વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(51) સમય અને જીવનનું ચક્ર ચાલતું જ રહે છે -સમયની કિંમતને ઓળખીએ .

ગુજરાતના લોકપ્રિય લેખક અને વિચારક શ્રી ગુણવંત શાહનો મને ગમતો એક પ્રેરક લેખ “રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે “અને મારો એક લેખ “સમયની કિંમત ” આજની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.

પોસ્ટના અંતે “સમય કા પહિયા ચલતા હૈ “એ નામનો સુંદર સંગીત અને ગાયક હરિહરનના મધુર કંઠે ગવાયેલ ગીતનો એક વિડીયો પણ મુક્યો છે.મને આશા છે આપને એ જરૂર ગમશે .

સમય સમય બલવાન હૈ , નહી મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લૂંટીયો ,વોહી ધનુષ વોહી બાન .

TIME AND TIDE WAIT FOR NONE.
— વિનોદ પટેલ  ___________________________________

રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે ..                            લેખક –શ્રી ગુણવંત શાહ

દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે.જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા!જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી!આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી.

માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે.મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે. સેમ્યુઅલ બેકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’માં સાંભળવા મળતું એક વિધાન છે,‘દુનિયામાં આંસુ કદી ખૂટતાં નથી.એ નિરંતર વહે છે.ક્યાંક કોઇ રડવાનું બંધ કરે,ત્યાં તો બીજે કશેક રડવાનું શરૂ થઇ જાય છે.’મૂર્ખતા સુખદાયિની છે!જીવન તળાવ જેવું અપ્રવાહી કે ‘સ્થાનકવાસી’નથી હોતું. એ તો પ્રતિક્ષણ ગતિશીલ હોય છે. ગતિ એ જ તો પરિવર્તનનું ચારિત્ર્ય છે!વહેવું અને સતત વહેવું એ નદીનું શીલ છે.ગીતામાં સાગરને ‘અચલપ્રતિષ્ઠ’ કહ્યો છે. જે ધ્યેય હોય તે સ્થિર હોય તો જ ત્યાં સુધી પહોંચીને પામી શકાય.આપણા ઘણાખરા ઉપદ્રવો કાયમીપણાની ભ્રમણાનાં ફરજંદો છે. સાગર ‘અચલપ્રતિષ્ઠ’ છે તેથી તો નદી સાગર ભણી વહી શકે છે. સાગર એ જ નદીનું ગંતવ્ય છે. જીવનને અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે જોવામાં બધા આધ્યાત્મનો સાર આવી જાય છે.એક જ બાબત કાયમી છે અને તે છે કાયમીપણાનો અભાવ!આવી સમજણ આપણને હળવા બનવાની છુટ આપે છે.જે હળવો નથી તે સાધુ નથી. જેનું સ્મિત કરમાઇ જાય તેની સાધુતા કરમાઇ જાય છે.

વર્ષો પહેલાં વિનોબાએ કોઇ સ્વાર્થી માણસને સંભળાવેલું, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ જે મનુષ્ય ભારેખમ જણાય તેને ચિંતક કહેવાની ભૂલ ન કરશો.અધ્યાત્મને ઘુવડગંભીરતા સાથે કોઇ લેવાદેવા નથી.સતત યાદ રાખવાનું છે કે આપણને ગીતાનો ઉપદેશ એક એવા યોગેશ્વરે આપ્યો છે,જેમણે રાસલીલા પણ કરી હતી અને માખણચોરી પણ કરી હતી.કૃષ્ણના સ્મિતનો જાદુ આજે પણ ઓસર્યો નથી.આજની નવી પેઢીનો ભગવાન પણ નૃત્યપ્રિય, સ્મિતપ્રિય અને આનંદપ્રિય હોવાનો.જેનું મોં ગંભીરતાને કારણે બેડોળ બની ગયું હોય એવા ચિંતકથી દસ કિલોમીટર છેટા રહેવામાં જ લાભ છે.આપણો સમાજ બહુમતી નામના બુલડોઝરનો ગુલામ છે.ઘણાખરા લોકો જે માને તે સાચું માનવામાં સલામતી રહેલી છે.આવી ગુલામીને કારણે જ સદીઓ સુધી સતીપ્રથા ચાલુ રહી શકી.આટલી ક્રૂર પરંપરાને ધર્મની ઓથ સાંપડી તેથી ‘ધર્મ’શબ્દ ઝંખવાણો પડ્યો.એ જ પ્રમાણે અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને પણ ધર્મની ઓથ સાંપડી.

