વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જૂન 2013

( 269 ) ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

Dr. Sharad Thaker

Dr. Sharad Thaker

મારા સ્નેહી મિત્ર અને ગુજરાતી નેટ જગતમાં વાચકોમાં ખુબ વંચાતા બ્લોગ Sunday-e-Mahefil ના બ્લોગર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મને ડો.શરદ ઠાકર લિખિત એક સરસ સત્ય ઘટનાત્મક વાર્તા વાંચવા મોકલી, એ વાંચતાં જ મને ગમી ગઈ .

વિનોદ વિહારના વાચકો માટે આ સુંદર વાર્તાને  આજની પોસ્ટમાં મૂકી છે . આશા છે આપને  એ જરૂર વાંચવી ગમશે .

શ્રી ઉત્તમભાઈ એમના ઈ-મેલમાં એમની પસંદગીની વાચન સામગ્રી અવાર નવાર મને મોકલતા રહે છે . છેલ્લાં ઘણા વર્ષોથી લેક્ષિકોનના માધ્યમથી તેઓ અને એમના સહયોગીઓ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે બહું જ અભિનંદનીય કાર્ય કરી રહયા છે .

શ્રી મહેન્દ્ર મેઘાણીની માફક  મોતીચારો ચણતા હંસ જેવી હંસ દ્રષ્ટિથી ગુજરાતી સાહિત્યમાંથી મેળવેલ સાહિત્ય સામગ્રી એમના બ્લોગ મારફતે તેઓ સૌના લાભાર્થે પીરસી ગુજરાતી ભાષા માટેની સુંદર અને ઉપયોગી સેવા શ્રી ઉત્તમભાઈ એમના નિવૃતિકાળમાં હાલ બજાવી રહ્યાં છે . 

અગાઉ ડો.શરદ ઠાકરની એક સત્ય ઘટનાટમક વાર્તા ” દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે” વિનોદ વિહારની પોસ્ટ નંબર ૫૯ માં એમના પરિચય સાથે મૂકી હતી .

આજે પોસ્ટ કરેલ એમની વાર્તા પણ એક સત્ય ઘટનાત્મક વાર્તા છે .લેખકના અમેરિકાના પ્રવાસ દરમ્યાન એમના મેડીકલ કોલેજ કાળના એમના મિત્ર અને ન્યુ જર્સી ખાતે જે.એફ.કે.જનરલ હોસ્પિટલમાં સૌના માનીતા ડોક્ટર કિરીટ પટેલને માત્ર નામ ઉપરથી એમનું જ સરનામું શોધીને મળે છે . એમના આ જુના મિત્ર સાથે ગાળેલ સમય અને ભારતની હોસ્પિટલોની સરખામણીમાં અમેરિકાની હોસ્પિટલ સેવાઓનું એમની આગવી શૈલીમાં સરસ વર્ણન કર્યું છે .

આ વાર્તાના મુખ્ય પાત્ર ડો. કિરીટ પટેલ ગુજરાતમાં , મહેસાણા જિલ્લામાં આવેલ કલોલ પાસેના નાના ગામ મોખાસણ ( મારા વતનના ગામ ડાંગરવા નજીકનું જ ગામ )ના સામાન્ય સ્થિતિના એક ખેડૂત પુત્ર છે .પોતાની આવડત અને મહેનતથી ન્યુ જર્સીમાં હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કેવું નામ અને દામ કમાયા છે એ વાંચીને આપણને આ ડોક્ટર ઉપર માન અને એક ભારતીય તરીકે ગૌરવની લાગણી થાય છે .

ડોક્ટર કિરીટ પટેલ ૧૦ મીલીયન ડોલરની કિંમતના રાજ મહેલ જેવા  મોટા બંગલામાં રહેતા હોવા છતાં ઘરમાં સહજાનંદ સ્વામીનું મંદિર એક રૂમમાં સ્થાપીને  પિતાએ આપેલ ધાર્મિક સંસ્કારોને અને  એમના વતન મોખાસણના મૂળ ધર્મને જાળવી રાખ્યો છે એ બદલ એમને ધન્યવાદ ઘટે છે .મને આ વાર્તા ગમવાનું મુખ્ય કારણ આ જ છે .

અમેરિકામાં ભૌતિક સંપતિ વચ્ચે રહીને પણ ડોક્ટર કિરીટ પટેલની જેમ પોતાના વતનના મૂળને ભૂલવુ ન જોઈએ . 

ડોક્ટર કિરીટ પટેલ જેવી સફળ કારકિર્દી ધરાવતા ભારતીય મૂળના ઘણા ડોક્ટરો આજે અમેરિકાના દરેક ખૂણે  સારું  દામ  અને નામ કમાઈ સારી સેવા કરી રહ્યા એ જોઈને અને જાણીને આનંદ થાય છે .

વિનોદ પટેલ

______________________________________

ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

ઉપરના આમુખ પછી ડો. શરદ ઠાકરની સત્ય ઘટનાત્મક વાર્તા

-ડોક્ટરની ડાયરી  નીચેની લિંક ઉપર માણો .

https://sites.google.com/site/semahefil/sm-273-doctor-ni-daayari

ડોક્ટર શરદ ઠાકર અને એમના સાહિત્યનો સુંદર પરિચય એમના શ્રી

દેવાંગ ભટ્ટ સાથેના એક ઇન્ટરવ્યુંને રજુ કરતા નીચેના યુ-ટ્યુબ

વિડીયોમાંથી મળી રહેશે .

આ વિડીયોમાં પોતાના જીવનની કથા કહેતા ડોક્ટર શરદ ઠાકરને

સાંભળીને તમને લાગશે કે એમનું જીવન જ એમની અનેક વાર્તાઓ

જેવી જ એક વાર્તા છે .

 DR. SHARAD THAKER – INTERVIEW -ATITHI

______________

આભાર –શ્રી ઉત્તમભાઈ ગજ્જર,  Sunday-e- Mahefil  અને દિવ્ય ભાસ્કર

 

 

 

 

 

( 268 ) શ્રી મહેન્દ્ર મેઘાણીને એમના 91મા જન્મ દિવસની શુભેચ્છાઓ

mahendra_meghani

 

તા .20મી જુન 2013ના દિવસે રાષ્ટ્રીય શાયર  સ્વ .ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર  શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી  

 

એમના  જીવનનાં કાર્યશીલ 90 વર્ષ પૂરાં 91મા વર્ષમાં પ્રવેશ્યા છે . છે .

 

આ પ્રસંગે વિનોદ વિહાર એમને મુબારકબાદી અને નિરામય દીર્ઘ જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે .

