વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1085 – મૌશિકી કા પયગમ્બર – મહમ્મદ રફી …. સ્મરણાંજલિ

તારીખ ૩૦મી જુલાઈ ૨૦૧૭ ના રોજ સીને રસિકોના દિલોમાં વસતા ગાયક મહમદ રફી ની ૩૭ મી પુણ્યતિથી હતી.

આજની પોસ્ટમાં આ સદા બહાર ગાયક ને મુંબઈ સમાચારમાં પ્રગટ એક લેખ અને એમના ગીતોના અનેક વિડીયોમાંથી મારી પસંદના કેટલાક વિડીયો દ્વારા આ અમર ગાયકને  હાર્દિક સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે, જે આપને જરૂર ગમશે.

વિનોદ પટેલ

મૌશિકી કા પયગમ્બર ….સરગમ …. અનિલ રાવલ

મુંબઈ સમાચાર 

‘સરગમ’ કોલમમાં સામાન્ય રીતે વિસરાયેલા સંગીતકારો વિશે લખવાનો આગ્રહ રહ્યો છે.

લોકો આવા સંગીતકારોને ઓળખતા ન હોય એવું ય બને, પરંતુ એમની ધૂનો જ એમની સાચી ઓળખ બની રહી હોય એ તમામ સંગીતકારોનો પરિચય આ સ્થાનેથી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પરંતુ આજે એક એવા ગાયક વિશે લખવું છે જેમનો પરિચય કરાવવાની કોઈ જરૂર નથી. એમના ગીતો, એમની ગાયકી, એમની ઈન્સાનિયત જ એમની ખરી ઓળખ છે. એક એવા ગાયક જેમના વિના કોઈ સંગીતકારને ચાલ્યું નથી. એક એવી હસ્તી જેની ગાયકીએ, જેમના ગીતોએ કેટકેટલાય સંગીતકારો- કલાકારોની કારકિર્દી ઘડી છે. એમના ગીતો સ્ટેજ શૉમાં ગાઈ ગાઈને આજીવિકા રળી છે. એમની પાસે ગવડાવવાની મહેચ્છા ન હોય એવા એકપણ સંગીતકાર આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતા. ‘ધી વન ઍન્ડ ઓનલી’ મહમ્મદ રફી.

૩૧મી જુલાઈએ સંગીતના આ ફરીસ્તાની પુણ્યતિથિ આવી રહી છે ત્યારે દિગ્દર્શક રજની આચાર્યએ રફીસા’બ પર બનાવેલી બે કલાકની ડૉક્યુમેન્ટરી જોવાનો લહાવો મળ્યો. રફી’સાબ જેવી મહાન હસ્તી વિશે બે લાઈન લખતા પણ હાથ ધ્રુજે ત્યારે રજની આચાર્યએ બે કલાકની રસપ્રદ ડૉક્યુમેન્ટરી બનાવવી નાખી છે. હેટ્સ ઑફ ટુ યુ રજનીભાઈ!

‘દાસ્તાન-એ-રફી’ નામની આ ડૉક્યુમેન્ટરીમાં રફીસા’બના મિત્રો, કુટુંબીઓ, એમના સાથી સંગીતકારો- કલાકારો, શાસ્ત્રીય સંગીત- ગઝલોના ઉસ્તાદો સહિતના કેટકેટલા નામાંકિત અને લોકપ્રિય લોકોએ રફી’સાબ જેવા નેક ઈન્સાન, મહાન ગાયક અને સંગીતના સંત વિશે મનભરીને વાતો વાગોળી છે.

ફિલ્મ અભિનેત્રી- ગાયિકા સૂરૈયાએ રફી’સાબની એક ખૂબ જ રસપ્રદ વાત કરી છે: રફી’સાબ રોજ સવારે મરીનડ્રાઈવ પર હું જ્યાં રહું છું, ત્યાં વહેલી સવારે રિયાઝ કરવા આવતા. આ વાતની જાણ મને મારા નોકરોએ કરી. મેં એમને બોલાવ્યા અને કહ્યું રફી’સાબ તમે મારા ઘરમાં આવીને રિયાઝ કરો. મને કોઈ એતરાજ નથી. રફીસા’બે નિખાલસતાપૂર્વક કહ્યું: ‘હું ભિંડીબજારમાં જ્યાં રહું છું ત્યાં રૂમ નાની છે. વહેલી સવારે રિયાઝ કરું તો પાડોશીઓને પણ ખલેલ પહોંચે. બીજું વહેલી સવારે કૂતરા બહુ ભસે છે એટલે મને પણ ખલેલ થાય છે. અહીં ખુલ્લા આકાશ નીચે, સમંદરની સામે બેસીને રિયાઝ કરવાનો આનંદ કંઈક ઓર જ છે.’