સાને ગુરુજી જેવા સાધુપુરુષે પ્રશ્ન કર્યો,‘અદ્વૈત અને અસ્પૃશ્યતા વચ્ચે મેળ બેસે ખરો?’સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવનાર રાજા રામમોહનરાયની ભાભીને બળજબરીથી સતી થવાની ફરજ પડી ત્યારે રાજા રામમોહનરાયની ચેતના જાગી ઊઠી.બહુમતી એટલે શું?જવાબ છે:હિંમતવાળો એક માણસ એટલે બહુમતી. નોઆખલીમાં ગાંધીજી એકલા ગયા તોય બહુમતીમાં જ હતા.માણસ ભલે એકલો હોય,પરંતુ સત્ય જ્યારે બાજુમાં ઊભેલું હોય ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે.એકલા જણાતા માણસ પાસે ઊભેલું સત્ય સ્થૂળ આંખે દેખાતું નથી.

 કોઇ પણ જાતના સ્વાર્થ વિના પોતાને જડેલા સત્યનો ઉપાડો લેતી વખતે માણસ એકલો હોય છે એવો ભ્રમ ખંખેરી કાઢવા જેવો છે.એ માણસની પાસે ઊભેલા સત્યદેવતા અન્યની નજરે ન પડે તેથી શું?ઐતરેય ઉપનિષદમાં દેવોને ‘પરોક્ષપ્રિયા:’ કહ્યા છે. સત્યના દેવને પણ અપ્રત્યક્ષ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું ગમે છે. રોજ આપણા હાથમાંથી જીવન નામની જણસ છટકી જાય છે. દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે.

 જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌૈન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી!આપણે આપણી મુત્સદ્દીગીરીને અકબંધ રાખી અને ગોટાળામય વાક્યો બોલીને અસત્યને વહેતું મેલ્યું!આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! તમે આવા રૂપાળા માણસને મળ્યા છો? એ માણસ અંદરથી મરી ચૂકયો હોય છે.એ માણસ ક્યારેક તમારી પ્રશંસા કરે,તોય હરખાશો નહીં.જો તમે એની જુઠી પ્રશંસાથી હરખાઇ જશો, તો તમારે એની જુઠી નિંદાથી દુ:ખી થવું જ પડશે. આવો કોઇ બનાવટી બદમાશ તમારી નજીક આવી પહોંચે, તો મોં પર રૂમાલ દબાવીને દૂર ચાલી જજો.

તુલસીદાસની શિખામણ સતત યાદ રાખવા જેવી છે.‘અસંતથી દૂર ભાગો.’ કોઇ ‘અસંત’ ઘરે મળવા આવે ત્યારે શું કરવું?એ જેટલો વખત બેસે તેટલો વખત પૂરી જાગૃતિ સાથે એની વાતો સાંભળી લેવી અને એ જાય કે તરત બાથરૂમમાં ચાલી જવું. બાથરૂમ સ્વચ્છતાદેવીનું મંદિર છે. એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો,તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો.સમાજના ઘણાખરા લોકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અભાવ હોય છે. સરેરાશપણું (એવરેજનેસ)તેમનું રક્ષાકવચ બની જાય છે.સરેરાશ સામાન્યતા એમને નિંદાકૂથલી અને ઇષ્ર્યાનાં આક્રમણોથી બચાવી લે છે.એવી સરેરાશમૂલક સલામતી એમને જબરી નિરાંત આપે છે.નિરાંતનો પણ એક નશો હોય છે.નશાની શોધના મૂળમાં પણ નિરાંત પામવાની ઝંખના રહેલી છે.

