વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 962 ) મધ્યમાં રહેવું અને કોઈપણ અતિ પર જતાં અટકવું એનું નામ માધ્યસ્થ ભાવના…. જિનદર્શન …. મહેન્દ્ર પુનાતર

મધ્યમાં રહેવું અને કોઈપણ અતિ પર જતાં અટકવું એનું નામ માધ્યસ્થ ભાવના
જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

mumbai-samachar-articleમૈત્રી, પ્રમોદ અને કુરુણાનો આપણે વિચાર કર્યો. હવે આપણે માધ્યસ્થ ભાવના અંગે ખ્યાલ કરીએ. આ ચાર પરાભાવના આપણા જીવનમાં વણાઈ જાય તો બીજી બાર ભાવનાઓને સમજવાનું સરળ બની જશે. આપણું ભાવ જગત આપણા જીવનનું કુરુક્ષેત્ર છે. આમાં આપણે જ અર્જુન, આપણે જ દુર્યોધન અને આપણે જ યુધિષ્ઠિર અને કૃષ્ણ છીએ. આપણે જ આપણી સામે લડી રહ્યા છીએ. ઘડીક આપણે જીતીએ છીએ તો ઘડીક હારીએ છીએ. આપણા મનમાં જેવા ભાવ ઊભા થતા જાય તેમ ચહેરાઓ બદલાતા જાય છે. અંદર જે ઘમસાણ ચાલી રહ્યું છે તેની આપણને ખબર પડતી નથી. આ ભાવનાઓનું ચિંતન આપણને સારા ભાવો અને સકારાત્મકતા તરફ લઈ જાય છે. આ જીવન જીવવાની કલા છે. માધ્યસ્થ ભાવનાના ઘણા અર્થો છે. માધ્યસ્થ ભાવના એટલે રાગ-દ્વેષમાં વિચલિત ન થવું અને આત્મામાં સ્થિર થવું. બીજો તેનો અર્થ છે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો. પ્રિય અને અપ્રિયમાં ભેદભાવ ન રાખવો. ત્રીજો તેનો અર્થ છે કેટલાય જીવો જે આડા પાટે ચડ્યા હોય, ધર્મ વિમુખ અને હિંસક હોય તેમને માધસ્ય ભાવ રાખીને સહી માર્ગે વાળવા, તેમને સુધારવાનો પ્રયાસ કરવો. પણ આમાં સામો માણસ આપણું અપમાન કરે, સામે થાય તો પણ ધીરજ ગુમાવવી નહીં. જેવા સાથે તેવા થવું નહીં. આવા ભટકેલા માણસો પ્રત્યે પણ રાગ-દ્વેષ રાખવો નહીં.

જીવનમાં કેટલાક બનાવો એવા છે એમાં આપણું કાંઈ ચાલતું નથી. સમય અને સંજોગો પ્રમાણે બધું થતું રહે છે. કેટલાક માણસોનું વર્તન અને વહેવાર ત્રાસ ઉપજાવે તેવો હોય છે પણ આપણે સમતા અને શાંતિ ધારણ કરવી. ઉકળાટ કરવો નહીં, ગુસ્સે થવું નહીં. બીજાની ભૂલના કારણે આપણને પોતાને સજા આપવી નહીં અને કોઈ પણ જાતનો રંજ, દ્વેષ રાખવો નહીં. બીજાને સુધારવાનો પ્રયાસ કરીએ ત્યારે થોડું આત્મનિરીક્ષણ પણ કરી લેવું કે આપણે જે માર્ગે જઈ રહ્યા છીએ તે બરાબર છે ને? ઉપદેશ કરતા આચરણ વધુ અસરકારક બને છે. કોઈને પણ સુધારવા જતા પહેલાં આપણે સુધરવું પડે. હું કહું એ જ સાચું એવું અભિમાન ચાલે નહીં. આપણે આમાં કશું મેળવવાનું નથી. જશના બદલે જૂતિયાં મળે તો પણ વાંધો નથી. મારે મારું કર્તવ્ય બજાવવાનું છે. બીજો શું કરે છે અને નથી કરતો તેની પીંજણમાં પડ્યા વગર સામા માણસને સન્માર્ગે વાળવાનો છે.

કોઈપણ માણસને ખરાબ થવું કે ખરાબ દેખાવું ગમતું નથી. પોતે જે રાહ પર ચાલી રહ્યો છે તે સારો નથી એવી પ્રતીતિ પણ તેને થતી હોય છે. પણ તે સમય અને સંજોગોમાં સપડાયો હોય છે. તેના માટે પાછા વળવાનું મુશ્કેલ હોય છે. આ એક કળણ છે તેમાં માણસ ઊંડોને ઊંડો ઊતરતો જાય છે. માધ્યસ્થ ભાવનાનો અર્થ તેને ઊંડા ખાડામાંથી બહાર કાઢવાનો છે. આ જગતમાં સારા-સજ્જન થવું કોને ન ગમે? આપણે ભટકેલા, દિશા ભૂલેલા માણસને તેનું માન ન ઘવાય તે રીતે સાંપ્રત પ્રવાહમાં પાછો વાળવા પ્રયાસ કરવાના છે અને તેને આ અંગે મોકો આપવાનો છે.

કેટલાક એવા પ્રકારના લોકો હોય છે જેઓ ગરીબી, કંગાલિયાતમાં સપડાયા હોય, જીવવાનું તેમના માટે મુશ્કેલ હોય, આના કારણે તેઓ એક યા બીજી રીતે હિંસામાં પ્રવૃત હોય તેમને સહાયરૂપ થઈએ અને માર્ગદર્શન આપીએ ત્યારે આપણામાં એવો ભાવ પણ ઊભો નહીં થવો જોઈએ કે આપણે તેના કરતાં ઊંચા છીએ, વધારે ડાહ્યા છીએ, બુદ્ધિમાન છીએ. આવો ભાવ અહંકાર ઊભો કરે છે. સાધકે માત્ર એટલો ખ્યાલ કરવાનો છે આ મારા જેવો આત્મા છે મારે તેને સત્વરે ધર્મના પંથે ચડાવવાનો છે. આમાં ગમે તે અંતરાયો આવે સમતાભાવ ધારણ કરીને અન્ય પ્રત્યે શુભેચ્છાનો ભાવ રાખવાનો છે. વૈયાવૃત એટલે સેવાની ભાવના રાખવાની છે.

કોઈ દુ:ખી, પીડિત માણસ કે જીવને જોઈએ ત્યારે તેના કારણમાં ઊતર્યા વગર અને તેના હૃદયને ખોતર્યા વગર તેને સહાય કરીને ચૂપચાપ ચાલ્યા જવાનું છે. કામ પૂરું થયા પછી આભારના શબ્દો સાંભળવા માટે પણ ઊભા રહેવાનું નથી. કોઈ પણ જાતની અપેક્ષા રાખીએ તો દોષ લાગે.

માધ્યસ્થ ભાવના એટલે તટસ્થા અર્થાત સમતા. આમાં રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય. આ મારું પ્રિયજન છે, આનો મારી સાથેનો સંબંધ છે એટલે તેની વહારે જવું જોઈએ અને આ મારો દુશ્મન છે, વિરોધી છે એટલે તેને મદદ કરવાની જરૂર નથી એવો ભાવ રાખવાનો નથી. અન્યના દોષોની ઉપેક્ષા કરવી, તેના પ્રત્યે ધ્યાન આપવું નહીં. કોઈક સારું તત્ત્વ એનામાં શોધીને તેને સારા બનવા પ્રોત્સાહન આપવું એ આ ભાવનાનો સાર છે. સમાજમાં સજ્જનો કરતાં દુર્જનોની સંખ્યા વધારે છે પણ આપણે તે અંગે દુર્લક્ષ સેવીએ છીએ. સજ્જનો આગળ આવતા નથી. એટલે દુર્જનો પોતાની જગ્યા કરી લે છે અને આપણે તેમને મહત્ત્વ આપીને તેમના અહંકારનો પારો ઊંચો ચડાવીએ છીએ. તેમની ઉપેક્ષા કરીને તેમને સાચે માર્ગે વાળવાના છે. ખરાબ માણસોની જેટલી પ્રશંસા થાય છે એટલી સારા માણસોની થતી હોત તો સારા-સજ્જન માણસોની સંખ્યા વધારે હોત. ખરાબ માણસોને સુધારવા માટે પણ સારા માણસોએ આગળ આવવું જોઈએ.

માણસના મૂળભૂત તત્ત્વમાં વિશ્વાસ અને માનવીય ગુણો વિકસે અને દરેક માણસને સારા થવા પ્રોત્સાહન મળે એવા પ્રયાસો એટલે માધ્યસ્થ ભાવના. લોકો વાતવાતમાં કહેતા હોય છે મેં તેને સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા છે પણ તેને સુધરવું નથી એમાં આપણે શું કરીએ? કેટલાક લોકો કહેશે મેં તેને સુખી બનાવવા ઘણા પ્રયાસો કર્યા પણ તેને કદર નથી. આપણું સુખ બીજા સુધી નથી પહોંચતું તો પ્રથમ વિચાર કરવો કે આપણી પાસે ખરેખર સુખ છે કે? જે વસ્તુ આપણી પાસે હોય તે જ બીજાને આપી શકીએ. આપણી પાસે જે નથી તે બીજાને આપી શકાતું નથી. આપણે કોઈ સારું કામ કરીએ અને કદરની અપેક્ષા રાખીએ તો તેનો કોઈ અર્થ રહે નહીં. કાંઈક કરીને બદલામાં કાંઈક મેળવવું હોય તો એ સ્વાર્થ ગણાય.

માધ્યસ્થ ભાવના એટલે સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખવો. સફળતા મળે તો ફુલાવું નહીં અને નિષ્ફળતા મળે તો મૂંઝાવું નહીં. માણસનો સ્વભાવ છે સફળતા મળે તો બધો જશ પોતાનો અને નિષ્ફળતા મળે તો બધો દોષ બીજાનો. આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે બીજાનો ખ્યાલ કરવાનો છે. આપણે આપણું પોતાનું જ વિચારવાનું નથી.બીજાને મદદ કરવાની છે. બીજાનું જીવન સુધારવાનું છે પણ આ અંગે નિરાશ થવાનું નથી. શ્રી ચિત્રભાનુજીએ બહુ યથાર્થ રીતે કહ્યું છે કે

‘માર્ગ’ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું

કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું.

મહાવીરનો સંયમનો અર્થ છે મધ્યમાં રહેવું અને સાક્ષી ભાવે જીવવું અને પોતાની શક્તિથી પરિચિત થવું. આ માટે પ્રભુએ એક માર્ગ બતાવ્યો છે તે છે સમ્યક્માર્ગ. કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. માધ્યસ્થ ભાવનાનો અર્થ છે કોઈપણ અતિ પર જતા અટકવું. માણસનું સમગ્ર જીવન બે અતિઓ પર અટવાયેલું છે. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. માણસ ઘડીક દોસ્તી કરે છે. ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ તો ઘડીક ઘૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમા. આમ બે અતિઓ પર જીવનની ધારા અવલંબિત છે. જીવનમાં કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. મન એક આયામમાંથી બીજા આયામ પર ભટક્યા કરે છે. કોઈને તે શિખર પર ચડાવી દે છે તો કોઈને નીચે ગબડાવી મૂકે છે.

માધ્યસ્થ ભાવનાનો અર્થ છે જીવનના તમામ વ્યવહારોમાં સંતુલન જાળવવું. આપણે મોટે ભાગે કાં તો કાંઈ કરતા નથી અને કાં તો વધુ પડતું કરી નાખીએ છીએ. વધુ પડતું કરી નાખવાનું માણસનું જે વલણ છે તેનું મુખ્ય કારણ એ છે કે કાંઈક વધુ કરી નાખીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે છીએ અને બીજાને પણ આપણી હસ્તીનો ખ્યાલ આવે છે. આપણે ભભકા કરીએ તો જ બહાર દેખાઈએ. આપણે આગળ આવવું છે, બહાર દેખાવું છે એટલે અતિ પર જવું પડે છે. કાંઈક અસાધારણ કરીએ તો જ બીજાની નજર આપણા તરફ ખેંચાય. જગતને સુધારવું સહેલું છે પણ પોતાની જાતને સુધારવી મુશ્કેલ છે. બીજાનું કલ્યાણ કરવાનું સહેલું પણ પોતાનું કલ્યાણ કરવાનું કઠિન. બીજાને સુધારવા માટે પરિણામની કશી ચિંતા કરવી પડતી નથી. દોષનો ટોપલો બીજા પર ઢોળી શકાય છે પણ પોતાને સુધારવાની નિષ્ફળતામાં કોઈને જવાબદાર ગણી શકાતું નથી. બીજાને બદલાવામાં અને બીજાને પોતાના જેવા કરવામાં માણસને અનહદ આનંદ થતો હોય છે. પોતાનું કહ્યું બીજા માને, બીજા પોતાનું અનુસરણ કરે એવું દરેક માણસને ગમતું હોય છે. બાપ દીકરાને, ગુરુ શિષ્યને, શિક્ષક વિદ્યાર્થીને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. આમાં અહંકારની તૃપ્તિ છે. માધ્યસ્થ ભાવનાનો અર્થ છે આપણે બીજાને સુધારવાના છે, પણ તેમની પર હકૂમત જમાવવાની નથી. આપણે ઢળી જવાનું છે, પણ બીજાને આપણા મત મુજબ ઢાળવાના નથી. આ ભાવનામાં જીવનનો સમગ્ર સાર છે. આપણે તેને સાચી રીતે સમજીએ તો આમાં આપણું અને સર્વેનું કલ્યાણ રહેલું છે. કોઈ રચનાકારે કહ્યું છે તેમ…

“ગુણીજન વિશે પ્રીતિ ધરું

નિર્ગુણ વિશે મધ્યસ્થતા

આપત્તી હો, સંમતિ હો

રાખુ હૃદયમાં સ્વસ્થતા

સુખમાં રહું વૈરાગ્યથી

દુ:ખમાં રહું સમતા ધરી

પ્રભુ આટલું ભવોભવ

મને તું આપજે કરુણા કરી.

સૌજન્ય– મુંબઈ સમાચાર.કોમ 

2 responses to “( 962 ) મધ્યમાં રહેવું અને કોઈપણ અતિ પર જતાં અટકવું એનું નામ માધ્યસ્થ ભાવના…. જિનદર્શન …. મહેન્દ્ર પુનાતર

  1. સુરેશ ઓક્ટોબર 8, 2016 પર 5:53 એ એમ (AM)

    જૈન દર્શનની સૌથી મહાન દેણ –

    આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: