વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1198- તમારા પતિને વિધુર બનતાં શીખવાડો…યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

તમારા પતિને વિધુર બનતાં શીખવાડો

કોઈ પણ કારણસર પત્નીની ગેરહાજરીમાં પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ

યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

 

ગુજરાતી કોલમિસ્ટ જગતના રાજા કહી શકાય એવા કોલમિસ્ટ અને લેખક તેમ જ અમારા વડીલ ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલાં તમારી પત્નીને વિધવા બનતાં શીખવાડો એવો એક લેખ લખ્યો હતો. હજુ પણ અનેક કુટુંબોમાં સ્ત્રીઓને એ જાણ નથી હોતી કે પતિ કે પરિવાર પાસે કેટલી મિલકત છે, કઈ બેન્કમાં કેટલા રૂપિયા છે, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા શેર્સ છે કે કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે કે આપવાના છે એવી કોઈ માહિતી હોતી નથી. મોટા ભાગે પુરુષો પત્નીઓને કહી દેતા હોય છે કે ‘હું બેઠો છુંને પછી તારે શું ચિંતા’ પણ અચાનક આ બેઠેલો પુરુષ ચત્તોપાટ થઈ જાય છે. અકસ્માત કે હાર્ટ-એટેક કે એવી કોઈ બીમારી પર સવાર થઈને મોત ત્રાટકે છે ત્યારે આ બધા હિસાબો આપવા-લેવાનો સમય રહેતો નથી. અબજોપતિઓની પત્નીઓ પોતાના પતિની કે પોતાની માલિકીની સંપત્તિ હોવા છતાં આ બધા અંગે અજાણ હોવાને કારણે ઓશિયાળું અને બિચારું જીવન જીવતી હોય છે. તમારી પત્નીને તમારું એક નંબરનું અને બે નંબરનું ખાતું શું છે એની જાણકારી હોવી જોઈએ એવી શીખ ગુજરાતી વાચકોને આપવામાં આવી હતી.

આ મુંબઈ શહેરમાં પણ એવી મહિલાઓ છે જેઓ ક્યારેય બેન્કમાં સુધ્ધાં ગઈ નથી. તેમના કિચન, ટેલિવિઝન સિરિયલ અને લગ્ન, મરણ કે સીમંતના પ્રસંગો સિવાયની પણ એક દુનિયા છે એની તેમને ખબર નથી. આ મહિલાઓનો પતિ અચાનક ફટાકડાની જેમ ફૂટી જાય કે પછી કોઈ લલના સાથે લીલા કરવા ચાલ્યો જાય તો તેની સ્થિતિ દયનીય થઈ જાય છે. અલબત્ત, આના માટે ફક્ત પુરુષ નહીં પણ તે મહિલા પોતે પણ જવાબદાર હોય છે એવું અમે પણ ચોક્કસપણે માનીએ છીએ.

ખેર, આ વિષય પર ચંદ્રકાંત બક્ષીથી માંડીને અન્ય લેખકો લખી ચૂક્યા છે પણ જેમ પત્નીને વિધવા બનતાં શીખવવું જરૂરી છે એટલું જ પતિને વિધુર બનતાં શીખવવું જરૂરી નથી?

અમારા પ્રિય કવિ ગુલઝારની એક બહુ જ હૃદયસ્પર્શી કવિતા છે:

બુઢિયા, તેરે સાથ મૈંને, જીને કી હર શૈ બાંટી હૈ!

દાના પાની, કપડા લત્તા, નીંદે ઔર જગરાતે સારે,

ઔલાદોં કે જનને સે બસને તક, ઔર બિછડને તક!

ઉમ્ર કા હર હિસ્સા બાંટા હૈ…

તેરે સાથ જુદાઈ બાંટી, રૂઠ, સુલહ, તન્હાઈ ભી,

સારી કારસ્તાનિયાં બાંટી, ઝૂઠ ભી ઔર સચ્ચાઈ ભી,

મેરે દર્દ સહે હૈ તૂને,

તેરી સારી પીડે મેરે પોરોં સે ગુઝરી હૈ,

સાથ જિયે હૈં…

સાથ મરેં યે કૈસે મુમકિન હો સકતા હૈ?

દોનોં મેં સે એક કો ઇક દિન,

દૂજે કો શમ્શાન પે છોડ કે

તન્હા વાપસ લૌટના હોગા!!