આપણા સમાજમાં જે ઘણાખરા લોકોને માન્ય હોય,તેવી જીવનશૈલી રાખવામાં નિરાંત રહે છે.અમારા ગામના ફળિયામાં અડધી સદી પહેલાં એક સુંદર સ્ત્રી રહેતી હતી જે ઘરમાં બેસીને હાર્મોનિયમ વગાડતી.એ બિચારી હાર્મોનિયમ વગાડતી ત્યારે ફળિયાની સ્ત્રીઓ નિંદાકૂથલીનાં ઢોલકાં વગાડતી!(એ સ્ત્રી ગૌરવભેર આજે પણ રાંદેરમાં જીવે છે.)જરાક જુદી રીતે જીવનાર મનુષ્યને શત્રુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે.લોકો એની મશ્કરી ઉડાવે છે.કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે,જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે.

માનશો?સ્વરાજ મળ્યું પછીના દાયકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકારના મુખ્યપ્રધાન (કેરાલાના) ઇ.એમ.એસ. નમ્બૂદ્રિપાદ તોતડા હતા. તેમને કોઇએ પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં એ નેતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ જીવનના એક તબક્કે અભિનેતા હૃતિક રોશન તોતડો હતો.ક્રિકેટર વેંગસરકર પણ નાનપણમાં તોતડું બોલનારા હતા.એવું જ પોતાના સુંદર અવાજ માટે વખણાતાં અભિનેતા રઝા મુરાદ માટે પણ કહી શકાય.આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે.આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય,તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે,જે ગાંધીજી પાસે હતી.પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?

 પાઘડીનો વળ છેડે

 તમે ગંભીર હોવાનો

ડોળ કરી શકો છો,

 પરંતુ તમે હસમુખા હોવાનો

ડોળ કરી શકતા નથી- સાચા ગુત્રી

( સાભાર- દિવ્ય ભાસ્કર –તા-માર્ચ,૨૭,૨૦૧૧ )

શ્રી ગુણવંત શાહનો પરિચય 

શ્રી ગુવંત શાહનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરશો.

__________________________________________________________ 

Time Flies , moment by moment

અમદાવાદથી પ્રગટ થતા ધરતી માસિકમાં જુન 2006 માં પ્રગટ થયેલો મારો એક લેખ ” સમયની કિંમત “

નીચેની પી.ડી.એફ. ફાઈલ  ઓપન કરી  વાંચવા માટે વિનંતી છે.

 સમયની કિંમત-  લેખક વિનોદ પટેલ

____________________________________________

સદા એને  ય સહરામાં પડી  રહેવું  નથી  ગમતું
કદી  વંટોળની  વાટે  વિહરતી  હોય   છે   રેતી

દિવસ ને રાત સૌ ‘બેફામ’ છે  પળનાં  પરિવર્તન
સમયના   ફેરફારે   માત્ર  ફરતી  હોય  છે  રેતી

-બરકત વિરાણી ‘બેફામ’

____________________________________________________

સમય કા પહિયા ચલતા હૈ (વિડીયો દર્શન ) 

આજની સમય વિષયની પોસ્ટને અનુરૂપ  હરીહરન -સુખવિંદર સિંગના મધુર કંઠે ગવાયેલ, જાવેદ અખ્તર રચિત, ભૂતનાથ ફિલ્મનું ગીત નીચેની યુ-ટ્યુબની લિંક પર માણો .

Samay ka pahiya chalta hai

http://www.youtube.com/v/bqwb09bv0kA?version=3&feature=player_detailpage

_________________________________________________

2 responses to “(51) સમય અને જીવનનું ચક્ર ચાલતું જ રહે છે -સમયની કિંમતને ઓળખીએ .

 1. pragnaju મે 19, 2012 પર 3:09 પી એમ(PM)

  સુંદર લેખ
  સ રસ સંકલન

  Like

 2. chandravadan મે 20, 2012 પર 1:41 એ એમ (AM)

  આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે.આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય,તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે,જે ગાંધીજી પાસે હતી.પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?
  Vinodbhai,
  Nice Lekh.
  Enjoyed the Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: