વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 26, 2013

( 268 ) શ્રી મહેન્દ્ર મેઘાણીને એમના 91મા જન્મ દિવસની શુભેચ્છાઓ

mahendra_meghani

 

તા .20મી જુન 2013ના દિવસે રાષ્ટ્રીય શાયર  સ્વ .ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર  શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી  

 

એમના  જીવનનાં કાર્યશીલ 90 વર્ષ પૂરાં 91મા વર્ષમાં પ્રવેશ્યા છે . છે .

 

આ પ્રસંગે વિનોદ વિહાર એમને મુબારકબાદી અને નિરામય દીર્ઘ જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે .

 

નીચે એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલભાઈએ  એમનો ટૂંક પરિચય આપી એમને 

 

 આપેલ અંજલિ એમના આભાર સાથે મુકેલ છે .

 

શ્રી મહેન્દ્રભાઈના જન્મ દિવસની અનેરી ભેટ સમું ઈ-પુસ્તક ” શું શું સાથે લઈ જઈશ હું? ” નીચે આપેલી લીંક ઉપર વાંચવાનું ચૂકશો નહી .

 

  • શ્રી સુરેશભાઈ જાનીના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર
  • શ્રી મહેન્દ્ર મેઘાણી નો પરિચય આ લિંક ઉપર વાંચો .

વિનોદ પટેલ 

_________________________________________________

 

મિત્રો,
 
મહેન્દ્ર મેઘાણી આજે એમનાં જીવનનાં 90 વર્ષ પૂરાં કરે છે. 
 
આપણે સૌ તેઓનું ‘મિલાપ’ માસિક વાંચતાં વાંચતાં મોટા થયાં છીએ. તેઓએ અમેરિકાના પત્રકારત્વના અભ્યાસ બાદ 1950માં  ’મિલાપ’ માસિક શરૂ કરેલું. સામે નમૂનો રાખેલો અમેરિકન માસિક ‘રીડર ડાયજેસ્ટ’નો. સતત 30 વર્ષો સુધી, અનેક છાપાં-સામયિકો-પુસ્તકોમાંથી પરિશ્રમપૂર્વક વીણેલાં, બને તેટલાં ટૂંકાવેલાં, બે-ત્રણ ભાષામાંથી અનુવાદિત કરેલાં લખાણો સરેરાશ 50 પાનાંના અંકમાં વાચકો પાસે દર મહિને ’મિલાપ’ મૂકતું રહ્યું હતું. 1950થી 1978 સુધી ’મિલાપ’નું પ્રકાશન થતું રહ્યું. આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં રહે છે. મહેન્દ્રભાઈએ ‘લોકમિલાપ’થકી 200 જેટલાં પુસ્તકો પ્રકાશિત કરી લગભગ 1 કરોડ પુસ્તકો વાચકો સુધી પહોંચાડ્યાં છે. લોકમિલાપે બજાર કિંમત કરતાં ઘણી નીચી પડતર કિંમતે સીધા વાચકોને પુસ્તકો પહોંચે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. આ પુસ્તકોની ઈબુક બનાવી હજી વધારે વાચકો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં ’એકત્ર ફાઉન્ડેશન’ જોડાયું છે. ’અડધી સદીની વાચનયાત્રા’ના ચારેય ભાગ તથા ‘લોકમિલાપ’નાં અન્ય પ્રકાશનોને પણ ઈબુકમાં રૂપાંતરિત કરી વિનામૂલ્યે સુલભ કરી આપવાની સંમતિ લોકમિલાપે આપી છે.

 
તાજેતરમાં મહેન્દ્રભાઈએ ‘શું શું સાથે લઈ જઈશ હું?’ નામની નાનકડી પુસ્તિકા સંકલિત કરી છે.  જેમાં સોએક કવિઓનાં કાવ્યોમાંથી એક એક વીણેલી એવી કણિકા અહીં રજૂ કરી છે. આ પુસ્તિકા વિનામૂલ્યે વહેંચવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી એની ઈબુક આપના હાથમાં પહોંચાડતાં અમને ખૂબ આનંદ થાય છે. 

‘શું શું સાથે લઈ જઈશ હું?’ – ઈબુકને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

Shun-Shun-Sathe1

 
મહેન્દ્રભાઈને જન્મદિન મુબારક.
 
– અતુલ રાવલ
 
 20 જૂન, 2013                                                                                              
 
શું શું સાથે લઈ જઈશ હું?
 
—————-
 
    −  એ સવાલ ઉમાશંકર જોશીએ 1954માં એક કાવ્યમાં પૂછેલો અને પછી કહેલું; “લઈ જઈશ હું સાથે….પૃથ્વી પરની રિધ્ધિ હૃદયભર”. તેને આગલે વરસે લખેલા બીજા એક કાવ્યમાં કવિએ જણાવેલું કે “મળ્યાં વર્ષો  તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું”.
 
    કવિની જેમ ઘણા સામાન્ય માનવીઓને પણ આવો સવાલ થવાનો − ખાસ કરીને જેનો જવાનો સમય થઈ ગયો હોય તેવા મારા જેવાને. પરલોકે જઈને “અમૃત લઈ આવ્યો અવનિનું” કહેતાં મારી થેલીમાંથી થોડીક કાવ્ય-કણિકાઓ કાઢી શકું તો હું ધન્ય થાઉં. સોએક કવિઓનાં કાવ્યોમાંથી એક એક વીણેલી એવી કણિકા અહીં રજૂ કરી છે કવિઓનાં નામની કક્કાવારી મુજબ, તે બધી અનેક વાર વાંચવાનો અને બીજાને વાંચી સંભળાવવાનો આનંદ “મળ્યાં વર્ષો તેમાં” માણ્યો છે. અનેક  મિત્રોને પોસ્ટકાર્ડ પર તે લખી મોકલી ત્યારે જ સંતોષ અનુભવ્યો છે. એવો આનંદ અને એવો સંતોષ કવિતાના જે ચાહકોને સાંપડતો હશે તેમના ચિત્તને આમાંની કેટલીક કણિકા સ્પર્શી જશે એવી આશા છે.
 
20 જૂન, 2013                                                                                              મહેન્દ્ર મેઘાણી
  

___________________________________________

 
આભાર- શ્રી અતુલ રાવલ
 
 
_______________________________
 
ઈ-મેલમાં આ માહિતી મોકલવા બદલ શ્રી નટુ પટેલ , ફ્રિમોન્ટ , કેલીફોર્નીયાનો આભાર .