આપણને ગમે કે ન ગમે, આપણે એના માટે તૈયાર હોઈએ કે ન હોઈએ, સંબંધો પ્રેમભર્યા હોય કે કંકાસથી છલોછલ પણ હકીકત તો એ જ છે કે બહુ થોડા અપવાદો બાદ કરતાં પતિ-પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય એવું ભાગ્યે જ બને છે. કવિ ગુલઝારે લખ્યું છે એમ જિંદગીના દરેક તબક્કે સાથ નિભાવ્યો હોય પણ બેમાંથી એક જણે બીજાને સ્મશાનમાં ચિતા પર ચડાવીને ઘરે એકલા પાછા ફરવાનું હોય છે. આ એકલતા ભયાનક હોય છે એ ખરું પણ દરકે પરિણીત વ્યક્તિએ પોતાનો જીવનસાથી ગુમાવવાની એ કારમી પીડાનો ક્યારેક તો સામનો કરવો જ પડતો હોય છે.

સંવેદનાના સ્તર પર બંનેએ, પછી તે પતિ હોય કે પત્ની, જીવનસાથીની ગેરહાજરીમાં જીવવા માટે આગોતરી તૈયારી કરવાની હોય જ છે, પણ બાહ્યજગતમાંય આ તૈયારી કરવી પડતી હોય છે.

પતિનું મૃત્યુ થાય તો પત્નીને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે કે પછી દુનિયાદારીનું વ્યવહારુ જ્ઞાન ન હોવાને કારણે મુશ્કેલી અનુભવવી પડતી હોય એવા અનેક કિસ્સાઓ છે, પરંતુ પત્ની મૃત્યુ ન પામી હોય પણ બે-ચાર દિવસ બહારગામ ગઈ હોય કે બીમારીમાં પટકાઈ હોય તોય રઘવાયા થઈ જતા અને મા વિનાના બાળક જેવા પતિઓને અમે જોયા છે, કારણ કે આ પતિદેવોને પત્નીની ગેરહાજરીમાં એક કપ ચાના કે બે ટાઈમ ભોજનના ય સાંસા પડે છે. એ માટે કાં તો તેમણે હોટેલનો કે પછી કોઈ સગાં-સંબંધીઓનો આશરો લેવો પડે છે. એક યુવાન અને યુવતીનાં લગ્ન થયાં. લગ્નના બીજા દિવસે પતિ પથારીમાંથી ઊઠ્યો અને બાથરૂમમાં ગયો તો બાથરૂમમાં તેના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને તૈયાર હતી. તેનો ટુવાલ બાથરૂમમાં ટીંગાડી દેવામાં આવ્યો હતો. કપડાંને ઈસ્ત્રી કરીને મૂકવામાં આવ્યા હતા. રૂમાલ, મોજાં બધું જ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું. પતિએ તરત જ બૂમ પાડીને પત્નીને બોલાવી. પત્ની દોડીને આવી એવું માનીને કે તેણે જે બધું ગોઠવી રાખ્યુ હતું એ જોઈને પતિ ખુશખુશાલ થઈ ગયો હશે પણ તેને બદલે પતિના ચહેરા પર નારાજગી હતી. પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તો આ બધું કર્યું પણ હવેથી આ બધું કરવાની જરૂર નથી. પત્નીના ચહેરા પરનો રંગ ઊડી ગયેલો જોઈને તેણે તેને બાજુમાં બેસાડીને સમજાવી કે જો, આજે તેં મારા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાથી માંડીને મારી જરૂરતની બધી જ ચીજવસ્તુઓ ગોઠવીને મૂકી છે. આવું તું કાયમ કરી શકીશ નહીં અને કરીશ તોય થોડા વખત પછી આનો તને બોજ લાગવા માંડશે. ત્યાં સુધીમાં મને બધું જ હાથમાં મળે એવી આદત પડી ગઈ હશે. ટૂંકમાં, આવી વ્યવસ્થા લાંબો સમય ચાલશે નહીં અને ચાલશે તોય એમાં કંટાળો પ્રવેશશે. આ સિવાય પણ હું તારા પર એટલા હદે નિર્ભર થવા નથી ઈચ્છતો કે મારું પોતાનું કામ કરવા માટે પણ મને તારી જરૂર પડે. માટે મહેરબાની કરીને મને મારાં કામ જાતે કરી લેવા દે. તું મારા જીવનમાં નહોતી ત્યારે પણ હું બ્રશ કરતો હતો અને નહાઈને જાતે જ તૈયાર થઈ જતો હતો.

