વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1153 – મારે આંતરિક સમૃદ્ધિ જોઈએ છે……સ્વ. અવંતિકા ગુણવંત…શ્રધાંજલિ વાર્તા …મણકો ૪

   સ્વ.અવંતિકા ગુણવંત

(સ્વ.અવંતીકા ગુણવંત  …શ્રધાંજલિ … વાર્તા …. મણકો-૪ )

 

મારે આંતરિક સમૃદ્ધિ જોઈએ છે

આંગણની તુલસી – અવંતિકા ગુણવંત

આજથી દસ વરસ પહેલાં અમરને ઈમિગ્રન્ટ વિઝા મળ્યા ને એણે આનંદથી છલકાતા અવાજે કહ્યું, ‘મમ્મી, પપ્પા, મને ઈમિગ્રન્ટ વિઝા મળી ગયા. અમેરિકામાં કાયમ માટે વસવાની કાયદેસરની પરવાનગી મળી. હું અમેરિકન નાગરિક બનીને તમને બેઉને અમેરિકા બોલાવીશ.’

કિન્નરીરીબેન બોલ્યા, ‘બેટા, તારું સ્વપ્ન ફળ્યું. એનો અમને બહું આનંદ છે. તું સુખ સમૃદ્ધિ ભરી જિંદગી જીવીશ એ જોઈને અમે ખૂશ થઈશું.’

અમેરિકા વસવાનું અમરનું સ્વપ્નું હતું. એ ભણતો હતો ત્યારથી એ કહેતો હતો, ‘હું ભ્રષ્ટાચારથી ખદબદતા આ અપ્રમાણિક દેેશમાં રહેવાનો નથી. અહીં આપણી યોગ્યતા પ્રમાણે આપણને વિકાસની કોઈ તક મળે નહીં અને ભ્રમણામાં જીવે જાઓ. મારે તો ઊંચે ઊંચે અસીમ આકાશમાં ઊડવું છે. મારું ઘર તો દરિયાને પેલે પાર હશે.’

એ જે તકના સ્વપ્નાં જોતો હતો એ એને મળી એકાદ અઠવાડિયામાં ઊંડ્યો અમેરિકાના પંથે.

અમર અમેરિકા પહોંચ્યો એને સારી જોબ મળી અને એની મહેનત રંગ લાવી. એણે એક વૈભવી હાઉસ ખરીદ્યું. પોતાના મમ્મી-પપ્પાને બોલાવવાનાં એ સ્વપ્ન જોતો હતો. એને થતું મમ્મી-પપ્પા ખૂબ સાદાઈ અને કરકસરથી જીવ્યાં છે પણ હવે જરાય કરકસર નહીં બસ, પૈસા ખરચો જ ખરચો અને વૈભવથી જીવો. અમર આવાં સ્વપ્નાં જોતો હતો ત્યાં ભારતથી એના પપ્પા સંજયભાઈનો કોલ આવ્યો, ‘બેટા તારી મમ્મીને ઓપરેશન કરાવ્યું છે.’

‘મમ્મીને ઓપરેશન? કેમ ઓપરેશન? હું ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મમ્મી સાજીસમી હતી. પપ્પા હું ત્યાં આવું છું.’ અમરે ચિંતાભર્યા સૂરે કહ્યું.

‘હા, દીકરા તું આવી જા’ સંજયભાઈએ કહ્યું અમરને થયું દૃઢ મનોબળવાળા પપ્પા સામાન્ય ઓપરેશન હોય તો મને બોલાવે નહીં. જોબમાંથી રજા લઈને જવું મારા માટે સહેલું નથી. જોબ ખોવાનોય સમય આવે, છતાં પપ્પા મને બોલાવે છે એનો અર્થ કે મમ્મીને કોઈ ગંભીર માંદગી છે.

મેડિકલ વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે, છતાં મમ્મીના રોગનો કોઈ ઈલાજ નહીં હોય? અમર તરત ભારત આવ્યો. એણે જોયું કે મમ્મી સાવ ઢીલાં પડી ગયાં છે. એ ‘મમ્મી’ કહીને રડી પડ્યો.

કિન્નરીરીબેન એક ક્ષણ માટે ઢીલાં પડી ગયાં પણ પછી સ્વસ્થતાથી બોલ્યાં, ‘બેટા, તું તો મારો બહાદૂર દીકરો છે, મને તારે હિંમત આપવાની કે રડવાનું?’

‘પણ મમ્મી તને થયું છે શું?’

