વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 944 ) વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !…– વિનોદ પંડયા

આપણામાં એક કહેવત પ્રચલિત છે કે ગાંધી વૈદ્યનું સહિયારું. દેશી દવા કરતા વૈદ્ય દર્દીને તપાસીને અમુક તમુક દેશી ઔષધ લખી આપે અને એના ઓળખીતા ગાંધીની દુકાને મોકલે જેના બદલામાં ગાંધી એના નફામાંથી વૈદ્યને અમુક નક્કી કરેલ કમીશન આપે.આવી જ કૈંક વણ લખી સમજણ આજે ડીગ્રી ધારી ડોકટરો,એલોપથી દવા વેચતી ફાર્મસીઓ અને દવા બનાવનારી કમ્પનીઓ વચ્ચે ચાલતી હોય એમ લાગે છે .દર્દીઓના ભોગે આ સૌ લોકો ધૂમ કમાણી કરે છે.

ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ ડોક્ટરને ભગવાન માની એમની લખેલી ઘણી બધી દવાઓ એક સાથે લેતા હોય છે.આ દવાઓ ઘણીવાર શરીરમાં જઈને વિપરીત અસરો પેદા કરે છે અને આરોગ્ય સુધરવાને બદલે બગડતું હોય છે.ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય છે.!

આ લખું છું ત્યારે ફેસબુક પર વાંચેલી આ પંક્તિઓ યાદ આવે છે.

એય હકીમો દૂર હઠો,
મારી કોઈ દવા નથી.
હું ઈશ્કનો બીમાર છું,
બીજી કોઈ બીમારી નથી.

સંદેશમાં પ્રગટ શ્રી વિનોદ પંડ્યા લિખિત લેખ “વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !” એ આ વિષયમાં સરસ પ્રકાશ પાડતો હોઈ વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.ખાસ કરીને સીનીયર સીટીઝનો માટે એ ઉપયોગી માર્ગદર્શક રૂપ નીવડશે.

વિનોદ પટેલ 

 

વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !
ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા

old men and medicineઅમેરિકામાં વૃદ્ધોને જરૂર કરતાં વધારે દવાઓ અપાય છે અને તેને કારણે તેઓ ફરીથી બીમાર પડે છે. વૃદ્ધોની દવાઓની જરૂરિયાત, તે દવાઓની વૃદ્ધો પર થતી અસરનું અલગ તબીબી વિજ્ઞાન છે અને તેના નિષ્ણાત ડોક્ટરો છે પણ તેઓની સંખ્યા ખૂબ થોડી છે. ભારતમાં પણ વૃદ્ધો દવાઓનું આડેધડ સેવન કરે છે અને બીમારીનું કારણ એ દવાઓ હોઈ શકે એવું દરદીઓના માનવામાં આવતું નથી. ઘણા કિસ્સાઓમાં વધુ પડતી દવા ગળચવા માટે વૃદ્ધ દરદી જવાબદાર હોય છે પણ મોટાભાગના કેસમાં ડોક્ટરો જવાબદાર હોય છે.

આધેડ અને વૃદ્ધ લોકો પર દવાઓ જુદી રીતે અસર કરે છે. જે દવા યુવાન દરદીનાં શરીરમાં કામ કરે છે તેનાં કરતાં વૃદ્ધ દરદીનાં શરીરમાં જુદી રીતે વર્તન કરે છે. અમુક દવા યુવાન દરદીનાં શરીરમાં બાર કે ૨૪ કલાક ટકી રહેતી હોય તે વૃદ્ધ દરદીનાં શરીરમાં ૪૮થી ૬૦ કલાક ટકતી હોય છે, આથી વૃદ્ધોને અપાતી દવામાં તેનું પ્રમાણ નક્કી કરવું તે ખૂબ મહત્ત્વની બાબત બને છે. અમેરિકામાં અભ્યાસ થયો તેમાં જણાયું કે એક ૯૯ વરસની વૃદ્ધા દરદી માટે બ્લડપ્રેશર માટેની દવાઓનો મોટો ડોઝ નક્કી કર્યો હતો, જેને કારણે એ વૃદ્ધા મૂર્છિત બની જતી હતી અથવા ચાલતાં ચાલતાં પકડી રાખવી પડતી હતી. એક ૭૪ વરસની વૃદ્ધાને શ્વસનક્રિયા અને બ્લડપ્રેશરની તકલીફ હતી, તેને ન્યુમોનિયા થયો તેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના ડોક્ટરોના કાગળ પરથી જણાયું કે એ દિવસમાં ૩૬ પ્રકારની દવાઓ આરોગતી હતી.

ફાર્માસિસ્ટો કહે છે કે આ રીતે બિનજરૂરી દવાઓ ચગળવાનું પ્રમાણ ભયજનક છે. એ વૃદ્ધાને તબીબોએ પૂછયું ત્યારે એણે જવાબ આપ્યો કે મને એમ હતું કે આ બધી દવા મહત્ત્વની છે તેથી લેતી હતી. એ દવામાં કેટલીક ઊંઘવાની ગોળીઓ હતી, જેની આડઅસરને કારણે એ વૃદ્ધાના શ્વાસોશ્વાસ પણ અટકી ગયો હોત. લાંબા સમયથી ચાલતી બ્લડપ્રશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, આર્થરાઇટીસ જેવી ક્રોનિક બીમારીઓની સારવાર માટે દરદીઓ જુદા જુદા તબીબોની દવાઓ આરોગતા હોય છે. એ તબીબોએ દરદીની અવસ્થા વિશે આપસમાં ચર્ચા પણ કરી હોતી નથી. ઘણી વખત દરદી જુદા જુદા તબીબોની દવા સાથે વારાફરતી પ્રયોગ કરતા રહે છે. દવાની આ નવી સમસ્યાને ‘પોલીફાર્મસી’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે અને પોલીફાર્મસીની સમસ્યાએ મોટું રૂપ ધારણ કર્યું છે. મોટી હોસ્પિટલોમાં જેરિયાટ્રિક એટલે કે વૃદ્ધોની દવાઓના નિષ્ણાત રોકવામાં આવી રહ્યા છે, જેથી દવા વૃદ્ધોને જીવાડવાને બદલે મારી ના નાખે. વૃદ્ધોમાં કેટલીક દવાઓને કારણે માનસિક મૂંઝવણ, માનસિક ગડમથલ, વધુ પડતો રક્તસ્રાવ, પડી જવું, લો બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસની તકલીફ શરૂ થાય છે. અમેરિકાના આરોગ્ય વિભાગના અભ્યાસ પ્રમાણે હોસ્પિટલોમાં દરદીઓ જે સમય વિતાવે છે તેમાંનો ૩૫ ટકા સમય વૃદ્ધ દરદી વિતાવે છે અને દવાઓને કારણે થતી સમસ્યાઓનાં નિવારણ માટે વૃદ્ધ દરદીઓએ સરેરાશ ત્રણ દિવસ વધુ હોસ્પિટલમાં ગાળવા પડે છે.

વરસ ૨૦૦૬માં વૃદ્ધોમાં દવાની આડઅસરના ચાર લાખ કેસ નોંધાયા હતા, જે કાળજી લેવાઇ હોત તો રોકી શકાયા હોત. ઘણા વૃદ્ધોની કોઇ યોગ્ય કાળજી લેનાર હોતું નથી અને વૃદ્ધ સ્મૃતિભ્રંશનો શિકાર બને છે. વૃદ્ધાવસ્થામાં હાડકાં કેલ્શિયમના અભાવે બટકણાં બનતાં હોય છે અને દવાની આડઅસરને કારણે દરદીને ચક્કર આવે અને પડી જાય કે તુરત હાડકાં તૂટી જાય અને હોસ્પિટલમાં લાંબા સમય માટે દાખલ કરવાં પડે છે. દવાની વિપરીત અસરોને કારણે અમેરિકામાં દરદીઓને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેને કારણે વરસે સાડા ત્રણ અબજ ડોલરનો વધુ બોજ એ દરદી અથવા વીમા કંપનીએ ઉઠાવવો પડે છે.

દવાની કોઈ આડઅસર થતી ના હોય તો તેનો અર્થ એવો નથી કે દરદીને એ દવાની જરૂર છે. દરદીને હોસ્પિટલમાંથી રજા અપાય ત્યારે ડોક્ટરો જે દવા લખી આપે છે તેમાંની ૪૪ ટકા દવા બિનજરૂરી હોય છે પણ દરદીને મૂડમાં રાખવા કે અન્ય કારણોથી ડોક્ટરો દવા લખતા હોય છે.ભારતમાં તો દવા કંપનીઓને ખુશ રાખવા તબીબો દવા લખતા હોય છે. ઘણા કેસમાં દરદીએ કેટલો સમય દવા લેવી પડશે તે બાબતમાં ડોક્ટર જ ચોક્કસ હોતા નથી. ઘણા દરદીઓને અમુક દવાથી રાહત જણાય પછી તબીબને પૂછયા વગર આડેધડ એ દવા લેવાનું ચાલુ રાખે છે,જે ગંભીર પરિણામ લાવી શકે છે. ૨૦૧૩ના એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ દરદીને અપાયેલી દવાઓની આડઅસર પ્રથમ ૪૫ દિવસમાં ૨૦ ટકા દરદીઓમાં ઉદ્ભવી હતી અને હોસ્પિટલમાં ફરી દાખલ કરવાં પડયાં હતાં. આમાંનાં પાંચ ટકા કેસમાં દરદીનો જીવ જવાનો ખતરો પેદા થયો હતો. ૩૫ ટકા કિસ્સા પહેલેથી કાળજી લેવાઈ હોત તો નિવારી શકાયા હોત.

અમેરિકાની એક હોસ્પિટલમાં જેરિયાટ્રિક(વૃદ્ધો)ના વોર્ડ માટે ખાસ ફાર્માસિસ્ટ અથવા દવાનિષ્ણાત રોકવામાં આવ્યા. એ પછી દવાની આડઅસરને કારણે દરદીઓને ફરીવાર દાખલ કરવાના ૨૨ કેસ બનતા હતા તે ઘટીને માત્ર ત્રણ થઇ ગયા. આ હકીકત દર્શાવે છે કે દવાનો પ્રકાર અને પ્રમાણનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. હોસ્પિટલો દ્વારા વૃદ્ધો માટે જોખમી દવાઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. ડોક્ટર બીઅર્સ દ્વારા આ યાદી તૈયાર કરી હોવાથી તે ડોક્ટર બીઅર્સ લિસ્ટ તરીકે ઓળખાય છે. હતાશા અને માનસિક બીમારીઓની ઘણી દવાઓની વૃદ્ધો પર અવળી અસર થાય છે. વૃદ્ધ એકલા છે કે તેની આસપાસ કોઇ પ્રમાળ વ્યક્તિ છે તેના પર પણ દવાની અસર નિર્ભર કરે છે.

સાભાર-સૌજન્ય :સંદેશ .કોમ 

3 responses to “( 944 ) વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !…– વિનોદ પંડયા

  1. સુરેશ ઓગસ્ટ 24, 2016 પર 4:16 એ એમ (AM)

    વૃદ્ધ એકલા છે કે તેની આસપાસ કોઇ પ્રમાળ વ્યક્તિ છે તેના પર પણ દવાની અસર નિર્ભર કરે છે.

    હવે પ્રેશરની ગોળી લેતી વખતે મારી પત્નીને બાજુમાં બેસવાનું કહીશ !!!

    Like

  2. pragnaju ઓગસ્ટ 24, 2016 પર 5:54 એ એમ (AM)

    ખૂબ અગત્યની વાત
    આપણા ઘણા ખરા બ્લોગરો વૃદ્ધ છે અને દરેકને આ અંગે થયેલા અનુભવો જણાવશો તો ઘણા ખરા આવી ભુલોથી બચી શકશે.આવી ભુલોમા અમેરીકાના ચીફ જજ પણ ભોગ બન્યા !- Rehnquist was prescribed Placidyl by Dr. Freeman Cary, a physician at the U.S. Capitol, for insomnia and back pain from 1972 through 1981 in doses exceeding the recommended limits. The FBI report concluded, however, that Rehnquist was already taking the drug as early as 1970. By the time he sought treatment, Rehnquist was taking three times the prescribed dose of the drug nightly. On December 27, 1981, Rehnquist entered George Washington University Hospital for treatment of back pain and dependency on Placidyl. There, he underwent a month-long detoxification process .
    મા શ્રી સુરેશભાઇ બ્લડપ્રેસરની ટીકડીઓ અને કેવી રીતે તેનું પ્રમાણ ઓછુ કર્યું તે જાણવાથી ઘણાને પ્રેરણા મળશે.આસપાસ કોઇ પ્રમાળ વ્યક્તિ વા ત પણ જરુરી છે.સાથે ભણેલા-ગણેલા હોય તે વધુ સારુ રહે નહીં તો એકદમ બ્લડ પ્રેસર ઓછુ થાય અને પડવાથી ફ્રેકચર થાય ત્યારે પ્રેમ પૂર્વક દુઃખાવા પર માલીસ કરે અને ફ્રેકચર વકરે અથવા બેભાન અવસ્થામા પાણી પીવડાવી ન્યુમોનિયા…દરેક દર્દીએ પોતાની માંદગી અને સારવાર અને તેની આડાઅસર અંગે સાધારણ અભ્યાસ જરુરી છે ! મોટી માંદગી મા બીજા નિષ્ણાતનો અભિપ્રાય જરુરી રહે…ડાયટ અને લાઇફસ્ટાઇલ અંગે દરેક દર્દીને કહેવું જરુરી છે પણ ઘણા ઓછા દર્દીઓ સાથે આવી ચર્ચા થાય છે. ડોકટર કોઇ કેસની સારવાર કરતા હોય છે ત્‍યારે દર્દીને સાજા કરવા તમાપ પ્રયત્‍ન કરતા હોય છે, પણ ડોકટર ભગવાન નથી હોતા એ પણ સમજવુ જરુરી છે. બધુ જ તેમના હાથની વાત નથી હોતી. જો બધુ ડોકટરના હાથમાં હોત તો દુનિયામાં કોઇનું મૃત્‍યુ જ ન થાત. હા કયારેક કોઇ ડોકટરે બેદરકારી દાખવી હોય કે ભૂલ કરી હોય તો તેમની સામે ચોકકસપણે ગ્રાહક સુરક્ષામાં જઇ શકાય. કાયદાનો ઉપયોગ કરી શકાય. ડોકટરોએ લાખો રૂપિયાના કોમ્‍પેન્‍સેશન આપ્‍યાના દાખલા છે.
    પણ મુળ વાત દર્દી અને બરદાસીને કેળવવાની છે

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.