કોણ જાણે કેમ પણ આપણે ત્યાં પ્રેમની વ્યાખ્યા એકબીજા પર નિર્ભર હોવું એવી થઈ ગઈ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, લાગણી હોય કે ફોર ધેટ મેટર કોઈ પણ સંબંધોમાં પરસ્પર એકબીજા માટે સ્નેહ હોય એ સારી બાબત છે પણ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા માટેનો સ્નેહ કે દોસ્તી કરતાં વધુ એકબીજા પરની નિર્ભરતા પ્રવેશી જાય છે. પતિ-પત્ની પ્રેમી મટીને એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા મશીન જેવા થઈ જાય છે. કેટલીય પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે મને તો અમુક જગ્યાએ ફરવા કે કોઈને મળવા જવું છે પણ કેવી રીતે જઈએ, કારણ કે હું જો થોડા દિવસ ન હોઉં તો મારા પતિ કે છોકરાઓ ભૂખ્યા રહે, ઘરનો કારભાર કોણ ચલાવે? મૃત્યુ તો બહુ દૂરની વાત છે પણ પત્ની કે ઘરની મુખ્ય મહિલાની ગેરહાજરીમાં ઘર નામની આ ફેક્ટરી સદંતર ખોટકાઈ જતી હોય છે. દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં પછી ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચે પ્રણયને બદલે પરસ્પર ગુલામી પ્રવેશ કરી જાય છે. જ્યાં ગુલામી હોય, અસલામતીની ભાવના હોય ત્યાં પ્રેમ ક્યાંથી પાંગરી શકે!

જ્યાં હિંદુસ્તાની પ્રથા અનુસાર પતિ કમાતો હોય અને પત્ની ઘર સાચવતી હોય એ સંજોગોમાં મિલકત, સંપત્તિ અને અન્ય જરૂરી બાબતો અંગે પત્નીને વાકેફ રાખવી અને અચાનક એક્ઝિટ કરવાનો વારો આવે તો પત્ની અને બાળકો દર-દરની ઠોકર ખાતાં ન ફરે એટલી રીતે પત્નીને સજ્જ કરવાની જવાબદારી પતિની ગણી શકાય. એ જ રીતે પત્ની બીમાર થાય કે કોઈ પણ કારણસર ગેરહાજર હોય કે પછી અણધારી વિદાય લઈ લે તો પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ.

આજુબાજુ નજર કરશો તો ખ્યાલમાં આવશે કે આજની નારી આત્મનિર્ભર બની છે. કાં તો પોતે કમાય છે અથવા જો ન કમાતી હોય તો પણ પતિના કામકાજ કે વ્યવસાય અંગે વાકેફ છે પણ એની સરખામણીમાં મોટા ભાગના પુરુષો હજુ પણ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પત્ની કે પછી મા અથવા ઘરની જ કોઈ મહિલા સદસ્ય પર નિર્ભર છે. પુરુષોની આ સ્થિતિ માટે જેટલા પુરુષો જવાબદાર છે એટલી જ કદાચ તેમના જીવનમાં રહેલી સ્ત્રીઓ પણ જવાબદાર છે. ઘણા ખરા કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ પોતાના પતિઓને કે પુત્રોને પોતાના પર નિર્ભર રાખવા ઇચ્છતી હોય છે. મારા હસબંડને તો મારા વિના ચાલે જ નહીં. તેમને તો પેન્ટ અને શર્ટનું મેચિંગ કરતાં પણ ન આવડે. ઘરમાં ચા-સાકરના ડબ્બા ક્યાં છે એની પણ તેને ખબર ન હોય એવું ઘણી મહિલાઓ પોરસાઈને કહેતી હોય છે. આમાં પ્રેમ કરતાંય વધારે માલિકીપણાનો ભાવ વધુ દેખાય છે.

પરિપક્વ સંબંધોમાં એકબીજા પર નિર્ભર નહીં પણ એકબીજાને આત્મનિર્ભર બનાવવા તરફનો ઝોક વધુ હોય છે. એકબીજાનો સાથ-સંગાથ ગમવો એ જુદી વાત છે અને એકબીજા માટે વ્યસન બની જવું એ જુદી વાત છે. જો સંબંધોમાં પૂરતી મોકળાશ ન હોય તો સંબંધો પણ વ્યસન બની જતા હોય છે. એવા વ્યસન જેને આપણે ધિક્કારીએ છીએ પણ છોડી શકતા નથી. સંબંધોમાં જ્યારે આપણે મુક્તતા નથી અનુભવતા કે એકબીજાના પગમાં બેડી બની જઈએ છીએ ત્યારે એનો ભાર લાગવા માંડે છે. એક સામાજિક વ્યવસ્થા અને સગવડતા માટે બંનેના કાર્યક્ષેત્ર જુદા હોય અને બંને પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હોય એ નિશ્ર્ચિતપણે પ્રશંસનીય બાબત છે પણ એકબીજા વિના લૂલા-લંગડા કે અપંગ થઈ ગયા હોવાનો ભાવ આવતો હોય તો એને પ્રેમ તો ન જ કહી શકાય.

સૌજન્ય/સાભાર –

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109862

1 responses to “1198- તમારા પતિને વિધુર બનતાં શીખવાડો…યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

  1. સુરેશ મે 13, 2018 પર 7:54 એ એમ (AM)

    અમે તો હત્તર હત્તર વરહથી ચા બનાવીએ છીએ – વિધુર થયા વિના !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.