 

નીચે એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલભાઈએ  એમનો ટૂંક પરિચય આપી એમને 

 

 આપેલ અંજલિ એમના આભાર સાથે મુકેલ છે .

 

શ્રી મહેન્દ્રભાઈના જન્મ દિવસની અનેરી ભેટ સમું ઈ-પુસ્તક ” શું શું સાથે લઈ જઈશ હું? ” નીચે આપેલી લીંક ઉપર વાંચવાનું ચૂકશો નહી .

 

  • શ્રી સુરેશભાઈ જાનીના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર
  • શ્રી મહેન્દ્ર મેઘાણી નો પરિચય આ લિંક ઉપર વાંચો .

વિનોદ પટેલ 

_________________________________________________

 

મિત્રો,
 
મહેન્દ્ર મેઘાણી આજે એમનાં જીવનનાં 90 વર્ષ પૂરાં કરે છે. 
 
આપણે સૌ તેઓનું ‘મિલાપ’ માસિક વાંચતાં વાંચતાં મોટા થયાં છીએ. તેઓએ અમેરિકાના પત્રકારત્વના અભ્યાસ બાદ 1950માં  ’મિલાપ’ માસિક શરૂ કરેલું. સામે નમૂનો રાખેલો અમેરિકન માસિક ‘રીડર ડાયજેસ્ટ’નો. સતત 30 વર્ષો સુધી, અનેક છાપાં-સામયિકો-પુસ્તકોમાંથી પરિશ્રમપૂર્વક વીણેલાં, બને તેટલાં ટૂંકાવેલાં, બે-ત્રણ ભાષામાંથી અનુવાદિત કરેલાં લખાણો સરેરાશ 50 પાનાંના અંકમાં વાચકો પાસે દર મહિને ’મિલાપ’ મૂકતું રહ્યું હતું. 1950થી 1978 સુધી ’મિલાપ’નું પ્રકાશન થતું રહ્યું. આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં રહે છે. મહેન્દ્રભાઈએ ‘લોકમિલાપ’થકી 200 જેટલાં પુસ્તકો પ્રકાશિત કરી લગભગ 1 કરોડ પુસ્તકો વાચકો સુધી પહોંચાડ્યાં છે. લોકમિલાપે બજાર કિંમત કરતાં ઘણી નીચી પડતર કિંમતે સીધા વાચકોને પુસ્તકો પહોંચે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. આ પુસ્તકોની ઈબુક બનાવી હજી વધારે વાચકો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં ’એકત્ર ફાઉન્ડેશન’ જોડાયું છે. ’અડધી સદીની વાચનયાત્રા’ના ચારેય ભાગ તથા ‘લોકમિલાપ’નાં અન્ય પ્રકાશનોને પણ ઈબુકમાં રૂપાંતરિત કરી વિનામૂલ્યે સુલભ કરી આપવાની સંમતિ લોકમિલાપે આપી છે.

 
તાજેતરમાં મહેન્દ્રભાઈએ ‘શું શું સાથે લઈ જઈશ હું?’ નામની નાનકડી પુસ્તિકા સંકલિત કરી છે.  જેમાં સોએક કવિઓનાં કાવ્યોમાંથી એક એક વીણેલી એવી કણિકા અહીં રજૂ કરી છે. આ પુસ્તિકા વિનામૂલ્યે વહેંચવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી એની ઈબુક આપના હાથમાં પહોંચાડતાં અમને ખૂબ આનંદ થાય છે. 

‘શું શું સાથે લઈ જઈશ હું?’ – ઈબુકને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

Shun-Shun-Sathe1

 
મહેન્દ્રભાઈને જન્મદિન મુબારક.
 
– અતુલ રાવલ
 
 20 જૂન, 2013                                                                                              
 
શું શું સાથે લઈ જઈશ હું?
 
—————-
 
    −  એ સવાલ ઉમાશંકર જોશીએ 1954માં એક કાવ્યમાં પૂછેલો અને પછી કહેલું; “લઈ જઈશ હું સાથે….પૃથ્વી પરની રિધ્ધિ હૃદયભર”. તેને આગલે વરસે લખેલા બીજા એક કાવ્યમાં કવિએ જણાવેલું કે “મળ્યાં વર્ષો  તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું”.
 
    કવિની જેમ ઘણા સામાન્ય માનવીઓને પણ આવો સવાલ થવાનો − ખાસ કરીને જેનો જવાનો સમય થઈ ગયો હોય તેવા મારા જેવાને. પરલોકે જઈને “અમૃત લઈ આવ્યો અવનિનું” કહેતાં મારી થેલીમાંથી થોડીક કાવ્ય-કણિકાઓ કાઢી શકું તો હું ધન્ય થાઉં. સોએક કવિઓનાં કાવ્યોમાંથી એક એક વીણેલી એવી કણિકા અહીં રજૂ કરી છે કવિઓનાં નામની કક્કાવારી મુજબ, તે બધી અનેક વાર વાંચવાનો અને બીજાને વાંચી સંભળાવવાનો આનંદ “મળ્યાં વર્ષો તેમાં” માણ્યો છે. અનેક  મિત્રોને પોસ્ટકાર્ડ પર તે લખી મોકલી ત્યારે જ સંતોષ અનુભવ્યો છે. એવો આનંદ અને એવો સંતોષ કવિતાના જે ચાહકોને સાંપડતો હશે તેમના ચિત્તને આમાંની કેટલીક કણિકા સ્પર્શી જશે એવી આશા છે.
 
20 જૂન, 2013                                                                                              મહેન્દ્ર મેઘાણી
  

___________________________________________

 
આભાર- શ્રી અતુલ રાવલ
 
 
_______________________________
 
ઈ-મેલમાં આ માહિતી મોકલવા બદલ શ્રી નટુ પટેલ , ફ્રિમોન્ટ , કેલીફોર્નીયાનો આભાર . 

( 267 ) વાર્તાકાર શ્રી પ્રવીણ શાસ્ત્રીની બે રસિક વાર્તાઓ…… (૧ ) રિવર્સલ … (૨) શાસ્ત્રીની શોકસભા

 

 

વિનોદ વિહારના વાચકોને પ્રવીણ શાસ્ત્રીનું નામ અજાણ્યું નથી .