પંડિત જશરાજ કહે છે: ‘મન તરપત હરિ દર્શન કો આજ… ગીત ગાઈને રફીસા’બે રાગ માલકૌંસને લોકપ્રિય બનાવી દીધો હતો.’

ફિલ્મોની સાથે સાથે એ જમાનામાં નૉનફિલ્મી ગીતો, ગઝલો, ભજનો બનાવનારા સંગીતકાર ખૈયામે કહ્યું કે ‘મેં રફી પાસે નંદલાલા… ભજન ગવડાવ્યું, પછી ‘ગજબ કિયા કે તેરે વાદે પે ઐતબાર કિયા…’ જેવી ગઝલ ગવડાવી. તેઓ ખરા અર્થમાં વર્સટાઈલ ગાયક હતા.’

રફીસા’બ સમયના પાક્કા માણસ. સમય કરતાં એક કલાક વહેલા આવી જાય. રેકોર્ડિંગમાં આવીને ફિલ્મના પડદા પર કોણ ગાવાનું છે એવો પ્રશ્ર્ન પૂછે પછી એ કલાકારની સ્ટાઈલને અનુરૂપ સહજતાથી ગીત ગાય.

ફિલ્મ દિગ્દર્શક લેખ ટંડનની ‘ઝુક ગયા આસમાન’ ફિલ્મના રેકોર્ડિંગ વખતે રફી’સાબે ગાવાનું શરૂ કર્યું. ટંડન સાબે કહ્યું: ‘રફીસા’બ પરદા પર આ ગીત શમ્મીકપૂર નહીં, રાજેન્દ્રકુમાર ગાય છે.’ તેમણે તરત જ સ્ટાઈલ ચેન્જ કરી નાખી છે.

ડૉક્યુમેન્ટરીમાં ‘યાહુ’ શમ્મી કપૂર રસપ્રદ કિસ્સો વર્ણવે છે: ‘કાશ્મીર કી કલી’ ફિલ્મમાં મારા પર પિકચરાઈઝડ કરાયેલું ‘તારીફ કરું ક્યા ઉસકી જીસને તુમ્હે બનાયા’ ગીતના રેકોર્ડિંગ વખતે મને કંઈક સૂઝ્યું. ગીતના અંત ભાગ ચલતીમાં ગવડાવાય તો હું અભિનયમાં થોડી હરકત કરવા માગતો હતો. સંગીતમાં કોઈનીય દખલગીરી સાંખી ન લેનારા ઓ.પી. નૈૈયરે મેં વાત કરી પણ તેમણે ઈનકાર કર્યો. પછી મેં રફીને આ વાત કરી. રફીસા’બે નૈયર પાસે જઈને સીધીને સટ વાત કરી. ‘આપકો ઐતરાઝ ક્યા હૈ. ઉન કો પરદે પર કરના હૈ, મુઝે ગાને મેં વો કરના હૈ. નહીં જમા તો કાટ દેના બાદ મે.’ ગીતના અંતમાં રફીએ જે ચલતીમાં ગાઈ બતાવ્યું અને અંતે ફિલ્મમાં શમ્મી કપૂરે કરી બતાવ્યું એ પરદા પર જોઈને નૈયરસા’બ શમ્મીને ભેટી પડ્યા હતા. એ વખતે થોડે દૂર ઊભેલા રફીસા’બના ચહેરા પર હળવું સ્મિત હતું.

