો. અગાઉ જ્યારે પિટ્ટૅ પોતાની અનિવાર્યતાની વાત કરી હતી ત્યારે ઘણાને તેમાં કોરું અભિમાન દેખાયેલું. પણ રાજ્યની ધુરા નવેસરથી સંભાળીને એને પોતાના આ દાવાને સાબિત કરી બતાવ્યો ત્યારે સહુને લાગ્યું કે એનો આત્મવિશ્વાસ પોકળ પાયા પર નહતો ઊભો.

‘તમે બોલતા હતા તે સાચું પાડી બતાવ્યું.’  પેલા નેતાએ પછીથી પિટ્ટ્ને કહ્યુ.

‘સાચું જ પડે ને, હું બનાવટી વાણી બોલતો ન હતો.’

‘તમેતો જાણૅ ભાવિ ભાખતા હતા.’

‘તમે જે શબ્દો વાપરો તે. મને તો આટલી ખબર હતી કે મારે દેશની નૌકાને તારવાની છે. એ માટે મારી પાસે શક્તિ પણ હતી. પછી મારે સંકોચાવાનું શું કારણ? જેને પોતાની જાત પર વિશ્વાસ નથી તેના પર કોણ વિશ્વાસ કરે?’

ને…. તમે જોશો કે કેટલાય જણા પોતાની જાત પર રતિભારેય વિશ્વાસ નથી ધરાવતા. તમને આવા વાક્યો ઠેર-ઠેર સાંભળવા મળશેઃ  ‘હું તો સાવ સામાન્ય છું’,   ‘મારામાં કોઈ શક્તિ નથી’,   ‘કંઈ કરી શકું એમ નથી’,   ‘મારું ભાવિ અંધકારમય છે.’

આવા વિચારો ધરાવનારનું ભાવિ અંધકારમય ન હોય તો જ આશ્ચર્ય થાય. ધારો કે, તમે આજ સુધી કોઇ નક્કર કામ કરી શક્યા નથી, એનો અર્થ એ નથી કે તમે ભવિષ્યમાં પણ કંઈ નહિ કરી શકો. આ બધો સમય તો અંધારામાં વિત્યો. હવે શું? અરે, આજે એ સમય આવ્યો છે કે તમે તમારી વિચારધારાને બદલી નાખો. નિષ્ફળતાના વિચારો ને સાવ દેશવટો આપી દો. તમે કંઈક તો કરી શકો તેમ છો જ એ વિચાર પર દ્દ્ઢ થાવ.

વિક્ટર બોર્જ

બોર્જ નામનો એક માણસ. મૂળ તો એ જંગલમાં ભમનારો ને ઢોરા ચારનારો. અચાનક એ રેડિયો પર આવ્યો. પછી તો એક કોમેડીયન તરીકે આખા જગતમાં વિખ્યાત થઈ ગયો. એક જણે પૂછ્યું: ‘તમારા લાંબા જીવન દરમિયાન માનવજાત વિશે તમારો શો મત બંધાયો?’‘માણસો બહુંજ સારા છે’   ‘ખરેખર?’

‘હા, મને મળનારો એક એક માણસ મને ગમ્યો છે.’      ‘આશ્ચર્ય કહેવાય !’      ‘માણસો એ મને પણ ખુબ ગમાડ્યો છે ને ! જગત તમારી ઈચ્છાઓ ના પડઘા પાડે છે. મને પણ આ જ અનુભવ થયો.’

તમને પણ એવોજ અનુભવ થશે. તમે જો આનંદી હશો તો જગત તમને આનંદમય લાગશે. અને જો તમે મોં પર કંટાળૉ રાખી ફરશો તો તમને સર્વત્ર કંટાળા ના જ દર્શન થશે. જેવો તમારો અભિગમ.

એક મિત્રની ઓફિસમાંથી હું ઊભો થવા જતો હતો ત્યાં કહેઃ ‘તમે કલાકેક રોકાઓ.’      ‘કેમ?’     ‘ઈન્ટરવ્યું લેવાનો છે. તમે ઈન્ટરવ્યુ લો.’

ઈન્ટરવ્યુ શરુ થયો. એક બહેન આવ્યાં. એમના આવતાની સાથે જ જાણે ઓફિસ ઝગમગ થઈ ગઈ . હસતો ચહેરો, હસતી આંખો, રોમ રોમમાં વીજ્ઝબકાર હતા. કેટલાક માણસો ના આકાર જ સફળતાપ્રેરક હોય છે. અમે એ બહેનને બહાર બેસાડ્યા. બીજા બધાના ઈન્ટરવ્યુ લીધા. પણ પસંદ તો મે પેલાને જ કર્યા. મિત્રે હસીને કહ્યુઃ  ‘સ્માર્ટ છે એટલા માટે?’       ‘ના, સારા ટાઈપિસ્ટ છે માટે.’

‘બીજી પણ સારી ટાઈપીસ્ટ જરુર હતી, પણ આમના વ્યક્તિત્વમાં જે આભા છે તે તારી ઓફીસના વાતાવરણ ને બદલી નાખશે.’       ‘એટલું જ ને?’

‘એટલું જ નહિ, એમનામાં કંઈક એવું તત્વ હતું કે જેનો સામનો તું પણ નહિ કરી શક્યો હોય.’

‘સાચી વાત છે, એમના પગલા અધિકારની ભાષા બોલતા હતા.’

ભીખ ના માંગશો. અધિકાર દર્શાવો. – આમ, હું વારંવાર કહું છું. તે આ કારણે. ભીખ ક્યાં સુધી ચાલશે? વારંવાર કોણ આપશે? એ રીતે જીવવાનો અર્થ પણ શો? તાકાતવાળા બનો. અધિકારી થાઓ. જગતને તમારી વાત માનવી જ પડશે. રેડિયોઘર ઉપર નાટકસ્પર્ધા માટે માણસો પસંદ કરવાના હતા. એક કિશોરીને મે કહ્યુઃ ‘તું જા.’      ‘ના આવતી સાલ જઈશ.’      ‘કેમ ?’       ‘મને લાગે છે કે હજી થોડી કચાશ છે.’

‘તેથી શું?’  ‘પ્રયત્ન કરી ને પાછા નથી પડવું. આવતા વર્ષ પહેલાં પૂરી તૈયારીઓ થઈ જશે. કડકમાં કડક પરિક્ષક પણ મને ના નહિ પાડી શકે.’

ને…. ખરેખર, બીજા વર્ષે એમજ થયું. એની સાધના ફળી. માટે જ હું કહું છું કે પદ પ્રાપ્ત કરતા પહેલાં લાયક બનો. તમારી શક્તિઓ ને કેળવી એટલા ઉંચી કક્ષાએ લઈ જાઓ કે પદ પોતે જ સામે પગલે તમને શોધતું આવે. બનાવટી આત્મવિશ્વાસ કરતાં શક્તિમાંથી જન્મેલ સ્વ-શ્રધ્ધા વધુ મહત્વની છે.

એડ્મંડ હિલારી

હિલારી ને એવરેસ્ટ ઉપર આરોહણ કરવું હતું. ત્યારે તેની પત્ની એ જ એને ના પાડતા કહેલુઃ ‘તમે ના જશો.’      ‘કેમ?’  ‘આપણી પાસે કોઈ સાધન નથી.’ ‘તેથી શું? જવાનો નિર્ણય હશે તો સાધનો ગમે ત્યાંથી આવી જશે.’   ‘પણ આપણી હેસિયત શું?’  ‘આત્મશ્રધ્ધાથી મોટી કોઈ હેસિયત નથી. બળ મારા પુરતુ છે. બીજા સાધનની ચિંતા નથી.’ આત્મવિશ્વાસ બીજી કોઈ પણ બાબત કરતાં વધું સશક્ત છે. તેનસિંગની સાથે મળી ને તેણૅ એવરેસ્ટ શિખરને સર કર્યું જ.

હન્ટ એવરેસ્ટ ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરતો હતો ત્યારે જાણીતા પર્વતખેડુને નિમંત્રણ આપ્યું. પેલાએ જવાબ આપ્યોઃ ‘એ મારી હિંમત નહી.’ ‘પણ તમારા અનુભવ તો છે ને?’ ‘એ તો આલ્પ્સ ના અનુભવ, એવરેસ્ટ પાસે તેનુ શું ગજુ?’ આ તો તાકાત બહાર ની વાત છે.’ એની નિરાશાવાદી વાત સાંભળી ને એણે હિલારી ને પસંદ કર્યો. એ વિશ્વવિખ્યાત બની ગયો, પેલો પસ્તાઈ રહ્યો.