 

અગાઉ વિ . વિ . ની પોસ્ટ નંબર ૧૧૪ “એક નવા સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ- એક પરિચય” એ મથાળા હેઠળ સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીનો પરિચય કરાવવામાં આવેલ અને આ પરિચયની સાથે સાથે એમના વાર્તાના બ્લોગ પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ માંથી મને ગમેલી બે વાર્તાઓ ૧. લલ્લુ લેખક થયો !  (વાર્તા # ૨૮)  અને    ૨. ફાધર્સ ડે  ( વાર્તા # ૧૨)   એમના આભાર સાથે પોસ્ટ કરી હતી .

    

આજની પોસ્ટમાં શ્રી શાસ્ત્રીએ એમના ઈ-મેલમાં મને મોકલેલ રમુજી શૈલીમાં લખાયેલી મને ગમતી બીજી બે નીચેની બે વાર્તાઓ એમના આભાર સાથે પોસ્ટ કરું છું .

 

૧.  રિવર્સલ  ( વાર્તા  # ૧૬ )

 

રિવર્સલ વાર્તામાં અમેરિકામાં પોતાના દીકરા સાથે રહેતા આધુનિક જમાનાને પી ગયેલા એક પિતા (બાપા ) , એમનો દીકરો અને દીકરાની વહુ અને દાદાને પણ ઉઠાં ભણાવે એવો  દાદાનો માનીતો પૌત્ર એ બધા પાત્રો વચ્ચે ફાધર્સ ડે ની ભેટ અંગે જે સંવાદ રચાય છે એ માણવા જેવો છે .

લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમની આગવી શૈલીમાં આ વાર્તામાં એમના અમેરિકાના અનુભવોનો નિચોડ  આપીને સાંપ્રત સમય ઉપર જબરો કટાક્ષ કર્યો છે એ વાંચવો તમને ગમશે .

 

રિવર્સલ  ( વાર્તા )  અહીં ક્લિક કરીને વાંચો

 

૨.  શાસ્ત્રીની શોકસભા   ( વાર્તા  # ૪૪ )

Pravin Shastri

Pravin Shastri

 

શાસ્ત્રીની શોક સભા વાર્તા એ એક હાસ્ય લેખની ગરજ સારે એવી છે .આ વાર્તામાં લેખકે પોતાની જ શોકસભા યોજીને ઉત્તમ હાસ્યનો પરિચય કરાવ્યો છે .

શ્રી શાસ્ત્રી પોતે મૂળ સુરતી ઘરાનામાંથી આવે છે એટલે એમનામાં હાસ્ય રસ ભરપુર પડેલો છે .

આ વાર્તામાં એમના પ્યોર સુરતી મિત્ર ચન્દુ ચાવાલાએ યોજેલી શાસ્ત્રીની શોકસભામાં પરાણે બનેલા એમના મિત્રોએ(?) એમની સાચી ઓળખ શી રીતે આપી એ જાણવા માટે તમારે આ એને વાંચવી જ રહી . એના નામ ઉપરથી ગમ્ભીર જણાતી પણ હાસ્ય રસ નિષ્પન કરતી આ વાર્તા તમને વાંચવી જરૂર ગમશે .

 

 શાસ્ત્રીની શોકસભા  ( વાર્તા ) અહીં ક્લિક કરીને વાંચો .

 

શ્રી શાસ્ત્રીએ એમના વાર્તાના બ્લોગ   પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ  માં આજ સુધીમાં  કેટલીક અન્યત્ર પ્રસિદ્ધ થયેલી અને કેટલીક નવી એમ કુલ ૫૫ વાર્તાઓ એમણે  પોસ્ટ કરી છે .

 

આ લગભગ બધી જ વાર્તાઓની ખૂબી એ છે કે દરેક વાર્તા એમના અનુભવોમાંથી લખાયેલી હોય છે અને એમાં કોઈને કોઈ જીવન સંદેશ  આપતી હોય છે .

 

કોઈ નવા જ વિષયને પકડીને સુંદર સંવાદમય શૈલીમાં લખાયેલી આ દરેક વાર્તા વાંચકોને વાંચવા માટે જકડી રાખે એવી છે .એમના બ્લોગની મુલાકાત લેવાથી વાચકોને એની પ્રતીતિ  થઇ જશે.

 

વિનોદ પટેલ

 

( 266 ) શું મારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે? ( વાર્તા ) — લેખિકા જ્યોતિબેન ઉનડકટ

ફાધર્સ ડે ના માહોલમાં શરુ કરેલ પિતા અંગેના લેખોનો
સિલસિલો આગળ વધે છે .
આ અગાઉની પોસ્ટ નંબર 265 માં લેખક  કેપ્ટન નરેન્દ્રભાઈ
( જીપ્સી ) નો એક સરસ લેખ FATHERS’ DAY 
તમોએ વાંચ્યો .
આજની પોસ્ટમાં જાણીતા લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટનાં
ધર્મપત્ની શ્રીમતી જ્યોતિ ઉનડકટ કે જેઓ પોતે પણ સારા
પત્રકાર અને લેખિકા છે એમની મને ગમેલી વાર્તા
“શું મારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે ” એમના આભાર
સહીત  મૂકી છે .
આજે પણ આપણા સમાજમાં એના નિયમો અને પરંપરા પ્રમાણે
  સ્મશાનમાં મૃત પિતાની ચિતાને અગ્નિદાહ આપવાનો અધિકાર
દીકરીને અપાતો નથી .
આ વાર્તામાં અવસાન પામેલા પિતાની ત્રણ દીકરીઓ એમને ઉંછેરીને
મોટી કરનાર રૂઢીચુસ્ત દાદીમાની ઈચ્છા વિરુધ હિમત કરીને પિતાને
વિધિપૂર્વક વિદાય આપે છે.
આ વાર્તામાં લેખિકાને એ કહેવું છે કે માત્ર દીકરો જ પિતાને વિદાય
આપે તો પિતાના આત્માને શાંતિ મળે અને દીકરી વિદાય આપે તો
શાંતિ ન મળે એમ માનવું સરાસર ખોટું છે .
આ વાર્તાની શરૂઆતમાં જ લેખિકા કહે છે એમ–
“સમાજમાં રહીને એના જ નિયમો અને પરંપરા પ્રમાણે જીવવાનું દરેક માણસ શીખી જાય છે, પણ કોઈક વખત આઉટ ઓફ ધ બોક્સ વિચારે કે વર્તન કરે ત્યારે એ વ્યક્તિને હતાશ કરવાનો એક પણ મોકો કોઈ જતું નથી કરતું. એ પછી મનમાં ફક્ત એવા સવાલો રહી જાય છે જેનાં કોઈ જવાબ નથી મળતા”
 
લેખિકા જ્યોતિબેન ઉનડકટ મુંબાઈ સમાચારમાં જાણીતાં
કટાર લેખિકા છે .
શ્રીમતી જ્યોતિ ઉનડકટની એક સામાજિક પ્રશ્નને બાખુબી રજુ કરતી
સમજવા જેવી આ વાર્તાને  નીચે વાંચો .

