વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1225- રક્ષા બંધન અનુરૂપ સ્ટોરી …. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

રક્ષા બંધનનું પર્વ આવે એટલે બહેન ભાઈની રક્ષા માટે એના હાથે રાખડી બાંધે છે અને એની દરેક રીતની કુશળતા માટે પ્રભુને પ્રાર્થના કરે છે.

ગરીબ હો અથવા તવંગર,એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ એક સરખો હોય છે.એમાં કોઈ જાતનો ફરક નથી હોતો.

આ વાતની પ્રતીતિ કરતી એક મિત્ર તરફથી વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત નીચેની વાર્તા મને ગમી ગઈ.એમના આભાર સાથે રક્ષાબન્ધન ના પર્વની ભાવનાને ઉજાગર કરતી આ વાર્તા નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા.

એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી.કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતાં અટકાવતા હશે.

આમ છતાં થોડી હિંમત કરીને એ નજીક આવી.

પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ?

છોકરી ‘હા’ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયું. 

છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી.

એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતાં કહ્યુ,

” શેઠ, જીંદગીમાં કોઇ દી આવું પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.”

આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો.

હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી,

” ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે.”

દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો.

છોકરીને તતડાવીને કહ્યું ” છાનીમાની ઉભી ઉભી પી લે અહીંયાં . લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવું છે? “

છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યું,

” ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કે દી પીવા મળશે ?”

મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ કરી આપોને ભાઇ ! “

છોકરીના આટલા શબ્દોએ ત્યાં ઉભેલા દરેક પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણ કે બધાંને પોતાની બહેન યાદ આવી ગઇ.

મિત્રો, પોતાના ભાગનું કે પોતાના નશીબનું જે કંઇ હોઇ એ એક બહેન પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે.

આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી તો નથી જતાને ? જરા તપાસજો.

-અજ્ઞાત

સુશ્રી યામિની વ્યાસની રક્ષા બંધનને અનુરૂપ ભાઈ-બહેનના પ્રેમના ભાવને રજુ કરતી  સુંદર 

કાવ્ય રચના એમના આભાર સાથે પ્રસ્તુત છે.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધન [નાળિયેરી પૂનમ ] નિમિત્તે

સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ .

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.