કાયર લોકો પોતેજ પોતાનું બુરુ કરે છે એમ કહેવાય છે તે આવા અનેક ઉદાહરણૉ ને લીધે. ધારો કે તમારી સામે એક આહવાન ઉભુ છે. એ તમારી શક્તિઓ ને લલકારે છે. એ આહવાનની ઉંચાઈ જોઈને તેની સામે ઝુકી જવું ન જોઈએ. ખરો ડુંગરખેડું એ જ કહેવાય જે ઊંચા પહાડ સામે ઊન્ન્ત મસ્તકે જુએ. ને પોતે ક્યાં ઊભો છે એમ તપાસે તે શું કરી શકવાનો હતો.

અખિલ ભારતીય નાગરિક પરિષદમાં ગુજરાતના એક સભ્ય તરીકે મારે દિલ્હી જવાનું થયેલું. એના સંચાલક હતા ડો. ઝાકીરહુસેન. અતિશય વૃધ્ધ ઉમ્મરના એ માણસનું વ્યક્તિત્વ એવું તો મોહક હતું કે જુવાનિયા એમને સાંભળ્યા જ કરતા. મને એમની સાથે વાતો કરવાની થોડી તક મળી હતી. મારા સ્વભાવ પ્રમાણે એમને પુછ્યુ પણ ખરુઃ  ‘આપની મોહકતા નું રહસ્ય શું છે?’

‘મારો વ્યવહાર એટલો સ્વભાવિક બની ગયો છે કે મને આ વિષે કદી વિચાર જ નથી આવ્યો.’  ‘એમ નહિ છટકવા દઉં.’  ‘સાચું કહું? છેક પહેલેથી જ મે આ જીવન ને ‘કંઈક’ બનાવવા નો વિચાર કર્યો હતો. એટલે જ હું મહાપુરુષો નો સંપર્ક સાધવા માંડ્યો.’  ‘પછી?’ ‘એમના જે ગુણો મને આકર્ષક લાગે તે હું મારા જીવનમાં ઉતારવા માંડ્યો. આ રીતે મારાંમાં અનેક તેજ ભેગા થયા હોય એવો ભ્રમ થાય છે !’

પ્રત્યેક વ્યક્તિને પોતાની આભા હોય છે. તમારા વ્યક્તિત્વની કઈ આભા છે તેનો વિચાર કર્યો છે ખરો?

એક બંગાલી ગીત નો સાર એવો છે કે, ‘આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ તો માનવી જ છે.’ આ કવિતા કે કલ્પના છે એમ ન માનશો. આ એક હકીકત છે.

સંસારમાં મનુષ્ય હોવા છ્તાં એણે જ પોતાની કેવી ભંગાર હાલત કરી મૂકી છે !

કહે છે કે બધાં પશું એકઠા મળી ને ભગવાન પાસે ગયાં . ભગવાને પુછ્યું: ‘કેમ આવ્યા છો?’      ‘અમને ચાર પગે કેમ ચલાવો છો? અમને બે હાથની વ્યવસ્થા આપો.’

‘ના. એ વરદાન માણસને જ મળે. તમારે નીચું માથું રાખી ચાર પગે જ ચાલવાનું છે.’

આપણો જન્મ મનુષ્ય તરીકે નો ઍટલા માટે થયો છે કે આપણે ટટ્ટાર ગરદન રાખી ને ચાલી શકીએ ને પોતાના હાથનો ઉપયોગ કરીને આ ધરતી ઉપર કશુંક નવસર્જન કરી શકીએ. ગમે તેમ સૂકા તરણા જેવું જીવન જીવવાનો અર્થ જ શો છે?

સ્વામી રામતીર્થ સરદાર પૂરણસિંહને કહેઃ ‘આખા જગતને તારે સુધારવાનું છે.’ ‘મારે?’ ‘હા, તારે જ, આ જગતનો સંપૂર્ણ ઉધ્ધાર તારે જ કરવાનો છે.’ ‘મારા જેવો તુચ્છ માણસ શું કરી શકે?’‘આ તુચ્છ વિચારને દુર કર.’ ‘મારે માટે એ મુશ્કેલ છે.’ ‘તો તું કઈ જ નહિ કરી શકે. ગમે તે રીતે ય આ લઘુતાગ્રંથિ ને તોડી નાખ.’ હીનતા નો ભાવ તમને ક્યાંય નો નહિ રાખે. એ એક એવું વજ્જ્રર પડ છે તમારી તમામ શક્તિ ને તોડી નાખશે. ગમે તે થાય પણ એ ભાવના માંથી મુક્ત તો થઈ જ જાવ.

હેન્રી કૈઝર

હેન્રી કૈઝર નાનો હતો ત્યારે તેના પિતાએ પૂછેલું: ‘તું શું થવા માગે છે?’       ‘દુનિયાનો સૌથી મોટૉ કોન્ટ્રાક્ટર’      ‘આપણી પાસે પૈસા તો નથી’       ‘ઈચ્છા ને શ્રધ્ધા હશે તો બધું જ મળી રહેશે.’

આજે એની કંપની પાસે એટલા પૈસા છે કે ચંદ્ર-મંગળને પણ એ ખરીદી શકે છે! એક સામાન્ય માણસ ના છોકરા પાસે આટલી સફળતા, સિધ્ધી અને દોલત આવી ક્યાંથી? માણસને આત્મવિશ્વાસના પ્રમાણમાં જ સફળતા પ્રાપ્ત થાય છે. આ નિયમ ને તમારા જીવનમાં પણ ક્રિયાશીલ બનાવો. તમારી આત્મશ્રધ્ધા એટલા પ્રમાણમાં વધારો કે દુનિયાનો કોઈ પણ અવરોધ તમારી સામે ટકી ન શકે.

કાન્હોજી આંગ્રેને અંગ્રેજો પણ એડમિરલના માનવંતા નામે ઓળખતા. આ કટ્ટા દુશ્મનની પણ એ લોકો અદબ જાળવતા. આરબ ચાંચિયા આંગ્રેના વહાણની ધજા જોઈને નાસવા ભાગતા. એનો એક મંત્ર હતો કે ગમે તેવું તોફાન જોઈને પણ અકળાવું નહિ. એના જીવનમાંય અસંખ્ય તોફાન આવેલા. એમ અકળાય તો એ આંગ્રે શાનો? સંસારસાગરમાં પ્રવાસ કરનારો કોઈ માણાસ સાગરી તોફાનો થી અલિપ્ત રહી શકતો જ નથી. તોફાન ગમે તેવું આવે, તેનાથી અકળાવાની સાફ સાફ ના પાડી દેજો. નિરંતર ઝુઝતા રહેવું પણ તોફાન ને તાબે થવાનું વિચારવું જ નહિ.

મહારાણા શિવાજી

શિવાજી સાહિસ્તખાન સામે ભિડાઈ ગયો ત્યારે એની પાસે હથિયારમાં ફક્ત વાધ-નખ હતાં. વામનજી જેવા શિવાજીએ પહાડ જેવા સાહિસ્ત ને પળવારમાં ઢાળી દીધો ! મોગલોમાં કાળૉ કકળાટ વ્યાપી ગયો. શિવાજી અપાર દોલત લઈને કિલ્લા ભેગા થઈ ગયા. રવાજી નામના સરદારે કહ્યું: ‘તમારી પાસે હથિયાર તો હતા જ નહિ.’       ‘આ રહ્યા ને ! ?’ મોગલોનાં લૂંટેલા હ્થિયાર બતાવતાં કહ્યું.      ‘આ તો પાછ્ળ થી આવ્યાં’      ‘મારી પાસે શ્રધ્ધા હતી ને? બાકીનાં શસ્ત્રો અચાનક ઉમેરાઈ ગયા.’ આત્મવિશ્વાસ તમામ આયુધોનું બળ તમારામાં લાવી મૂકે છે. આ માટે તમારે મન ને વારંવાર ટકોરવાનું રહે છે. એને સમજાવવાનું કે પોતાની જાતમાં શ્રધ્ધા કેળવ્યા વગર આપણો કોઈ આરો નથી’

મુંબઈ અને પૂના વચ્ચે રેલમાર્ગ બનાવવાનો હતો. આની પ્રાથમિક મોજણી નું કામ ભારતીય ઈજનેર ને સોંપવામાં આવ્યુ. અંગ્રેજ ઉપરી ને એણે બીજે દિવસે કહ્યું: ‘આ રેલ્વે નહિ થઈ શકે.’       ‘કેમ?’      ‘વચ્ચે અસંખ્ય ડુંગરા અને ખીણો આવે છે.’      ‘અંગ્રેજ ઇજનેરે જાતે આ કામ હાથમાં લીધું અને રેલ્વે બનાવી જ. આમાં એણે અંગ્રેજી પ્રજાનું ખમીર બતાવ્યું ને?