‘આંતરડાનું કેન્સર’ હળવાશથી કિન્નરીરીબેન બોલ્યાં. અમર ચમક્યો. મમ્મી કેવા સ્વાભાવિક સૂરમાં વાત કરે છે. મોતનો એને ડર જ નથી? અમરે ડોક્ટરને પૂછ્યું, ‘મારી મમ્મીને અમેરિકા લઈ જાઉં?’

ડોક્ટરે કહ્યું, ‘ભાઈ, આપણે ઘણા મોડાં છીએ. કેન્સર ફોર્થ સ્ટેઈજમાં છે, એમના જેટલા દિવસો બચ્યા છે એ શાંતિથી પસાર થાય એવું કરવાનું છે.

ડોક્ટરની વાત સાંભળીને અમર સ્તબ્ધ થઈ ગયો. ઓહ, મમ્મી પપ્પાનું જીવન હું કેવા સુખોથી ભરી દેવાના અરમાન સેવતો હતો ને આ શું થઈ ગયું? મમ્મીના દિવસો ગણાય છે, મહિનાઓ પણ નહીં. મમ્મી પલંગમાં બેઠી થઈ શકતી નથી, પછી બહાર જવાની વાત જ ક્યાં? મમ્મી કંઈ બોલતી નથી, જાણે એણે સંસારમાંથી મન જ વાળી લીધું છે. શરીરને પડતી કોઈ તકલીફની એ વાત નથી કરતી. આ ઘર, સંસાર બધું છોડીને જવાનું છે પણ એના ચહેરા પર કોઈ ઉદ્વેગ નથી. અમર આંસુના ઓધને હૈયામાં દાબીને પૂછે, ‘મમ્મી, તારી કોઈ ઈચ્છા…’

‘બેટા, મને અપરંપાર સુખ મળ્યું છે. તારા જેવો પ્રેમાળ દીકરો અને ભરપૂર સ્નેહ અને કાળજી કરનાર તારા પપ્પા મને મળ્યા છે, આનાથી વધારે માણસને શું જોઈએ? મારી કોઈ ઈચ્છા અધૂરી નથી.

‘મમ્મી, તું બહું સંતોષી છે, તું પપ્પાની ચિંતા ન કરતી’ એમને હું સાચવીશ.’

‘બેટા તારા પપ્પાની મને જરાય ચિંતા નથી અને તું ય એમની કાળજી લે જે, પણ ચિંતા ન કરતો. તારી રજાઓ પૂરી થાય એટલે તું તારે અમેરિકા પહોંચી જા. તું અહીં આવ્યો, તારું મોં જોયું, મને સંતોષ થઈ ગયો.

‘મમ્મી હવે હું અમેરિકા નથી જવાનો’ હું અહીં જ રહેવાનો છું.’

‘બેટા, અમેરિકા તો તારા સ્વપ્નોનો દેશ છે અને ત્યાં નથી જવાનો?’

‘મમ્મી, હું અહીં રહીશ ને તારી ચાકરી કરીશ’ કિન્નરીબહેન કશું બોલ્યાં નહીં, હસ્યાં. બરાબર ત્રીજા દિવસે એ અવસાન પામ્યાં. અઠવાડિયા પછી સંજયભાઈએ અમરને કહ્યું, ‘બેટા તું જા.’

અમરે પૂછ્યું, ‘તમને એકલા છોડીને?’

‘બેટા હું એકલો નથી કે દુ:ખી નથી.’ બેટા, જો આ કબાટ, પુસ્તકોનું કબાટ. પુસ્તકોએ કદી મને એકલો નથી છોડ્યો. કદી દુ:ખમાં નથી સબડવા દીધો. બેટા જ્ઞાનીને કોઈ દુ:ખ ન હોય. જીવનમાં જે બને એ તટસ્થભાવે જોવાનું ક્યાંય આસક્તિ નહીં રાખવાની. તારી મમ્મી વગર મને ગમશે નહીં, પણ મોત આપણા હાથમાં નથી. જીવનમાં દરેક પ્રકારના આઘાત માટે તૈયારી રાખવાની.’

‘પપ્પા મારે અમેરિકા નથી જવું. પહેલાં મને એવું થતું હતું કે ખૂબ પૈસા કમાઈએ, બધી આધુનિક સગવડો હોય તો સુખી થવાય. પણ પપ્પા, પૈસા જેમ કમાઈએ એમ વધારેનો લોભ લાગે. અહીં આવ્યા પછી મેં તમને અને મમ્મીને જોયાં અને થયું સુખી થવું હોય તો આંતરિક સમૃદ્ધિ જોઈએ. અને એ સમૃદ્ધિ તમારી પાસે છે. હું તો અંદરથી ખાલી છું. હું અહીં જ રહીશ.”

  • અવંતિકા ગુણવંત… આંગણની તુલસી 

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.