વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 942 ) ગુજરાતી અબજોપતિ પિતાએ યુવાન દિકરા પાસે મજુરી કરાવી એને શીખવ્યો જીવનની મેનેજમેન્ટનો પાઠ

dravya-dholakia

                                      દ્રવ્ય ધોળકિયા – જોબ કરતો દ્રવ્ય 

સુરતના હીરાના વેપારી સવજીભાઈ ધોળકિયા આજે ભારત અને વિશ્વમાં ખુબ જ જાણીતા છે.એમની કંપની હરે કૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટ્સ આજે 6000 કરોડની કંપની છે જેનો 71 દેશોમાં વેપાર ફેલાએલો છે.એમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને એમણે જ્વેલરી, કાર અને ફ્લેટ બોનસમાં આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.તેઓ પોતે જીવનમાં ઘણો સંઘર્ષ કરીને આજની સ્થિતિએ પહોંચ્યા છે.

સવજીભાઈનો ૨૧ વર્ષનો એકનો એક દીકરો દ્રવ્ય અમેરિકામાં મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.એ જ્યારે વેકેશનની રજાઓ માણવા ભારત આવ્યો ત્યારે સવજીભાઈએ મનમાં નિર્ણય કર્યો કે એમના દીકરાને જિંદગીનો પાઠ જાતે અનુભવ કરાવીને ભણાવવો.બીજા ધનવાન પિતાઓની માફક જો સવજીભાઈ ઇચ્છતા હોત તો એમના દિકરાને એ ઈચ્છે એવી બધી સુખ સગવડો પૂરી પાડી શકે એમ હતા.પરંતુ તેઓ અલગ પ્રકૃતિના અનુભવી માણસ છે.સવજીભાઈ જણાવે છે કે:

“હું ઇચ્છતો હતો કે મારો દીકરો આમ આદમીના જીવનને સમજે અને જુએ કે ગરીબ લોકો કઇ રીતે નોકરી અને પૈસા કમાવવા માટે સંઘર્ષ કરે છે. કોઇપણ યુનિવર્સિટી તમને જીવનના આ પાઠ નથી શીખવી શકતી,માત્ર જાતે અનુભવ કરીને જ શીખી શકાય છે કે પૈસા કેમ કમાવાય છે.એના માટે કેવો સંઘર્ષ કરવો પડે છે. મારા જીવનના સંઘર્ષોથી હું આ બરાબર જાણું છું.”

દીકરાને એની રજાઓમાં સામાન્ય માણસના જિંદગીના સંઘર્ષોની પ્રતીતિ કરાવવા માટે એને માત્ર રૂ.7000 ,ત્રણ જોડ કપડાં સાથે દક્ષીણ ભારતની એનાથી અજાણી જગ્યા કોચીમાં એક મહિના માટે મોકલ્યો .એને આપેલા ૭૦૦૦ રૂપિયામાંથી જેટલા જરૂરી હોય એટલા જ કરકસર કરીને વાપરવા માટે જણાવ્યું. આ એક મહિના દરમ્યાન જાતે નોકરી શોધીને એક આમ આદમીની માફક કામ કરીને પૈસા કમાવા માટે કહ્યું.કોઇ એક જગ્યાએ એક અઠવાડિયાથી વધારે સમય માટે નોકરી ના કરવી,મોબાઈલનો ઉપયોગ ના કરવો, ધનવાન પિતાની કોઈને ઓળખાણ ના આપવી એવી એને સુચના આપી.

કોચી એક એવી જગા છે જ્યાં મલ્યાલમ ભાષા બોલાય છે અને સામાન્ય રીતે હિન્દી ભાષા બહુ પ્રચલિત નથી. આજ્ઞાંકિત પુત્રએ પિતાએ આપેલી ચેલેન્જને સહર્ષ સ્વીકારી લીધી.

અબજોપતિ પિતાનો આ ૨૧ વર્ષનો પુત્ર દ્રવ્ય એના જાત અનુભવની વાત કરતાં જણાવે છે કે “શરૂઆતના પાંચ દિવસ તો મારી પાસે ના તો નોકરી હતી અને રહેવા માટે જગ્યા પણ ના હતી .હું 60 જગ્યાઓએ નોકરી માંગવા ગયો પણ લોકોએ મને ના પાડી દીધી.હું જ્યાં પણ ગયો ત્યાં ખોટી વાર્તા બનાવી.હું કોચ્ચીમાં દિવસમાં ૪૦ રૂપિયાનું જમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો જ્યારે દરરોજ રહેવા માટે રૂ.૨૫૦ જોઇતા હતા.”

દ્રવ્યને પહેલી નોકરી એક બેકરીમાં મળી. ત્યારબાદ કોલ સેન્ટર, પગરખાંની દુકાન, અને મેકડોનાલાડમાં પણ કામ કર્યું. જુદી જુદી જગાઓએ નોકરી કરીને એણે એક મહિનામાં એણે રૂ.૪૦૦૦ ભેગા કર્યા.

ભારતમાં સામાન્ય માણસ માટે દ્રવ્ય કમાવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે એનો જાત અનુભવ લઈને અને જીવનના મેનેજમેન્ટના અઘરા પાઠ જાત અનુભવથી શીખીને દ્રવ્ય સુરત પોતાના ઘરે એક મહિના બાદ પાછો ફર્યો.અમેરિકામાં એમ.બી.એ.માં અભ્યાસ કરતો અબજોપતિ પિતાના આ પુત્ર દ્રવ્યએ એની એક મહિનાની રજાઓનો કેવો સદુપયોગ કર્યો કહેવાય !

સુરતના હીરાના અબજોપતિ ઉદ્યોગપતિ શ્રી સવજીભાઈ બરાબર જાણે છે કે હીરા ઘસવાની ઘંટી પર હીરાના પથ્થરને ઘસીને ઘાટ આપવામાં આવે ત્યારે જ એમાંથી પાણીદાર અને પાસાદાર કિંમતી હીરાનું સર્જન થાય છે.એમના ધંધાનો આ અનુભવ એમના એકના એક પુત્ર દ્રવ્યને સામાન્ય માણસના રોજ બ રોજના જીવનનો અનુભવ કરાવીને અને એ રીતે જીવનની સરાણ ઉપર ઘસીને પુત્રને હીરાનો ઘાટ આપવાનો પ્રયાસ પ્રસંશનીય છે.

કોઇ કરોડપતિ પિતાનો એકનો એક દિકરો આમ આદમીની જેમ મજૂરી કરતો જોવા મળે એ તો કોઈ ચલચિત્રની કાલ્પનિક કથામાં જ જોવા મળે . પરંતુ ઉપર જણાવ્યું એમ આ આખી સત્ય પ્રેરક કથાના નાયક સવજીભાઈ અને અને એમના પુત્ર દ્રવ્યને નીચેના બે યુ-ટ્યુબ વિડીયોમાં એમની વાત કહેતા સાંભળો અને જુઓ.

Surat Billionaire Savji Dholakia Who Gave Big Bonuses Sent son to Kochi to Live on odd Jobs

Dravya Savjibhai Dholakia’s Success Story

2 responses to “( 942 ) ગુજરાતી અબજોપતિ પિતાએ યુવાન દિકરા પાસે મજુરી કરાવી એને શીખવ્યો જીવનની મેનેજમેન્ટનો પાઠ

  1. pragnaju ઓગસ્ટ 10, 2016 પર 12:06 પી એમ(PM)

    ્પ્રેરણાદાયી અદ્ભૂત વાત

    Like

  2. મનસુખલાલ ગાંધી ઓગસ્ટ 12, 2016 પર 7:23 પી એમ(PM)

    સરસ લેખ છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.