સંગીતકાર કહે એ રીતે જ ગાય. ક્યારેક સંગીતકારની પણ બહાર હોય એ રીતે મુરકી કે તાન લે છે, જે શબ્દને ભારપૂર્વક ગાવાનો હોય ત્યાં અચૂક અન્ડરલાઈન કરી લે. ઓછું બોલે. મૃદુભાષી, ઊંચા અવાજમાં કોઈનીય સાથે વાત ન કરે. કોઈની પીઠ પાછળ રફી ક્યારેય કંઈ પણ બોલ્યા નથી. ગુસ્સે થાય નહીં.

સંગીતકાર મદનમોહનના પુત્ર સંજીવ કોહલીએ એક કિસ્સો યાદ કરતા કહ્યું કે ‘હીર રાંઝા’ના ગીત ‘યે દુનિયા એ મહેફિલ, મેરે કામ કી નહીં’… ગીત બહુ લાંબું ગીત, રેકોર્ડિંગમાં કોઈ એક વાદ્યકારથી જરા ભૂલ થાય, રિટેક થાય. રફી’સાબ પરફેક્ટ ગાતા હોય, પરંતુ કોઈની ને કોઈની જરા ભૂલથી આખું ગીત ફરી ગાવું પડે, પરંતુ રફીસા’બ માત્ર હસે. ગુસ્સે ન થાય.

રફીસા’બ ગીત ગાયિકીની એક આખી ઈન્સ્ટિટયૂટ, યુનિવર્સિટી હતા. રફી’સાબ ભજન ગાય તો કોઈ મોટા ભજનિક લાગે, કવ્વાલી ગાય તો કવ્વાલ લાગે. આ એમની વિશિષ્ટતા હતી.

પરદા હૈ પરદા, પરદે કે પીછે, પરદાનશીં હૈ, પરદાનશીં કો બેપર્દા ના કર દું… તો અકબર મેરા નામ નહીં… આ કવ્વાલીમાં જેટલી એનર્જી ઋષિ કપૂરની છે એવી જ એનર્જી રફીસા’બની ગાયકીમાં છે. ‘ના તો કારવાં કી તલાશ હૈ… ના તો હમસફર કી તલાશ હૈ…’ આ સૂફી કવ્વાલીમાં રફી’સાબની એન્ટ્રીથી આખો માહોલ બદલાઈ જાય છે.

પાકિસ્તાનના યુવાન ગાયકો એમને પોતાના ગુરુ, મેન્ટોર માનીને રિયાઝ કરે છે, કારકિર્દી બનાવે છે. કેટલાકે તો રફીના ગીતો ગાઈ ગાઈને આજીવિકા રળી છે. રજનીભાઈ અને એમના સાથી દિગ્દર્શક અને ફિલ્મ ઍડિટર વિનય પટેલે પાકિસ્તાન જઈને રફી સાથે કામ કરી ચૂકેલા વાદ્યકારોની મુલાકાતોને પણ ડૉક્યુમેન્ટરીમાં આવરી લીધી છે.

રફીસા’બે સંગીતકાર લક્ષ્મીકાંત- પ્યારેલાલના સૌથી વધુ ગીતો ગાયા હોવાનું કહેવાય છે. પ્યારેલાલજીએ કહ્યું: ‘રફીએ ક્યારે ય કોઈની પાસેથી કંઈ લીધું નથી, માત્ર આપ્યું છે. એમના સૌથી મોટા ફેન અમે લક્ષ્મીકાંત- પ્યારેલાલ છીએ. એમના અન્ય ફેન મહેન્દ્ર કપૂર, મૂકેશ, કિશોરકુમાર, મન્ના ડે, હેમંત કુમાર- આ બધા જ એમના ફેન હતા.’ પ્યારેલાલજીને ‘ઓન રેકોર્ડ’ આ ડૉક્યુમેન્ટરીમાં કહેતા જોઈને લાગ્યું કે ગીત- સંગીતના ચાહકો- સામાન્ય લોકો એમના ચાહકો ન હોય એવું બની શકે ખરું? રફીસા’બ એક વખત વિદેશમાં શૉ કરવા જવાના હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે, ‘અમારી ફિલ્મોના ગીતોનું શું થશે?’ ત્યારે રફીએ તેમને રેકોર્ડિંગ રૂમની તારીખ લેવા કહ્યું અને તેમણે ૧૯ કલાકમાં લક્ષ્મી-પ્યારેના પાંચ ગીતોનું રેકોર્ડિંગ કરીને રેકોર્ડ કરી નાખ્યો હતો.

અમદાવાદમાં ઉમેશ મખીજા નામના રફીના એક ફેન છે. ૧૯૮૪ સુધી એ રફીના ભક્ત હતા, પછી ૧૯૯૯થી રીતસર પૂજારી થઈ ગયા. એમના ઘરમાં રફીની તસવીરો મૂકીને રીતસર પૂજા કરે છે.

કિશોરકુમાર એમને બહુ જ માનતા હતા. એમના દરેક શૉમાં એક ગીત રફીને યાદ કરીને અચૂક ગાતા. આ ગીત હતું ‘મન રે તુ કાહે ના ધીર ધરે… ઓ નિર્મોહી મોહ ના જાને…

એકવાર એક પ્રોગ્રામ વખતે ગ્રીનરૂમમાં કિશોકરુમાર અને રફી’સાબ બેઠા હતા. ફેન લોકોએ ઘૂસીને કિશોરદા પાસે ઓટોગ્રાફ માગ્યા ત્યારે કિશોરદાએ એમની લાક્ષણિક સ્ટાઈલમાં કહ્યું, ‘મુઝસે ક્યા ઓટોગ્રાફ માગતે હો ગધો, સંગીત તો યહાં હૈ…’

‘આરાધના’ ફિલ્મ પછી કિશોરદા છવાઈ ગયા. પ્રેસવાળાઓ રફીનો યુગ આથમી ગયો, રફી ફિનિશ્ડ એવું બધું લખવા માંડ્યા ત્યારે કિશોરદાએ પ્રેસમાં ખાસ સ્ટેટમેન્ટ આપીને કહ્યું હોવાનું રેકોર્ડ પર છે. ‘યે બકવાસ બંધ કરો, રફી ઈઝ એ ગ્રેટ સિંગર, બહોત બડે ઈન્સાન હૈ.’

ખરેખર રફીસા’બની ઈન્સાનિયત અને દોસ્તીની દાસ્તાન પણ ગજબની છે. નૌશાદના પુત્ર રાજુ નૌશાદે કરેલી આ વાતો વાંચો: ‘કટોકટી’ વખતે ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ કિશોર કુમારને શૉ કરવાનું કહ્યું. પ્રોફેશનલ કિશોર કુમારે પૈસા માગ્યા. આ વાતથી છંછેડાયેલા સંજય ગાંધીએ એમના ગીતો પર પ્રતિબંધ મુકાવી દીધો. કિશોક કુમાર પાસે ગીત ગવડાવતા સંગીતકારો ડરે. રફીસા’બથી આ સહેવાયું નહી. તેઓ દિલ્હી ગયા. સંજીય ગાંધીને મળ્યા અને ક્હ્યું: ‘આપકો એક ક્યા દસ પ્રોગ્રામ કર કે દેતા હું. આપ યે બૅન હટા લિજિયે.’ ત્યારબાદ પ્રતિબંધ હટી ગયો. રફીએ વચન આપ્યા મુજબ દૂરદર્શન પર નૌશાદની સાથે ‘આરોહી’ પ્રોગ્રામ કર્યો.

રફી’સાબ પૈસા માટે નહોતા ગાતા. નિર્માતા- દિગ્દર્શક એમની પાસે ઓછા પૈસામાં પણ ગવડાવતા. જિતેન્દ્રએ ‘દિદાર-એ- યાર’ ફિલ્મ બનાવી છે. ખર્ચાળ હતી અને ફલોપ ગઈ. જિતેન્દ્રએ એમને કિશોરદાએ જેટલા પૈસા લીધેલા એટલા પૈસા મોકલ્યા. જિતેન્દ્રને ફોન કરીને કહ્યું ‘તે વધુ પૈસા મોકલ્યા છે. ડ્રાઈવર સાથે બાકીના પૈસા પાછા મોકલું છું.’

ફિલ્મી ગીતોની રૉયલ્ટી વિશેના જાણીતા વિવાદને પણ ડૉક્યુમેન્ટરીમાં લેતા ખચકાટ અનુભવાયો નથી. લતા મંગેશકરને રૉયલ્ટી મળવી જોઈએ એ વાતનું અભિયાન છેડ્યું ત્યારે રફીસા’બે ઈનકાર કરેલો. એ મુદ્દે બંનેએ સાથે ગાવાનું બંધ કરી દીધું હતું, પણ રફીએ ક્યારેય લતા વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો નહતો. પીઠ પાછળ બૂરાઈ કરી નહોતી. લતાએ પણ એક વાત કબૂલી હતી કે રફી ક્યારેય કોઈની બૂરાઈ ન કરે.

રફીસા’બના ભાઈ સિદ્ધિકીએ કહ્યું હતું કે ‘રફીની તારીફ કરો તો કહે આ તો ઉપરવાલાની દેન છે. હું હજી શીખી રહ્યો છું.’

વિનમ્ર પણ બહુ જ. એકવાર પોતાના કોઈ કારણસર સંગીતકાર ચિત્રગુપ્તનું રેકોર્ડિંગ કેન્સલ થયું તો એમણે તમામ વાદ્યકારોની માફી માગેલી.

સંગીતકાર ઉત્તમસિંહ અને ગાયક ભૂપિન્દરસિંહ રફીની ખૂબ જ નિકટ હતા. રેકોર્ડિંગ વખતે ઉત્તમસિંહ અને ભૂપિન્દરસિંહને જુએ એટલે તરત જ માલપૂઆ, હલવો મગાવી લેતા અને ત્રણેય સાથે બેસીને જમતા.

ઉત્તમસિંહના શબ્દો હતા: ‘તમારી મૈયતમાં કેટલા આવે છે એના પરથી તમારી લોકપ્રિયતાની ખબર પડે. એમનો જનાજો કહી રહ્યો હતો કે રફીસા’બ કઈ હસ્તી હતી. વરસતા વરસાદ વચ્ચે લોકો એમને કાંધ આપવા પડાપડી કરતા હતા.’ ૩૧મી જુલાઈ કી વૉ રાતથી ફલક ભી રો પડા ઐસી વૉ રાતથી…’

એમની સાથે વરસોની દોસ્તી નિભાવનારા સંગીતકાર નૌશાદના આ શબ્દો હતા: ‘દુનિયા સે મૌશિકી કા પયગમ્બર ચલા ગયા… ગઝલ ગાયક ગુલામ અલી કહે છે: ‘સંગીતની ઊંચી ઈમારતનો એક સ્તંભ ધરાશાયી થયો.’

લતાજીના શબ્દોમાં કહીએ તો સંગીતનો એક યુગ આથમી ગયો.

સૌજન્ય …મુંબઈ સમાચાર 

=======================================

રફી સાબ …. જાવેદ અખ્તર 

Best Of Mohammad Rafi Hit Songs | Old Hindi Superhit Songs |

Evergreen Classic Songs

 

Mohammed Rafi… Bhajans | Hindi Devotional Songs | Audio Jukebox

તારીખ ૩૧ મી જુલાઈ ૧૯૮૦ ના રોજ મુંબઈ ખાતે હાર્ટ એટેક થી એમનું અવસાન થયું હતું.સ્વ. મહમદ રફીનું ગાયેલું છેલ્લું ગીત ફિલ્મ આસપાસ નું હતું .આ ગીતના બોલ હતા ..

”શામ ફિર કયું ઉદાસ હૈ દોસ્ત
તું કહી આસપાસ હૈ દોસ્ત ”

મહમદ રફી એમનાં ગાયેલાં એક એકથી ચડિયાતાં પુષ્કળ સુરીલાં ગીતોથી હજુ આજે પણ આપણી આસપાસમાં જ  હોય એમ નથી લાગતું !

 

2 responses to “1085 – મૌશિકી કા પયગમ્બર – મહમ્મદ રફી …. સ્મરણાંજલિ

  1. pragnaju ઓગસ્ટ 9, 2017 પર 3:38 એ એમ (AM)

    ”શામ ફિર કયું ઉદાસ હૈ દોસ્ત
    તું કહી આસપાસ હૈ દોસ્ત ”
    અનુભવાતું અમર ગીત

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.