વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 899 ) ૧ લી મે ૨૦૧૬, ગુજરાત ગૌરવ દિવસનાં અભિનંદન …

આજથી ૫૬ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.

૧ લી મે ના દિવસને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.આ દિવસે દર વરસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત દિનની ઊજવણી કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના છેલ્લા મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના ૧૨ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાત રાજ્યે સુંદર પ્રગતિ સાધી છે.ગુજરાત આજે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે જેને માટે દરેક ગુજરાતી ગૌરવ લઇ શકે એમ છે .

ગુજરાત રાજ્યનો ઈતિહાસ

ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારતની સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાન એમ દેશના બે ભાગલા થયા એ વખતે ભારત સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો ઉમેરીને એક દ્વિ-ભાષી મુંબઈ રાજ્ય બનાવવામાં આવ્યું.આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકોની બહુમતી હતી.મુંબઈ શહેર એવું હતું જેમાં ગુજરાતી અને મરાઠી એમ મુખ્યત્વે બે ભાશા બોલતી પ્રજા રહેતી હતી.

કાંતિકારી વિચારો ધરાવતા ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ગુજરાતના અલગ રાજ્ય માટે ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલું એક પ્રચંડ જનતાકીય આંદોલન શરુ થયું .આ આંદોલનમાં ઘણા નવ લોહિયા યુવાનો શહીદ થયા.આ આંદોલન ગુજરાતના ઇતિહાસની તવારીખમાં મહા ગુજરાતના આંદોલન તરીકે પ્રખ્યાત થયું છે. બીજી બાજુ મુંબઈ સાથેના મરાઠી ભાશી મહારાષ્ટ્ર રાજ્યની(આમચી મુંબઈ ) માંગ માટે આંદોલન થયાં.

gujraatછેવટે તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ સાથેનું ગુજરાત એમ બે રાજ્યની રચના કરવાનું નક્કી થયું.આ રીતે આ દિવસે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પૂ .રવિશંકર મહારાજ નું પ્રવચન

૧લી મે ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધીના અદના અનુયાયી અને ગાંધી મુલ્યોના પ્રતિક સમા ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ (જન્મ ૧૮૮૪-૧૯૮૪) ના વરદ હસ્તે ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે એમના આશીર્વાદ સાથે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

પૂજ્ય રવિશંકર મહારાજે ૧લી મે ૧૯૬૦ના રોજ કહ્યું હતું:

”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”

ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૬ વર્ષ પછી પણ પૂ.મહારાજની સૌને ઘસાઈને ઉજળા બનવવાની શીખનો ખરેખર અમલ થયો હોય એવું તમને લાગે છે ખરું?

એમના પ્રવચનને અંતે ગુજરાતની જનતાને નીચેનાં આશીર્વચનોથી એમનું પ્રવચન પૂરું કર્યું હતું.

સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

પૂજ્ય રવિશંકર મહારાજ ના આ ઐતિહાસિક પ્રવચનનો સંપૂર્ણ પાઠ અક્ષરનાદ.કોમ ના સૌજન્યથી નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો. 

Ravishankar MahRAJ

 ૧લી મે ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં પ્રવચન આપતા પૂ .રવિશંકર મહારાજની એક યાદગાર તસ્વીર .

ગુજરાતનું ગૌરવગાન

જય જય ગરવી ગુજરાત …મારા દિલમાં ધડકે ગુજરાત

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવ ગાન તરીકે ગવાયેલા આ ગીતના રચયિતા જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ છે અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા વિશ્વ વિખ્યાત રહેમાનની ધૂનથી તે શણગારાયું છે. કંઠ કિર્તી સાગઠીયાનો છે.

ગીતના શબ્દો છે…

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

આ સ્વર્ણિમ ગુજરાત ગીતને આ ગુજરાતી વિડીઓ પર માણો.

Swarnim Gujarat Anthem directed by Bharatbala [HQ].mp4

1 responses to “( 899 ) ૧ લી મે ૨૦૧૬, ગુજરાત ગૌરવ દિવસનાં અભિનંદન …

  1. pragnaju મે 1, 2016 પર 3:25 પી એમ(PM)

    જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.