શું મારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે? ..તારે મન મારે મન – જ્યોતિ ઉનડકટ

સમાજમાં રહીને એના જ નિયમો અને પરંપરા પ્રમાણે જીવવાનું દરેક માણસ શીખી જાય છે, પણ કોઈક વખત આઉટ ઓફ ધ બોક્સ વિચારે કે વર્તન કરે ત્યારે એ વ્યક્તિને હતાશ કરવાનો એક પણ મોકો કોઈ જતું નથી કરતું. એ પછી મનમાં ફક્ત એવા સવાલો રહી જાય છે જેનાં કોઈ જવાબ નથી મળતા.

‘સમાજથી ઉપર કોઈ નથી. સમાજ સિવાય કંઈ નથી. જો તમારે તમારી રીતે જીવવું હોય તો અલગ દુનિયા વસાવો. સાથે રહેતાં અને આસપાસમાં જીવતા લોકોની ઉપેક્ષા જીરવીને જીવજો. અનેક લોકો સામા પૂરે તરવા નીકળે છે પણ એમને ડૂબવા સિવાય કોઈ આરો નથી આવતો.’ દાદીમાની અસ્ખલિત વાણી વહી રહી હતી. હલકા રંગના ડ્રેસ પહેરેલી ત્રણેય બહેનો વહેતી આંખે દાદીમાને સાંભળી રહી હતી. સામો જવાબ આપવાની એકેયમાં તાકાત ન હતી. એક તો પપ્પાને ગુમાવ્યાનું દુ:ખ અને ઉપરથી દાદીમાના આકરાં વેણ.

દોઢસોથી વધુ પરિવારજનોની હાજરીમાં દાદીમાએ ત્રણેય બહેનોનો ઉધડો લઈ લીધો. ઉપરથી છાતી કૂટતાં જાય કે, ‘હે મારા દીકરાનો જીવ અવગતે જશે. આ સાપનાં ભારાઓએ એને વિદાય આપી છે. હે ભગવાન તેં મને આ દિવસ જોવા માટે જીવતી રાખી હતી. મારાં દીકરા કરતાં તો મારો જીવ તેં લઈ લીધો હોત તો સારું હોત.’

વાત છે એક શહેરી પરિવારની. હા, ત્રણ પેઢીથી મેગા સિટીમાં વસતાં પરિવારની દીકરીઓ એનાં પિતાને કાંધ આપીને અંતિમ વિદાયમાં સામેલ થઈ.

સૌથી નાની બહેન મિતુલે મોટી બંને બહેનોને વાત કરી કે, આપણે નજીકના સગાંઓમાં બધાં જ છે પણ પપ્પાની સૌથી નજીક તો આપણે ત્રણ જ હતાં. મમ્મીનાં અવસાન પછી પપ્પાએ આપણને કેવાં લાડકોડથી ઉછેરી છે. આખી જિંદગી આપણાં પપ્પા ઉપર આપણો અધિકાર રહ્યો છે. અને હવે અંતિમ વિદાય સમયે બીજું કોઈ એમને દોરી જાય તો મારો તો જીવ કકળી ઉઠે છે. જો તમારાં બંનેનો સાથ હોય તો આપણાં આ રુઢિચુસ્ત પરિવારમાં એક હિંમતભર્યંુ પગલું આપણે સાથે ભરીએ.’ પંદર વર્ષની નાનકડી મિતુલની વાત સાંભળીને મોટી બંને બહેનો કેતુલ અને રુતુલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પપ્પાના પ્રેમને યાદ કરીને એ થોડી પળો માટે દાદીમાનો ડર મનમાંથી કાઢીને ત્રણેય બહેનો આગળ આવી. પિતાની બધી જ વિધિ એમણે મળીને સાથે કરી.

ઘરના મેઈન રૂમમાં સ્મશાને જવાની વ્યવસ્થાની વાતો ચાલતી હતી ત્યારે આ ત્રણેય બહેનોેએ પરિવારના ફોઈબા અને બંને કાકાઓને કાને વાત નાખી.

દીકરો ગુમાવ્યાના શોકમાં દાદીમા કંઈ સમજી શકે એવી અવસ્થામાં ન હતાં. લાડકી ભત્રીજીઓની લાગણીને માન આપીને ફોઈબા અને કાકાએ જ એમને સાથ આપ્યો અને દીકરીઓને આગળ પણ કરી.

બધાને થશે કે પિતાને અગ્નિદાહ આપવો એમાં શું નવી વાત છે. હવે તો કોઈ આવી વાતને સમાચાર પણ નથી ગણતું. ઓકે, ફાઈન.

તમારી વાત અને દલીલ સાચી છે કે હશે.

પણ વાત છે એવા પરિવારની જે આધુનિક શહેરમાં વસી તો ગયું પણ હજુ માનસિક રીતે જે સાલમાં માઈગ્રેટ થયેલાં એ જ ગાળામાં જીવતું હોય છે. આધુનિક અને મોર્ડન બનવું ગમે છે પણ જો સંતાનો એવું બોલ્ડ પગલું ભરે તે એનાં ટાંટિયા ખેંચવા કે મોરલ ડાઉન કરવા ઘરમાં વડીલો હોય જ છે. આધુનિક શહેરની હવા ગમતી હોય છે પણ એ વિચારોમાં આધુનિકતા કે વહેવારમાં આધુનિકતા બહુ ઓછાં લોકો અપનાવી શકે છે અને જીવી શકે છે સાથોસાથ સ્વીકારી પણ શકે છે.

શહેરી પરિવારની માની ગેરહાજરીમાં આ ત્રણેય દીકરીઓને દાદીએ જીવની જેમ સાચવી. એમને ઉછેરવામાં જાત ઘસી નાખી એવું કહીએ તો પણ વધુ પડતું નથી. પણ પૌત્રીઓનાં એક લાગણીભયાં વર્તનને એ સ્વીકારી ન શક્યાં, સમજી પણ ન શક્યાં. જે ઘડીએ પૌત્રીઓને એમની સંભાળની જરૂર હતી ત્યારે એ નિયમોને વળગી રહ્યાં.

વિધિ પૂરી કરીને ઘરે આવેલી પૌત્રીઓને ન કહેવાનાં વહેણ કહીને વિદાયની પીડાને વધુ આકરી કરી દીધી. પ્રસંગનું માન જાળવીને કોઈ સગાં-સંબંધીઓ પણ કંઈ બોલ્યા વિના વિદાય લઈને નીકળી ગયાં. રાત પડી ત્યારે ફોઈબા, કાકા અને ત્રણેય દીકરીઓ એકલાં પડ્યાં.

રાત વીતતી ગઈ કોઈની આંખમાં ઊંઘનું નામ ન હતું. નાનકડી મિતુલને બચપણથી દાદીનાં પડખાં વિના નીંદર ન આવે. મોડી રાતે દાદીએ એને બોલાવી, ‘ચાલ મિતુ તને સૂવાડી દઉં’ અને મિતુલ દાદીને વળગીને રડવા માંડી. સતત સોરી કહેતી જાય અને દાદીને વહાલ કરતી જાય. સવાલ પૂછતી જાય, હેં દાદી હવે આપણું શું થશે? પપ્પા વગર આપણે કેમ જીવશું? આપણને કેમ ગમશે? તમને અમે કર્યંુ એ ન ગમ્યુંને? પણ દાદી, ભાઈ હોત તો તમે કરવા દેતને? ભાઈને બહેનમાં કેમ ફરક કરો છો? અમે પણ પપ્પાના લોહીના સગાં જ છીએને? બીજું કોઈ એમને વિદાય આપે એ કરતાં અમે જ એમને અંતિમ વિદાય આપીએ તો તમને ન ગમે? દાદી, તો પણ તમને ખરાબ લાગ્યું હોય તો અમને સજા કરી દો. પણ આવું બોલીને આપણાં બધાં જ લોકો માટે આ દુ:ખની પળો વધુ ભારે ન બનાવી દો. પ્લીઝ, દાદી આ એ છેલ્લીવાર મારી જીદ્દ પૂરી કરી દો. પછી હું તમારી પાસે કંઈ નહીં માગું.’

વહાલસોયી પૌત્રીને માથે હાથ ફેરવીને દાદીએ છાની રાખી અને વાત માંડી કે, ‘હું તો સાવ ગામડાંગામમાં મોટી થયેલી સ્ત્રી છું. રુઢિચુસ્ત પરિવારની દીકરી હતી. અભણ છું. અનેક અવનવી વાતોથી અજાણ છું. શહેરમાં આવી છું પણ આધુનિક નથી થઈ શક્તી. મને એનો કોઈ રંજ નથી. હું જેવી છું એવી તમારી દાદી છું.

હા, તમારાં વર્તનથી હું દુ:ખી થઈ, ગુસ્સે પણ થઈ તમને લોકોને ન કહેવાનું કહ્યું. મારાં દીકરાનો જીવ અવગતે જશે એવી વાત પણ મારાં મોઢેથી નીકળી ગઈ. પણ હું આવી વિચારધારામાં જીવીને મોટી થઈ છું. અનેક વાતો મારી સમજની બહાર છે. ધર્મ અને પરંપરા મારા માટે સૌથી પહેલાં છે. શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે થયું હોત તો ગમ્યું હોત. પણ મારો દીકરો તમારો બાપ પણ હતો. એના ઉપર તમારાં લોકોનો વધુ અધિકાર છે એ વાત પણ એટલી જ સાચી છે. વળી, તમારો નિર્ણય જો ખોટો હોત તો મારાં જ સંતાનો તમને સાથ ન આપત. બદલાયેલાં જમાનાની તાસીર અને તમારાં લોકોની લાગણીને સ્વીકારવી જ એ વાત કે વિવાદનો અંત છે.

મારો દીકરો તો અચાનક ચાલ્યો ગયો હવે આપણે આપણી જિંદગીને આગળ ધપાવવાની છે. તમારી મમ્મી બીમારીમાં ગુજરી ગઈ ત્યારે પણ તમારાં ત્રણેયના વળગણે જ મને તૂટતી બચાવી છે અને આ વખતે દીકરાને ગુમાવ્યાનાં દુ:ખ કરતાં મેં તમારાં વર્તનને વધુ મોટું સ્વરૂપ આપી દીધું. શાસ્ત્રો અને સમાજની નજર અને શરમ કરતાં તમારાં લોકોનો સંતોષ મારાં માટે વધુ મહત્ત્વનો છે.’

મિતુલ એક સવાલ પૂછે છે, ‘શું મારાં પપ્પાનો જીવ અવગતે જશે?’ દાદી એને કહે છે, ‘જનારો તો ચાલ્યો ગયો. એનું હવે શું થશે એનો કોઈ જવાબ આપણી પાસે નથી, પણ તમે ત્રણેય મારી સામે જીવતી જાગતી હકીકત છો. તમને લોકોને પિતાની વિધિ કર્યાનો સંતોષ છે ને? એટલે જ મારો દીકરો મોક્ષ પામ્યો હશે.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93829

 

( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day

કેપ્ટન નરેન્દ્ર ફણસે

કેપ્ટન નરેન્દ્ર ફણસે

મારા ગુજરાતી બ્લોગ જગતમાં પ્રવેશ પછી જે અનેક શુભેચ્છક મિત્રોનો પરિચય પામવા હું સદભાગી બન્યો છું ,એમાંના એક કેલીફોર્નીયા નિવાસી સહૃદયી મિત્ર શ્રી નરેન્દ્રભાઈ ફણસે ( જીપ્સી ) પણ છે .

કેપ્ટન નરેન્દ્રભાઈ મારા બ્લોગ વિનોદ વિહારની મુલાકાત લઈને કોઈ

કોઈ વાર એમના પ્રતિભાવથી મને પ્રેરિત  કરતા રહે છે .

ઉદાહરણ રૂપે , April 17, 2012 ના એમના પ્રતિભાવમાં એમણે આ પ્રમાણે લખ્યું હતું .

I often visit your blog, Vinodbhai, but am posting my comment after a long time.

I admire your philosophy of life.

Share happiness as much as one can, is the key, as you said.

Your memorial blog for Mrs. Patel is touching indeed.

Such warmth, such love! Yes, such warm memories are like the flowers in the diary of our life.

Open a page and the fragrance permeates, and that is what you have done. My compliments to you.

Captn. Narendra

શ્રી નરેન્દ્રભાઈનો સૌથી પથમ વાર  પરિચય મારા ખુબ નજીકના મિત્ર શ્રી સુરેશભાઈએ એમની સાથેની મારી એક ટેલીફોન વાતચીતમાં કરાવતાં કહ્યું હતું કે તમારી નજીકમાં જ લોસ એન્જેલસમાં કેપ્ટન નરેન્દ્રભાઈ રહે છે એમનો પરિચય તમારે કરવા જેવો છે .

ભારતીય સેનામાં  અને ખાસ કરીને  પંજાબના મોરચે ખેલાયેલી ૧૯૭૧ની લડાઇ વખતે એમણે બજાવેલી સુંદર કામગીરીની સુરેશભાઈએ જણાવેલ માહિતીથી હું એમના વ્યક્તિત્વથી આકર્ષિત થયો હતો .

ત્યારબાદ એમના બ્લોગ GYPSY’S DIARY ની મુલાકાત લઈને એમાં એમણે પોસ્ટ કરેલા એમના ભૂતકાળના અનુભવોને આધારિત લેખો વાંચતાં જ ગુજરાતી ભાષા ઉપરની એમની ગજબની પકડથી હું અંજાયો હતો .

ગુજરાતી સાહિત્યને શ્રી નરેન્દ્રભાઈએ પુસ્તકના રૂપે બે નજરાણા પેશ કર્યાં છે , એ છે (૧ ) પ્રથમ પુસ્તક ‘બાઈ’ – પોતાની માતાની મરાઠીમાં લખાયેલી આત્મકથાનો અનુવાદ અને

(૨) ગુજરાતી સાહિત્ય વર્તુળોમાં ખૂબ પંકાયેલું પુસ્તક -જીપ્સીની ડાયરી .

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના  બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં કેપ્ટન નરેન્દ્રભાઈના આ બે પુસ્તકો સાથે એમનો  સુંદર પરિચય કરાવ્યો છે .

વધુમાં એમના બીજા બ્લોગ ગદ્ય સુર ( હવે સુર સાધના ) માં  આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર એ નામે જીપ્સીનો પરિચય કરાવ્યો છે એ પણ વાંચવા જેવો છે .

આ બે બ્લોગોમાં શ્રી સુરેશભાઈએ શ્રી નરેન્દ્રભાઈનો જે રીતે તસ્વીરો સાથે અને બીજા સંદર્ભોને ટાંકીને પરિચય કરાવ્યો છે એ કાબિલે તારીફ છે . એટલે મારે એમના વિષે વધુ લખવાનું રહેતું નથી .

તાંજેતરમાં કેપ્ટન નરેન્દ્રભાઈ તરફથી મને તારીખ ૧૭મી જૂનનો ઈ-મેલ મળ્યો એમાં એમણે એક ખુશીના સમાચાર આપતાં લખ્યું કે —

જિપ્સીની ડાયરીના સહયાત્રીઓને સાદર નમસ્કાર.

બે વર્ષના અવકાશ બાદ આપને આ યાત્રામાં ફરીથી જોડાવા નિમંત્રણ આપું છું. આજનો અંક ગઇ કાલે, એટલે પિતાવંદનાના દિવસે લખાયો અને આજે આપની સમક્ષ પ્રસ્તુત કરૂં છું.

આશા છે આપ જિપ્સીનું આમંત્રણ સ્વીકારશો.

Capt. Narendra

ફાધર્સ ડે ના દિવસે બે વર્ષના વિરામ પછી એમના બ્લોગ ના

પુનરાગમનનું હાર્દિક સ્વાગત છે .

આ શુભ દિને એમણે જે પ્રથમ પોસ્ટ મૂકી એમાં એમના પૂજ્ય પિતાશ્રી

સાથેના એમના ભૂતકાળને તાજો કરી સુંદર શબ્દોમાં એમને અંજલિ

આપી છે .

ફાધર્સ ડેના માહોલમાં લખાયેલ કેપ્ટન નરેન્દ્રભાઈનો આ લેખ

Fathers’ Day એમના બ્લોગ  GYPSY’S DIARY માં વાંચો .

.

એમ કહેવાય છે કે જેવું શીલ એવી શૈલી .શ્રી નરેન્દ્રભાઈના માટે આ

કેટલું સત્ય છે !

શુભેચ્છક ,

વિનોદ પટેલ

 

( 264 ) ફાધર પણ આખરે એક માણસ છે…….ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Father and son

 

નજર નજરથી મિલાવો તો હું કરું સાબિત, 
કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં?
 
-મરીઝ
 
આજે ફાધર્સ ડે છે. બાપુ, પિતા, ડેડી, પપ્પા, સંબોધન ગમે તે હોય સંબંધ એક છે. લોહીનો સંબંધ, જિન્સનો સંબંધ, પ્રકૃતિનો સંબંધ અને પીડાનો સંબંધ. દીકરો હોય કે દીકરી, દરેક સંતાન માટે એનો ફાધર ફર્સ્ટ હીરો હોય છે. જોકે આ હીરોઈઝમ કાયમ માટે એકસરખું લાગતું નથી. હીરો હોય છે એ જ ક્યારેક વિલન લાગવા માંડે છે. કોઈ માણસ ક્યારેય એકસરખો રહી શકતો નથી તો પછી ફાધર ક્યાંથી રહી શકે ?ફાધર પણ આખરે એક માણસ છે.
 
દરેક સંતાનને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતું જ હોય છે કે મારા પપ્પા કંઈ સમજતા જ નથી. એની જગ્યાએ હોઉં તો મેં આવું કર્યું હોત,પણ આપણે એની જગ્યાએ હોતા નથી. આંગળી ઝાલીને જેણે ચાલતા શીખવ્યું હોય એ જ જ્યારે કોઈ વાતે આંગળી ચીંધે ત્યારે સહન થતું નથી. ફાધર્સ ડે ના દિવસે આમ તો પિતાની ડાહી ડાહી અને સારી સારી વાતો જ થતી હોય છે. મહાન ઉદાહરણો અપાતાં હોય છે. આમ છતાં એવા કિસ્સાઓ પણ હોય છે જે સારા નથી હોતા.
 
ઘણાં બાળકો એવાં હોય છે જેના મોઢે એવું સાંભળવા મળે છે કે આઈ હેટ માય ફાધર. મને મારા પપ્પા નથી ગમતા. કારણો ઘણાં હોય છે. મારે કરવું છે એ નથી કરવા દેતા, મારા પર રાડો જ પાડે છે, એ કહે એમ જ મારે કરવાનું એવો આગ્રહ રાખે છે, મારી સાથે શાંતિથી વાત નથી કરતા, સીધા ઓર્ડર જ કરે છે, મારી પસંદ નાપસંદની એને કોઈ પરવા જ નથી, એને ખબર જ નથી કે હું શું ભણું છું, મારા મિત્રો એને ગમતાં નથી, મારી મમ્મી સાથે ઝઘડા જ કરે છે, એની આદતો જ સારી નથી, કેટલાં બધાં કારણો હોય છે પિતાને હેટ કરવાનાં. બધાં ખોટાં જ હોય એ જરૂરી નથી, કેટલાંક સાચાં પણ હોય છે.
 
શોધવા બેસીએ તો પપ્પામાં સો વાંધા મળી આવે. દરેક પિતા સારો જ હોય એ જરૂરી નથી. પિતાની પણ અમુક મર્યાદાઓ હોય છે,અમુક આદતો હોય છે. અમુક દુરાગ્રહો હોય છે, અમુક પૂર્વગ્રહો હોય છે. રામ સારા હતા એનું કારણ દશરથ હતા? દુર્યોધન સારો ન હતો એનું કારણ ધૃતરાષ્ટ્ર હતા? આપણે જેવા છીએ એનું કારણ આપણાં ફાધર છે? પાર્વતીના પિતા શંકરને પસંદ કરતા ન હતા એટલે એ સારા ન હતા? કૃષ્ણનો ઉછેર નંદ અને યશોદાના બદલે દેવકી અને વસુદેવ સાથે થયો હોત તો એ જુદા હોત? જો અને તોમાં કોઈ સંબંધ જિવાતો હોતો નથી. જે હોય છે એ સંબંધ જીવવાના હોય છે. દરેક સંબંધની પોતાની પરિસ્થિતિ હોય છે અને દરેક વખતે એ ગમતી જ હોય એવું જરૂરી નથી. ગાંધીજી મહાન હતા પણ તેમના દીકરા હરિલાલને પિતામાં મહાનતા દેખાઈ ન હતી. હરિલાલ પિતાને નફરત જ કરતા હતા.
 
એક પુત્ર હતો. પિતા ઉપર એને નફરત હતી. બચપણથી જ હોસ્ટેલમાં મૂકી દીધો હતો. બધી જરૂરિયાતો પૂરી કરી દેતા. બંને વચ્ચે ક્યાંક કોઈક અભાવ રહેતો હતો. વેકેશનમાં ઘરે જાય ત્યારે પણ સંબંધોમાં સ્વાભાવિકતા વર્તાતી ન હતી. આમ ને આમ દીકરો મોટો થઈ ગયો. સારી નોકરી મળી. અલગ રહેવા લાગ્યો. બાપ દીકરાને બહુ ઓછું મળવાનું થતું. હા, સમાચાર પૂછી લેતા પણ લાગણી કે ચિંતાની ગેરહાજરી રહેતી. ફાધર્સ ડે આવતાં અને જતાં. ઉલટું દીકરા માટે તો આ દિવસ દુઃખ લઈને આવતો. બીજા વિશે જાણી અને વાંચીને થતું કે કાશ મારા પપ્પા પણ આવા હોત, જેનું હું ઉદાહરણ આપી શકતો હોત.
 
એક ફાધર્સ ડેની વાત છે. દીકરો અચાનક જ પિતાના ઘરે પહોંચી ગયો. માનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતા ઘરે એકલા હતા. ડોરબેલ સાંભળી પિતાએ દરવાજો ખોલ્યો તો સામે દીકરો ઊભો હતો. ઘરમાં દાખલ થયો કે પિતાએ પૂછયું, આજે તો તું ઘરે આવ્યો?મને આશ્ચર્ય થાય છે, પણ મને ગમ્યું. કેમ ઘરે આવવાનું મન થયું ? દીકરાએ કહ્યું કે, આજે ફાધર્સ ડે છે, પિતાને ખબર હતી પણ એ કંઈ ન બોલ્યા. થોડીક વાર છત સામે જોયું, આંખો ભીની ન થઈ જાય એની સાવચેતી રાખવા. પછી દીકરાની આંખ સામે જોયું. પિતાએ કહ્યું કે તો તું ફાધર્સ ડે નિમિત્તે મને ગિફ્ટ આપવા અને ડિનર પર લઈ જવા માટે આવ્યો છે. દીકરાએ કહ્યું કે ના, હું એવા કશા માટે નથી આવ્યો. હું તો તમને માફ કરવા આવ્યો છું, એ તમામ વાતો ભૂલવા આવ્યો છું, જેને હું તમારી ભૂલ સમજતો હતો. હું તમને સોરી કહેવા આવ્યો છું. કદાચ જેને હું તમારી ભૂલો સમજતો હતો એ સમજવામાં મારી ભૂલ હતી. સોરી ડેડ, હેપી ફાધર્સ ડે. દીકરાની આંખો ભીની હતી. પિતાએ ગળે વળગાડીને કહ્યું કે ઈટ ઈઝ ધ બેસ્ટ ગિફ્ટ ઓફ માય લાઇફ. કેટલા લોકો એના પિતાને માફ કરી શકે છે?
 
સુપ્રસિદ્ધ શાયર જાવેદ અખ્તરને તેના પિતા જાંનિસાર અખ્તર પ્રત્યે બહુ લાગણી ન હતી. તેનું કારણ એ હતું કે જાંનિસાર અખ્તરે જાવેદજીનાં માતાને છોડી બીજા નિકાહ કર્યા હતા. જાવેદજીને સતત એવું થતું હતું કે પિતાએ તેમને તરછોડી દીધાં. પિતા જાંનિસાર પાસે પોતાનાં કારણો હતાં. પિતા એ સમજાવી ન શક્યા અથવા તો જાવેદજી એ સમયે સમજી ન શક્યા. જાંનિસાર અખ્તરનો ઇન્તેકાલ થઈ ગયો.
 
સમય વીતતો ગયો. જાવેદજીના નિકાહ થઈ ગયા. ગમે તે થયું પણ પત્ની હની ઈરાની સાથે તેનું બરાબર ન જામ્યું. એવામાં એની જિંદગીમાં શબાના આઝમીનો પ્રવેશ થયો. બંનેએ નિકાહ કર્યા. જાવેદજીને એ પછી સમજાયું કે જિંદગીમાં આવું થઈ શકે છે. પિતા પ્રત્યેની નફરત સાચી ન હતી. જોકે પિતા ચાલ્યા ગયા હતા. જાવેદજીની વાતોમાં પિતા પ્રત્યેની નફરત ને અફસોસ ઘણી વખત તરવરી જાય છે. કેવું છે, આપણે ઘણી વખત સમજીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
 
કેટલા લોકો પિતાની માનસિક અવસ્થાના જાણકાર હોય છે? કેટલા બધા નિર્ણયો પિતાએ હસતાં મોઢે લીધા હોય છે અને આપણને અંદાઝ સુધ્ધાં આવવા નથી દેતા કે ખરેખર પરિસ્થિતિ શું હતી. નાના હોઈએ ત્યારે પૂરતી સમજણ નથી હોતી. જે દેખાતું હોય છે એને જ સાચું માની લેતા હોઈએ છીએ. વાસ્તવિકતા ઘણી વખત બહુ જુદી, વિચિત્ર, અટપટી, અઘરી અને ન સમજાય તેવી હોય છે. પિતાની ભૂલ હોય તો તેને પણ માફ કરવાનું જીગર હોવું જોઈએ.
 
ફાધરને પણ આપણે ઘણી વખત ટેકન ફોર ગ્રાંટેડ લઈ લેતા હોઈએ છીએ. સો વોટ, ઇટ્સ માય લાઈફ, ફાધરને જે સમજવું હોય એ સમજે, હું તો જે કરવું હશે એ કરીશ જ. આવી જીદમાં ફાધરના દિલને કેટલી વખત ઠેસ પહોંચાડતા હોઈએ છીએ? કેટલાં સંતાનો પોતાના ફાધરને સોરી કહેતાં હોય છે? કોઈ માણસ માટે એના ફાધર ‘કાયમી’ હોતા નથી. મોડું થઈ જાય એ પહેલાં ઠેસ પહોંચેલા એના દિલને આપણે ઋજુતા બક્ષીએ છીએ?
 
બાપ દીકરી અને દીકરા માટે જુદા હોય છે. દીકરી કાળજાનો કટકો છે અને દીકરો કુળદીપક કે વારસદાર છે. દીકરી વિશે એક પ્રિડિસાઈડેડ સત્ય એ હોય છે કે એ એક દિવસ લગ્ન કરીને ચાલી જવાની હોય છે. દીકરી ક્યારેક જવાની છે એવી માનસિક તૈયારી પણ હોય છે. દીકરી સાસરે જાય ત્યારે તો પિતા રડીને મન મનાવી લે છે પણ દીકરો ઘર છોડીને જાય ત્યારે બાપ નથી રહી શકતો કે નથી કહી શકતો. અંદર ને અંદર તૂટતો અને ઘૂંટાતો રહે છે.
 
એક મિત્રની વાત છે. બિઝનેસમેન મિત્રએ એના દીકરા માટે બિઝનેસ તૈયાર રાખ્યો હતો. દીકરો મોટો થઈ બધું સંભાળી લેશે. એક જ સપનું હતું કે દીકરા માટે બધું તૈયાર કરી રાખું. દીકરાને એમબીએ કરવા અમેરિકા મોકલ્યો. દીકરો ડાહ્યો હતો. દીકરામાં કોઈ ખરાબી ન હતી. અમેરિકા ગયા પછી એને થયું કે લાઇફ તો અહીં જ છે. ઇન્ડિયા કરતાં અહીં જ બિઝનેસ ન કરું? એ ઉપરાંત સાથે જ સ્ટડી કરતી યુવતી સાથે પ્રેમ થયો. ઇન્ડિયા આવીને પિતાને કહ્યું કે હું આ છોકરીને પ્રેમ કરું છું, તેની સાથે મેરેજ કરી અમેરિકા જ સેટલ થવા માંગું છું. મારાં સપનાં ઊંચાં છે. મારે તો ત્યાં જ રહીને બિઝનેસ કરવો છે. પિતાના મનમાં સવાલ ઊઠયો કે મારા સપનાનું શું? પણ એ બોલી ન શક્યા.
 
ઓ.કે. દીકરા, એઝ યુ વિશ. એટલું જ કહીને એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એક સાથે અનેક સપનાંના ચૂરેચૂરા થઈ ગયા હતા. આંખો ભીની થઈ ગઈ. દીકરાના સપનાથી મોટું શું હોઈ શકે? એવા ઈરાદે એણે પોતાના સપનાનું ગળું ઘોંટી દીધું અને કોઈને ખબર સુધ્ધાં ન પડવા દીધી કે તેના દિલ પર શું વીતે છે. જોકે હવે કંઈક નવું કરવાની વાત આવે છે ત્યારે તેના મનમાંથી એક જ સવાલ ફૂટી નીકળે છે કે, હવે આ બધું કોના માટે કરવાનું? કંઈ જ નથી કરવું.
 
આપણને ખબર હોય છે કે આપણે પિતાનાં કેટલાં સપનાંની કતલ કરી હોય છે? ના ખબર નથી હોતી,કારણ કે પિતા એની ખબર પડવા જ દેતા નથી. તમને તમારા પિતાની માનસિક અવસ્થા ખબર છે? એ જ્યાં છે ત્યાં કઈ અને કેવી સફર કરીને પહોંચ્યા છે એની દરકાર છે? પિતાએ કેટલી ભૂલો માફ કરી હોય છે? આપણે તેમની એકેય ભૂલોને માફ કરી શકીએ છીએ? દરેક પિતા મહાન હોતા નથી, કેટલાંક બહુ સામાન્ય કે મિડિયોકર હોય છે. એનાથી પણ ભૂલો થઈ ગઈ હોય છે. એની પ્રત્યેના અણગમા દૂર કરી ક્યારેક કહી જોજો કે લવ યુ ડેડી.
 
દરેકને પિતા પ્રત્યે લાગણી અને અહોભાવ હોય છે, પણ એવા લોકો પણ છે જેને પિતા પ્રત્યે નફરત છે અથવા નારાજગી છે, એ લોકોએ એટલું જ સમજવાનું અને સ્વીકારવાનું છે કે ફાધર પણ એક માણસ છે. બધા જ અણગમા, નારાજગી છોડી ક્યારેક પિતાને એક માણસ તરીકે મૂલવજો, ઘણા અણગમા દૂર થઈ જશે. ડેડને સમજવા માટે ખરા દીકરા કે દીકરી બનવું પડે, ડેડ ઘણી વખત સમજાય ત્યારે એ હોતા નથી, પછી માત્ર અફસોસ જ રહે છે, એ પહેલાં જ કહી દો કે પ્રાઉડ ઓફ યુ ડેડી. હેપી ફાધર્સ ડે.
 
છેલ્લો સીન :

પિતા કોઈને પોતાની પસંદગીથી મળતા નથી પણ જે છે તેને તમે શ્રેષ્ઠતાપૂર્વક પસંદ કરો તે જ સાચો સંબંધ છે. -અજ્ઞાત