વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1016) પ્રણયનાં ગુજરાતી ગીતો…ગઝલો નો આસ્વાદ

ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ પ્રણય ગીતો, ગઝલોની રચના કરી છે.આ ગીતો/ગઝલોમાં કવિઓએ ” સબસે ઉંચી પ્રેમ સગાઇ ” ની ભાવનાનું મન મુકીને નિરૂપણ કર્યું છે.

આવાં કેટલાંક લોક જીભે રમતાં અને પ્રસિદ્ધ ગુજરાતી પ્રણય ગીતો/ગઝલોમાંથી મને ગમતાં કેટલાંક વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં મુક્યાં છે.

આ ગીતો વધુ સારી રીતે સંગીત સાથે માણી શકાય એ હેતુથી કેટલાંક ગીતોની ઉપલબ્ધ ઓડિયો/વિડીયો લીંક પણ ગીતો સાથે મૂકી છે .આશા છે આપને આ ગુજરાતી પ્રણય ગીત માળાનો આસ્વાદ લેવાનું ગમશે. .. વિનોદ પટેલ

aa-nabh-jukyu

આ નભ ઝૂકયું તે કાનજી,
ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી,
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી,
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી,
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી,
પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી,
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી,
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી,
ને નજરું જુએ તે રાધા રે!

— કવિ પ્રિયકાંત મણિયાર

Aa Nabh Jhukyun Te by Ashit Desai and Hema Desai | Gujarati Jalso

તારી આંખનો અફીણી…કવિ વેણીભાઈ પુરોહિત 

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

Tari ankh no afini …(Asmi)

નજરનાં જામ છલકાવીને…–બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

–બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
Najar Na Jaam Chhalkavine Mukesh..

મારા ભોળા દિલનો… કવિ રમેશ ગુપ્તા

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો
એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
શું પામ્યું કહો જીન્દગીભર આહ ભરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલઈ ગયા જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો
મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો
..રમેશ ગુપ્તા

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
Mara Bhola Dil No – Mukesh

કોઈ જોડે કોઈ તોડે -કવિ ઉમાશંકર જોશી 

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…
કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…
કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…
કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કો
ઈ તોડે…
-ઉમાશંકર જોશી

દિવસો જુદાઈના જાય છે..‘ગની’ દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી
ન ધરા સુધી ન ગગન સુધી
નહિ ઉન્નતિ ન પતન સુધી
ફકત આપણે તો જવું હતું
હર એક મેકના મન સુધી
તમે રાંકના છો રતન સમા
ન મળો હે આંસુઓ ધૂળમાં
જો અરજ કબૂલ હો આટલી
તો હ્રદયથી જાઓ નયન સુધી
તમે રાજરાણીના ચીર સમ
અમે રંક નારની ચુંદડી
તમે તન પર રહો ઘડી બેઘડી
અમે સાથ દઈએ કફન સુધી
જો હ્રદયની આગ વધી ‘ગની’
તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી
‘ગની’ દહીંવાલા

Divaso Judai Na Jay Chhe – Gani Dahiwala – Soli Kapadia – Gujarati Gazal

એવું કૈં કરીએ કે…–કવિ રમેશ પારેખ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
– રમેશ પારેખ

જ્યારે પ્રણયની જગમાં….– આદિલ મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી

Jyare Pranay Ni Jag Ma Sharuat Thai Hashe / જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – Manhar Udhas

1 responses to “( 1016) પ્રણયનાં ગુજરાતી ગીતો…ગઝલો નો આસ્વાદ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.