વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 972 ) એક દિન મેં હી માર દિયાઃ બેકાર હૂઆ સારા ખજાના……

ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થવાથી મચેલો તરખાટ …

એક દિન મેં હી માર દિયાઃ બેકાર હૂઆ સારા ખજાના,
ઈમાનદારી કી બઢી ખૂશ્બુ, ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!

“ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”… નરેન્દ્ર મોદી

આઠમી નવેમ્બર ની રાત્રીએ ભારતમાં અને અમેરિકામાં બનેલા બે બનાવોની દેશ વિદેશમાં મીડિયા અને નાગરિકોમાં ચોરે અને ચૌટે ચર્ચા ચાલી રહી છે અને તરખાટ મચાવી દીધો છે.

આ બે બનાવો એટલે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારનો રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવાના આ અચાનક લેવાયેલા કદમની જાહેરાત અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નો રાષ્ટ્ર પ્રમુખની ચુંટણીમાં થયેલો અણધાર્યો વિજય.

ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થયાની રાતો રાત સરકારી જાહેરાત પછી દેશમાં ઈમરજન્સી જેવો હાહાકાર મચ્યો છે.અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

પ્રતિભાવોમાં રાજનેતાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટા ભાગે આ કદમને આવકારાયુ છે પરંતુ સંલગ્ન વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે .

આ કદમની સૌથી મોટી અસર મોટા પ્રમાણમાં મોટી ચલણી નોટો દબાવીને બેઠેલા કાળા નાણાના ધારકોને થઈ છે . મુંગી વ્યક્તિને માર પડે, અને બોલી પણ ન શકે તેવી તેઓની દશા થઈ ગઈ છે .કાળાનાણાના ધારકો મનમાં બોલતા હશે કે, “એક દિન મેં હી માર દિયા; બેકાર હૂઆ ખજાના, ઈમાનદારી કી બઢી ખૂશ્બુઃ ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!

ફિલ્મ કલાકારો રજનીકાન્ત અને કમલ હસને આ કદમની પ્રશંસા કરી, પરંતુ નોંધપાત્ર એ રહ્યું કે કરણ જોહરે આ કદમની ટ્વીટ કરીને પ્રશંસા કરી તો નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે “ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”

સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારની ટિપ્પણીઓ વહેતી થઈ, જેમાં કેટલીક ગંભીર હતી, તો ઘણી મનોરંજક હતી. લગભગ તમામ ટિપ્પણીઓનો અર્થ એવો નીકળતો હતો કે કદમ સારૃં લેવાયું છે; જરૃર હતી, પરંતુ કેટલીક વ્યવસ્થાઓ વધુ સારી બનાવાઈ શકી હોત, જેથી સામાન્ય લોકોને તકલીફ ઓછી પડે.

શ્રીશ્રી રવિશંકર મહારાજ અને “બાબા રામદેવે આ કદમને આવકાર્યુ.ભાજપના હાંસિયામાં ધકેલી દેવાયેલા વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પણ આ કદમની પ્રશંસા કરી હતી .પ્રારંભથી જ કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ આ અચાનક લેવાયેલા કદમથી આમ જનતાને પડનારી સમસ્યાઓની ટીકા કરી.રાહુલ ગાંધીએ અને દેશમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાની ફીસીયાણી વાતો કરનાર દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એ પણ સરકારના નિર્ણયની ટીકા કરી છે .કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે આ કદમને યોગ્ય ગણાવ્યું છે .આઝાદ ભારતમાં વર્ષ ૧૯પ૪ માં રિઝર્વ બેંકે અમલી બનાવેલી રૃા. પ૦૦ ની ચલણી નોટ રદ્દ થઈ હતી. જનતા પાર્ટીના શાસનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ તા. ૧૬-જાન્યુઆરી-૧૯૭૮ ના રોજ મોટી ચલણી નોટો રદ્દ કરી હતી. 

એક વાત એવી પણ વહેતી થઈ કે કાળાનાણાં ધારકો સોનું પાંચ ગણા ભાવે જૂની ચલણી નોટોના બદલામાં ખરીદી રહ્યાં છે, અને તોલાના સવા-દોઢ લાખ ખર્ચવા તૈયારી બતાવી રહ્યાં છે. અનેક સ્થળે રૃા. પ૦૦ અને ૧૦૦૦ ની નોટો ર૦૦-૩૦૦ માં પડાવી લેનારા લોકો પણ નીકળી પડ્યા હોવાના અહેવાલો આવી રહ્યાં છે.બનારસમાં તો બાર એસોસિએશને આ પગલાંને આવકારવા સરઘસ પણ કાઢયું હતું. આ બધી રસપ્રદ ઘટનાઓ લોકો માટે ચર્ચાની સરાણ પર ધારદાર બની રહી છે.

એક મિત્રના વોટ્સ એપ સંદેશમાંથી ….

જે કાગળ હતો તે અંતે તો કાગળ થઇ ગયો
પ્રમાણિક માણસ અચાનક આગળ થઇ ગયો.

( સંકલિત )

P.M.Modi’s address to nation

India takes a historic step to fight corruption ,Black money and Terrorism

Source…http://www.narendramodi.in/text-of-prime-minister-s-address-to-the-nation-533024

 Daily Mail UK ની આ લીંક પર સમાચાર વાંચો.

http://www.dailymail.co.uk/indiahome/indianews/article-3921344/India-adapts-cash-withdraw-Rs-100-note-PRECIOUS-shortage-lower-denomination-notes-causes-chaos-markets-hospitals.html#i-575163cd58006609

રૂપિયા ૨૦૦૦ અને રૂપિયા ૫૦૦ ની નવી નોટોની તસ્વીર 

new-currency-500-2000
હજાર -પાંચસોની નોટો બંધ કરવાના આ ઐતિહાસિક નિર્ણયની અસરથી કવિ લોકો પણ બાકાત નથી રહ્યા.મુંબાઈ નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલેલ

જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે ની આ રચના માણો.

લે લેતો જા- શ્રી કૃષ્ણ દવે 

કાળા ડિબાંગ અંધારામાંથી બહાર આવેલી હજાર,
પાંચસોની નોટમાંથી ગાંધીબાપુ બોલી ઉઠ્યા.

લે લેતો જા, શું રહી ગઈ તારી હસ્તી ?
થઈ ગઈ ને એક જ પળમાં પસ્તી ?

મેં તો ઘણીવાર તને સમજાવ્યું’તુ ને ?
કે આ રીતે મને ના ગોંધી રાખ,

ફળિયામાં ઊંડે ઊંડે દાટી રાખેલા ડબ્બાઓમાં,
ટાઈલ્સની નીચે બનાવેલા ભંડકિયાઓમાં,
ખૂણે ખાંચરે આવેલા અંધારા માળિયાઓમાં,
કબાટની પાછળના ચોરખાનાઓમાં,
ઓફિસોના ખખડધજ ડ્રોવારોમાં,
આલીશાન આવાસોની અનબ્રેકેબલ સૂટકેશોમાં,
ભરડો લઈને બેઠેલા ભ્રષ્ટાચારીઓની જઠરોમાં,
લોહિતરસ્યા વરુઓની સળકતી દાઢોમાં,

અરે એ તો બતાવ કે ક્યાં ક્યાં તે મને નથી ગોંધી રાખ્યો ?
મે અપાવેલી આઝાદીને તું એકલો જ હડપ કરી જવા બેઠો છે ને કાંઇ ?

મારે તો આઝાદીને રમતી જોવી હતી-

છેક છેવાડે આવેલા ગામડાની ગલીઓમાં,
ખેડાઈ રહેલા ખેતરોના ઢેફાની સુગંધમાં,
પડી રહેલા પરસેવાની ઠંડકમાં,
વવાઈ રહેલા સપનાઓની નાજુક કીકીઓમાં,
વહેવા મથી રહેલા ઝરણાના ખળખળમાં,
આકાશ ભરીને ઊડી રહેલી નાનકડી પાંખોમાં
ઈમાનદારી થી છલકાતી આંખોમાં,
અને સરળતાથી જિવાઈ રહેલા જીવનમાં.

પરંતુ અફસોસ આટલા વર્ષો પછી પણ મારૂ સ્વપ્ન તો અધુરું જ રહી ગયુ.

આજે ભલે તું જોઈ રહે મારી સામે આમ ગળગળો થઈને
પરંતુ હવે તારો ભરોસો કઈ રીતે કરી શકાય ?
શું એ વાતની મને કોઈ ખાત્રી આપી શકે ખરું ?
કે આવતી કાલે બે હજારની નોટમાં ફરીવાર તું મને કેદ નહીં જ કરે ?

કૃષ્ણ દવે, તા-૧૧-૧૧-૨૦૧૬

શ્રી પરેશ ભટ્ટ ની રચના 

સાભાર- શ્રી શરદ શાહ..ફેસ બુક 

કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ
નોટુમાંથી પસ્તી થઇ ગઈ
પાંચ મિનિટ પીએમ શું બોલ્યા
પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ
ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને
બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ
દોલત શોહરત લઈ લીધી ને
વગર વરસાદે કસતી થઇ ગઈ
‘સો’નું બંડલ જેની પાસે
આજ એ મોટી હસ્તી થઇ ગઈ
જેણે ઝાઝા ભેગા કર્યા
અક્કલ એની ખસતી ગઈ
હસ્તી જે મોટી કહેવાતી
આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ
–પરેશ ભટ્ટ

શ્રી મહેન્દ્ર શાહનું એક સુંદર કાર્ટુન …સાભાર પ્રસ્તુત …

new-currency-mahendra-cartoon

2 responses to “( 972 ) એક દિન મેં હી માર દિયાઃ બેકાર હૂઆ સારા ખજાના……

  1. smdave1940 નવેમ્બર 12, 2016 પર 5:47 પી એમ(PM)

    excellent article, references and the Cartoon of Mahendrabhai Shah.

    Like

  2. pragnaju નવેમ્બર 13, 2016 પર 6:19 એ એમ (AM)

    રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ની રસિક માહિતીનું સુંદર સંકલન

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.