અપરાજયે અને આત્મવિશ્વાસે જ આ વિશ્વમાં બધી સિધ્ધીઓ સરળ બનાવી છે. જગતમાં કોઈ પણ માણસ જે પણ પ્રદેશમાં વિજય હાંસિલ કરે છે તે આવી શ્રધ્ધાને કારણે જ. આખી ને આખી પ્રજા વિજય પ્રાપ્ત કરે છે એ પણ આવા કારણે જ. સામે છેડે સર્વદા ઢીલાશમાં રહેતી પ્રજા માર ખાતી આવે છે.

‘વનસ્પતિ માં જીવ છે’ તે સાબિત કરવા માટે જગદીશચંદ્ર બોઝે પોતાનું જીવન હોડમાં મુક્યું હતું. એક સાથી વૈજ્ઞાનીકે કહ્યુઃ ‘આનો અર્થ શો?’      ‘આ સિધ્ધાંત જો શોધી શકાય તો આખા વિજ્ઞાન ને એક નવો વળાંક આપી શકાય’      ‘આ કામ અશક્ય છે.’       ‘માટેજ તે માટે મથવું જોઈએ.’ એ સફળ થયા. એમણે સાબિત કર્યું કે આત્મવિશ્વાસ અશક્ય ને પણા શક્ય બનાવે છે. જે એમને માટે બન્યું તે તમારા માટે કેમ ના બને? આજે તમારી સામે કોઈ અશક્ય વાત છે? જો તમને અનેક લોકોએ કહ્યું હોય કે તે બની શકે તેમ જ નથી, તો આનંદ પામજોઃ કારણકે, જગતની અશક્યતાઓમાં જ શક્યતાના બીજ રોપાયેલા હોય છે.

હેન્રી ફૉર્ડ કહેતોઃ ‘કોઈ જ્યારે એમ બોલે કે ‘એ અશક્ય છે’ ત્યારે હું ખાસ તપાસ કરતો કે બોલનારો શાને અશક્ય માને છે. હું આ વિષે તરત જ સંશોધન કરતો અને અશક્ય બાબત ને શક્ય કરીને જ જંપતો.’ તમારા અંગત જીવન પ્રત્યે પણ આ જ રવૈયો રાખજો. કશાનેય અશક્ય માનતા નહિ. આત્મવિશ્વાસીઓને ઓળખીને અવિચલ આત્મવિશ્વાસના એવા જ અજેય અનુસરનારા બનજો. ગમે તેવા વિરોધને પણ ગણનામાં લેતા નહિ.

ગુરુદેવ ટાગોર નાના હતા ત્યારે તેમના પિતાની સાથે હિમાલયમાં ગયેલા. ત્યાં એક વહેલી પરોઢે જાગી ગયા. પિતાજી ને બાજુમાં ન જોતાં તે ઝરુખામાં આવ્યા. એ ત્યાં આરામખુરશીમાં બેઠા હતા. રવિએ પુછ્યું:  ‘અહીં બેઠા છો?’       ‘હા બેટા!’      ‘તમને ડર નથી લાગતો?’      ‘ડર વળી શાનો?’      ‘અંધારાનો?’       ‘શા માટે લાગે? હું તો અંધકારનો પાલવ પકડીને આવી રહેલા પ્રકાશ તરફ જોઈ રહ્યો છું. આવા તેજભર્યા અંધકારનો ડર શી રીતે લાગે?’

ગમે તેવો અંધકાર ભલે હોય, તમેય તેના પાલવમાં રમતા પ્રકાશનું આરાધન કરજો. ગમે તેવી વિકટ પળોમાં પણ તમારા આત્મવિશ્વાસ ને ખોતાં નહી. શક્ય છે કે જે પળે તમને તુટી જવાનો ડર લાગતો હોય તે જ પળ નવસંધાનની હોય. આવા અણીના સમયે જ ટકી રહેવું અગત્યનું છે. કોઈ પણ સંજોગોમાં તમારે એટલી સહનશક્તિ તો કેળવવીજ જોઈએ. એવી એક પળને તમે સંભાળશો તો આગળની હજારો પળ તમને સંભાળી લેશે એમાં જરાય શંકા નથી.

સફળતા તમારો જન્મસિધ્ધ અધિકાર છે. પૂર્ણ સ્વતંત્રતા કદાચ શક્ય નથી, પરંતું સફળતા તો તમે માગો એટલી મળે. તમે એટલા સમજણશીલ છો જ કે દરેક વસ્તુની જેમ સફળતા ના મૂલ્યને ચૂકવવા તૈયાર પણ છો.

એક એવો વિરાટ વિશ્વાસ જગાડો તમારી અંદર કે જગતનો કોઈ વિરોધ તમારી સામે ટકી ન શકે. પછી તો સમગ્ર જગત તમારું જ છે!

સૌજન્ય -શ્રી પ્રેમલ શાહ,  સાહિત્ય સંચય બ્લોગ 

સફળતાનો મહામંત્ર – ડૉ. પ્રકાશ ગજ્જર

હકસ્લે નામનો એક મોટો ચિંતક.

એને એના ભત્રીજાએ પૂછ્યું : ‘સફળ થવા માટે આમ તો અનેક ગુણ જોઈએ. પણ કોઈ એવો ગુણ ખરો કે જેના વગર ચાલે જ નહીં ?’

‘છે, એવો એક ગુણ ચોક્કસ છે. મેં જેટલા નિષ્ફળ માણસોનો અભ્યાસ કર્યો છે એ બધામાં મને એક દુર્ગુણ ખાસ દેખાયો છે.’
‘દુર્ગુણ ? બહુ મોટી વાત થઈ ગઈ.’

‘હા, દુર્ગુણ જ. એ લોકોએ સમયસર કરવા જેવું કામ સમય પર નહોતું કર્યું. આનો અર્થ એ થયો કે શ્રેષ્ઠ ગુણ છે – જે તે ટાંકણે કામ પતાવવાની સજ્જતા; અણગમો હોય, મન ના તૈયાર થતું હોય તોય કામ પતાવવાની તૈયારી, લાગી જવાની તીવ્રતા.’

સરસ નિયમ આપ્યો છે એણે. સફળ થવા માટે વ્યક્તિએ આટલું તો કરવું જ રહ્યું :

(1) જે કામ કરવાનું હોય એ કરવું જ.

(2) જે કામ જે વખતે કરવાનું હોય એ જ વખતે કરવું.

(3) મન તૈયાર ના થતું હોય તો પણ કામ કરવું.

નિષ્ફળ માણસો સાથે વાત કરવામાં સમય ના બગાડાય. છતાં તમે કોઈ વખત ફસાઈ પડો ને તમારે એમની કરમકહાણી સાંભળવી પડે તો તમે નોંધ કરજો કે એ લોકો સંજોગોને, સાધનોને, બીજા લોકોને, ભાગ્યને અથવા તો એ બધાં પરિબળોને એકી સાથે દોષ આપવાના. પણ એ લોકો એ હકીકતનો સ્વીકાર નહીં કરે કે ખરા ટાંકણે પોતે કામ કર્યું નહોતું ને પછી નિષ્ફળ ગયા એટલે ફરિયાદ કરવા નીકળી પડ્યા હતા.

એક રીતે જોતાં સફળ થવાનું આટલું સરળ હોવા છતાં લોકો નિષ્ફળ જાય છે, એ જોઈ દયા આવે છે. જાણે એમણે હાથે કરીને નિષ્ફળ જવાનું પસંદ કર્યું હતું એવું લાગે છે.

સમયસર કામ ના કરવું એ નિષ્ફળતાનું મોટું કારણ. એ જ રીતે એ વિષે જ્ઞાન મળે તે પછી પણ જૂની આળસમાં રહેવું એ પણ મોટું કારણ. કાલ સુધી થયું એ થયું; અત્યારે જરૂર છે સાચી સમજને ઝીલવાની, અમલમાં મૂકવાની, અત્યારે જ ! એ માટે રાહ જોવાની કોઈ જ આવશ્યકતા નથી.

કામે લાગો; મન ના પાડતું હોય તો પણ. હાથ ઉપર જે કામ હોય એ નિપટાવવા લાગો. સફળતાને તમારી પાસે આવવું જ પડશે. આજ નહીં તો કાલે !…પરમ દિવસ… ક્યારેક એ સફળતાને તમારે આંગણે આવવું જ પડશે.

ડો. પ્રકાશ ગજ્જર 

1 responses to “( 798 ) વિરાટ વિશ્વાસ ….ચિંતન લેખ …. લેખક –ડો.પ્રકાશ ગજ્જર

  1. Ramesh Patel ઓક્ટોબર 25, 2015 પર 6:52 એ એમ (AM)

    આપને આવા અમોલ ભાથાના સાહિત્યવિદોની છાયા મળીને આપ સૌને ઘેરબેઠે સહભાગી બનાવી રહ્યા છો…આવી લેખકશ્રીની ઉમદા પ્રસાદી માટે ખૂબ ખૂબ આભાર શ્રી વિનોદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.